કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સમયમાં ખાલિસ્તાન આતંકવાદ મુદ્દે ભારત અને કેનેડાના સંબંધો અત્યંત ખરાબ થઇ ગયા હતા



કેનેડામાં ચૂંટણી યોજાઇ એ પહેલા જ ખાલિસ્તાનીઓએ સરી અને વેનકુંવરમાં હિન્દુ મંદિરમાં તોડફોડ કરી. કેનેડા ઘણા સમયથી ખાલિસ્તાનીઓનો ગઢ બની ગયું છે. વડાપ્રધાન માર્ક કાર્ની પણ સંબંધો સુધરે એવું કંઇ કરી શક્યા નથી. કેનેડામાં નવી સરકાર કોની હશે એ વિશે તર્કવિતર્કો ચાલી રહ્યા છે

જેની સાથે આપણા દેશના સંબંધો વણસેલા છે એ કેનેડામાં તારીખ 28મી એપ્રિલને સોમવારના રોજ ચૂંટણી યોજાવાની છે. નવી સરકાર કોની હશે એ વિશે જાતજાતના તર્કવિતર્કો થઇ રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં ભારતીય મૂળના પંજાબીઓ ઉપરાંત ગુજરાતીઓએ પણ ઝૂકાવ્યું છે. ચૂંટણી લડતા કેટલાંક પંજાબીઓ ખાલિસ્તાન આતંકવાદના સમર્થકો છે. ચૂંટણી પહેલા જ કેનેડાના વેનકુંવર અને સરી ગામમાં હિન્દુ મંદિર પર હુમલાઓ થયા છે. કેનેડાની પોલીસે હુમલાખોરોના સીસીટીવી ફૂટેજ જાહેર કરીને તેમની સામે પગલાં લેવાની ખાતરી આપી છે. કેનેડા અત્યારે વિચિત્ર સંજોગોનો સામનો કરી રહ્યું છે. અમેરિકા સાથે કેનેડાની તનાતની ચાલે છે. કેનેડાનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ઉથલપાથલવાળું કહ્યું છે.

કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાનીઓ સામે આંખ મિંચામણા કર્યા હતા. એ સિવાય પણ ટ્રુડોએ જે નિર્ણયો કર્યા એના કારણે કેનેડાની સ્થિતિ વણસી હતી. જસ્ટિન ટ્રુડો સામે વિરોધ વધતા આખરે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. તારીખ 14મી માર્ચ 2025ના રોજ જસ્ટિન ટ્રુડોની જ લિબરલ પાર્ટીના નેતા માર્ક કાર્ની કેનેડાના વડાપ્રધાન બન્યા હતા. માર્ક કાર્ની વડાપ્રધાન બન્યા એ પહેલા જ અમેરિકાના નવા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની અને તગડા ટેરિફ લગાવવાની વાત કરી હતી. માર્ક કાર્નીએ આવતાવેંત જ ડોનાલ્ડ ટ્રમ્પને મર્યાદામાં રહેવાનું કહ્યું હતું. માર્ક કાર્ની અમેરિકા જઇને ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. બંનેએ એવો દાવો કર્યો હતો કે, અમારી મુલાકાત સારી રહી છે. હકીકતે માર્ક કાર્ની અમેરિકાથી રાજી નહોતા. અમેરિકા પણ એની જ રાહ જોઇ રહ્યું છે કે, કેનેડામાં કોની સરકાર આવે છે?

કેનેડાનો ચૂંટણી જંગ ખૂબ જ રસપ્રદ બની ગયો છે!

કેનેડામાં મુખ્ય ચૂંટણી જંગ વર્તમાન સત્તાધીશ લિબરલ પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે છે. આ બે ઉપરાંત ભારતીય મૂળના પંજાબી જગમીતસિંહના નેતૃત્ત્વમાં બનેલી એનડીપી એટલે કે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી અને બ્લોક ક્યૂબેકોઇસ પણ મેદાનમાં છે. મતદારો હાઉસ ઓફ કોમન્સના 343 સભ્યોની પસંદગી કરશે અને જેને બહુમતી મળશે એની સરકાર બનશે. અત્યારે લિબરલ પાર્ટી તેની હરીફ કન્ઝર્વેટિવ પાર્ટી કરતા થોડીક આગળ હોવાનું કહેવામાં આવે છે.

આ વખતની ચૂંટણીમાં ચાર ગુજરાતીઓ જયેશ બ્રહ્મભટ્ટ, અશોક પટેલ, મિનેશ પટેલ અને સુંજીવ રાવલે પણ ઝૂકાવ્યું છે. કેનેડાના ગુજરાતીઓનું કહેવું છે કે, અત્યાર સુધી કેનેડાની ચૂંટણીમાં ગુજરાતીઓએ પડદા પાછળ રહીને જ કામ કર્યું છે. પહેલી વખત મેદાનમાં આવ્યા છે. ગુજરાતી ઉમેદવારો એમ કહે છે કે, પહેલી વખત કેનેડાની પાર્લામેન્ટમાં હિન્દુઓનો અવાજ સાંભળવા મળશે. કેનેડામાં હિન્દુઓ વિરૂદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે એવા આક્ષેપો ઘણા સમયથી થઇ રહ્યા છે. કેનેડાની ચૂંટણીમાં પંજાબીઓનો પણ દબદબો રહ્યો છે. કેનેડામાં ભારતીય મૂળના લોકોની વસતિ 19 લાખ જેટલી છે. તેમાં અડધાથી વધુ અંદાજે સાડા નવ લાખ પંજાબીઓ છે. વર્ષ 2016માં તત્ત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો એવું બોલ્યા હતા કે, મારી સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં પંજાબી પ્રધાનો છે એના કરતા વધારે પ્રધાનો છે. એ વખતે ટ્રુડોના સરકારમાં 15 પંજાબી પ્રધાનો હતા. પંજાબીઓનું સમર્થન મેળવવા માટે જ જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાનીઓના પણ થાબડભાણાં કરતા રહ્યા છે.

