• ભારતના મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ અને માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમને પાકિસ્તાનમાં ઝેર અપાયું હોવાના ખબરે હલચલ મચાવી છે. આ અગાઉ પણ દાઉદના મોતની અફવાઓ અનેકવાર ઉડી છે. શું સાચું અને શું ખોટું એ વિશે તર્કવિતર્કો થઇ રહ્યા છે!
  • દાઉદ પાકિસ્તાનમાં છે એ આખી દુનિયા જાણે છે પણ પાકિસ્તાન સતત ઇનકાર કરતું રહે છે. પાકિસ્તાન તો ઓસામા-બિન-લાદેન વિશે પણ એવું જ કહેતું હતું. પાકિસ્તાને દાઉદને બહુ છાવર્યો છે. ભારતના ઘણા દુશ્મનોને પાકિસ્તાને પનાહ આપેલી છે

આપણા દેશના મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ અને માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમને પાકિસ્તાનના શહેર કરાચીમાં ઝેર અપાયાના સમાચારે જબરજસ્ત હલચલ મચાવી છે. વાતો તો ત્યાં સુધીની ચાલે છે કે, દાઉદ ઇબ્રાહિમને કરાચીની મુમતાઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દાઉદની હાલત ગંભીર છે. કોઇ તો વળી એવું પણ કહે છે કે, દાઉદ મરી ગયો છે. હોસ્પિટલના એક માળ પર એકલા દાઉદને જ રખાયો છે. હોસ્પિટલ ફરતે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પાકિસ્તાનમાં ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા સમાચારોના કારણે સર્વર ડાઉન થઇ ગયું છે. દાઉદ ઇબ્રાહિમના વેવાઇ અને ભૂતપૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદને પણ એના ઘરમાં નજરકેદ કરી લેવાયા છે. શું સાચું અને શું ખોટું એ વિશે પાકિસ્તાનના સત્તાવાળાઓ મગનું નામ મરી પાડતા નથી. પાકિસ્તાન તો પહેલેથી એવું કહેતું આવ્યું છે કે, દાઉદ ઇબ્રાહિમ અમારે ત્યાં નથી. આપણા દેશે પાકિસ્તાનની સરકારને આધાર, પુરાવા, સરનામા અને વિગતો સાથેનું ડોઝિયર આપીને કહ્યું છે કે, દાઉદ ઇબ્રાહિમને તમે જ સંઘરી રાખ્યો છે. દાઉદને ઝેર અપાયું હોવાની વાત સાથે એ પણ ચર્ચા ચાલી છે કે, જો આ વાત સાચી હોય તો દાઉદને ઝેર આપ્યું કોણે? દુનિયાના કોઇપણ દેશમાં આજકાલ ભારતના કોઇ દુશ્મન ટેરરિસ્ટ કે માફિયાની હત્યા થાય છે ત્યારે ભારત તરફ આંગળી ચિંધવામાં આવે છે. કેનેડામાં ખાલિસ્તાની આંતકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે કેનેડાની સરકાર ભારતને જવાબદાર ગણાવે છે. અમેરિકામાં બેસીને ખાલિસ્તાન આંતકવાદને વકરાવવાના પ્રયાસો કરનાર શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંતસિંહ પન્નુની હત્યા કરવાના ષડયંત્રમાં પણ ભારતનું નામ ઉછાળવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં છેલ્લા થોડા સમયમાં ભારતના ઘણા દુશ્મનો ભેદી રીતે માર્યા ગયા છે. આજે જ પાકિસ્તાનમાં લશ્કર-એ-તોઇબાના આતંકવાદી અને મુંબઇ ટેરરિસ્ટ એટેકના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદના નજીકના સાથીદાર હબીબુલ્લાહને અજાણ્યા હુમલાખોરોએ ઠાર માર્યો હોવાના સમાચારો બહાર આવ્યા છે.

દાઉદ ઇબ્રાહિમ 67 વર્ષનો છે. દાઉદ કીડનીની ગંભીર બીમારીથી પીડાઇ રહ્યો છે. દાઉદના મોતની અફવાઓ અગાઉ અનેકવાર ઉડી છે. દાઉદ ઇબ્રાહિમનું માફિયા નેટવર્ક આજની તારીખે મુંબઇમાં એક્ટિવ છે. પાકિસ્તાનમાં બેઠાં બેઠાં પણ દાઉદ મુંબઇમાં પોતાનું ધાર્યું કરતો હોવાની વાતો ચાલતી રહી છે. દાઉદનો જન્મ તારીખ 26મી ડિસેમ્બર, 1955ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના ખેડમાં થયો હતો. દાઉદના જન્મ બાદ એનો પરિવાર મુંબઇ આવી ગયો હતો. દાઉદના પિતા ઇબ્રાહિમ કાસકર પોલીસ કોન્સટેબલ હતા. દાઉદ પહેલેથી ઊંધા ધંધા જ કરતો હતો. નાનો હતો ત્યારે જ દાઉદ હાજી મસ્તાનની ગેંગમાં જોડાયો હતો. ધીમે ધીમે એણે પોતાની ગેંગ બનાવી લીધી હતી. દાઉદ જ્યાં સુધી ગુનાખોરીની દુનિયામાં હતો ત્યાં સુધી તો તેના કારનામા ખૂબ ગાજતા હતા. ડ્રગ્સ અને સોનાની દાણચોરી, બિલ્ડરો તથા કલાકારો પાસેથી ખંડણી ઉઘરાવવા સહિતના કરતૂતોમાં દાઉદ અને તેની ગેંગની ધાક હતી. મુંબઇ પોલીસના કેટલાંક અધિકારીઓ પણ દાઉદના ઇશારે કામ કરતા હોવાની વાતો બહાર આવી હતી. પોલીસની મદદથી દાઉદ પોતાની હરીફ ગેંગના માથાઓને મરાવી નાખતો હતો.

ગુનાખોરીમાં માથું કાઢનાર દાઉદ આતંકવાદના રવાડે ચડ્યો અને સુરક્ષા એજન્સીઓની આંખે ચડી ગયો હતો. તારીખ 12મી માર્ચ, 1993ના રોજ મુંબઇમાં અલગ અલગ 12 સ્થળોએ સીરિયલ બોંબ બ્લાસ્ટ થયા હતા. આ બોંબ બ્લાસ્ટ્સમાં 257 લોકોના મોત થયા હતા અને 1400થી વધુ લોકો ઘવાયા હતા. આ બોંબ ધડાકાઓ દાઉદ ઇબ્રાહિમના ઇશારે થયા હતા. દાઉદના માણસોએ જ બોંબ પ્લાન્ટ કર્યા હતા. આ ઘટના સાથે જ દાઉદ ભારત છોડીને ચાલ્યો ગયો હતો. દાઉદને પાકિસ્તાને પનાહ આપી હતી. આ દરમિયાનમાં દાઉદ દુબઇ અને બીજા દેશોમાંથી પણ પોતાનું નેટવર્ક ચલાવતો હતો. ભારત અને દુબઇના સંબંધો સારા થયા બાદ દાઉદને એવો ભય લાગ્યો હતો કે, દુબઇ પોલીસ તેને પકડીને ભારતને હવાલે કરી દેશે. આખરે દાઉદ પાકિસ્તાન ચાલ્યો ગયો હતો. દાઉદ ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ પણ ઘોષિત થયેલો છે. થોડા વર્ષ અગાઉ આપણી સરકારે દાઉદ વિશેની વિગતો પણ જાહેર કરી હતી. દાઉદ કરાચીમાં રહે છે અને તેનું પૂરું સરનામું ડી-13, બ્લોક-4, કરાચી ડેવલપમેન્ટ સ્કીમ નંબર 5, ક્લિફટન, કરાચી છે. દાઉદના બીજા સરનામા પણ છે. દાઉદ રહેવાના સ્થળો બદલાવતો રહે છે. પાકિસ્તાનની સેના અને જાસૂસી સંસ્થા આઇએસઆઇ દાઉદના રક્ષણનું કામ સંભાળે છે. દાઉદ જુદા જુદા બાર નામોથી પોતાના ધંધા ચલાવે છે. દાઉદ ઇબ્રાહિમ 43,550 કરોડની સંપત્તિ ધરાવે છે. દાઉદના દીકરી માહરૂખના નિકાહ 2006માં પાકિસ્તાનના ક્રિકેટર જાવેદ મિયાંદાદના દીકરા જુનેદ સાથે થયા છે. દાઉદના ભાઇ, બહેનના પરિવારના અનેક સભ્યો મુંબઇમાં જ રહે છે.

