સાઉદી અરેબિયાની જેલમાં 2633 અને યુનાઇટેડ આરબ અમિરાતમાં 2518 ભારતીય કેદીઓ છે. મુસ્લિમ દેશોના કાયદાઓ સખત હોય છે. નાની ભૂલ પણ જેલમાં ધકેલી શકે છે!
| વિદેશની જેલમાં સજા ભોગવતા ભારતીયોને કેટલાંક કિસ્સાઓમાં સરકાર તમામ પ્રકારની મદદ કરે છે. ડ્રગ્સ કે બીજા ગંભીર ગુનાઓ હોય તો ગુનેગારને એના નસીબ પર છોડી દેવામાં આવે છે. કેટલાંક કિસ્સામાં સરકાર ઇન્ટરનેશનલ કોર્ટ સુધી લડી છે |
જેલ, કારાવાસ, કેદખાનું, સુધારગૃહ કે બીજું કોઇપણ નામ આપો, એનો મતલબ છેલ્લે તો એ જ થાય છે કે, ગુનાની સજા ભોગવવાનું સ્થળ. જેલ વિશે દરેક દેશની પોતાની માન્યતા અને માનસિકતા હોય છે. કેટલાંક દેશો કહે છે કે, જેલ એટલે જેલ. માણસ ન કરવા જેવા કામ કરે તો એણે કર્યા ભોગવવા પડે. આપણે ત્યાં જેલને સુધારગૃહ તરીકે ઓળખવામાં આવે છે. માણસ જાણે અજાણે ગુનો કરે એ પછી તેને સુધારવાનું કામ જેલમાં થાય છે. આપણે ત્યાં સારી ચાલચલગતવાળા કેદીઓ માટે ઓપન જેલનો કન્સેપ્ટ પણ અમલમાં મુકાયો છે. એ વાત જુદી છે કે, કેટલાંક ગુનેગારો એવા હોય છે જે ક્યારેય સુધરતા નથી. એવા અનેક કિસ્સાઓ છે કે, માણસ સામાન્ય ગુનામાં જેલમાં ગયો હોય પણ જેલમાં એવા લોકોની મુલાકાત થાય કે માણસ હાર્ડકોર ક્રિમિનલ બની જાય. આપણે ત્યાં માણસ જેલમાં ગયા પછી પણ એવું ઇચ્છતો હોય છે કે, એ પોતે જ્યાં રહેતો હોય એ શહેરની જેલમાં જ તેને રાખવામાં આવે જેથી નજીકના લોકો વારેતહેવારે મળવા આવી શકે. કાચા કામના કેટલાંક પહોંચેલા કેદીઓ તો ઘરનું ખાવા માટે ટિફિનની ગોઠવણ પણ કરી લેતા હોય છે. દેશની જેલમાં હોય ત્યાં સુધી તો હજુયે વાંધો નથી આવતો પણ દુનિયાના બીજા કોઇ દેશની જેલમાં ધકેલાઇ જાય ત્યારે હાલત ખરાબ થઇ જતી હોય છે. કેટલાંક દેશો તો એવા છે જ્યાં જેલની સજા ખૂબ જ આકરી હોય છે. આપણે એવી વાતો પણ સાંભળતા આવ્યા છે કે, ફલાણા દેશની જેલ તો હોટલ જેવી હોય છે. જેલ વિશે ભલે ગમે એવી વાતો થતી હોય પણ જેલ એ આખરે જેલ છે. જેણે જેલ જોઇ હોય અને સજા ભોગવી હોય એ જ ત્યાંની ખરી પરિસ્થિતિ જાણતા હોય છે. બાકી સામાન્ય માણસે તો જેલ ફિલ્મો અને વેબસીરિઝોમાં જ જોઇ હોય છે, જે વાસ્તવિક જેલ કરતા તદ્ન જુદી હોય છે!
હમણાં આપણી સંસદમાં એક સવાલ પૂછાયો હતો કે, દુનિયાના કયા દેશની જેલમાં આપણા દેશના કેટલા લોકો સજા કાપી રહ્યા છે? આ સવાલના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે જણાવ્યું હતું કે, દુનિયાના 86 દેશોની જેલમાં ભારતના 10,152 નાગરિકો સજા ભોગવી રહ્યા છે. એમાં કેટલાંક એવા છે જેની સામે હજુ કેસ ચાલે છે. તેઓ હજુ ગુનેગાર સાબિત થયા નથી. સાઉદી અરેબિયામાં 2633 ભારતીય કેદીઓ છે. યુનાઇટેડ આરબ અમિરાતમાં 2518 કેદીઓ સજા ભોગવી રહ્યા છે. નેપાળની જેલમાં 1317 ભારતીયો છે. પાકિસ્તાનમાં 266 અને શ્રીલંકાની જેલમાં 98 ભારતીય કેદીઓ છે. આ ઉપરાંત અમેરિકા, સ્પેન, રશિયા, ઇઝરાયેલ, ચીન, બાંગ્લાદેશ, આર્જેન્ટિના સહિત બધા મળીને 86 દેશ એવા છે જ્યાં ભારતીય કેદીઓ છે. કેટલાંક કેદીઓ એવા પણ છે જે ભારતીય મૂળના છે પણ તેનો જન્મ જે તે દેશમાં થયો છે.
ભારતીય કેદીઓના કિસ્સાઓમાં એક આંકડો આંચકો આપે એવો પણ છે. દુનિયાના દેશોની જેલમાં 54 ભારતીયો એવો છે જેને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી છે. મોતની સજા સંભળાવવામાં આવી હોય તેવા 29 ઇન્ડિયન્સ યુનાઇટેડ આરબ અમિરાતના વિવિધ શહેરોની જેલમાં છે. સાઉદી અરેબિયામાં બાર ભારતીયોને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે. ફાંસીની સજા જેને ફટકારવામાં આવી હોય તેના એક એક કિસ્સા ફિલ્મી સ્ટોરીને ટક્કર આપે તેવા છે. મોટા ભાગના કેસો હત્યા અથવા ડ્રગ્સના છે. કેટલાંક મુસ્લિમ દેશોમાં જાસૂસીને સૌથી ગંભીર ગુનો ગણીને મોતની સજા આપવામાં આવે છે. દુબઇની જેલમાં સજા ભોગવતી ભારતની શહેજાદીને ગમે ત્યારે ફાંસીની સજા આપવામાં આવશે એવી વાતો ચાલી રહી છે. યમનમાં નર્સ તરીકે કામ કરવા ગયેલી કેરળની નિમિષા પ્રિયાને પોતાના બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મહેદીની હત્યાના કેસમાં મોતની સજા ફરમાવવામાં આવી છે. શહેજાદી અને પ્રિયાને બચાવવા માટે આપણી સરકાર રાજનૈતિક પ્રયાસો કરી રહી છે. એવા અનેક કિસ્સાઓ છે જે ચર્ચાના ચકડોળે ચડેલા છે.
વિદેશની જેલો સુધી પહોંચી જનારા ભારતીયોમાં મોટી સંખ્યા માછીમારોની પણ છે. એક અહેવાલ મુજબ હાલમાં 307 ભારતીય માછીમારો જુદા જુદા દેશોની જેલમાં છે. સૌથી વધુ 217 માછીમારો પાકિસ્તાનની જેલમાં અને 58 માછીમારો શ્રીલંકાની જેલમાં છે. માછીમારો દરિયામાં માછલા પકડવા ગયા હોય ત્યારે જાણે અજાણે ભારતીય દરિયાઇ સીમા ઓળંગીને પાકિસ્તાન અથવા તો બીજા દેશોની સીમામાં પહોંચી જાય છે. જે તે દેશનું કોસ્ટગાર્ડ તેને પકડીને જેલમાં પૂરી દે છે. એમને છોડાવવા માટે સરકારે લાંબી કસરત કરવી પડે છે. એક સરકારી આંકડા મુજબ ગયા વર્ષ 2024 દરમિયાન શ્રીલંકાથી 479, બાંગ્લાદેશથી 95, બહેરીનથી 47, કતારથી 29 અને સાઉદી અરેબિયાથી 27 માછીમારોને સરકારે મુક્ત કરાવ્યા હતા. કેદીઓની બાબતોમાં પાકિસ્તાન સૌથી આડું ચાલે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2008માં એવો કરાર થયો હતો કે, બંને એક-બીજાને કેદીઓની પૂરી વિગતો આપશે અને વર્ષ દરમિયાન બે વખત તારીખ 1 જાન્યુઆરી અને તારીખ 1 જુલાઇના રોજ એક-બીજાના કેદીઓને મુક્ત કરશે. પાકિસ્તાન કોઇ કરાર કે સમજૂતીને ફોલો કરતું નથી. આપણા દેશે એ મુદ્દે પાકિસ્તાન સામે નારાજગી પણ વ્યક્ત કરી છે.
