• પંજાબનો ખાલિસ્તાની કટ્ટરવાદી અમૃતપાલ સિંહે જેલમાં બેઠા બેઠા લોકસભાની ખડુર સાહિબ બેઠક પરથી ચૂંટણી જીતી લીધી છે. કાશ્મીરનો કટ્ટરવાદી અબ્દુલ રશીદ શેખ પણ બારામુલા બેઠક પરથી ચૂંટણી જીતી ગયો છે. આ બંનેની જીતે બધાને ચોંકાવ્યા છે!
  • ભૂતપૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીના હત્યારા બિઅંત સિંહના દીકરા સરબજિત સિંહ ખાલસાએ ફરીદકોટ બેઠક પરથી ચૂંટણી જીતી છે. અમૃતપાલ સિંહ, અબ્દુલ રશીદ શેખ અને સરબજિત ત્રણેય અપક્ષ ઊભા રહીને જીત્યા છે! હવે એ બધાનું શું થશે?

લોકશાહીની કેટલીક બલિહારીઓ પણ છે. ચૂંટણીમાં જેમના નામે અનેક ગુનાઓ ચડેલા હોય એ તો ચૂંટાઇ આવતા હોય છે પણ આ વખતની ચૂંટણીમાં ત્રણ કટ્ટરવાદીઓએ પણ ચૂંટણીમાં જીત મેળવી છે. આ ત્રણેયમાં એક કોમન વાત એ છે કે, ત્રણે ત્રણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા છે. ત્રણમાંથી બે અત્યારે જેલમાં છે. ખાલિસ્તાની આતંકવાદી અમૃતપાલ સિંહે પંજાબની ખડુર સાહિબ બેઠક પરથી જીત મેળવી છે. કાશ્મીરના કટ્ટરવાદી અબ્દુલ રશીદ શેખ ઉર્ફે એન્જિનિયર બારામુલા બેઠક પર કાશ્મીરના ખમતીધર નેતા ઉમર અબ્દુલ્લાને હરાવીને ચૂંટણી જીત્યો છે. દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીના હત્યારા બિઅંત સિંહનો દીકરો સરબજિત સિંહ ખાલસા ફરીદકોટની બેઠક પરથી જીતી ગયો છે. અમૃતપાલ સિંહ અત્યારે આસામના દિબ્રુગઢની જેલમાં છે. અબ્દુલ રશીદ શેખ દિલ્હીની તિહાર જેલમાં છે. આ બંને શપથ લેવા કેવી રીતે જઇ શકશે? સંસદના સત્રમાં હાજરી આપી શકશે? આ અને આના સિવાયના ઘણા સવાલો પેદા થયા છે. કાનૂની નિષ્ણાતો કહે છે કે, શપથ માટે બંનેએ અદાલતમાંથી મંજૂરી મેળવવી પડશે. અદાલત બંધારણની જોગવાઇઓના આધારે તેમને જવા દેવા કે ન જવા દેવા તેનો નિર્ણય કરશે. સંસદના સત્રમાં હાજરી આપવા માટે પણ બંનેએ અદાલતના નિર્ણયો પર જ મદાર રાખવો પડશે. જો હાજર રહી શકે એમ નહીં હોય તો લોકસભાના સ્પીકર પાસે ગેરહાજર રહેવાની મંજૂરી લેવી પડશે. જેલની હવા ખાતા આ બંનેને હજુ સજા પડી નથી. જો બંનેને બે વર્ષ કરતા વધુ સજા થશે તો બંને ગેરલાયક ઠરશે. કેટલાંક સવાલો એવા હોય છે જેનો જવાબ માત્રને માત્ર સમય આપતો હોય છે. એ વાતથી તો કોઇ ઇન્કાર થઇ શકે એમ નથી કે, આ સંસદ સભ્યો કટ્ટરવાદી પ્રવૃતિઓમાં સંડોવાયેલા છે. અમૃતપાલ, અબ્દુલ શેખ રશીદ અને સરબજિત સિંહ કેવી રીતે જીત્યા તેની વિગતો પણ જાણવા જેવી છે.

