- મુંબઇમાં રાજકારણી અને બોલિવૂડમાં દબદબો ધરાવતા બાબા સિદ્દીકીની હત્યા પછી અંડરવર્લ્ડમાં હલચલ મચી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બાબા સિદ્દીકીની હત્યાએ સુરક્ષા સામે નવો પડકાર ખડો કર્યો છે!
- બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઇ ગેંગનું નામ આવી રહ્યું છે. બિશ્નોઇ ગેંગ સલમાનની પાછળ પણ પડી છે. મુંબઇની ગેંગો કરતા લોરેન્સ બિશ્નોઇ ગેંગની મોડેસ ઓપરેન્ડી થોડીક જુદી છે. બહારથી શાર્પ શૂટર મોકલીને એ તેના કામ પાર પાડે છે
મુંબઇના બાંદ્રામાં બાબા સિદ્દીકની હત્યાએ મહારાષ્ટ્રના રાજકારણથી માંડી બોલિવૂડની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. જે રીતે બૈખોફ થઇને હુમલાખોરોએ બાબા સિદ્દીકી પર ઘડાધડ ગોળીઓ ચલાવી હતી તેનાથી મુંબઇના અંડરવર્લ્ડમાં પણ સળવળાટ સર્જાયો છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પગરવ સંભળાઇ રહ્યા છે. કોંગ્રેસ છોડીને થોડા સમય પહેલા જ શરદ પવારથી છૂટા થઇ પોતાનો મોરચો જમાવનારા અજિત પવારની એનસીપી પાર્ટી સાથે જોડાયેલા બાબા સિદ્દીકીનું જબરું વર્ચસ્વ હતું. ત્રણ ત્રણ વખત તેઓ ધારાસભ્ય રહ્યા છે અને મંત્રીપદ પણ ભોગવ્યું હતું. બોલિવૂડમાં બાબા સિદ્દીકીનો પડ્યો બોલ ઝીલાતો હતો. બોલિવૂડ સ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચેના અણબનાવનું સમાધાન તેમણે જ કરાવ્યું હતું. બાબા સિદ્દીકી અને બોલિવૂડનો નાતો બહુ જૂનો રહ્યો છે. બાબા સિદ્દીકીના રાજકીય સફરની શરૂઆત મુંબઇના બાંદ્રાથી શરૂ થઇ હતી. બાંદ્રા બોલિવૂડનું સેન્ટર ગણાય છે. બાબા સિદ્દીકી અને સુનીલ દત્ત વચ્ચે સારી દોસ્તી રહી છે. એ નાતે સંજય દત્ત પણ બાબા સિદ્દીકીની નજીક રહ્યા છે. ઇફતાર પાર્ટીઓ તો બહુ થાય છે પણ બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટીની વાત જ નિરાળી હતી. તેમની પાર્ટીમાં જવામાં પણ ફિલ્મી કલાકારો પોતાનું સૌભાગ્ય સમજતા હતા. બોલિવૂડમાં સર્જાતા અનેક વિવાદો બાબા સિદ્દીકીએ પોતાના ઘરમાં બેઠકો કરીને નિપટાવ્યા છે.
સલમાન ખાન અને તેના પરિવાર સાથે બાબા સિદ્દીકીનો ઘરોબો રહ્યો છે. સલમાન ખાન ક્યારેય તેની વાત ઉથાપતા નથી. બાબા સિદ્દીકીની હત્યા થઇ ત્યારે સલમાન ખાન બિગ બોસની 19મી સિઝનનું શૂટિંગ કરી રહ્યા હતા. જેવી તેને બાબા સિદ્દીકીની હત્યા થઇ છે એવી ખબર પડી કે તરત જ તેણે શૂટિંગ છોડીને હોસ્પિટલની વાટ પકડી હતી. મુંબઇ અને બોલિવૂડમાં અત્યારે સૌથી મોટી ચર્ચા એ જ વાતની છે કે, બાબા સિદ્દીકીની હત્યા હવે ઘણી નવાજૂની સર્જશે. કેટલીક ઘટનાઓ એવી હોય છે જેના પડઘા લાંબા સમય સુધી પડતા રહે છે. કેટલાંક લોકો એવો ભય પણ વ્યક્ત કરી રહ્યા છે કે, હવે મુંબઇમાં ફરીથી ગેંગવોર ભડકશે. એક સમયે માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી. દાઉદે ધમકી આપી હતી પણ બાબા સિદ્દીકીને હાથ લગાડવાની હિંમત કરી નહોતી. બાબા સિદ્દીકી વિશે બાદમાં એવી પણ વાતો થઇ કે, તેના દાઉદ સાથે સારા સંબંધો હતા. બાબા સિદ્દીકીના હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી છે. મુંબઇમાં જે રીતે લોરેન્સ બિશ્નોઇની ગેંગ એક્ટિવ થઇ રહી છે એ જોઇને બીજી ગેંગોમાં પણ હલચલ મચી છે. લોરેન્સ બિશ્નોઇ ગેંગના એક ગેંગસ્ટરની સોશિયલ મીડિયા પોસ્ટે પણ અનેક સવાલો સર્જ્યા છે. આ પોસ્ટમાં એવું લખ્યું છે કે, સલમાન ખાન સાથે યુદ્ધ નથી ઇચ્છતા. બાબા સિદ્દીકીની હત્યા એટલે કરવામાં આવી કારણ કે એ દાઉદની નજીક હતા. આ પોસ્ટમાં એવું પણ લખાયું છે કે, જીવનનું મૂલ્ય સમજું છું, જિસ્મ અને ધનને હું ધૂળ સમજું છું. કર્યું એ સત્કર્મ હતું અને જે નિભાવ્યો એ મિત્રતાનો ધર્મ હતો. આ શબ્દો પાછળનો મર્મ કંઇક ભેદી છે. બાબા સિદ્દીકીની હત્યા પ્રકરણમાં જે બે લોકો પકડાયા છે તેમાં એક યુપીનો અને એક હરિયાણાનો છે. હત્યારાઓ ઘણા સમયથી મુંબઇમાં હતા અને બાબા સિદ્દીકીની હત્યા માટે મોકો શોધતા હતા. શનિવારે હુમલાખોરોને એ મોકો મળી ગયો. હત્યારાઓને એડવાન્સ પેમેન્ટ અને હથિયારો આપવામાં આવ્યા હતા.