ભારત અને કેનેડા વચ્ચે મુખ્ય મુદ્દો ખાલિસ્તાન આતંકવાદનો છે

કેનેડા છેલ્લા ઘણા સમયથી ખાલિસ્તાન આતંકવાદનું મુખ્ય કેન્દ્ર બનેલું છે. અમેરિકામાં બેસીને ખાલિસ્તાન આતંકવાદ ચલાવતો શીખ ફોર જસ્ટિસનો વડો ગુરપતવંત પન્નુ પણ કેનેડાના આંટાફેરા કરીને ખાલિસ્તાનીઓને ઉશ્કેરતો રહે છે. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓ અને પંજાબી માફિયાઓ વચ્ચે સાંઠગાંઠ છે. આપણો દેશ ઘણા સમયથી કહેતો રહ્યો છે કે, કેનેડાની સરકાર ખાલિસ્તાનીઓ અને માફિયાઓ સામે પગલાં લે પણ કેનેડાની સરકાર કંઇ કરતી નથી. આ દરમિયાનમાં તારીખ 18મી જૂન, 2023ના રોજ કેનેડામાં ભારતના મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા થઇ હતી. બ્રિટિશ કોલંબિયાના સરી ખાતે હરદીપસિંહ નિજ્જર પોતાની કારમાં બેઠો હતો ત્યારે બાઇક પર આવેલા હુમલાખોરોએ તેના પર ગોળીઓ છોડીને તેની હત્યા કરી હતી.

હરદીપસિંહ નિજ્જરની હત્યા ભારતના ઇશારે થઇ હોવાનો આક્ષેપ જસ્ટિન ટ્રુડોએ કરતા બંને દેશ વચ્ચેના સંબંધો વણસ્યા હતા. આપણા દેશે પુરાવા આપવાનું કહ્યું હતું પણ કેનેડા કોઇ પુરાવા આપી શક્યું નહોતું. હજુ પણ ખાલિસ્તાન આતંકવાદના મામલે બંને દેશ વચ્ચે તણાવ બરકરાર છે. માર્ક કાર્ની વડાપ્રધાન બન્યા એ પછી એવું મનાતું હતું કે, તેઓ ખાલિસ્તાનીઓ સામે સખત પગલાં ભરશે અને ભારત સાથે સંબંધો સુધારશે. જો કે માર્ક કાર્નીને વધુ સમય જ નથી મળ્યો.

નવી સરકાર કોની અને કેવી હશે તેના પર સંબંધોનો આધાર

કેનેડામાં નવી સરકાર કોની હશે અને એ ભારતના ઇશ્યૂઝને કેવી રીતે ટેકલ કરે છે તેના પર ભારત અને કેનેડાના સંબંધનો આધાર રહેવાનો છે. વર્ષ 2023માં કેનેડામાં ભારતના 4,27,000 સ્ટુડન્ટસ હતા. જો કે એ પછી બંને દેશના સંબંધો વણસતા સ્ટુડન્ટ્સની સંખ્યામાં 41 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કેનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ સાથે પણ ભેદભાવ વર્તવામાં આવે છે એવા આક્ષેપો થઇ રહ્યા છે. કેનેડાને અમેરિકા સામે તનાતની ચાલી રહી છે ત્યારે કેનેડા માટે ભારતનો સાથ જરૂરી છે. નવી સરકાર ભારત સાથે સંબંધો સુધારશે કે કેમ એનો જવાબ તો કેનેડામાં નવી સરકાર આવી જાય પછી જ મળવાનો છે!


પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો ઇરાદો કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાનો છે!
અમેરિકા અને કેનેડા વચ્ચે છેલ્લા ઘણા સમયથી બરાબરની જામી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા એ પછી તેમણે કેનેડા વિશે કહ્યું હતું કે, કેનેડા અમેરિકાની સાથે જોડાઇ જાય! હું ઇચ્છું છું કે, કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બને! ટેરિફના મામલે પણ અમેરિકા અને કેનેડા વચ્ચે તનાતની બોલી ગઇ હતી. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકાની વાતોને વખોડી કાઢી હતી. આખા કેનેડામાં એવો સૂર ઉઠ્યો હતો કે, અમેરિકા આવી વાતો ન કરે. અમે કોઇપણ ભોગે અમેરિકા સાથે જોડાવવા તૈયાર નથી. વડાપ્રધાન માર્ક કાર્નીએ ત્યાં સુધીની વાત કરી હતી કે, અમેરિકા સાથેના સંબંધો હવે ખતમ થઇ ગયા છે.

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે રશિયા અને યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે તૈયાર થઇ ગયા છે એ પણ કેનેડાને પસંદ પડ્યું નથી. કેનેડામાં નવી સરકાર કોની આવે છે અને તેના સંબંધ અમેરિકા સાથે કેવા રહે છે એના ઘણો બધો આધાર રહેવાનો છે. કેનેડાના લોકોને એવી સરકાર જોઇએ છે જે અમેરિકાની શેહમાં ન રહે અને જરૂર પડ્યે અમેરિકાને પણ સખતાઇથી જવાબ આપે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ કેનેડાની ચૂંટણી પૂરી થવાની જ રાહ જુવે છે. કેનેડા પ્રત્યે ડોનાલ્ડ ટ્રમ્પનો એટિટ્યૂડ જોતા એવું લાગે છે કે, એ કેનેડાને કોઇને કોઇ રીતે ચિંટીયા ભરતા જ રહેશે!


  • Follow us on: