- સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી યુક્રેન પીસ કોન્ફરન્સમાં 80 દેશોએ રશિયાને યુદ્ધ પૂરું કરવાની અપીલ કરી. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન કોઇની વાત માને એ વાતમાં માલ નથી. પીસ કોન્ફરન્સમાં ભારતે હાજરી આપી પણ સહી કરવાથી દૂર રહ્યું
- પીસ કોન્ફરન્સ પહેલા જ પુટિને યુદ્ધ સમાપ્ત કરવા માટેની ફોર્મ્યુલા રજૂ કરી હતી. યૂક્રેન નાટો સાથે ન જોડાય અને યૂક્રેન પોતાના જ કેટલાંક વિસ્તારોમાંથી સેના પાછી ખેંચે એવી રશિયાની માંગણી છે. રશિયાની વાત યૂક્રેન માનવાનું નથી
રશિયા અને યૂક્રેન યુદ્ધને બે વર્ષ અને માથે ચાર મહિના થઇ ગયા છે. તારીખ 24મી ફેબ્રુઆરી, 2022ના રોજ રશિયાએ યૂક્રેન પર આક્રમણ કરી દીધું હતું. એ સમયે કોઇને કલ્પના ન હતી કે, આ યુદ્ધ આટલું લાંબુ ચાલશે. યુદ્ધ રોકવા માટે અનેક પ્રયાસો થયા છે પણ કોઇને સફળતા મળી નથી. આ દરમિયાનમાં સ્વિટ્ઝર્લેન્ડમાં તારીખ 15 અને 16 જૂન એમ બે દિવસ માટે યુક્રેન પીસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. યુદ્ધ રોકવા માટેનો આ સૌથી મોટો આંતરરાષ્ટ્રીય પ્રયાસ છે. આપણા દેશ સહિત નેવું દેશોએ આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. બે દિવસના અંતે એક જોઇન્ટ ડેકલેરેશન રજૂ કરવામાં આવ્યું હતું. દુનિયાના 80 દેશોએ તેમાં સહી કરી હતી. આપણા દેશે આ પીસ કોન્ફરન્સમાં પ્રતિનિધિમંડળ મોકલીને હાજરી આપી હતી પણ ભારત ડેકલેરશનમાં સહી કરવાથી દૂર રહ્યું હતું. ભારત ઉપરાંત સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, મેક્સિકો અને યુનાઇટેડ આરબ અમિરાતે પણ ડેકલેરશનમાં સહી કરી નહીં. ચીન આ કોન્ફરન્સથી જ દૂર રહ્યું હતું. 80 દેશોએ રશિયાને અપીલ કરી છે કે, એ યુદ્ધ વહેલી તકે ખતમ કરે. એ વાત જુદી છે કે, રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન કોઇની વાત ગણકારવાના નથી. પીસ કોન્ફરન્સ યોજાઇ એના બે દિવસ પહેલા જ પુટિને યુદ્ધ પૂરું કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પુટિને શરતો મૂકી હતી કે, યૂક્રેન આટલી વાત માને તો અમે યુદ્ધ પૂરું કરવા તૈયાર છીએ. બે શરત સૌથી મોટી હતી. એક તો યૂક્રેન નોટામાં નહીં જોડાય. બીજી શરત એ કે, યૂક્રેને દોનેત્સ્ક, લુહાંસ્ક, ખેરસોન અને જાપોરજિયામાંથી પોતાની સેના હટાવી લે. આ બેમાંથી એકેય શરત યૂક્રેન માનવાનું નથી. કોઇ પણ ઝઘડો, વિવાદ, સંઘર્ષ કે મતભેદ હોય એનું સમાધાન તો જ થાય જો બંને પક્ષે થોડું ઘણું જતું કરવાની તૈયારી હોય. આ કિસ્સામાં બેમાંથી એકેય ટસના મસ થતા નથી એટલે સમાધાન થાય એવી શક્યતા નથી.
આપણા દેશે ડેકલેરેશનમાં સહી ન કરીને રશિયાને સાથ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીમાં યોજાયેલી જી7 સમિટમાં હાજરી આપવા ગયા હતા. આ સમિટ દરમિયાન તેઓ યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીને રૂબરૂ મળ્યા હતા. મોદીએ યૂક્રેન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વિટ્ઝર્લેન્ડની પીસ કોન્ફરન્સમાં હાજરી આપવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ મોદી ગયા નહીં. વિદેશ મંત્રાલયના સચિવ પવન કપૂરને ભારત વતી સ્વિટ્ઝર્લેન્ડ મોકલ્યા હતા. ભારતે ડેકલેરશનમાં સહી ન કરીને કૂટનીતિ વાપરી છે. રશિયા સાથે ભારતને સારા સંબંધો રહ્યા છે. અમેરિકાના અસંખ્ય પ્રતિબંધો છતાં ભારતે રશિયા સાથેના સંબંધોમાં ઘટાડો તો નથી કર્યો, ઉલટું વધારો કર્યો છે. ભારત રશિયા પાસેથી વાજબી ભાવે ઓઇલ ખરીદે છે. રશિયાનું ઓઇલ રિફાઇન કરીને યુરોપના દેશોમાં નિકાસ પણ કરે છે. ભારતનું અર્થતંત્ર અત્યારે મજબૂત અવસ્થામાં હોય તો એનું એક કારણ રશિયા સાથે સારા સંબંધો પણ છે. આપણો દેશ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, અમે યુદ્ધમાં માનતા નથી અને કોઇના હાથા પણ ક્યારેય બનતા નથી. અમે એ જ નિર્ણય કરીશું જે અમારા દેશના હિતમાં હોય. ડેકલેરેશનમાં સહી ન કરીને પણ ભારતે એ જ મેસેજ આખી દુનિયાને આપ્યો છે.