દાઉદ પર આપણા દેશમાં કંપની, બ્લેક ફ્રાઇડે, શૂટઆઇટ એટ લોખંડવાલા, ડી-ડે, વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઇ સહિત અનેક ફિલ્મો. વેબસીરિઝ અને ડોક્યુમેન્ટરી બની છે. પાકિસ્તાનના કારણે દાઉદ ઇબ્રાહિમ બચી ગયો છે. દેશની સરકાર જ જ્યારે રક્ષણ કરતી હોય ત્યારે કોઇપણ માફિયા ટકી રહે છે. દાઉદ જ નહીં, દાઉદની આખેઆખી ગેંગના સભ્યોને પાકિસ્તાનની સરકાર મદદ કરે છે. દાઉદની ગેંગ પાકિસ્તાન સ્પોન્સર્ડ હોવાનું જ કહેવાય છે. પાકિસ્તાન દાઉદ ગેંગને મદદ કરે છે તેના ઘણા ઉદાહરણો પણ છે. વર્ષ 2000માં દાઉદની ગેંગના કટ્ટર દુશ્મન અને માફિયા ડોન છોટા રાજન પર થાઇલેન્ડમાં જીવલેણ હુમલો થયો હતો. આ હુમલો દાઉદ અને છોટા શકીલના શાર્પ શૂટર મુદસ્સર હુસેન સૈયદ ઉર્ફે મુન્ના જિંગાડાએ કર્યો હતો. થાઇલેન્ડ પોલીસે મુન્ના જિંગાડાને પકડી લીધો હતો. થાઇલેન્ડની અદાલતે મુન્નાને દસ વર્ષની સજા ફટકારી હતી. 2012માં મુન્નાની સજા પૂરી થઇ ત્યારે આપણા દેશે થાઇલેન્ડને એવી વિનંતી કરી હતી કે, મુન્નો ભારતનો ગુનેગાર છે, મુન્નાને અમને સોંપી દો. થાઇલેન્ડની સરકારે મુન્નાના ભારત પ્રત્યાર્પણની મંજૂરી પણ આપી દીધી હતી. મુન્નાને ભારતને સોંપવામાં આવે એ પહેલા જ પાકિસ્તાનની સરકારે થાઇલેન્ડની સરકારને એવું કહ્યું હતું કે, મુન્નો પાકિસ્તાનનો નાગરિક છે, તમે તેને ભારતને સોંપી ન શકો. મુન્નાને પાકિસ્તાનને હવાલે કરી દો. પાકિસ્તાન મુન્નાને થાઇલેન્ડથી છોડાવી ગયું હતું. છોટા શકીલનો નાનો ભાઇ અનવર શેખ તેના પાકિસ્તાની મિત્ર ફહીમ સાથે અબુ ધાબીના એરપોર્ટ પરથી પકડાયો હતો. તેની પાસેથી સફેદ પાઉડર મળી આવ્યો હતો. એ ડ્રગ્સ હતું. યુએઇ પોલીસ કંઇ કરે એ પહેલા જ પાકિસ્તાનની સરકારે પોતાની વગ વાપરીને બંનેને છોડાવી લીધા હતા. આવા તો બીજા ઘણા ઉદાહરણો છે. ભારતે જ નહીં, અમેરિકા સહિત અનેક દેશોએ એ વાત કહી છે કે, દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે. દાઉદને ઝેર અપાયું છે કે દાઉદ મરી ગયો છે એ વાતોમાં જે સાચું હોય એ વહેલું કે મોડું બહાર આવવાનું જ છે. પાકિસ્તાન બધું છુપાવી રહ્યું છે એનું કારણ એ છે કે, પાકિસ્તાનને પોતાનું પાપ છતું થઇ જવાનો ભય સતાવી રહ્યો છે!

  • Follow us on: