- કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સૂર ધીમે ધીમે બદલાઇ રહ્યા છે. ટ્રુડોએ હવે ભારત સાથે સારા સંબંધો ઇચ્છતા હોવાની વાતો ચાલુ કરી છે. જસ્ટિન ટ્રુડોએ ખૂબ પ્રયાસો કર્યા પણ અમેરિકા સહિત કોઇ દેશે તેને સાથ આપ્યો નથી!
- આપણી સરકારે કેનેડાના એકતાલીસ ડિપ્લોમેટસને એક અઠવાડિયામાં ભારત છોડી દેવાનું અલ્ટિમેટમ આપ્યું છે. કેનેડા સામે ભારત વધુને વધુ સખત થઇ રહ્યું છે. ખાલિસ્તાનીઓ સામે પગલાં નહીં ભરે ત્યાં સુધી મોદી માને એવું લાગતું નથી!
જ્ઞાની લોકો કહી ગયા છે કે, જે માણસ પોતાની વાણી અને વર્તનમાં ધ્યાન નથી રાખતો એ પસ્તાતો હોય છે. બોલવામાં બેદરકાર રહીએ તો બરબાદ થવાની નોબત આવે છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો લાંબું વિચાર્યા વગર ભારત વિશે એલફેલ બોલી ગયા અને વાત વિવાદે ચડી ગઇ. આપણા દેશે કેનેડાની સામે જે સખત સ્ટેન્ડ લીધું છે એ જોઇને માત્ર કેનેડા જ નહીં, આખી દુનિયાના દેશો અચંબિત છે. ભારતના વર્તનથી સમગ્ર વિશ્વમાં એ મેસેજ પણ ગયો છે કે, ભારત હવે કોઇની ખોટી વાત સાંખી લેતું નથી. આપણો દેશ ઘણા સમયથી કહી રહ્યો હતો કે, તમારે ત્યાં જે લોકો ભારત વિરોધી પ્રવૃતિઓ કરી રહ્યા છે એને નાથો. કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ કોઇ વાત માની નહોતી. જસ્ટિન ટ્રુડોએ પોતાના દેશમાં તો પોપ્યુલારિટી ગુમાવી જ છે, દુનિયામાં પણ તેના પર માછલા ધોવાઇ રહ્યા છે. બાંગ્લાદેશે કહ્યું કે, કેનેડા આતંકવાદીનું આશ્રયસ્થાન છે. જસ્ટિન ટ્રુડો પર તો હવે બીજા આક્ષેપો પણ થવા લાગ્યા છે. ટ્વિટરના માલિક ઇલોન મસ્કે કહ્યું કે, ટ્રુડો પોતાના દેશના લોકોના વાણી સ્વાતંત્ર્ય પર તરાપ મારી રહ્યા છે. હવે જ્યારે ટ્રુડો ચારેય તરફથી ઘેરાઇ ગયા છે ત્યારે તેણે ભારત સાથે સારા સંબંધોની વાતો ચાલુ કરી છે. બરાબર એ જ સમયે આપણા દેશે કેનેડાના એકતાલીસ ડિપ્લોમેટ્સને એક અઠવાડિયાની અંદર ભારત છોડી દેવાનું અલ્ટિમેટમ આપ્યું છે. તેની સાથોસાથ સ્પષ્ટ શબ્દોમાં એવું પણ કહ્યું છે કે, જો નિશ્ચિત સમયમાં દેશ નથી છોડ્યો તો તેમને ડિપ્લોમેટ તરીકે જે અધિકારો મળેલા છે એ પણ ખતમ થઇ જશે! ભારતે આકરા શબ્દો વાપર્યા છે એ ભારતની નારાજગી જ બતાવે છે!
કેનેડાના 62 ડિપ્લોમેટ્સ ભારતમાં છે. ભારતમાં આટલા ડિપ્લોમેટ્સ બહુ ઓછા દેશના છે. હવે 62માંથી 41ને પાછા બોલાવી લેવાનું આપણા દેશે કહ્યું છે. એ પછી કેનેડાના માત્ર 21 ડિપ્લોમેટ્સ જ ભારતમાં રહેશે. ડિપ્લોમેટ્સ ઘટી જતા ભારતમાં કેનેડાનું કામ મર્યાદિત થઇ જશે. આપણે તો જે કરવાનું હતું એ કરી દીધું, હવે કેનેડા શું કરે છે એ પણ જોવાનું છે. આમ તો જસ્ટિન ટ્રુડો નરમ દેખાઇ રહ્યા છે પણ ભારતના આ પગલાં પછી તેઓ જીદે ચડે એવું પણ બનવાજોગ છે. કેનેડાએ આ મુદ્દે પ્રાઇવેટ ડિપ્લોમેટિક ટોક કરવાના ઇશારા આપ્યા છે. અમેરિકાએ કહ્યું કે, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને એવું પણ ઇચ્છી રહ્યા છીએ કે, જે વિવાદો વધે નહીં અને જે છે એના વહેલી તકે ઉકેલ આવે. પોતાના બે મિત્રો વચ્ચે સંઘર્ષ હોય એ અમેરિકાને પસંદ ન પડે એ સમજી શકાય એવી વાત છે.
