અમેરિકાના બ્રાડ સિગ્મોનને પ્રેમિકાના માતા-પિતાની હત્યાના કેસમાં મોતની સજા ફરમાવવામાં આવી છે. પ્રેમિકા પર પણ બ્રાડે ગોળી છોડી હતી જો કે તે બચી ગઇ હતી
| અમેરિકાના કેટલાંક સ્ટેટમાં મોતની સજાના ગુનેગારને વિકલ્પ આપવામાં આવે છે કે, તમારે કેવી રીતે મરવું છે? ઝેરના ઇન્જેકશનથી, ઇલેક્ટ્રિક શોકથી કે પછી ગનથી ગોળી ખાઇને? પંદર વર્ષ પછી કોઇ ગનેગારે ફાયરિંગ સ્કવોડથી મરવાની ઇચ્છા વ્યક્ત કરી છે! |
અમેરિકામાં અત્યારે એક ગુનેગારને ગોળી મારીને મોતની સજા આપવાનો કિસ્સો ચર્ચાના ચકડોળે ચડ્યો છે. અમેરિકાના કેટલાંક રાજ્યોમાં જેને મોતની સજા આપવામાં આવી હોય એને કેવી રીતે મરવું છે તેના ઓપ્શન આપવામાં આવે છે. ગુનેગારને પૂછવામાં આવે છે કે, તમારે ઝેરના ઇન્જેક્શનથી મરવું છે, ઇલેક્ટ્રિક ચેર પર બેસી ઇલેક્ટ્રિક શોકથી મરવું છે કે પછી ગનની ગોળી ખાઇને મરવું છે? ડબલ મર્ડરના ગુનેગાર 63 વર્ષના બ્રાડ સિગ્મોનને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, મને ગોળી મારીને મોતની સજા આપવામાં આવે! સામાન્ય સંજોગોમાં ગુનેગારો ઝેરના ઇન્જેકશનથી મોતની સજા પસંદ કરે છે. કેટલાંક લોકો ઇલેક્ટ્રિક ચેરથી મરવાનું પસંદ કરે છે. ગોળીથી મોતની સજા ભાગ્યે જ પસંદ કરવામાં આવે છે. આગામી તારીખ 7મી માર્ચે, 2025ના રોજ બ્રાડ સિગ્મોનને ગોળીઓ મારીને મોતની સજા આપવામાં આવશે. આ અગાઉ પંદર વર્ષ પહેલા 2010માં એક ગુનેગારને ગોળી મારી મોતની સજા આપવામાં આવી હતી. 1976થી અત્યાર સુધીમાં માત્ર ત્રણ લોકોને ગોળી મારી મોતની સજા આપવામાં આવી છે.
બ્રાડ સિગ્મોનને કેવી રીતે ગોળીઓ મારવામાં આવશે?
મોતની સજાના દિવસે બ્રાડ સિગમોનને ડેથ ચેમ્બરમાં લઇ જવામાં આવશે. એક ખુરશી પર બેસાડીને તેના હાથ પગ બાંધી દેવામાં આવશે. માથે કાળું કપડું ઓઢાડવામાં આવશે. પંદર ફૂટ દૂરથી ત્રણ પોલીસમેન બ્રાડના હાર્ટનું નિશાન લઇને તેના પર ગોળી છોડશે. ગોળી મારતી વખતે એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે, માણસનું જેમ બને એમ ઝડપથી મૃત્યુ થઇ જાય. તેને રીબાવવું ન પડે. કોઇને પોતાની નજર સામે ગોળી મારવી એ પણ સહેલું કામ નથી. ગોળી મારનારને આઘાત ન લાગે એ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. ખુરશીની સામે એક દીવાલ ઊભી કરવામાં આવે છે. એ દીવાલના છેદમાંથી નિશાન લઇને ગોળી છોડવામાં આવે છે. ગોળી છોડનારને એ ખબર નથી પડતી કે, ગોળી વાગ્યા પછી ગુનેગારનું મોત કેવી રીતે અને કેટલી વારમાં થયું. ગોળીઓ છોડ્યા પછી તેને ત્યાંથી હટાવી લેવામાં આવે છે.
