ચીનની ડીપસીક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશનના કારણે અમેરિકામાં જબરજસ્ત હોબાળો મચ્યો છે. આ એપની અસર શરેબજાર પર પણ વર્તાઇ છે. અમેરિકા ભલે એવી વાતો કરે કે અમને કંઇ ફરે પડતો નથી પણ તેને ટેન્શન તો થઇ જ રહ્યું છે!

અમેરિકાના નવા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એઆઇમાં મહારત મેળવવા માટે પાંચસો અબજ ડોલરના સ્ટારગેટ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. અમેરિકા અને ચીન વચ્ચે એઆઇની સ્પર્ધા આગામી સમયમાં વધુ તીવ્ર બનવાની છે

ટેક્નોલોજીની દુનિયા હવે એવી થઇ ગઇ છે કે, તમે જરાકેય ગાફેલ રહ્યા તો તમારો હરીફ તમને પાછળ ધકેલી દે છે. અમેરિકા અને ચીન વચ્ચે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં ગળાકાપ હરિફાઇ જામી છે. અમેરિકા પોતાના ચેટજીપીટી, જેમીની અને બીજી એઆઇ એપને લઇને મોટા મોટા દાવાઓ કરી રહ્યું છે ત્યારે ચીનની એઆઇ જનરેટેડ એપ ડીપસીકે ખળભળાટ મચાવી દીધો છે. ડીપસીક જોતજોતામાં જ ટોપ પર આવી ગઇ છે અને તેના કારણે અમેરિકાનું શેરબજાર પણ ફફડી ગયું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પથી માંડીને એલન મસ્કે તેના વિશે પ્રતિભાવો આપવા પડ્યા છે.

ચીન મૂછમાં હસી રહ્યું છે. ડીપસીક આવ્યું અને છવાઇ ગયું ત્યાં સુધી અમેરિકા અંધારામાં રહ્યું અને હવે સફાળું જાગ્યું છે. અમેરિકાના એક્સપર્ટસ એવી વાતોએ વળગ્યા છે કે, ચીનની એપ ડીપસીકથી અમને કોઇ ફર્ક પડવાનો નથી. ચીનના નિષ્ણાતો કહે છે કે, કોઇ ફેર નથી પડવાનો તો પછી આટલા બધા હાંફળાફાંફળા શા માટે થવા લાગ્યા છો? એઆઇ મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે ચેસ જેવી રમત ચાલી રહી છે. બંને વારાફરતી એક એક ડગલું ચાલે છે અને પોતાની તાકાત પુરવાર કરે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકારવું પડ્યું છે કે, ડીપસીક અમેરિકા માટે નવો પડકાર છે. આખી દુનિયામાં અત્યારે ડીપસીક એપ અને તેને બનાવનાર લિયાંગ વેંગફેંગ ચર્ચામાં છે. 40 વર્ષના ચીની આંત્રપિન્યોર લિયાંગ વેંગફેંગની એપ ડીપસીક અમેરિકામાં સૌથી વધુ ડાઉનલોડ થઇ છે અને તેણે ચેટજીપીટીને પાછળ રાખી દીધી છે. ડીપસીક વિશે હળવાશમાં અત્યારે એવું કહેવાઇ રહ્યું છે કે, અમેરિકા જેને ચકલી સમજતું હતું એ બાજ નીકળ્યું છે!

લિયાંગ વેંગફેંગને આગળ વધતો રોકવા માટે અમેરિકાએ પ્રયાસો કર્યા હતા પણ અમેરિકા તેમાં ફાવ્યું નથી. લિયાંગ પાસે અગાઉ એનવીડિયા એ100 મોડલના ચીપનો સ્ટોર હતો. અમેરિકાએ આ ચીપ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પોતાની પાસે રહેલી પાંચ હજારથી વધુ ચીપનો ઉપયોગ લિયાંગે નવું એઆઇ મોડેલ બનાવવામાં કર્યો હતો. લિયાંગે ડીપસીકની સ્થાપના વર્ષ 2023માં કરી હતી. ઝેજિયાંગ યુનિવર્સિટીમાં ગ્રજ્યુએશન કર્યા બાદ 2015માં તેણે ક્વાંટેટિવ હેજ ફંડ હાય-ફ્લાયરની સ્થાપના કરી હતી. લિયાંગે એઆઇ મોડેલ બનાવીને બજારમાં થતા પરિવર્તનોનો અંદાજ બાંધી ભવિષ્યવાણીઓ કરવાનું શરૂ કર્યું હતું. લોકો તેના આધારે રોકાણો અને ટ્રેડિંગ કરતા હતા. લિયાંગે જ્યારે ડીપસીક પર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે પહેલા તો તેને સાઇડ પ્રોજેક્ટ ગણવામાં આવ્યો હતો.

કોઇને એ અંદાજ નહોતો કે ડીપસીક આવતાવેંત જ હોબાળો મચાવી દેશે. ડીપસીક બનાવવા માટે લિયાંગે ચીનની ટોપ આઇટી ઇન્સ્ટિટ્યૂટની ટોપ ટેલેન્ટને હાયર કરી હતી. લિયાંગનું એઆઇ મોડેલ સસ્તું, ઝડપી ડેટા એનાલિસિસ કરતું અને ચેટજીપીટી કરતા વધુ અસરકારક છે. ચેટજીપીટી બનાવનાર કંપની ઓપનએઆઇ અબજો ડોલરનો ખર્ચ કરીને એઆઇ પ્રોજેક્ટ ચલાવે છે જ્યારે લિયાંગ હેંગફેંગ માત્ર છ સાત કરોડ ડોલરમાં જ આ નવું મોડેલ તૈયાર કર્યું છે. ડીપસીકના આગમન સાથે જ એઆઇ માટે ચીપ બનાવનારી અમેરિકા અને બીજા દેશોની કંપનીઓના શેરોમાં મોટો કડાકો બોલી ગયો છે. ટેક કંપનીઓના વન ટ્રિલિયન ડોલર ધોવાઇ ગયા છે અને હજુ શું થાય એ કહેવું અઘરું છે. ડીપસીક માત્ર ઓપનએઆઇના ચેટજીપીટીને જ નહીં,

મેટા કંપનીના એઆઇ મોડેલ લામા, ગૂગલના જેમિની પણ હંફાવી રહ્યું છે. ડીપસીકે ગયા વર્ષે જુદા જુદા મોડેલ રજૂ કર્યા હતા પણ તેને ખાસ સફળતા મળી નહોતી. વી-3 મોડેલ રજૂ કર્યું ત્યારે દુનિયાનું થોડુંક ધ્યાન ખેંચાયું હતું. ગયા વર્ષના અંતમાં ડીપસીકનું લેટેસ્ટ એઆઇ મોડેલ આર-વન જેવું માર્કેટમાં આવ્યું કે, બધાના ભવાં ઊંચા થઇ ગયા. ઓપનએઆઇના સીઇઓ સેમ ઓલ્ટમેને થોડા સમય પહેલા એવું કહ્યું હતું કે, એઆઇ ઇન્ડસ્ટ્રીએ હાઇ પાવર ડેટા સેન્ટર્સ ચલાવવા માટે અબજો નહીં પણ ખરબો ડોલરની જરૂર પડે છે. ડીપસીકના લિયાંગ હેંગફેંગે એ સાબિત કર્યું છે કે,

ઓછા ખર્ચમાં પણ ધાર્યા પરિણામો મેળવી શકાય છે. લિયાંગે અમેરિકાના ટેક્નોક્રેટના મોટા મોટા દાવાઓને રાતોરાત ખોટા અને ખોખલા સાબિત કરી દીધા છે. અમેરિકન કંપનીઓ હવે એ ચેક કરી રહી છે કે, આખરે લિયાંગ હેંગફેંગે આવો કરિશ્મા કેવી રીતે કર્યો? ચેટજીપીટી બનાવનાર ઓપનએઆઇના સીઇઓ સેમ ઓલ્ટમેને નિખાલસતાપૂર્વક કહ્યું કે, ડીપસીકનું આર-વન મોડલ ખૂબ જ ઇમ્પ્રેસિવ છે, આછા ખર્ચે એ વધુ ડિલીવર કરી રહ્યું છે. અમે પણ આગામી સમયમાં ડીપસીકની સ્પર્ધા કરે એવું વધુ અસરકારક મોડેલ તૈયાર કરીશું.

ડીપસીક એપ એટલા માટે પણ ધડાધડ ડાઉનલોડ થઇ રહી છે કારણ કે એ ઓલમોસ્ટ ફ્રી છે. ચેટજીપીટી અને જેમીની સહિતની એપની પ્રીમિયમ સર્વિસ માટે મોટી રકમ ચૂકવવી પડે છે. જે જોઇતું હોય એ મફતમાં મળે તો કોઇ શા માટે નાણાં ચૂકવે? અમેરિકાની ટેક કંપનીઓએ હવે એઆઇ માટે નવેસરથી કામ હાથ ધરવું પડશે જેથી ચીનની ટેક કંપનીઓને ટક્કર આપી શકાય. હજુ એક અઠવાડિયા પહેલા જ શપથ ગ્રહણ કરીને પ્રેસિડેન્ટનો હવાલો સંભાળનાર ડોનાલ્ડ ટ્રમ્પે જે પહેલા કામો કર્યા તેમાં પાંચસો અબજ ડોલરના સ્ટારગેટ પ્રોજેક્ટનો સમાવેશ થતો હતો. આ પ્રોજેક્ટ અમેરિકાની ટોપ ટેક કંપનીઓ ઓપનએઆઇ, ઓરેકલ અને સોફ્ટબેંકને સોંપવામાં આવ્યો હતો. ટ્રમ્પે જ્યારે સ્ટારગેટ પ્રોજેક્ટની જાહેરાત કરી ત્યારે જ એઆઇ એક્સપર્ટસે કહ્યું હતું કે, ચીનની ચેલેન્જનો સામનો કરવા માટે અમેરિકાએ આવું કરવું જ પડે એમ હતું.

અમેરિકાના સ્ટારગેટ પ્રોજેક્ટ વિશે એલન મસ્કે એવું કહ્યું હતું કે, ઓપનએઆઇ અને તેની સાથી કંપનીઓ પાસે એટલા નાણાં જ ક્યાં છે કે, સ્ટારગેટ પ્રોજેક્ટ આગળ ધપાવી શકે. એલન મસ્ક નાણાંના નામે ગીતો ગાઇ રહ્યા હતા ત્યાં જ ચીનના લિયાંગ હેંગફેંગ સાવ સસ્તું અને અમેરિકા કરતા વધુ જબરજસ્ત એઆઇ મોડેલ રજૂ કરી દીધું છે. હવે અમેરિકાના નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે, ટેકવર્લ્ડમાં માત્ર નાણાનું જ મહત્ત્વ નથી, રિસર્ચ અને કંઇક નવું આપવાની વિચારસરણી જ વધુ કામ કરે છે.

અમેરિકા ચીન સામે એવા આક્ષેપો કરતું રહે છે કે, ચીન એટલા માટે બધું સસ્તું આપે છે કારણ કે એ બીજાની ટેક્નોલોજી ચોરી લે છે અથવા તો એની કોપી કરી લે છે. હવે ડીપસીક મેદાનમાં આવ્યું છે ત્યારે અમેરિકાની બોલતી બંધ થઇ ગઇ છે. એઆઇ એક્સપર્ટસ કહે છે કે, લિઆંગ હેંગફેંગે જે કર્યું છે તેની ઇર્ષા કરવાની જરૂર નથી, એને તો દાદ આપીને એની પાસેથી શીખવાની જરૂર છે. ચીન એઆઇ માટે જે કરી રહ્યું છે એ માત્ર અમેરિકા જ નહીં, આખી દુનિયાની ટેક કંપનીઓ માટે મોટી ચેલેન્જ છે. ભવિષ્યમાં ગમે તે થાય, અત્યારે તો ચીન અમેરિકાના ગાલે તમાચો મારી ગયું છે!


  • Follow us on: