બેંગલુરુના આઇટી એન્જિનિયર અતુલ સુભાષના આપઘાતે અનેક સવાલો પેદા કર્યા છે. દોઢ કલાકના વીડિયો અને 24 પાનાની સ્યુસાઇડ નોટમાં અતુલે જે વેદના વ્યક્ત કરી છે એવું દેશમાં ઘણા લોકો અનુભવી રહ્યા છે
મહિલાઓના હિતો અને અધિકારોનું રક્ષણ થવું જ જોઇએ એ વાતનો જરાયે ઇન્કાર ન હોઇ શકે પણ કાયદાના દૂરોપયોગ અને ન્યાયની ધીમી પ્રક્રિયા પણ ડિબેટેબલ ઇશ્યૂઝ છે. આ મુદ્દે સરકારે નવેસરથી વિચારવાનો સમય પાકી ગયો છે
બેંગલુરુના 34 વર્ષના આઇટી એન્જિનિયર અતુલ સુભાષના આપઘાતે આખા દેશને ઝંઝોળી નાખ્યો છે. જિંદગીનો અંત આણતા પહેલા અતુલે દોઢ કલાકનો વીડિયો બનાવ્યો અને 24 પાનાની સ્યુસાઇડ નોટ લખી. રૂમમાં અતુલ લખતો ગયો કે, ન્યાય હજુ બાકી છે! અતુલના આપઘાત બાદ સોશિયલ મીડિયા પર હેશટેગ જસ્ટિસ ફોર અતુલ સુભાષ, હેશટેગ મેન ટુ સહિતના હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. ચર્ચા પતિ પત્નીના સંબંધો, પારિવારિક ઝઘડાઓથી માંડીને કાયદો અને ન્યાયની પ્રક્રિયા સુધીની થઇ રહી છે.
ડિવોર્સના કેસ અને બીજા ડોમેસ્ટિક ઇશ્યૂઝના કારણે આમ તો આપઘાતના કિસ્સાઓ દરરોજ બનતા રહે છે. અતુલે પોતાની વેદના વિસ્તારથી રજૂ કરી એટલે લોકોની સંવેદનાના તાર ઝણઝણી ઉઠ્યા છે. સવાલ એ છે કે, અતુલના મોત માટે પત્ની સાથેનો વિવાદ જ કારણભૂત છે કે પછી કાયદો અને જ્યુડિશરી સિસ્ટમ? આમ તો બંને પૂરેપૂરા જવાબદાર છે પણ જો અતુલને સમયસર ન્યાય મળી ગયો હોત તો આપઘાતનો સવાલ પેદા થયો ન હોત. જ્યારે પણ આવો બનાવ બને છે ત્યારે સ્ત્રીઓના કાયદા વિશે ચર્ચાઓ ચાલે છે. આપણા કાયદાઓ મહિલાઓના હિતો અને અધિકારોને પ્રાધાન્ય આપે છે.
મહિલાઓના હિતોનું રક્ષણ થવું જોઇએ એ વાતથી જરાયે ઇન્કાર હોય ન શકે. આપણા સમાજ વિશે પહેલેથી એવું કહેવાતું આવ્યું છે કે, બધું પુરૂષપ્રધાન છે. મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ ઓછા નથી. ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ સ્ત્રીઓ વધુ સંખ્યામાં બને છે. જે મહિલાઓની સાથે અન્યાય થઇ રહ્યો છે એને ન્યાય મળવો જ જોઇએ પણ જે મહિલાઓ કાયદાનો દુરોપયોગ કરીને પતિ અને તેના પરિવારજનોનું જીવવું હરામ કરી નાખે છે એનું શું? આપણા દેશના અનેક શહેરોમાં પત્નીપીડિત પુરૂષોના સંગઠનો ચાલે છે. કેટલાંક લોકો એના પ્રત્યે હમદર્દી જતાવે છે, તો કેટલાંક લોકો તેની મજાક પણ ઉડાવે છે. જેના પર વીતે છે એને જ ખબર છે કે, જેની સાથે જિંદગી જીવવાના સપના જોયા હોય એની સાથે જ જ્યારે કાનૂની જંગ મંડાય ત્યારે કેવી દશા થાય છે! આ એવા બાણ છે જેની પીડા બાણ વાગ્યા હોય એને જ સમજાય છે!
બેંગલુરુના ઘરમાં અતુલ સુભાષે ગળે ફાંસો ખાઇને જિંદગીનો અંત આણી દીધો. અતુલે વીડિયો અને સ્યુસાઇડ નોટમાં જે વાતો કહી છે એ પછી અતુલના પત્ની નીકિતા સિંધાનીયા, સાસુ નિશા સિંધાનિયા, સાળા અનુરાગ સિંધાનીયા અને પત્નીના કાકા સુશીલ સિંધાનીયા સામે કેસ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અતુલ અને નીકિતાના લગ્ન 2019માં થયા હતા. નીકિતા પણ આઇટી કંપનીમાં જોબ કરતી હતી. શરૂઆતમાં તો બધું સરખું ચાલતું હતું. બંનેને એક દીકરો પણ છે. 2021માં ગમે તે થયું નીકિતા દીકરાને લઇને પિયર ઉત્તર પ્રદેશના જોનપુર ચાલી ગઇ. જોનપુરમાં નીકિતાએ પતિ અતુલ સામે દહેજ ઉત્પીડન, અપ્રાકૃતિક શારીરિક સંબંધ, હત્યાના પ્રયાસ અને માનસિક ત્રાસ સહિતના એક પછી એક નવ કેસ ઠપકારી દીધા.
નીકિતાએ પતિ પાસે લાખોનું ભરણપોષણ અને ત્રણ કરોડોની એલીમની માંગી. કોર્ટમાં કેસ ચાલ્યા. તારીખ પે તારીખ પડતી રહી. અતુલ ન્યાય માટે વલખા મારતો રહ્યો. બે વર્ષમાં 120 વખત તારીખ પડી. 40 વખત અતુલ બેંગલુરુથી જોનપુર ગયો. અતુલે કહ્યું કે, કોર્ટમાં ક્યારેક હડતાલ હોય તો ક્યારેક જજ હાજર ન હોય! અતુલે એક જજ સામે પણ પાંચ લાખની લાંચ માંગ્યાનો આક્ષેપ કર્યો છે. અતુલે કોર્ટમાં બનેલી એક ઘટના વિશે જે વાત કરી છે એ હચમચાવી નાખે એવી છે. અતુલે કોર્ટમાં કહ્યું હતું કે, ખોટા કેસોના કારણે ઘણા લોકો મરી જાય છે. એ સમયે ભરી અદાલતમાં પત્નીએ કહ્યું હતું કે, તું પણ કેમ મરી નથી જતો? એ સમયે જજ હસતા હતા! પત્ની અને તેના પરિવારજનો દીકરાને પણ મળવા દેતા નહોતા. બીજું તો અતુલે ઘણું બધું લખ્યું છે.
પોતાના મોત બાદ પત્નીને નજીક પણ ન આવવા દેતા અને મારા માતા-પિતાને હેરાન ન કરતા. અતુલની એ વાત બધાને ધ્રૂજાવી ગઇ છે કે, જ્યાં સુધી મને ન્યાય ન મળે ત્યાં સુધી મારા અસ્થિનું વિસર્જન ન કરતા અને જો ન્યાય ન મળે તો મારા અસ્થિ કોર્ટની સામેની ગટરમાં વહાવી દેજો! અતુલના આપઘાત બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ લખ્યું છે કે, અમારી હાલત પણ અતુલ જેવી જ છે. કોર્ટમાં ડિવોર્સનો કેસ ચાલે છે. પત્ની મુક્તિ આપતી નથી. એક ભાઇએ તો ત્યાં સુધી લખ્યું છે કે, મારી પત્ની મારી પાસેથી ચાલી ગઇ એ પછી એના જૂના પ્રેમી સાથે રહેવા લાગી છે. એના પેટમાં બાળક છે એ પણ મારું નથી. હું તો તેને કહું છું કે, મારો છૂટકારો કર અને પછી તારે તારી જિંદગી જેમ જીવવી હોય એમ જીવ!
અતુલ અને નીકિતા જુદા પડ્યા એમાં વાંક નીકિતાનો જ હશે એવું જરૂરી નથી. આપણે કહીએ છીએ કે, તાળી એક હાથથી નથી વાગતી, એવું એમના કિસ્સામાં પણ થયું હોય શકે છે. જો કે, એ પછી જે થયું અને અતુલે જે વાતો કરી છે એ નીકિતાના વર્તન અને કાનૂની સિસ્ટમ સામે સવાલો પેદા કરે છે. અતુલ અને નીકિતાના પ્રકરણ વખતે જ સુપ્રીમ કોર્ટે દહેજના એક કેસ બાબતે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે, દહેજનો કાયદો વેર વાળવા માટે નથી. સુપ્રીમ કોર્ટે દેશની અદાલતોને પણ એવું કહ્યું છે કે, કોર્ટો કાયદાનો દુરોપયોગ રોકે. આપણે ત્યાં પતિ પત્નીના વિવાદના કિસ્સામાં એવું બનતું રહ્યું છે કે, પત્નીને પતિ સાથે વાંધો પડે પછી કેસમાં સાસુ, સસરા અને ઘરના બીજા સભ્યોના નામ પણ લખાવી દે છે. ડિવોર્સના કેસો કોર્ટમાં વર્ષો સુધી ચાલતા રહે છે.
ઘણા કિસ્સામાં પત્નીઓ જોઇ લેવાની અને દેખાડી દેવાની ભાવનામાં પતિ અને તેના પરિવારજનોની હાલત બગાડી નાખે છે. મહિલાઓ કાયદાનો દૂરોપયોગ કરે છે એવી વાતો આપણે ત્યાં બહુ ચર્ચાય છે. અલબત્ત, એના કારણે કાયદા બદલાવી નાખવાની વાતો પણ ઉચિત ગણાતી નથી. પતિ-પત્નીના વિવાદો અને ડિવોર્સના કેસનો નિકાલ ઝડપથી થાય એ જરૂરી છે. કેટલાંક કિસ્સાઓમાં વકીલો પણ એવા રસ્તાઓ બતાવતા હોય છે જેનાથી પતિની હાલત ખરાબ થઇ જાય. સમાજમાં જે કિસ્સાઓ બને છે એના કારણે છોકરાઓ અને છોકરીઓ લગ્ન કરતા પણ ડરવા લાગે એવી સ્થિતિ પેદા થઇ રહી છે. લગ્ન, ઘરેલું હિંસા, દહેજ ઉત્પીડન, ડિવોર્સ, બાળકોનો ઉછેર અને ભરણપોષણ સહિત અનેક બાબતો માટે કાયદાઓ છે પણ એના અમલમાં ઘણી વખત એટલું મોડું થઇ જાય છે કે, માણસ થાકી જાય. જે સાચા હોય એને ઝડપી અને યોગ્ય ન્યાય મળે એ માટે નવેસરથી વિચાર કરવાની આવશ્યકતા છે.