બ્રાડ સિગ્મોને શા માટે ગોળીથી મરવાનું પસંદ કર્યું તેના વિશે તેના વકીલ ગેરોલ્ડ કિંગે કહ્યું કે, બ્રાડે પૂરો વિચાર કરીને ગોળીથી મરવાનો નિર્ણય કર્યો છે. બ્રાડે છેલ્લે જે ત્રણ ગુનેગારોને ઝેરના ઇન્જેકશનથી સજા આપવામાં આવી તેના કેસનો અભ્યાસ કર્યો હતો. ઝેરનું ઇન્જેકશન આપ્યા બાદ એ ત્રણેયને મરવામાં પંદરથી વીસ મિનિટ થઇ હતી. બ્રાડે કહ્યું કે, મારે આટલી મિનિટ રીબાઇને નથી મરવું. ઇલેક્ટ્રિક ચેરમાં શોક આપવાની સાથે માણસ તરત જ મરી જાય છે. જો કે એ વિશે બ્રાડે કહ્યું કે, ઇલેક્ટ્રિક શોકથી તેનું આખું શરીર સળગી જશે અને વેદના થશે. એના કરતા ગોળી વાગે તો એક ઘામાં પૂરું થઇ જાય. સરકારે બ્રાડની વાત માનીને ગોળી મારવાનું નક્કી કર્યું છે!
બ્રાડ સિગ્મોનને ક્યા કેસમાં મોતની સજા ફરમાવાવાઇ છે?
બ્રાડ સિગ્મોનને રૈબેકા બાર્બરે નામની યુવતી સાથે પ્રેમ હતો. બંને ત્રણ વર્ષ સાથે રહ્યા હતા. બ્રાડના વિચિત્ર સ્વભાવથી થાકીને રૈબેકા બ્રાડને છોડીને માતા-પિતા સાથે રહેવા ચાલી ગઇ હતી. બ્રાડે તેને ફરીથી પોતાની સાથે રહેવા માટે સમજાવી પણ રૈબેકા માનતી નહોતી. આખરે તેણે રૈબેકા સાથે બદલો લેવાનો પ્લાન ઘડ્યો હતો. બ્રાડે નક્કી કર્યું કે, રૈબેકા ઘરની બહાર ગઇ હોય ત્યારે પહેલા તેના માતા-પિતાને મારી નાખવા અને પછી રૈબેકાનું અપહરણ કરવું. તારીખ 26મી એપ્રિલ, 2001ના રોજ બ્રાડ રૈબેકાની ઘરની બહાર છુપાયો હતો. રૈબેકા ઘરની બહાર નીકળી એ પછી બ્રાડ તેના ઘરમાં ઘૂસ્યો હતો. બ્રાડે બેઝબોલ બેટથી ફટકા મારીને રૈબેકાના 62 વર્ષીય પિતા ડેવિડ અને 59 વર્ષની માતા ગ્લેડિસને પતાવી દીધા. જ્યાં સુધી બંનેનું મોત ન થયું ત્યાં સુધી બ્રાડ તેને મારતો હતો. બંને મરી ગયા પછી બ્રાડે ડેવિડની રિવોલ્વર ચોરી લીધી. ઘરમાં બેસીને તે પ્રેમિકા રૈબેકાની રાહ જોવા લાગ્યો.