કેનેડાની આર્થિક સ્થિતિ બહુ સારી નથી. ભારત સાથે કેનેડા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાનું હતું પણ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ વાત અટકાવી દીધી. કેનેડાના આર્થિક નિષ્ણાતો તેને ટ્રુડોની સૌથી મોટી ભુલ કહે છે. ભારત વિશ્વની પાંચમા નંબરની સૌથી મોટી ઇકોનોમી છે. હજુ જે અનુમાનો બાંધવામાં આવે છે એ એવું જ કહે છે કે, આગામી થોડા વર્ષોમાં ભારત જાપાન અને જર્મનીને પણ પાછળ રાખીને અમેરિકા અને ચીન પછી ત્રીજા નબંરની ઇકોનોમી બનવાનું છે. અમેરિકા ભારત સાથે વેપાર વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. બ્રિટન પણ ભારત સાથે મુક્ત વેપાર સમજૂતી તરફ આગળ વધી રહ્યું છે. કેનેડા પર મંદીના વાદળો છવાઇ રહ્યા છે ત્યારે કેનેડાએ તો બીજું બધું છોડીને ભારત સાથે સંબંધો વધારવા જોઇએ એવું ત્યાંના જ એક્સપર્ટસ કહી રહ્યા છે. રોઇટર્સનો લેટેસ્ટ રિપોર્ટ એવું કહે છે કે, કેનેડાનું મુખ્ય આર્થિક કેન્દ્ર ટોરંટો સ્ટોક એક્સચેન્જ ડાઉન જઇ રહ્યો છે. કેનેડા અત્યારે વિશ્વની દસમા નંબરની ઇકોનોમી છે. અત્યારે જે સ્થિતિ છે એવી જ રહી તો કેનેડા ટોપ ટેનમાંથી બહાર નીકળી જશે.
જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલે જે કર્યું એના કારણે પણ સવાલો ઉઠી રહ્યા છે. ભારત તો પોતાના દેશમાં ખાલિસ્તાન આતંકવાદ સામે લડી લેશે પણ કેનેડાની સુરક્ષાનું શું થશે? કેનેડામાં ખાલિસ્તાનીઓ માથું ઊંચકી રહ્યા છે. એ જસ્ટિન ટ્રુડોને જ નડવાનું છે. કેનેડાની સુરક્ષા એજન્સીઓને એ વાતનું ટેન્શન છે કે, જો કેનેડામાં આતંકવાદની કોઇ મોટી ઘટના બની તો હાલત ખરાબ થઇ જશે. ભારત સાથેના સંબંધો સાવ વણસી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે પડોશીઓ સહિત દુનિયાના તમામ દેશો સાથે સારા સંબંધની વાત કરી હતી. પાકિસ્તાન સાથે પણ પહેલા સારું જ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચાલીને ઓચિંતા જ પાકિસ્તાનની મુલાકાત ગયા હતા અને એ વખતના વડાપ્રધાન નવાઝ શરીફને મળ્યા હતા. પુલવામામાં આપણા સુરક્ષા જવાનો પર હુમલો થયો એ સાથે જ ઇનફ ઇઝ ઇનફ ગણીને ભારત પાકિસ્તાન સામે આકરે પાણીએ થયું. ચીન સાથે પણ ભારતને ખૂબ સારા સંબંધો હતા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લા દિલે આવકાર્યા હતા. ભારત અને ચીનના સંબંધો ઐતિહાસિક સ્તરે લઇ જવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. ચીને લદાખ બોર્ડર પર બદમાથી કરી. લદાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના જવાનો વચ્ચે હિંસક અથડામણ થઇ એ પછી ભારત ચીન સાથે પણ એની જ ભાષામાં વાત કરવા લાગ્યું. હવે કેનેડાનો વારો છે. જે રીતે બધું થઇ રહ્યું છે એનાથી એવું જ લાગી રહ્યું છે કે, હવે ભારત છેક સુધી લડી લેવાના મૂડમાં છે. જે થવું હોય એ થાય પણ બદમાશી તો ન જ ચાલે.
ભારત હવે ત્યારે જ માને એવું લાગે છે જ્યારે કેનેડા ખાલિસ્તાનીઓ સામે સતર્ક થાય. કેનેડા માત્ર વાતો કરશે એ પણ નહીં ચાલે. કેનેડાની સરકારે ખાલિસ્તાનીઓ સામે ઉડીને આંખે વળગે એવા પગલાંઓ ભરવા પડશે. અમેરિકા બંને દેશ ભારત અને કેનેડા વચ્ચે બેલેન્સ રાખી રહ્યું છે. અમેરિકા અને કેનેડા સાથી દેશો છે અને એક-બીજાને અડીને આવેલા છે. અમેરિકાને બેમાંથી એકેયને નારજ કરવા પરવડે તેમ નથી. અંદરખાને અમેરિકા એવું ઇચ્છે છે કે, ભારત અને કેનેડા વિચ્ચે જે વિવાદ વકર્યો છે એ વહેલી તકે શાંત થાય. અમેરિકા સુપર પાવર છે એમાં ના નહીં પણ એક હદથી વધુ ભારત અમેરિકાને પણ ગણકારતું નથી. કેનેડા સાથેના તમામ ઘટનાક્રમ વિશે વિશ્વના કેટલાંક નિષ્ણાતોએ જે વાત કહી રહ્યા છે એ વિચારવા જેવી છે. તેઓ કહે છે કે, આ માત્ર ભારત અને કેનેડાનો જ ઇશ્યૂ નથી, ભારત આવું કરીને આખી દુનિયાના દેશોને એવું જણાવી રહ્યું છે કે, અમારી સાથે આડોડાઇ કરવાનું પરિણામ સારું નહીં આવે. ભારત સાથે રમત રમી તો ભારત પણ જડબાતોડ જવાબ આપશે. ભારતે કૂટનીતિ વાપરીને દુનિયામાં પોતાની ક્ષમતાનો પરિચય આપી રહ્યું છે!