- રશિયા અને યૂક્રેનના યુદ્ધને વીસ મહિના થયા છે. આ યુદ્ધ વિશે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિને હમણાં કહ્યું કે, યૂક્રેનને મળતી મદદ હવે ઘટી ગઇ છે, યૂક્રેન યુદ્ધ હારી રહ્યું છે. પુટિને ઉમેર્યું કે, અમારા ઉદ્દેશો પૂરા નહીં થાય ત્યાં સુધી યુદ્ધ રોકાશે નહીં
- ઇઝરાયેલ અને હમાસના યુદ્ધના કારણે દુનિયાનું ધ્યાન યૂક્રેન પરથી હટી રહ્યું છે. યૂક્રેને યરોપિયન યુનિયનનું સભ્ય બનવા મથામણ શરૂ કરી છે. જો કે ત્યાં પણ યૂક્રેનને અનેક ચેલેન્જિસનો સામનો કરવો પડે એમ છે. યૂક્રેન કેટલી ઝીંક ઝીલશે?
યુદ્ધ જ્યારે લડાય છે ત્યારે વાસ્તવિક જંગની સાથે એક માનસિક દ્વંદ્વ પણ લડાતું હોય છે. વિરોધીઓ અને હરીફો જાતજાતના કડક અને સખત શબ્દો વાપરીને એક બીજાનું મોરલ ડાઉન કરવાનો પ્રયાસ કરતા રહે છે. વીસ મહિનાથી ચાલતા રશિયા અને યૂક્રેનના યુદ્ધમાં બંને દેશના વડાઓએ એક-બીજા સામે શાબ્દિક હુમલાઓ કરવામાં પણ કંઇ બાકી રાખ્યું નથી. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિને હમણાં કહ્યું કે, યૂક્રેનને અમેરિકા અને બીજા દેશોની મદદ મળતી હતી તે હવે ઓલમોસ્ટ બંધ થઇ છે. યૂક્રેનનું કાઉન્ટર ઓફેન્સિવ ફેઇલ થઇ રહ્યું છે. યૂક્રેન બીજાએ ફેંકેલા ટૂકડાઓ પર નભી રહ્યું છે. યુદ્ધમાં રશિયાનો હાથ અત્યારે ઉપર છે. પુટિને એમ પણ કહ્યું કે, જ્યાં સુધી અમે નક્કી કરેલા ઉદ્દેશો પૂરા નહીં થાય ત્યાં સુધી અમે આ યુદ્ધ ખતમ કરવાના નથી. પુટિને એમ પણ કહ્યું કે, હવે યૂક્રેન લાંબું લડી શકે એમ નથી. પુટિનની આ વાત પછી દુનિયામાં એવી ચર્ચા શરૂ થઇ છે કે, શું ખરેખર યૂક્રેન યુદ્ધ હારી રહ્યું છે? એ વાત તો આખી દુનિયા જાણે છે કે, ઇઝરાયેલ અને હમાસના યુદ્ધના કારણે સમગ્ર વિશ્વનું ધ્યાન અત્યારે રશિયા યૂક્રેન યુદ્ધ પરથી હટીને નવા યુદ્ધ તરફ ફંટાઇ ગયું છે. ઇઝરાયેલ અને હમાસના યુદ્ધથી રશિયાને સૌથી મોટો ફાયદો એ થયો છે કે, અમેરિકા સહિત જે દેશો યૂક્રેનને મદદ કરતા હતા એણે કાં તો યૂક્રેનને મદદ કરવાનું બંધ કર્યું છે અને કાં તો ઘટાડી નાખ્યું છે. રશિયાનું યૂક્રેન સાથેનું યુદ્ધ હોય કે પછી ઇઝરાયેલ અને હમાસનું યુદ્ધ હોય, રશિયન પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન કહે છે કે, જે કંઇ થઇ રહ્યું છે એ અમેરિકાના કારણે થઇ રહ્યું છે.
રશિયા વિશે એક વાતો એવી ચાલી રહી છે કે, રશિયા પાસે યુદ્ધ લડવા માટે સૌનિકો જ નથી. રશિયાના યુવાનો સેનામાં જોડાવવા તૈયાર નથી. રશિયાએ જેલમાં બંધ કેદીઓને મુક્ત કરવાની લાલચ આપીને સેનામાં સામેલ કર્યા છે. પુટિને બીજા દેશો પાસેથી પણ સૈનિકો મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. પુટિને સૈનિકો વિશે એવી વાત કરી કે, અત્યારે યૂક્રેન સાથેના યુદ્ધમાં છ લાખ સત્તર હજાર સૈનિકો જોડાયેલા છે. ત્રણ લાખ જવાનોને સેનામાં ભરતી કરવા બોલાવાયા હતા. ચાર લાખથી વધુ સૈનિકો સામેથી સેનામાં જોડાવવા તૈયાર થયા હતા. હજુ બીજા જવાનો પણ સેનામાં જોડાઇ રહ્યા છે. પુટિન આવી વાત કરીને એ વાતને ખોટી સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, રશિયા પાસે લડવા માટે સૈનિકો નથી. પુટિને સેનામાં કેટલા જવાનો છે એ પુટિને કહ્યું પણ યુદ્ધમાં કેટલા સૈનિકો માર્યા ગયા છે એ વિશે મગનું નામ મરી ન પાડ્યું. જે અંદાજ બાંધવામાં આવે છે એ એવો છે કે, આ યુદ્ધમાં રશિયાએ ત્રણ લાખથી વધુ જવાનો ગુમાવ્યા છે.
રશિયામાં ટેલિવિઝન ચેનલ પર દર વર્ષે હોટલાઇન નામનો એક કાર્યક્રમ યોજાય છે. રશિયાના પ્રેસિડેન્ટ પુટિન આ કાર્યક્રમમાં પત્રકારો અને લોકોના સવાલોના જવાબ આપે છે. આ વખતે વીસ લાખથી વધુ લોકોએ પુટિનને સવાલ પૂછ્યા હતા. લોકોના સવાલોમાંથી ચુનંદા પ્રશ્નોનો પુટિને જવાબ આપ્યો હતો. પુટિને એ વાત પણ સ્વીકારી હતી કે, યુદ્ધમાં જે ધારણાઓ હતી એમાંથી ઘણી ખોટી પડી છે. અર્થતંત્રને અસર થઇ છે, મોંઘવારી વધી છે. આ બધી વાતના સ્વીકાર સાથે પુટિને લોકોને ખાત્રી પણ આપી કે, સૌ સારાવાના થઇ જશે. રશિયા પર અમેરિકાએ દુનિયાભરના પ્રતિબંધો લાદ્યા છે. એ વાતથી ઇનકાર ન થઇ શકે કે, આટલા પ્રતિબંધો હોવા છતાંયે રશિયા ટકી રહ્યું છે. રશિયાને ચીન, ભારત અને બીજા કેટલાંક દેશોનો સાથ છે એટલે રશિયાને વાંધો આવ્યો નથી. યૂક્રેન હવે કેટલી ટક્કર ઝીલી શકશે એ સૌથી મોટો સવાલ છે.
યૂક્રેનમાં અત્યારે કંઇ જ ઉત્પાદન થતું નથી. યૂક્રેન બહારથી મળતી મદદ પર જ નિર્ભર છે. નાટોમાં જોડાવવાની યૂક્રેનની જીદના કારણે રશિયાએ તેની સાથે યુદ્ધ છેડી દીધું હતું. નાટોએ યૂક્રેનને સામેલ કર્યું નથી પણ હવે યૂક્રેને યુરોપિયન યુનિયનના સભ્ય બનવા માટે નવેસરથી પ્રયાસો આદર્યા છે. યુરોપિયન યુનિયનના કેટલાંક સભ્યો એવું ઇચ્છતા નથી કે, યૂક્રેન યુરોપિયન યુનિયનનું સભ્ય બને. હંગેરી યૂક્રેનને યુરોપિયન યુનિયનમાં સામેલ થવા દેશે કે કેમ એ સવાલ છે. યૂક્રેનના અસ્તિત્ત્વનો મુખ્ય આધાર હવે અમેરિકા છે. અમેરિકા પણ યૂક્રેનને આખરે કેટલી મદદ કરી શકશે?
અમેરિકાની હાલત દિવસે ને દિવસે વધુને વધુ ખરાબ થઇ રહી છે. અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેન પર પોતાના જ દેશમાં યૂક્રેનને મદદ કરવાનું બંધ કરવાનું દબાણ વધી રહ્યું છે. અમેરિકાના આર્થિક નિષ્ણાતો બાઇડેન સરકારને કહે છે કે, હવે બીજાની ચિંતા છોડીને આપણા દેશની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રીત કરો. અમેરિકા પર મંદીના વાદળો છવાયેલા છે. અમેરિકા અત્યારે ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં પણ બરાબરનું ફસાયેલું છે. મુસ્લિમ દેશો અમેરિકા પર પ્રેશર વધારી રહ્યા છે કે, ઇઝરાયેલને હુમલાઓ બંધ કરવાનું કહો. અમેરિકા કહે છે પણ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ તેની વાત માનતા નથી. ઇરાન, તૂર્કિયે અને બીજા મુસ્લિમ દેશો ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં ઝંપલાવે એવી શક્યતાઓ સતત વધી રહી છે. અમેરિકામાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે. જો બાઇડેનની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકાના લોકો બાઇડેનના નિર્ણયોથી નારાજ છે.
અમેરિકાને ચીનની પણ ચિંતા છે. ચીન અત્યારે એક હદથી વધુ કંઇ બોલતું નથી. ચીન એવું વિચારે છે કે, અમેરિકા પોતાના ભાર નીચે જ દબાઇ રહ્યું છે ત્યારે આપણે વધુ કંઇ કરવાની જરૂર નથી. ચીન અને રશિયા સાથે મળીને અમેરિકાની હાલત વધુ કફોડી થાય એવા પ્રયાસો કરી રહ્યા છે. વર્ષ 2024નું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે. દુનિયાના મીડિયામાં એની ચર્ચા છે કે, 2023નું વર્ષ કેવું રહ્યું? તેમાં સૌથી મોખરે એ જ વાત છે કે, રશિયા અને યૂક્રેનનું એક યુદ્ધ ચાલતું હતું અને ઇઝરાયેલ અને હમાસનું બીજું યુદ્ધ શરૂ થઇ ગયું. અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે પણ થોડા સમય અગાઉ એક નાનકડું યુદ્ધ ખેલાઇ ગયું. ઓવરઓલ જોઇએ તો 2023ના વર્ષમાં યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન રહી છે. 2024નું વર્ષ કેવું રહેશે એનું અનુમાન બાંધવું પણ અઘરું છે. યુદ્ધ પતી જશે તો પણ તેની અસરો દાયકાઓ સુધી અનુભવાશે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન હાર સ્વીકારે એવા નથી. યૂક્રેન પાસે ગુમાવવા જેવું હવે કંઇ રહ્યું નથી. પુટિન જીતી જવાના દાવાઓ કરે છે. જો કે તેને પણ સવાલ પૂછવામાં આવે છે કે, હવે જીતી જાવ તો પણ શું? યુદ્ધમાં તો તમે હાંફી જ ગયા છો. રશિયા અને યૂક્રેન તથા ઇઝરાયેલ અને હમાસનું યુદ્ધ જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી દુનિયાની હાલતમાં કોઇ સુધારો થવાનો નથી એ હકીકત છે!