• ગાઝા પટ્ટી પર સતત હુમલાઓ કરી રહેલા ઇઝરાયેલ સામે અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેને કહ્યું કે, ગાઝામાં જે થઇ રહ્યું છે એના કારણે ઇઝરાયેલ ધીમે ધીમે દુનિયાનું સમર્થન ગુમાવી રહ્યું છે
  • ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ કોઇની વાત સાંભળતા નથી. તેમણે કહ્યું છે કે, અમે હમાસને ખતમ કરીને જ રહેવાના છીએ. ગાઝામાં જે રીતે નિર્દોષ લોકો મરી રહ્યા છે એ જોઇને દુનિયામાં ઇઝરાયેલ સામે નારાજગી વધી રહી છે

ઇઝરાયેલ અને હમાસના યુદ્ધને સવા બે મહિના જેટલો સમય થયો છે. તારીખ 7મી ઓકટોબર, 2023ના રોજ હમાસે એક સામટા પાંચ હજારથી વધુ રોકેટોથી હુમલો કર્યો એ પછી ઇઝરાયેલ હમાસ પર આંખો મીંચીને તૂટી પડ્યું છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ યુદ્ધ શરૂ થયું ત્યારે જ એવું કહ્યું હતું કે, આ વખતે અમે હમાસનો સંપૂર્ણ ખાત્મો બોલાવી દેવાના છીએ. આ ઉપરાંત ગાઝા પટ્ટી પર પણ કબજો કરી લેવાના છીએ. એક-બીજાના બંધકોને છોડાવવા માટે વચ્ચે થોડા દિવસો યુદ્ધવિરામ થયું ત્યારે એવી શક્યતાઓ પેદા થઇ હતી કે, કદાચ હવે યુદ્ધ ફરીથી શરૂ નહીં થાય. જો કે યુદ્ધવિરામની મુદ્દત પૂરી થઇ એ સાથે જ ઇઝરાયેલે ફરીથી હુમલાઓ શરૂ કરી દીધા હતા. યુદ્ધ શરૂ થયું એ વખતે જ અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન ઇઝરાયેલની મુલાકાતે ગયા હતા. બાઇડેને એવું કહ્યું હતું કે, અમે દરેક સંજોગોમાં ઇઝરાયેલની સાથે છીએ. પોતાનું રક્ષણ કરવાનો ઇઝરાયેલને અધિકાર છે. જરૂર પડ્યે ઇઝરાયેલની મદદ કરવા માટે અમેરિકાએ પોતાનું યુદ્ધ જહાજ પણ ઇઝરાયેલની નજીક મોકલી આપ્યું હતું. જો કે, વાત ગાઝા પર કબજાની આવી ત્યારે અમેરિકાએ ઇઝરાયેલને એવું કહ્યું હતું કે, આવું કરવું ઇઝરાયેલને મોંઘું પડશે. ઇઝરાયેલ એવો દેશ છે જે લડવાનું શરૂ કરે એ પછી સસ્તા કે મોંઘાનો વિચાર કરતું નથી. અમેરિકાને પણ નેતન્યાહૂએ ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું હતું કે, અમે જે ધાર્યું છે એવું કરતા અમને કોઇ રોકી શકશે નહીં.

અમેરિકાના પ્રેસિડેન્ટ બાઇડેને હમણાં એવું કહ્યું કે, ગાઝા પર સતત હુમલાના કારણે ઇઝરાયેલ દુનિયાના દેશોનું સમર્થન ગુમાવી રહ્યું છે. બાઇડેનના આ નિવેદન પછી દુનિયામાં એવી ચર્ચા શરૂ થઇ છે કે, શું અમેરિકા અને ઇઝરાયેલની પાક્કી દોસ્તીમાં ડિસ્ટન્સ આવી રહ્યું છે? ઇઝરાયેલ યુદ્ધ ખતમ કરવાની અમેરિકાની વાત માનતું નથી. અમેરિકા એવો દેશ છે જે પોતાના મિત્રો પાસેથી એવી અપેક્ષા રાખે છે કે, મિત્ર દેશ પણ એ કહે એમ કરે. અમેરિકાને મુસ્લિમ દેશોની નારાજગીનું ટેન્શન છે. ઇઝરાયેલ સામે મુસ્લિમ દેશોની નારાજગી સતત વધી રહી છે. સાઉદી અરેબિયા અને બીજા દેશોને તો અમેરિકાએ સમજાવી પટાવીને મનાવી રાખ્યા છે પણ ઇરાન, તુર્કિયે અને બીજા દેશોના ઉધામા સતત વધી રહ્યા છે. ઇરાને તો લેબેનોનના હિઝબુલ્લાહ અને યમનના હૂતીઓ મારફતે ઇઝરાયેલ પર હુમલાઓ પણ કરાવ્યા છે. અમેરિકાએ ખૂબ મહેનત કરીને યુનાઇટેડ આરબ અમિરાત અને બેહરીન સાથે ઇઝરાયેલની દોસ્તી કરાવી હતી. ત્રણેય વચ્ચે અબ્રાહમ એકોર્ડ નામની સમજૂતી થઇ ત્યારે એ ઘટનાને આખી દુનિયાએ ઐતિહાસિક ગણાવી હતી. સાઉદી અરેબિયા પણ ઇઝરાયેલ સાથે સત્તાવાર સંબંધો સ્થાપિત કરે એ માટે અમેરિકાએ પ્રયાસો શરૂ કર્યા હતા. સાઉદી અરેબિયા પણ ઇઝરાયેલની નજીક સરકી રહ્યું હતું. જો કે, આ યુદ્ધ બધાની બાજી બગાડી નાખી અને સંબંધોના સમીકરણો ઊંધા-ચત્તા કરી નાખ્યા. હજુ આ યુદ્ધ કેવો વળાંક લેશે એ કોઇ કહી શકે એમ નથી. યુદ્ધ શાંત પડવાને કે નરમ પડવાને બદલે વધુને વધુ વકરતું જાય છે.

આમ તો હવે તો યુદ્ધ એક તરફી જ રહ્યું છે. હમાસની એવી ત્રેવડ રહી નથી કે, ઇઝરાયેલની સેનાનો સામનો કરી શકે. ઇઝરાયેલ જ એટેક પર એટેક કરી રહ્યું છે. ગાઝામાં રાહત કેમ્પમાં રહેતા નિર્દોષ લોકો પર પણ હુમલા થયા છે. ગાઝામાં નિર્દોષ લોકો પર જે વીતી રહ્યું છે એના વીડિયો મુસ્લિમ દેશોમાં ફરી રહ્યા છે. અમને બચાવો એવી આજીજી કરતા આ વીડિયો જોઇને મુસ્લિમ દેશોમાં ઉશ્કેરાટ વધી રહ્યો છે. અમેરિકાના મિત્ર મુસ્લિમ દેશો અમેરિકા પર પ્રેશર લાવી રહ્યા છે કે, ઇઝરાયેલને સમજાવીને હુમલાઓ રોકાવો. અમેરિકા પ્રયાસો તો કરે છે પણ ઇઝરાયેલ માનવું જોઇએને? ઇઝરાયેલ વિશે એવી વાતો થઇ રહી છે કે, ઇઝરાયેલ ભલે અત્યારે એનું ધાર્યું કરતું પણ ભવિષ્યમાં તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. હવેના સમય એવો છે કે, તમારે દુનિયાના દેશોની જરૂર પડવાની જ છે. ગમે એવો શક્તિશાળી દેશ હોય તો પણ એકલો સર્વાઇવ ન કરી શકે. ઇઝરાયેલ અમેરિકાને ગાંઠતું નથી એનું એક કારણ એ પણ છે કે, ઇઝરાયેલને ખબર છે કે, ગમે તે થાય તો પણ અમેરિકા સંબંધો તોડવાનું નથી. અમેરિકા પણ ઇઝરાયેલ સાથે રિલેશન્સ કાપી શકે એમ નથી. જો બાઇડેને કહ્યું કે, નેતન્યાહૂના અમુક નિર્ણયો સાથે હું સંમત નથી પણ તેણે ધમકી કે ચેતવણીના કોઇ શબ્દો વાપર્યા નથી. બાકી અમેરિકા તો તરત જ કહી દે એવું છે કે, તમારે અમારું કહ્યું માનવું છે કે નહીં? ન માનવું હોય તો કહી દો!

અમેરિકાના ડરના કારણે જ ઇરાન અને બીજા કેટલાંક મુસ્લિમ દેશો ઇઝરાયેલથી દૂર રહે છે. અમેરિકાએ ઇરાનને ચેતવણી આપી છે કે, તમે વચ્ચે આવ્યા તો અમે તમારી સામે લડી લેશું. આ બધા વચ્ચે યુનાઇટેડ નેશન્સ પણ ઇઝરાયેલને અપીલ કરતું રહે છે કે, હુમલાઓ બંધ કરી દો. ઇઝરાયેલની સામે યુનોમાં અનેક ઠરાવો પણ પસાર થયા છે. આ મંગળવારે યુનાઇટેડ નેશન્સમાં ઇઝરાયેલના હુમલાઓ અને યુદ્ધવિરામ વિશે વધુ એક વખત વોટિંગ થયું હતું. વોટિંગમાં 153 દેશોએ યુદ્ધવિરામના પક્ષમાં વોટિંગ કર્યું હતું. મતલબ કે, 153 દેશો એવું ઇચ્છે છે કે, ઇઝરાયેલ યુદ્ધ રોકી દે. માત્ર દસ જ દેશોએ જ યુદ્ધવિરામની વિરૂદ્ધમાં વોટિંગ કર્યું હતું. 23 દેશોએ મતદાનમાં ભાગ લીધો નહોતો. આપણા દેશે પણ યુદ્ધવિરામની તરફેણમાં વોટિંગ કર્યું હતું. પહેલી વખત વોટિંગ થયું ત્યારે આપણો દેશ વોટિંગથી દૂર રહ્યો હતો. યુદ્ધ શરૂ થયું ત્યારે આપણા દેશે ઇઝરાયેલને સમર્થન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમે ઇઝરાયેલની સાથે છીએ. ભારત સહિત અગાઉ જે દેશો ઇઝરાયેલની સાથે હતા એ દેશ પણ હવે કહી રહ્યા છે કે, હવે યુદ્ધવિરામ કરો.

બાઇડેનની બધી વાતો અને યુનાઇડેડ નેશન્સના મતદાનનો ઉલાળિયો કરીને ઇઝરાયેલે કહ્યું કે, દુનિયા તેની સાથે રહે કે આખી દુનિયામાં વિરોધમાં આવી જાય, જેને જે કરવું હોય એ કરે પણ અમે જ્યાં સુધી હમાસ ખતમ નહીં થાય અને ગાઝા પર કબજો નહીં થાય ત્યાં સુધી હુમલાઓ રોકવાના નથી. હમાસે અગાઉ કરેલા હુમલાઓમાં ઇઝરાયેલના 1200થી વધુ લોકો માર્યા ગયા હતા. સામા પક્ષે ઇઝરાયેલના હુમલામાં ગાઝાના 18600 લોકો માર્યા ગયા છે. ઇજા પામેલા લોકોની સંખ્યા તો ઘણી મોટી છે. ગાઝામાં લોકો પાસે ખાવા માટે અનાજ નથી, પીવા માટે પાણી નથી, સારવાર માટે દવા કે તબીબી સાધનો નથી. ઇઝરાયેલ દયા ખાવામાં માનતું નથી. ઇઝરાયેલ માને છે કે, તમારે અસ્તિત્ત્વ ટકાવવું હોય તો મરવું પણ પડે અને મારવા પણ પડે. ઇઝરાયેલ દોસ્ત અમેરિકાને પણ ગણકારતું નથી એટલે જ ઇઝરાયેલ સામે અમેરિકાની નારાજગી વધી રહી છે!

  • Follow us on: