- કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે ભારત તરફ આંગળી ચિંધી એ પછી ફાઇવ આઇસ અલાયન્સ ખૂબ ચર્ચામાં છે. ફાઇવ આઇસે કેનેડાને નિજ્જરની હત્યા વિશેની માહિતી આપી હોવાનું માનવામાં આવે છે!
- ફાઇવ આઇસ પાંચ દેશ અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝીલેન્ડનું સહિયારું જાસૂસી તંત્ર છે. ભારતને તેમાં જોડવા ઘણા સમયથી પ્રયાસો ચાલે છે. હવે કેનેડાના કારણે ભારત આ સંગઠનમાં જોડાશે કે કેમ એ મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે!
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદો વચ્ચે દેશ અને દુનિયામાં ફાઇવ આઇસ અલાયન્સ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું. આ સાથે એ સવાલ ઉઠ્યો હતો કે, જસ્ટિન ટ્રુડો ક્યા આધારે ભારત સામે આવો આક્ષેપ કરે છે? આ અનુસંધાને કેનેડામાં અમેરિકાના રાજદૂત તરીકે ફરજ બજાવતા ડેવિડ કોહેને એવું કહ્યું કે, ફાઇવ આઇસ અલાયન્સને મળેલી માહિતીના આધારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સામે આંગળી ચિંધી છે. માનો કે આ વાત સાચી છે તો પણ ફાઇવ આઇસ અલાયન્સ પાસે શું માહિતી હતી અને જસ્ટિન ટ્રુડોને શું કહેવામાં આવ્યું હતું એ વિશે કેનેડા કેમ કોઇ ફોડ પાડતું નથી?બીજી વાત એ પણ છે કે, કેનેડાના જાસૂસી એજન્ટ ભારતમાં યોજાયેલી જી-20ની બેઠક પહેલા અનેકવાર ભારતની મુલાકાતે આવ્યા હતા. આ વિશે પણ એવું કહેવાઇ રહ્યું છે કે, કેનેડાની સરકારે પોતાના જાસૂસોને મોકલતા પહેલા ભારતને વિશ્વાસમાં કેમ ન લીધું? ફાઇવ આઇસને જે માહિતી મળી હતી એ સાચી છે કે ખોટી એના વિશે કોઇએ ખરાઇ કરી હતી? અમેરિકાની મુલાકાતે ગયેલા આપણા વિદેશ પ્રધાન એસ. જયશંકર ન્યૂયોર્કમાં કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન વિષય પર ચર્ચા દરમિયાન કેનેડા સાથેના વિવાદમાં ફાઇવ આઇસની ભૂમિકા વિશે સવાલ કરવામાં આવ્યો હતો. એ વખતે એસ. જયશંકરે એવું કહ્યું હતું કે, આ સવાલ તમે ખોટી વ્યક્તિને પૂછી રહ્યા છો કારણ કે હું ફાઇવ આઇસનો સભ્ય નથી. આડકતરી રીતે તેમણે કહ્યું કે, જેને પૂછવાનું હોય એને પૂછો!
ફાઇવ આઇસ એટલે કે પાંચ આંખનું નામ એટલું બધું ગાજ્યું કે, જે લોકોને એના વિશે ખબર નહોતી એને પણ સવાલો થયા કે, આ ફાઇવ આઇસ અલાયન્સ વળી છે શું? તેના વિશે વાત કરતા પહેલા એ જાણવું રસપ્રદ રહેશે કે, આ ફાઇવ આઇસમાં ભારતને પણ જોડીને સિક્સ આઇસ બનાવવાની તૈયારીઓ ઘણા સમયથી ચાલતી હતી. હવે જ્યારે આ મામલે વિવાદ સર્જાયો છે ત્યારે એ વાતે પણ ચર્ચા ચાલી છે કે, શું હવે ભારત આ સંગઠનની છઠ્ઠી આંખ બનશે ખરું? કેનેડા પણ ઇચ્છશે ખરું કે, ભારત આ સંગઠનનું સભ્ય હોય?ભારતને અનેક દેશો સાથે અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ ઇન્ફર્મેશન શેર કરવાની સમજૂતી થયેલી છે. અમેરિકા અને ઇઝરાયલની જાસૂસી સંસ્થાઓ પણ ભારતને સ્ફોટક અને સેન્સેટિવ માહિતી આપે છે. આપણું જાસૂસી તંત્ર પણ કંઇ ઓછું ઉતરે એવું નથી. ભારત પાસે પણ દુનિયાની માહિતીઓ આવે છે. એ કારણે જ ફાઇવ આઇસ પણ એવું જ ઇચ્છતું હતું કે, ભારત પણ આ સંગઠન સાથે જોડાય. અલબત્ત, હવે એ શક્ય બનશે કે કેમ અને શક્ય બનશે તો ક્યારે બનશે એ સૌથી મોટો સવાલ છે.
આખરે આ ફાઇવ આઇસ અલાયન્સ છે શું? દુનિયાના પાંચ શક્તિશાળી દેશ અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે સાથે મળીને બનાવેલું આ ઇન્ટેલિજન્સ અલાયન્સ છે. આપણો દેશ આઝાદ થયો એના છ વર્ષ પહેલા તારીખ 14મી ઓગસ્ટ, 1941ના રોજ ફાઇવ આઇસ અલાયન્સની રચના થઇ હતી. એ સમયે અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે કોલ્ડ વોર ચાલતી હતી. અમેરિકાના સાથી દેશો પણ સોવિયત યુનિયનની ગતિવિધિઓ પર નજર રાખતા હતા. અમેરિકાને એવો વિચાર આવ્યો કે, બધા અલગ અલગ રીતે જાસૂસી કરે એમાં બધાનો સમય અને શક્તિ વેડફાય, એના કરતા બધા સાથે મળીને સોવિયત યુનિયન પર નજર રાખે તો કામ વધુ સરળ બની જાય. આ વિચાર સાથે બધાએ સાથે મળીને ફાઇવ આઇસ અલાયન્સની રચના કરી. આ સંગઠનની રચના થઇ ત્યારના સમય અને અત્યારના સમયમાં હાથી ઘોડાનો ફેર છે. હવે હાઇટેક ટેક્નોલોજી આવી ગઇ છે. ખમતીધર દેશો હવે સ્પાય સેટેલાઇટની મદદથી એક-બીજા પર નજર રાખે છે. દુનિયાના વ્યવહારો હવે ઇન્ટરનેટની મદદથી થાય છે. ટેક્નોલોજીના કારણે કોઇની ગતિવિધિ છૂપી રહેતી નથી. ફાઇવ આઇસમાં જે પાંચ દેશો છે એ પાંચેપાંચ ભારતના મિત્રો છે. કેનેડા સાથે હવે મતભેદો સર્જાયા છે. અમેરિકા અને ભારતના સંબંધો અત્યારે સોળે કળાએ ખીલેલા છે. અમેરિકા એવું ઇચ્છતું રહ્યું છે કે, ભારત આ સંગઠનમાં જોડાય. માત્ર ભારત જ નહીં, અમેરિકાની ઇચ્છા તો જાપાન, સાઉથ કોરિયા અને જર્મનીને પણ આ સંગઠનમાં જોડવાની છે. બધા મિત્ર દેશો સાથે હોય તો ફેર પડે એવું વિચારીને જ આ સંગઠનનો વિસ્તાર કરવા પર ભાર મૂકવામાં આવતો હતો.
આ વર્ષે ફેબ્રુઆરી, 2023માં ન્યૂઝીલેન્ડના વિદેશ પ્રધાન નાનૈયા મહુતા ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે આપણા વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે દ્વીપક્ષીપ મંત્રણાઓ કરી હતી. તેમની મુલાકાત દરમિયાન ભારતને ફાઇવ આઇસમાં જોડવાની વાત થઇ હતી. ન્યૂઝીલેન્ડે ભારત આઇસમાં જોડાય એવું કહ્યું એનું કારણ ચીન હતું. ચીન દુનિયાના અનેક દેશોની જાસૂસી કરતું રહે છે. અમેરિકામાં બલૂન દ્વારા જાસૂસી કરવાનું પ્રકરણ ખૂબ ગાજ્યું હતું. અમેરિકા પણ એ પછી સતર્ક થઇ ગયું છે. ફાઇવ આઇસમાં જે પાંચ દેશ છે તેમાંથી બે દેશ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ક્વાડ સાથે જોડાયેલા છે. અમેરિકા ક્વાડના બાકીના બે દેશ ભારત અને જાપાનને પણ ફાઇવ આઇસમાં જોડીને સેવન આઇસ કરવા ઇચ્છે છે. જો કે, હવે કેનેડાના કારણે થોડું મોડું થાય તો એમાં નવાઇ પામવા જેવું નહીં હોય. ફાઇવ આઇસમાં ભારત ભલે નથી પણ જ્યારે ભારતના હિતની વાત હોય ત્યારે ફાઇવ આઇસ ઇન્ટેલિજન્સ ઇનપુટ શેર કરતું રહે છે. ફાઇવ આઇસે ભારત વિરૂદ્ધની વિગતો કેનેડાને આપી હોય તો એ ગંભીર વાત છે. કેનેડા અને ભારત વચ્ચે જે વિવાદો શરૂ થયા છે એ ઘડીકમાં પૂરા થાય એવું લાગતું નથી. કેનેડાને એ વાતનો ભય હોય એ સમજી શકાય એવી વાત છે કે, જો ભારત ફાઇવ આઇસમાં જોડાય તો કેનેડામાં બેસીને ખાલિસ્તાની આંતકવાદીઓ અને પંજાબી માફિયાઓ જે કારનામા કરી રહ્યા છે એની વિગતો પણ આપવી પડે. કેનેડાની સરકાર ખાલિસ્તાનીઓને છાવરે છે. ખાલિસ્તાનીઓની ફેવર કરીને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને પોલિટિકલ ફાયદો લેવો છે. ભારત એવી કૂટનીતિ વાપરી રહ્યું છે કે, જસ્ટિન ટ્રુડોને ફાયદા કરતા નુકશાન વધુ જાય. જસ્ટિન ટ્રુડો દૂધે ધોયેલા નથી. તેના નામે પણ અનેક વિવાદો જોડાયેલા છે. કેનેડામાં 19 લાખ જેટલા ભારતીયો વસે છે. તેમાં પંજાબીઓ નવ લાખ જેટલા છે. એ સિવાયના ભારતીયો જસ્ટિન ટ્રુડોથી નારાજ છે. અમેરિકાએ ભલે કેટલીક બાબતોમાં કેનેડાનો સાથ આપવો પડે બાકી અમેરિકા પણ ભારતની સાથે જ છે. કેનેડા સાથે જે થયું એ એની જગ્યાએ છે પણ અમેરિકા એવું ઇચ્છશે કે ભારત ફાઇવ આઇસમાં જોડાય. જો કે હવે ભારત છઠ્ઠી આંખ બનવા તૈયાર થશે કે કેમ એ જ સવાલ છે!