ભારતના પ્રત્યાર્પણથી બચવા માટે તહવ્વુર રાણાના તમામ પેંતરા નિષ્ફળ ગયા છે. તહવ્વુર રાણા પાસેથી મુંબઇ હુમલાના ઘણા ભેદ ખુલવાના છે!
| તહવ્વુર રાણાને લાવવા માટે ભારતની ટીમ અમેરિકા પહોંચી ગઇ છે. દેશના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોભાલની દેખરેખમાં તહવ્વુર રાણા પાસેથી વિગતો ઓકાવવા માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. મુંબઇ અને દિલ્હીની જેલમાં તહવ્વુર રાણા માટે ખોલી પણ તૈયાર છે!
|
હવે ગમે તે ઘડીએ ભારતના મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ અને મુંબઇ એટેકના માસ્ટર માઇન્ડ પૈકીના એક તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે. ભારતના પ્રત્યાર્પણથી બચવા માટે તહવ્વુર રાણાએ અમેરિકાની અદાલતમાં કરેલી અંતિમ અપીલને પણ ફગાવી દેવામાં આવી છે. તહવ્વુર રાણાએ એવી અપીલ કરી હતી કે, જો મને ભારતને સોંપવામાં આવશે તો ત્યાં હું લાંબુ જીવી શકીશ નહીં, મને મારી નાખશે. તહવ્વુર રાણાની કોઇ વાત માનવા કે સ્વીકારવામાં આવી નથી. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા એ પછી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા જઇને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરી હતી.
એ વખતે જ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ખૂંખાર આતંકવાદી તહવ્વુર રાણાને ભારતને સોંપી દેવાશે. તહવ્વુર રાણાને લાવવા માટે આપણી સુરક્ષા એજન્સીની ટીમ અમેરિકા પહોંચી ગઇ છે. આપણા દેશના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોભાલની દેખરેખમાં તહવ્વુર રાણાની ખાતરદારી માટેની તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. તહવ્વુર રાણાને અમેરિકાથી દિલ્હી લવાશે કે મુંબઇ એ વિશે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. બંને શહેરોની જેલમાં તહવ્વુર રાણાને રાખવાની વ્યવસ્થા કરી લેવામાં આવી છે.
ભારત લાવ્યા પછી તહવ્વુર રાણાની પૂછપરછ કરવામાં આવશે અને કેસ ચલાવવામાં આવશે. બધું પતી ગયા પછી તહવ્વુર રાણાને શું સજા કરવામાં આવશે તે હજુ કહી શકાય એમ નથી. શું તહવ્વુર રાણાને ફાંસીની સજા આપવામાં આવશે? બે દેશો વચ્ચે જ્યારે આતંકવાદી, માફિયા કે બીજા કોઇ ક્રિમિનિલ્સની આપ-લે થાય છે ત્યારે બંને દેશ કેટલીક બાબતો શરતો રાખે છે. અમેરિકાએ પ્રત્યાર્પણ બાદ સજા વિશે શું કહ્યું છે એની વિગતો પણ હજુ બહાર આવી નથી. જે હશે તે સમય આવ્યે ખબર પડી જશે.
તહવ્વુર રાણા મુંબઇ હુમલાના ઘણા ભેદ જાણે છે!
મુંબઇ પર થયેલા આતંકવાદી હુમલાના પ્લાનિંગથી માંડીને એક્ઝિક્યૂશન સુધીની ગતિવિધિઓમાં તહવ્વુર રાણાની સંડોવણી હતી. હજુ મુંબઇ હુમલાના ઘણા ભેદ ઉકેલાયા નથી. તહવ્વુર રાણા પાસેથી ખરેખર કોના ઇશારે મુંબઇ પર હુમલો કરાયો હતો તેની વિગતો મળવાની છે. તહવ્વુર રાણાએ પોતાના મિત્ર ડેવિડ કોલમેન હેડલી સાથે મળીને મુંબઇ પર ક્યાં અને કેવી રીતે હુમલો કરવો તેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી આપી હતી. લોકેશનની ઝીણામાં ઝીણી વિગતો હુમલાખોરોને આપવામાં આવી હતી. જીપીએસની મદદથી આતંકવાદીઓ જુદા જુદા સ્થળે પહોંચ્યા હતા. મુંબઇની તાજ હોટલમાં બે આતંકવાદીઓ ઘૂસ્યા પછી તેનો ઇરાદો હોટલમાં રોકાયેલા મહેમાનોને બાનમાં લઇને ભારત સાથે નેગોશિએશન કરવાનો હતો.
આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓ સાથે સેટેલાઇટ ફોનથી સંપર્કમાં હતા. એ વાત તો આખી દુનિયા હવે જાણે છે કે, મુંબઇ પર આતંકવાદી હુમલો પાકિસ્તાનની સરકાર, સેના અને જાસૂસી સંસ્થા આઇએસઆઇની મદદથી થયો હતો. લશ્કર-એ-તોઇબાના વડા હાફિઝ સઇદે આખી યોજના બનાવી હતી. તહવ્વુર રાણા પાસેથી જે ખૂટતી કડીઓ છે એ મળવાની છે. તહવ્વુરની કબૂલાતથી પાકિસ્તાનના વટાણા પર વેરાવાના છે. પાકિસ્તાનની સેના અને આઇએસઆઇ પોતાની સંડોવણથી ઇન્કાર કરતા રહ્યા છે. જો કે, હવે તેની વાત કોઇ માને એમ નથી. એક નહીં, અનેક આતંકવાદી હુમલાઓમાં પાકિસ્તાનની સંડોવણી બહાર આવી છે. હવે ભારત જે કહેતું રહ્યું છે તેના પર મહોર લાગવાની છે!
કોણ છે ખૂંખાર આતંકવાદી તહવ્વુર રાણા?
64 વર્ષનો તહવ્વુર રાણા નાનો હતો ત્યારથી ભારત વિરૂદ્ધ કટ્ટર માનસિકતા ધરાવતો રહ્યો છે. તહવ્વુર રાણાનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલ સાહિવાસ જિલ્લાના ચિંચવાટ ગામે થયો હતો. તહવ્વુર રાણા ભણીને ડોકટર બન્યો હતો. જો કે, તેને ડોકટરીને બદલે બીજા કામોમાં જ રસ હતો. પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાના બદલે તહવ્વુર રાણા સેનામાં જ ડોકટર તરીકે જોડાયો હતો. પાકિસ્તાનની સેનામાં તેનો હોદ્દો કેપ્ટનનો હતો. થોડા વર્ષો સેનામાં કામ કર્યા બાદ તહવ્વુર રાણાએ અચાનક જ રાજીનામું આપી દીધું હતું. પાકિસ્તાન છોડીને તહવ્વુર રાણા કેનેડા ચાલ્યો ગયો હતો. તેની પાસે પાકિસ્તાન ઉપરાંત કેનેડાની સિટિઝનશીપ પણ છે. કેનેડા જઇને તેણે કેનેડા અને અમેરિકામાં ઇમિગ્રેશન સર્વિસનું કામ શરૂ કર્યું હતું. એ કામ તો દેખાવ પૂરતું જ હતું, બાકી તો એ આતંકવાદી ગતિવિધિઓમાં જ રચ્યો પચ્ચો હતો. કેનેડાથી અમેરિકામાં અવરજવર કરીને તે હુમલાના ષડયંત્રો રચતો હતો.
તહવ્વુર રાણાને આતંકવાદી ષડયંત્રમાં પોતાના મિત્ર ડેવિડ કોલમેન હેડલીનો પૂરેપૂરો સાથ મળ્યો હતો. તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી પાકિસ્તાનની મિલિટરી કોલેજમાં સાથે જ ભણતા હતા. બંનેએ સાથે મળીને જ ભારત વિરૂદ્ધના કાવતરામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
કેવી રીતે થયો હતો મુંબઇ પર હુમલો?
તારીખ 26મી નવેમ્બર, 2008ના રોજ પાકિસ્તાનના દસ આતંકવાદીઓ દરિયાઇ રસ્તે મુંબઇમાં ઘૂસ્યા હતા. મુંબઇ પહોંચ્યા બાદ બે બે ની ટૂકડીઓમાં આતંકવાદીઓએ મુંબઇની હોટલ તાજ, લીઓપોલ્ડ કાફે, ઓબેરોય ટ્રાઇડેન્ટ, નરિમાન હાઉસ, છત્રપતિ શિવાજી ટર્મિનસ, કામા હોસ્પિટલ સહિતના સ્થળોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યા હતા. આ આતંકવાદી હુમલામાં 166 લોકોના મોત થયા હતા અને ત્રણસોથી વધુ લોકોને ઇજા થઇ હતી. સુરક્ષા દળો સાથેની અથડામણમાં નવ આતંકવાદીઓ માર્યા ગયા હતા. દસમો આતંકવાદી અજમલ કસાબ જીવતો પકડાઇ ગયો હતો.
અજમલ સામે કેસ ચલાવીને તેને તારીખ 21મી નવેમ્બર, 2012ના રોજ પુનાની યરવડા જેલમાં ફાંસીની સજા આપવામાં આવી હતી. તહવ્વુર રાણા અને ડેવિડ કોલમેન હેડલીની અમેરિકામાં તારીખ 18મી ઓક્ટોબર, 2009ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકાએ અત્યાર સુધીમાં જે વિગતો મેળવવાની હતી એ મેળવી લીધી છે અને હવે ભારતનો વારો છે. તહવ્વુર રાણા પાસેથી પાકિસ્તાનની ઘણી પોલ છતી થવાની છે!
| અમેરિકામાં પ્રત્યાર્પણની 61 અને કેનેડામાં 26 અરજીઓ હજુ પેન્ડિંગ છે!
અમેરિકાની સરકાર અને અદાલતે મુંબઇ હુમલાના મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની અરજી તો ઘણા સમય પહેલા જ આપી દીધી હતી. હજુ ભારતે અમેરિકાને કરેલી પ્રત્યાર્પણની 61 અરજીઓ પેન્ડિંગ છે. કેનડાને પ્રત્યાર્પણની 26 અપીલ કરવામાં આવી છે. અમેરિકા અને કેનેડામાં ભારતના ઘણા દુશ્મનો પનાહ લઇને બેઠા છે. કેટલાંક જેલમાં છે. અમેરિકા સમક્ષ જે અપીલો છે તેમાં ગોલ્ડી બરાર, હરજોત સિંહ સહિતના ખાલિસ્તાની આતંકવાદીઓ અને માફિયાઓનો સમાવેશ થાય છે. કેટલાંક ક્રિમિનલોના પ્રત્યાર્પણની અપીલોનો તો બે બે દાયકાઓથી નિકાલ આવ્યો નથી. ગયા વર્ષે જ આપણા દેશની સરકારે અમેરિકાને પાંચ ગુનેગારોની સોંપણી માટે નવેસરથી વિનંતી કરી હતી. પ્રત્યાર્પણની પ્રક્રિયા બહુ લાંબી અને જટિલ છે. પ્રત્યાર્પણની મંજૂરી મળી જાય એ પછી પણ ગુનેગારો જાત જાતની તરકીબો અજમાવીને પ્રત્યાર્પણથી બચવાના પ્રયાસો કરતા રહે છે. આતંરરાષ્ટ્રીય સ્તરે એ વિશે પણ ચર્ચા થઇ રહી છે કે, જેમ બને તેમ વહેલી તકે પ્રત્યાર્પણ થઇ જવું જોઇએ. ખૂંખાર ટેરરિસ્ટ્સ અને ક્રિમિનલ્સને વધુ તક આપવાનો કોઇ મતલબ હોતો નથી. ખાસ તો આતંકવાદીના કિસ્સામાં જરાયે મોડું થવું ન જોઇએ! જરૂર પડે તો કાયદાઓમાં બદલાવ કરીને પણ પ્રત્યાર્પણને સ્પીડી બનાવવું જોઇએ. જોઇએ હવે આવી માંગણીની સંતોષાશે કે નહીં? |