પાકિસ્તાનમાં એવા ભારતીય કેદીઓ છે જેને પાકિસ્તાને જાસૂસીના ખોટા કેસોમાં પૂરી રાખ્યા છે. આમાંના કેટલાંક કિસ્સાઓ તો ઇન્ટરનેશનલ કોર્ટ સુધી ગયા છે. પાકિસ્તાન સાચા ખોટા કેસ ચલાવીને ફાંસીની સજા ફરમાવી દે છે પછી એ કેસના નામે રમત રમે જ છે. આવો જ એક કેસ કુલભૂષણ જાદવનો છે. કુલભૂષણ સામે જાસૂસીનો ખોટો કેસ ચલાવીને પાકિસ્તાનની અદાલતે તેને ફાંસીની સજા ફરમાવી છે આપણી સરકાર આ કેસને ઇન્ટરનેશનલ કોર્ટમાં લઇ ગઇ છે. વિદેશની જેલોમાં સજા ભોગવતા એક એક કેદીની પોતાની કથા છે. ખોટી રીતે ફસાયેલાને બચાવવા માટે સરકારનું એક આખું તંત્ર કામ કરે છે.
સૌથી વધુ કેદીઓ ક્યા દેશમાં છે? ભારતનો નંબર ચોથો છે!
દુનિયામાં સૌથી વધુ કેદીઓ અમેરિકાની જેલમાં છે. અમેરિકામાં બધા મળીને 18,08,100 કેદીઓ જુદી જુદી જેલમાં રખાયા છે. અમેરિકા પછી દુનિયામાં સૌથી વધુ કેદીઓ ચીનની જેલમાં છે. ચીનમાં 16,90,000 કેદીઓ સજા ભોગવી રહ્યા છે. અમેરિકા અને ચીન પછી ત્રીજો નંબર બ્રાઝિલનો છે. બ્રાઝિલમાં 8,50,377 કેદીઓ જેલમાં છે. આપણા ભારત દેશનો નંબર ચોથો છે. 7,73,220 કેદીઓ ભારતના જુદા જુદા શહેરોની જેલમાં છે. ભારત પછી રશિયા, તુર્કિયે અને થાઇલેન્ડનો નંબર આવે છે. આપણા દેશની જેલોમાં એવા કેદીઓની સંખ્યા બહુ મોટી છે જેના પર હજુ કેસો ચાલી રહ્યા છે. કાચા કામના કેદીઓ પોતાની સામે અદાલતમાં જે કેસો છે એના ઉકેલની રાહ જોઇને બેઠા છે. કેટલાંક આરોપીઓ તો એવા છે જેણે અદાલતના ચુકાદા વગર જ સજા ભોગવી લીધી હોય! મતલબ કે, ગુનાની સજા પાંચ વર્ષની હોય અને અદાલતમાં ફેંસલો આવતા છ વર્ષ થઇ ગયા હોય! અદાલત સજા ફરમાવે એટલી સજા ઓલરેડી ભોગવી લીધી હોવાથી કેદીને મુક્ત કરી દેવામાં આવે છે! વર્ષોથી જેલમાં હોય અને ચુકાદો આવે ત્યારે નિર્દોષ છૂટ્યા હોય એવા પણ ઘણા કિસ્સાઓ આપણે ત્યાં નોંધાયા છે!