રૈબેકા જેવી આવી કે તરત જ રિવોલ્વર બતાવીને બ્રાડે તેને કારમાં ધકેલી દીધી. રૈબેકાનું અપહરણ કરીને બ્રાડ કારમાં જઇ રહ્યો એ દરમિયાનમાં કાર ધીમી પડી કે તરત જ રૈબેકા કારમાંથી કૂદીને ભાગી. બ્રાડે તરત જ કાર રોકી, બહાર નીકળી રૈબેકા પર ગોળીઓ છોડી. સદ્નનસીબે રૈબેકાને ગોળી ન વાગી અને એ ભાગી જવામાં સફળ રહી. વાત તો એવી હતી કે, બ્રાડ પ્રેમિકા રૈબેકાને પણ કોઇ સ્થળે લઇ જઇ મારી નાખવાનો હતો. રૈબેકા ભાગી ગઇ પછી બ્રાડ પોલીસથી બચવા ભાગતો રહ્યો. અગિયારમા દિવસે પોલીસે તેને ઝડપી લીધો. બ્રાડ પકડાયો પછી ખબર પડી કે, એ તો રીઢો ચોર પણ છે. એક ઘરફોડ ચોરીનો કેસ પણ તેની સામે ચાલ્યો અને આ કેસમાં તેને 30 વર્ષની સજા ફરમાવવામાં આવી હતી. જો કે સૌથી મહત્ત્વનો તો તેની સામેનો ડબર મર્ડરનો કેસ જ હતો.
બ્રાડે અદાલતમાં પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને અદાલતે તારીખ 20મી જુલાઇ, 2002ના રોજ મોતની સજા ફરમાવી હતી. આ પછી અપીલો કરીને બ્રાડ સમય પસાર કરતો હતો. 23 વર્ષમાં બ્રાડની તમામ અપીલો ફગાવી દેવાઇ અને આખરે તેને મોતની સજા આપવાનું નક્કી કરવામાં આવ્યું. અમેરિકામાં એક મોટો વર્ગ એવો છે જે મોતની સજા આપવાનો વિરોધ કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે, કોઇને મોત આપવાનો અધિકાર માત્ર ઉપરવાળાને જ છે. તેની સામે મોતની સજાની ફેવર કરનારા કહે છે કે, મોતની સજા હશે તો જ ગુનેગારોમાં ડર રહેશે. કેટલાંક લોકો એવા ખતરનાક હોય છે કે, એને જીવતા રાખવામાં જ જોખમ રહે છે! બ્રાડને મોતની સજાના કારણે આ ચર્ચા અત્યારે ફરીથી અમેરિકામાં ચાલી છે.
| ગયા વર્ષે નાઇટ્રોજન ગેસથી મોતની સજા મામલે ભારે ઉહાપોહ થયો હતો
અમેરિકામાં ગયા વર્ષે તારીખ 25મી જાન્યુઆરી, 2024ના રોજ કેનેથ યુજીન સ્મિથ નામના ગુનેગારને નાઇટ્રોજન ગેસથી મોતની સજા આપવામાં આવી હતી. કેનેથે એક હજાર ડોલર લઇને 45 વર્ષની એલિઝાબેથ ડોરલેન સેનેટ નામની મહિલાની હત્યા કરી હતી. કેનેથને પોલીસે ઝડપી લીધો હતો. અદાલતે તેને મોતની સજા ફરમાવી હતી. કેનેથને ઝેરનું ઇન્જેકશન આપીને મૃત્યુદંડ આપવાનો હતો. નિર્ધારિત સમયે કેનેથને મોતનું ઇન્જેકશન આપવામાં આવ્યું પણ હતું. ઇન્જેકશન આપતી વખતે નસ બરાબર પકડાઇ નહોતી એટલે કેનેથ બચી ગયો હતો. એ પછી તેને નાઇટ્રોજન ગેસથી મોતની સજા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નોઇટ્રોજન ગેસથી મોત આપવા સામે અમેરિકામાં ભારે વિરોધ થયો હતો. યુનાઇટેડ નેશન્સે પણ કહ્યું હતું કે, આ રીતે મોતની સજા આપવી ક્રૂરતા છે. અમેરિકાની સરકારે કોઇની વાત માની નહોતી અને અંતે કેનેથને મોઢા પર માસ્ક બાંધી નાઇટ્રોજન ગેસથી મોતની સજા આપવામાં આવી હતી. કેનેથને જ્યારે નાઇટ્રોજન આપવામાં આવ્યો ત્યારે એ રીબાઇ રીબાઇને મર્યો હતો. માંડ માંડ તેનો જીવ ગયો હતો. લોકો આજની તારીખે કહે છે કે, સરકારે કેનેથ સાથે ખોટું કર્યું હતું! |










