અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિનને ધમકી આપી છે કે, યુદ્ધ રોકવા સીધી રીતે માની જાવ!
યુદ્ધ ખતમ કરવા માટે પુટિને આકરી શરતો મૂકી છે. પુટિને કહ્યું કે, અમેરિકા અમારી સાથે સીધી વાતચીત કરે. ટ્રમ્પ ભલે ચેતવણીઓ આપતા હોય પણ પુટિન કોઇ વાતથી ડરે એ વાતમાં માલ નથી. આવા સંજોગોમાં સમાધાન ક્યારે થશે? |
રશિયા અને યુક્રેનનું યુદ્ધ રોકવા માટે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ રઘવાયા થયા છે. યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદીમિર ઝેલેન્સ્કીને ડોનાલ્ડ ટ્રમ્પે ડરાવી ધમકાવીને પોતે કહે એમ કરવા મજબૂર કરી દીધા છે, હવે સવાલ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુટિનનો છે. પુટિન રોજેરોજ નવી વાત કરી રહ્યા છે. પ્રેસિડેન્ટ બન્યા ત્યારથી બધા સાથે ધમકીની ભાષામાં જ વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને પણ ધમકી આપી છે કે, સીધી રીતે યુદ્ધ રોકવા માટે તૈયાર થઇ જાવ, નહીંતર તમારી હાલત ખરાબ કરી નાખીશ. હજુ વધુ પ્રતિબંધો લાદીશ અને તમને ક્યાંયના નહીં રાખું. ટ્રમ્પની ધમકીઓથી બીજા બધા ડરી જાય પણ પુટિન એમ કોઇનાથી ડરે એવા નથી. પુટિનને યુદ્ધ ખતમ કરવું છે એમાં ના નહીં પણ પોતાની તંગડી ઊંચી રહે અને મેક્સિમમ ફાયદો થાય એ રીતે પુટિને સમાધાન કરવું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં એવી વાતો કરી હતી કે, જો હું ચૂંટાયો તો શપથ લઇશ એ પહેલા રશિયા અને યુક્રેનનું યુદ્ધ રોકાવી દઇશ. ટ્રમ્પે શપથ લીધા એને પણ આવતી વીસમી તારીખે બે મહિના થઇ જશે, હજુ યુદ્ધ રોકાયું નથી. ટ્રમ્પ દાવ અજમાવે છે પણ ઝેલેન્સ્કી અને પુટિન તેના દાવ ઊંધા પાડી દે છે! યુદ્ધ સમાપ્તિની ફાઇનલ ડીલ કરવા માટે ટ્રમ્પ અને પુટિન સાઉદી અરેબિયામાં મુલાકાત કરવાના છે પણ એ ક્યારે થશે એ કોઇ કહી શકે એમ નથી. પુટિને હવે એવી વાત કરી છે કે, યુક્રેનને વચ્ચે લાવ્યા વગર ડોનાલ્ડ ટ્રમ્પ મારી સાથે સીધી વાત કરે. ટ્રમ્પને એ ટેન્શન છે કે, યુક્રેનને સાથે નહીં રાખીએ તો ઝેલેન્સ્કી માનશે નહીં. ટ્રમ્પ અગાઉ એવું કહી ચૂક્યા છે કે, પુટિનને મનાવવા કરતા ઝેલેન્સ્કીને રાજી કરવા વધુ અઘરા છે! યુરોપના કેટલાંક દેશો ઝેલેન્સ્કીની પડખે ચડી ગયા છે. બ્રિટન અને ફ્રાંસ સહિત અનેક દેશો યુક્રેનની સાથે છે. ટ્રમ્પ જે રીતે યુદ્ધ રોકાવવા તૈયાર થયા છે એ તેના મિત્ર દેશોને જ પસંદ પડ્યું નથી. આ બધું ચાલી રહ્યું છે ત્યારે પુટિન પોતાની શરતો મૂકીને ઊભા રહી ગયા છે!
શું છે રશિયન પ્રેસિડેન્ટ
પુટિનની યુદ્ધ રોકવાની શરતો?
રશિયાના પ્રેસિડેન્ટ પુટિને યુદ્ધ રોકવા માટે અનેક અઘરી શરતો મૂકી છે. પુટિને કહ્યું કે, યુક્રેન અને અમેરિકા જો આ શરતો માની જાય તો યુદ્ધ રોકવા તૈયાર છું. પુટિનની સૌથી પહેલી શરત એ છે કે, યુક્રેન નાટોમાં સામેલ થવાનો વિચાર માંડી વાળે. નાટોની પીસ ફોર્સ પણ યુક્રેનમાં આવે એવું પુટિન નથી ઇચ્છતા. આ બે શરતો તો ઝેલેન્સ્કી માની જાય એમ છે પણ ત્રીજી જે શરત છે એ ઝેલેન્સ્કી માનશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. રશિયાએ યુક્રેનના ક્રિમિયા પર 2014માં કબજો જમાવી દીધો હતો. ત્રણ વર્ષ કરતા વધુ સમયથી ચાલતા યુદ્ધ દરમિયાન રશિયાએ યુક્રેનના લુહાંસ્ક, ડોનેટસ્ક, જાપોરેઝિયા અને ખેરસોન વિસ્તાર પર કબજો કરી લીધો છે. આ વિસ્તારમાં અત્યારે રશિયાની સેના તહેનાત છે. બધા મળીને રશિયાએ યુક્રેનના વીસ ટકા વિસ્તાર પર કબજો જમાવી લીધો છે. પુટિન કહે છે કે, આ વિસ્તાર હવે અમારો રહેશે. અમે તેને છોડવાના નથી. આ શરત ઝેલેન્સ્કી માનવા તૈયાર નથી. આ વિસ્તાર રશિયાને સોંપી દે તો એ યુક્રેનની મોટી હાર ગણાય. યુક્રેન માટે દળી દળીને ઢાંકણીમાં જેવી સ્થિતિ પેદા થાય. ઇતિહાસ પણ ઝેલેન્સ્કી શરણે થઇ ગયા હતા એ વાત નોંધી રાખે. યુક્રેનના કબજાવાળા વિસ્તારના લોકો પણ ઝેલેન્સ્કીને માફ ન કરે. ઝેલેન્સ્કી રશિયાની આ શરત સ્વીકાર એવું લાગતું નથી. કેટલાંક નિષ્ણાતો એવું કહે છે કે, ટ્રમ્પ ઝેલેન્સ્કીને ડરાવીને મનાવી લેશે.