સૌથી પહેલી વાત અમૃતપાલ સિંહની કરીએ. ગયા વર્ષે અમૃતપાલે પંજાબમાં ઉપાડો લીધો હતો. આ અમૃતપાલે ખડૂર સાહિબ બેઠક પર કોંગ્રેસના કુલબીરસિંહ જીરા, અકાલી દળના વિરસા સિંહ વલ્ટોજા અને આપના લાલજિત સિંહ ભુલ્લરને હરાવીને જીત મળેલી છે. અમૃતપાલને કુલ 4,04,430 મત મળ્યા છે અને સરસાઇ 1 લાખ 78 હજારથી વધુ છે. અમૃતપાલ વિજેતા જાહેર કરાયો એ પછી તેની માતાએ કહ્યું કે, અત્યારે કોઇએ જીતની ઉજવણી કરવાની નથી, સેલિબ્રેશન તારીખ 6 જૂને કરજો! એ દિવસે ઓપરેશન બ્લૂ સ્ટારની વરસી છે. ગુરુવારે ઉજવણી કરવામાં આવી! હજુ બે વર્ષ પહેલા સુધી તો અમૃતપાલ સિંહ દુબઇ રહેતો હતો. દુબઇથી તેને કટ્ટરવાદી પ્રવૃતિ માટે જ પંજાબ બોલાવાયો હતો. દીપ સિદ્ધુની જગ્યાએ તેને ગોઠવવામાં આવ્યો હતો. વારિસ દે પંજાબ સંગઠનના સ્થાપક દીપ સિદ્ધુએ ખેડૂતોના આંદોલન વખતે જોરદાર ઉધામા મચાવ્યા હતા. દિલ્હીના લાલ કિલ્લામાં ખાલિસ્તાની ઝંડા ફરકાવવાના મામલામાં દીપ સિદ્ધુ ચર્ચામાં આવ્યો હતો. આ દીપ સિદ્ધુ તારીખ 15મી ફેબ્રુઆરી, 2022ના રોજ કારમાં દિલ્હીથી પંજાબ જઇ રહ્યો હતો ત્યારે હરિયાણાના સોનિપત નજીક તેની કારને અકસ્માત નડ્યો હતો અને તેનું મોત થયું હતું. આ ઘટના પછી અમૃપાલને દુબઇથી બોલાવી વારિસ દે પંજાબનો વડો બનાવી દેવાયો હતો. ખાલિસ્તાની ગતિવિધિઓમાં પકડાયેલા કેટલાંક લોકોને પોલીસના કબજામાંથી છોડાવવા માટે અમૃતપાલ અને તેના સાથી ખાલિસ્તાનીઓએ 18મી માર્ચ, 2022ના રોજ અજનાલા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું અને તોફાન મચાવ્યું હતું. અમૃતપાલ સિંહે જરનલસિંહ ભિંદરાવાલે જેવો જ હુલિયા અને પહેરવેશ અપનાવ્યા હતા. તારીખ 23મી એપ્રિલ, 2023ના દિવસે ભિંદરાવાલેના ગામેથી જ તેને પોલીસે પકડ્યો હતો. પંજાબમાં તેને રાખવો જોખમી હતો એટલે જ તેને આસામના દિબ્રુગઢની જેલમાં શિફ્ટ કરાયો હતો. અમૃતપાલ સામે નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. માત્ર 31 જ વર્ષના અમૃતપાલે બ્રિટનની કિરણદીપ કૌર સાથે ગયા વર્ષે 10મી ફેબ્રુઆરી 2023ના દિવસે જ મેરેજ કર્યા હતા. કિરણદીપ કૌરને અમૃતસર એરપોર્ટ પરથી જતી રોકવામાં આવી હતી. જે વ્યક્તિ સામે પોલીસ ચોપડે અનેક ગુનાઓ નોંધાયા છે અને જે પોતાને જ ખાલિસ્તાની તરીકે પેશ કરતો આવ્યો છે એ અમૃતપાલ હવે સંસદ સભ્ય છે!

હવે વાત કરીએ અબ્દુલ રશીદ શેખ ઉર્ફે એન્જિનિયર રશિદની. 56 વર્ષના શેખ રશીદે અવામી ઇત્તેહાદ પાર્ટીની સ્થાપના કરી હતી. કાશ્મીરમાં તે ધારાસભ્ય રહી ચૂક્યો છે. રશીદ સામે કાશ્મીરના ટેરર ફંડિગનો કેસ નોંધાયો છે. આ કેસમાં જ તે અત્યારે દિલ્હીના જેલમાં છે. જેલમાંથી જ તેણે કાશ્મીરની બારામુલા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક પરથી જ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા ચૂંટણી મેદાનમાં હતા. જમ્મુ કાશ્મીર પિપલ્સ કોન્ફરન્સના સજ્જાદ ગની લોને પણ આ બેઠક પર જ ઝુકાવ્યું હતું. આ બધાને હરાવીને અબ્દુલ રશીદ શેખે ચૂંટણી જીતી લીધી છે. રશીદ શેખને 4,69,574 મત મળ્યા હતા. તેની સરસાઇ 1.34,705ની હતી. શેખ રશીદે ઉમેદનારી નોંધાવી ત્યારથી જ નક્કી હતું કે આ બેઠક પર હવે ઉમર અબ્દુલ્લાની હાલત ખરાબ થવાની છે. અમૃતપાલ અને રશીદ શેખને જે લોકોએ ચૂંટ્યા છે એની માનસિકતા પણ સમજવા જેવી છે. કટ્ટરવાદીઓ પ્રત્યે લોકોનો સોફ્ટ કોર્નર દેશ માટે પણ ચિંતાનો વિષય તો છે જ.

પંજાબની ફરીદકોટ બેઠક પરથી જીતેલા સબરજિત સિંહના વ્યક્તિત્ત્વ વિશે જાતજાતની વાતો થઇ છે. સબરજિત સિંહ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા કરનાર બિઅંત સિંહનો દીકરો છે. ઓપરેશન બ્લૂ સ્ટાર બાદ ઇંદિરા ગાંધીના સુરક્ષા કર્મચારી તરીકે જ ફરજ બજાવનાર બિઅંતસિંહ અને સતવતસિંહે તારીખ 31મી ઓકટોબર, 1984ના દિવસે તેમના નિવાસ સ્થાને જ મશીનગનમાંથી ગોળીઓ વરસાવીને હત્યા કરી હતી. એ સમયે બીજા સુરક્ષા કર્મચારીઓએ બિઅંતસિંહને ગોળી મારી હતી અને એ સ્થળે જ બિઅંતસિંહનું મોત થયું હતું. બીજા હત્યારા સતવતસિંહને ફાંસીની સજા આપવામાં આવી હતી. જ્યારે બિઅંતસિંહે ઇદિરાની હત્યા કરી અને માર્યો ગયો ત્યારે સરબજિત સિંહ છ વર્ષનો હતો. ખાલિસ્તાનીઓ તેને શહીદનો દીકરો કહે છે અને ખાલિસ્તાનીઓની મદદથી જ તેનો ઉછેર થયો છે. 2015માં ફરીદકોટમાં ગુરૂ ગ્રંથ સાહેબના અપમાનની ઘટના બની હતી. આ ઘટનાનો ઇશ્યૂ સરબજિત સિંહે ઉઠાવ્યો હતો અન તે ચર્ચામાં આવ્યા હતા. સબરજિતને 2,98,062 મત મળ્યા છે. 70,053ની સરસાઇથી તેણે આપના ઉમેદવાર કરણજિત અણમોલ, કોંગ્રેસના ઉમેદવાર અમરજિત કૌર અને અકાલી દળના ઉમેદવાર રાજવિંદર સિંહને હરાવ્યા છે. બિઅંતસિંહના પિતા અને સબરજિતના દાદા બાબા સુચા સિંહ પણ ભટિંડાની બેઠક પર જીતીને સંસદ સભ્ય રહી ચૂક્યા છે. આતંકવાદી પ્રવૃતિમાં સંડોવાયેલા ત્રણ ત્રણ લોકો હવે સંસદ સભ્ય છે એ પણ કેવી વિચિત્રતા છે! ત્રણેય ભલે સંસદ સભ્ય બની ગયા હોય પણ હવે આ ત્રણેય પર સુરક્ષા એજન્સીઓએ વધુ તીણી નજર રાખવી પડશે જેથી એ લોકોના આંતકવાદને વકરાવવાના પ્રયાસો સફળ ન થાય!


  • Follow us on: