ભારત સેક્સટોર્શનનું વર્લ્ડ કેપિટલ બનતું જાય છે. સાયબર એક્સપર્ટસ કહે છે, જે કિસ્સાઓ બહાર આવે છે એ તો માત્ર બે ટકા જ છે!
| સોશિયલ મીડિયા અથવા તો ક્યાંયથી પણ ફોટા મેળવીને તેને ન્યૂડ કરી દેવામાં આવે છે. એ ફોટાને વાયરલ કરવાની ધમકી આપીને નાણાં પડાવવામાં આવે છે. સેક્સટોર્શનનો ભોગ કોઇપણ વ્યક્તિ બની શકે છે. ટીનેજર્સ અને વૃદ્ધોને ટાર્ગેટ કરવામાં આવે છે |
સોશિયલ મીડિયા અથવા તો ક્યાંયથી પણ ફોટા મેળવીને તેને ન્યૂડ કરી દેવામાં આવે છે. એ ફોટાને વાયરલ કરવાની ધમકી આપીને નાણાં પડાવવામાં આવે છે. સેક્સટોર્શનનો ભોગ કોઇપણ વ્યક્તિ બની શકે છે. ટીનેજર્સ અને વૃદ્ધોને ટાર્ગેટ કરવામાં આવે છે
મુંબઇની એક છોકરીને ફોન આવ્યો. સામા છેડે તેનો બોયફ્રેન્ડ હતો. મીઠી મીઠી વાતો કરીને છેલ્લે તેના બોયફ્રેન્ડે કહ્યું કે, તારો ન્યૂડ ફોડો સેન્ડ કરને! વોટ્સએપથી છોકરીએ પોતાનો ન્યૂડ ફોટો મોકલ્યો. ફોન પૂરો થયો એની થોડી જ મિનિટમાં એક નંબર પરથી એ જ ન્યૂડ ફોટો પાછો આવ્યો. છોકરીને કહ્યું કે, તું જો એવું ન ઇચ્છતી હોય કે આ ફોટો વાયરલ થઇ જાય તો અત્યારે જ અમે કહીએ એ નંબર પર પચાસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દે! છોકરીએ તરત જ તેના બોયફ્રેન્ડને ફોન કર્યો કે, તને મોકલ્યો હતો એ ફોટો સાયબર ક્રિમિનલના હાથમાં કેવી રીતે પહોંચી ગયો? બોયફ્રેન્ડે કહ્યું કે, મેં તો કોઇ ફોન કર્યો જ નથી અને ફોટો પણ મંગાવ્યો જ નથી! બંનેને સમજાઇ ગયું કે, બોયફ્રેન્ડના અવાજનો ક્લોન કરીને એ ફોન કરાયો હતો. આ કિસ્સામાં તો ન્યૂડ ફોટો મંગાવાયો હતો, બાકી હવે તો સીધાસાદા ફોટાને પણ ન્યૂડ કરી દેવા ડાબા હાથનો ખેલ થઇ ગયો છે. ડીપફેક બાદ હવે ઇન્ટનેટ વર્લ્ડમાં ડીપન્યૂડ ફોટોઝ હાહાકાર મચાવી રહ્યા છે. અત્યારે એવી અસંખ્ય એપ્લીકેશન આવી ગઇ છે જેમાં તમે કપડા પહેરેલો ફોટો મૂકો એટલે થોડી જ ક્ષણોમાં એનો ન્યૂડ ફોટો બનાવી આપે! આવા ફોટાઓ બતાવીને નાણાં પડાવવાની ધમકી આપે છે. જો નાણાં ન ચૂકવાય તો કોઇપણ શરમ કે સંકોચ વગર એ ફોટા વાયરલ કરી દેવામાં આવે છે.
મુંબઇમાં બનેલી આ ઘટના બાદ મુંબઇ સાયબર પોલીસના એક અધિકારીએ કહ્યું કે, આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સાયબર ક્રિમિનલો ટીનેજર્સને ભોગ બનાવી રહ્યા છે. ટીનેજર્સ પોતાના જ ન્યૂડ ફોટા જોઇને ગભરાઇ જાય છે અને જે કહે એ કરવા તૈયાર થઇ જાય છે. માત્ર છોકરીઓ સાથે જ આવું થાય છે એવું બિલકુલ નથી. છોકરાઓને પણ ગે છોકરા સાથે મર્જ કરીને બ્લેકમેલ કરવામાં આવે છે. અત્યારે ગે ફ્રેન્ડશીપની ઘણી એપ એવેલેબલ છે. જે છોકરાઓ આ એપ પર સાઇનઇન થાય છે એની વિગતો મેળવીને એને ટાર્ગેટ કરવામાં આવે છે. આપણે રોજે રોજ સેક્સટોર્શનના કિસ્સાઓ વિશે સાંભળીએ છીએ. સાયબર એક્સપર્ટસ કહે છે કે જે કિસ્સાઓ બહાર આવે છે એ તો માત્ર બે ટકા છે. બાકીના 98 ટકા કિસ્સાઓમાં બ્લેકમેલ થતું રહે છે. ભારતમાં સેક્સટોર્શન વિશે એવું કહેવાઇ રહ્યું છે કે, સેક્સટોર્શનમાં ઇન્ડિયા વર્લ્ડનું કેપિટલ બની ગયું છે.
સાયબર ક્રિમિનલો લોકોને પોતાના સકંજામાં લેવા માટે જાતજાતની તરકીબો અપનાવી રહ્યા છે. સ્પામ કોલ અને બોગસ વેબ લિન્કનો સૌથી વધુ ઉપયોગ થઇ રહ્યો છે. અજાણ્યા નંબરથી કોઇ ફોન આવે તો ઉપાડવો નહીં એવી સૂચનાઓ અનેક વખત આપવામાં આવતી હોવા છતાં લોકો સ્પામ કોલ રીસિવ કરે છે અને વાતોમાં આવી જાય છે. હવે તો રેડ સિગ્નલ સાથે જ સ્પામ કોલ મોબાઇલના સ્ક્રીન પર ઝળકે છે, આ કોલ ફ્રોડ છે, ચીટર છે, એવું લખ્યું હોવા છતાં પણ લોકો ફોન ઉપાડે છે. વોટસએપ કે એસએમએસથી કોઇ લિન્ક આવે છે. ઇનામ કે ડિસ્કાઉન્ટના નામે લાલચ અપાય છે. જેવું ક્લિક કરે એ સાથે જ માણસ સકંજામાં આવી જાય છે. ટીનેજર્સ બાદ સૌથી વધુ વૃદ્ધ લોકોને સેક્સટોર્શનનો ભોગ બનાવવામાં આવે છે. ઘણા વૃદ્ધો પોર્ન વેબસાઇટ જોતા હોય છે. એની વિગતો મેળવીને તેમને જાળમાં ફસાવાય છે.
માત્ર ફોટા જ નહીં, આખેઆખી પોર્ન ક્લિપ જ તૈયાર કરીને બ્લેકમેલ કરવામાં આવે છે. માણસે કોઇ દિવસ કર્યું જ ન હોય એવું જોવા મળે છે. સ્વાભાવિક રીતે જ સમાજમાં આબરૂ ધૂળધાણી થઇ જશે એવા ભયે લોકો નાણાં ધરી દે છે. સાયબર સેલ પોલીસ અપીલો કરે છે કે, તમારી સાથે આવું થાય તો પણ ડરો નહીં અને સાયબર સેલનો સંપર્ક કરો. લોકો પોલીસ પાસે જતા ડરે છે એના કારણે બદમાશોના કરતૂતો ચાલતા રહે છે. છેલ્લા થોડા સમયમાં દેશના તમામ રાજ્યોમાંથી સેક્સટોર્શન ગેંગો પકડાઇ છે. સાયબર એક્સપર્ટસ કહે છે કે, હવે આવું વધતું જ જવાનું છે. લોકો પાસે બે જ રસ્તા છે. એક તો કોઇપણ ઓનલાઇન પ્રવૃતિ કરવામાં સાવચેત રહે અને બીજી વાત એ કે, કંઇ થાય તો ડર્યા વગર બહાર આવે.
થોડા સમય અગાઉ આપણા દેશમાં ડીપફેકે ઉહાપોહ સર્જ્યો હતો. સાઉથની હિરોઇન રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો વાઇરલ થયો હતો. એ પછી બીજી ઘણી હિરોઇનો ડીપફેક વીડિયોનો ભોગ બની હતી. પોર્ન અથવા તો સેક્સી વીડિયો પર કોઇ છોકરીની જગ્યાએ હિરોઇનોનો ફોટો ચીપકાવીને ડીપફેક વીડિયો બનાવવામાં આવે છે. હવે ડીપફેક નહીં પણ ડીપન્યૂડે ખળભળાટ મચાવ્યો છે. જે ફોન આવે એને પણ સાચા ન માની લો. હવે કોઇપણનો અવાજ ક્લોન થઇ શકે છે.
સાઇબર ક્રાઇમની નવી નવી ટેક્નિક બહાર આવી રહી છે. નામી કંપનીઓ કે શોપિંગ કે બુકિંગ એપની આખેઆખી વેબસાઇટ કે એપ જ નકલી બની જાય છે. સાવ સાચી લાગે એવી એપથી લોકો શોપિંગ કે બુકિંગ કરીને છેતરાય રહ્યા છે. સાવધાન ન રહીએ તો આપણે ક્યારેય કલ્પના કરી ન હોય એવું બની શકે છે. સાઇબર એક્સપર્ટસ હમણાની ઘટનાઓના જ ઉદાહરણ આપે છે. અમેરિકામાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદીમિર ઝેલેન્સ્કી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ ઘટના બાદ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી મારામારી કરતા હોય એવી ક્લિપો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે. જેને ખબર નથી કે, બંને વચ્ચે ખરેખર શું થયું હતું એ લોકો તો એવું જ માની લેવાના છે કે, બંને વચ્ચે ખરેખર મારામારી થઇ હતી. સોશિયલ મીડિયા પર જે દેખાય છે એને સાચું માની લેવાની ભૂલ ભારે પડી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, સાવધાન રહો, કંઇ થાય તો પણ ડરી ન જાવ, જરાકેય ડર્યા તો ગયા સમજો!
| ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ હવે
ગામડાઓમાં પણ બનવા લાગ્યા છે |
ડિજિટલ એરેસ્ટ એ હવે આમ તો કોઇ નવી વાત રહી નથી. પોલીસના નામે કોઇ ફોન આવે છે અને કોઇને કોઇ ગુનામાં સંડોવણીની વાત કરીને ડિજિટલ એરેસ્ટ કરી લેવાય છે. આપણી પોલીસ અને સરકાર ગળું ફાડી ફાડીને કહી રહી છે કે, પોલીસ ક્યારેય કોઇને ડિજિટલ એરેસ્ટ કરતી નથી. કોઇની વાતોમાં આવી જવું નહીં. અખબારોમાં જાહેરાતોથી માંડીને મોબાઇલની કોલર ટ્યૂનમાં પણ મેસેજ આપીને લોકોને અવેર કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. લોકો તો પણ ડિજિટલ એરેસ્ટનો ભોગ બની રહ્યા છે. અગાઉ તો મોટા શહેરના લોકોને જ સાયબર ક્રિમિનલો ટાર્ગેટ કરતા હતા, હવે નાના નાના ગામડાંના લોકોને પણ નિશાન બનાવવામાં આવે છે. સાયબર ક્રિમિનલનો ખબર છે કે, નાના ગામડાંના લોકો પોલીસ ફરિયાદ કરવા જતા ડરશે. એને સકંજામાં લેવા સહેલા છે. માણસ સોશિયલ મીડિયા પર સમજ્યા વિચાર્યા વગર એક્ટિવ રહે છે. જે દેખાડવામાં આવે છે એને સાચું માની લે છે અને ફસાઇ જાય છે. સાઇબર ક્રિમિનલો રોજે રોજ નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે.