પુટિનની શરતો માત્ર યુક્રેન માટે જ નથી, અમેરિકા માટે પણ છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો એ પછી અમેરિકાએ રશિયા પર અસંખ્ય પ્રતિબંધો લાદ્યા છે. રશિયા એવું ઇચ્છે છે કે, અમેરિકા આ પ્રતિબંધો હટાવી દે. અમેરિકા માટે આવું કરવું અઘરું નથી પણ એવું કરવાથી અમેરિકાની ઇમેજને ધક્કો તો લાગવાનો જ છે. અમેરિકાના મિત્ર દેશો કહે છે કે, તમારા કહેવાથી અમે પણ યુક્રેન સાથે પંગો લીધો. તમે જે પ્રતિબંધો લાદ્યા હતા એના કારણે અમને પણ ઓછા આર્થિક ફટકા પડ્યા નથી. અમને જે નુકશાન ગયું છે એનું શું? યુરોપના દેશોને એ વાતનો પણ ડર સતાવે છે કે, રશિયા ગમે ત્યારે ગમે તે કરશે. પુટિનનો કોઇ ભરોસો નથી. પુટિન અમને પણ એવી ગેરંટી આપે કે, અમે ભવિષ્યમાં બધા સાથે સખણા રહેશે. અમેરિકા પોતાના મિત્રોના હિતોને નજરઅંદાઝ કરી રહ્યા છે.
અમેરિકાની સાથી દેશો સાથેની
દોસ્તી દાવ પર લાગી છે!
અમેરિકા જો પોતાની રીતે જ રશિયા સાથે સમાધાન કરી લેશે તો બનવા જોગ છે કે, અમેરિકાના સાથી દેશો તેનાથી દૂર થઇ જાય. સૈન્ય સંગઠન નાટોના અસ્તિત્ત્વ સામે પણ સવાલો પેદા થવાના છે. અમેરિકા અત્યારે પોતાના મિત્ર દેશોને પણ ટેરીફ અને બીજી ધમકીઓ આપી રહ્યા છે. ટ્રમ્પની ભાષા અને ટ્રમ્પના નિર્ણયો સાથી દેશોથી સહન થતા નથી. બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મર અને ફ્રાંસના પ્રેસિડેન્ટ ઇમેનુઅલ મેક્રૌંએ તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અમેરિકા જે કરી રહ્યું છે એ વાજબી નથી. અમારો કંઇ વિચાર જ નહીં કરવાનો? દરેક મામલે અત્યારે જે થઇ રહ્યું છે એનાથી એવું લાગે છે કે, યુદ્ધનો અંત નજીકમાં દિવસોમાં આવે એવી શક્યતાઓ બહુ ઓછી છે. અમેરિકા બધાને ડરાવીને મનાવી શકવાનું નથી. સરવાળે યુદ્ધ સામેના સવાલો હજુ એવાને એવા ઊભા છે!
યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી 30 દિવસ યુદ્ધ વિરામ માટે તૈયાર થઇ ગયા છે |
રશિયા પોતાની જીદ અને શરતો પર અડેલું છે. અમેરિકા રશિયા અને યુક્રેન બંનેને ધમકી આપી ચૂક્યું છે. યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદીમિર ઝેલેન્સ્કીને સમાધાનની જે શરતો છે એ માન્ય નથી પણ એની પાસે અમેરિકાની વાત માનવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતમાં ઝેલેન્સ્કીએ તડાફડી બોલાવી દીધી હતી. ટ્રમ્પે તેમને કાઢી મૂક્યા એ પછી ઝેલેન્સ્કીએ નમતું જોખ્યું હતું અને યુદ્ધ માટે વાતચીત કરવા તૈયાર થયા હતા. ઝેલેન્સ્કીએ સાઉદી અરેબિયા જઇને યુદ્ધ વિરામ માટે રશિયાના પ્રતિનિધિઓ સાથે વાતચીત પણ કરી. વાલોદીમિર ઝેલેન્સ્કીએ 30 દિવસ માટે યુદ્ધવિરામ કરવાની તૈયારી બતાવી છે. તેમનો ઇરાદો એવો છે કે, 30 દિવસ દરમિયાન રશિયા જે કહ્યું હોય એ કરી બતાવે. અમેરિકાની ઇચ્છા કામચલાઉ યુદ્ધવિરામની નહીં પણ યુદ્ધ ખતમ કરવાની છે. યુદ્ધનો અંત આવે એ પહેલા હજુ એક વખત ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત થાય એવી શક્યતાઓ છે. અમેરિકાએ યુક્રેન સાથે ખનીજ ડીલ કરવી છે અને પોતે જે નાણાં યુક્રેન પાછળ ખર્ચ્યા છે એ વસુલ કરવા છે. અત્યારે અમેરિકા, રશિયા અને યુક્રેન એમ ત્રણેય પોતાનો સ્વાર્થ સાધવામાં લાગ્યા છે. આમાં જ વાત ટલ્લે ચડી રહી છે!










