માત્ર 18 વર્ષના ગુકેશ દોમ્મારાજુએ ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન બનીને દેશને ગૌરવ અપાવ્યું છે. સૌથી નાની વયના આ ચેમ્પિયને લાંબો અને સખત સંઘર્ષ કર્યો છે. મંઝિલે પહોંચો ત્યારે જ દુનિયા તમને ઓળખતી થાય છે

ગુકેશના માતા પિતા અને પરિવારજનોએ પણ ગુકેશને ટોચ પર જોવા માટે મોટો ભોગ આપ્યો છે. જે લોકો યંગ જનરેશનની ટીકા કરતા રહે છે તેને ગુકેશે જવાબ આપ્યો છે કે, કંઇક કરી છૂટવાવાળા છાનાખૂણે પરસેવો પાડતા રહે છે!

હજુ બે દિવસ પહેલા દેશના લોકો જેના નામથી ખાસ પરિચિત નહોતા એ ગુકેશ આજે આખા દેશનો હિરો બની ગયો છે. માત્ર 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનીને ગુકેશે ઇતિહાસ તો સર્જ્યો જ છે, સાથોસાથ આખા દેશના લોકોનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. એની જીત થઇ ત્યારે તેની આંખો છલકાઇ ગઇ હતી. તેની સાથે જ આખા દેશના લોકો આફરીન પોકારી ગયા હતા. ગુકેશના પિતા દીકરો ચેસ રમતો હતો એ રૂમની બહાર લોબીમાં હતા. એને જ્યારે ખબર પડી કે, દીકરાએ ઝંડો ફરકાવી દીધો છે ત્યારે તેના હાવભાવ એ વાત બયાન કરતા હતા કે, આ ક્ષણને જ તેમણે ઝંખી હતી.

વિજેતા દીકરો બાપને ગળે વળગ્યો એ દ્રશ્યએ ઘણાની આંખોના ખૂણા ભીના કરી દીધા હતા. ગુકેશના માતા તો એટલા બધા તણાવમાં હતા કે, તેમણે મોબાઇલ જ બંધ કરી દીધો હતો. ગુકેશની આન્ટીએ આવીને તેને કહ્યું કે, ગુકેશ જીતી ગયો છે. ગુકેશના કોચ અને તેને મદદ કરનાર તમામે તમામ લોકો રોમાંચિત હતા. કોઇ એક વ્યક્તિ જ્યારે સફળ થાય છે ત્યારે સફળ ભલે એ એકલી થતી હોય પણ તેની પાછળ ઘણા લોકોની મહેનત, સાથ અને પ્રાર્થનાઓ હોય છે. ગુકેશ જ્યારે ફાઇનલ રમવાનો હતો ત્યારે મીડિયામાં એવા સમાચારો વહેતા થયા હતા કે,

ગુકેશ જો આજે જીત્યો તો એ દુનિયાનો સૌથી નાની વયનો ચેસ ચેમ્પિયન બનશે. ગુકેશે જેને હરાવ્યો એ ચીનના ખેલાડી ડિંગ લિરેન કંઇ જેવી તેવી માયા નથી, તેણે પણ ચેસની દુનિયામાં ઓછી સફળતા નથી મેળવી. એ પણ ગ્રાન્ડ માસ્ટર અને ચેસ ચેમ્પિયન રહી ચૂક્યા છે. ડિંગ લિરેન સામે ગુકેશ ઓછો અનુભવી હતો અને દુનિયાના ચેસ એક્સપર્ટ્સ એવું જ માનતા હતા કે, ડિંગ લિરેન જીતી જશે. ડિંગ લિરેને એક ભૂલ કરી અને ગુકેશે બાજી મારી લીધી. ચેસના જાણકારો કહે છે કે, ગુકેશની મૂવમાં હિંમત જોવા મળતી હતી. તેનું મગજ ગજબનું કામ કરે છે. શ્રદ્ધાળુ લોકો એવું કહે છે કે, ઇશ્વરની કૃપા હોય તો જ આવું થઇ શકે.

સોશિયલ મીડિયા પર ગુકેશ ટ્રેન્ડિંગ છે. દરેક લોકો ગુકેશની જીતને પોતાની રીતે મૂલવી રહ્યા છે. ગુકેશ રમવાનું શરૂ કરે એ પહેલા થોડીક ક્ષણો આંખો બંધ કરીને ધ્યાન કેન્દ્રીત કરે છે એ ઘણાને સ્પર્શી ગયું છે. કંઇક મોટું કરવાનું હોય ત્યારે તમારે તમારું ધ્યાન કેન્દ્રીત કરવું પડતું હોય છે. ફોકસ એવું જ હોવું જોઇએ જેવું અર્જુનનું ધ્યાન માછલીની આંખ વિંધતી વખતે હતું. ગુકેશે માથે તિલક કર્યું હતું અને તેના હાથમાં દોરો બાંધેલો હતો. એ મૂવ કરતો હતો ત્યારે એ દોરો દેખાતો હતો. ઘણા લોકોએ તેના તિલક અને દોરા ફરતે ચક્કર કરીને લખ્યું કે, શ્રદ્ધા જ સફળતાને શક્ય બનાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને દરેક ક્ષેત્રના મહાનુભાવોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુકેશને અભિનંદન આપ્યા છે. લાખો લોકોએ ગુકેશના સ્ટેટસ મૂક્યા. આ ઘટના જ એવી છે.

મંઝિલે પહોંચ્યા પછી ઓળખ બનતી હોય છે, સફરની ચર્ચા પણ પછી જ થતી હોય છે. ગુકેશ સાત વર્ષનો હતો ત્યારથી જ તેણે વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું જોયું હતું. માત્ર તેણે જ નહીં, તેના માતા પિતા સહિત અનેક લોકોએ ગુકેશને સફળ જોવા માટે ભોગ આપ્યો હતો. ગુકેશના પિતા રજનીકાંત ઇએનટી સર્જન છે. તેમના માતા પદ્મા માઇક્રોબાયોલોજિસ્ટ છે. દીકરા માટે બંનેએ પોતાની કરિયરમાંથી બ્રેક લીધો હતો અને તમામ ધ્યાન દીકરો સફળ થાય એના પર કેન્દ્રીત કર્યું હતું. માતા પિતાએ દીકરા માટે ક્રાઉડ ફંડિગનો સહારો પણ લીધો હતો. આજે તેમની તમામ મહેનત રંગ લાવી છે. ચેસ સહેલી ગેઇમ નથી. જેઓ ચેસ રમે છે એમને ખબર છે કે, એક એક મૂવ પાછળ કેટલો વિચાર કરવો પડે છે અને નિર્ણય કરવા માટે પણ કંઇ વધુ સમય મળતો નથી.

નોર્વેના મેગનસ કાર્લસને 22 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ જીતી હતી. ગુકેશ રમતો હતો અને નવમો રાઉન્ડ ચાલતો હતો ત્યારે મેગનસે એવું કહ્યું હતું કે, મને નથી લાગતું કે ગુકેશ જીતશે. સાતમો રાઉન્ડ ચાલતો હતો ત્યારે આપણા દેશના જ એક વખતના ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદે એવું કહ્યું હતું કે, બહુ મુશ્કેલ અને અઘરી ગેમ છે. ગુકેશ સ્વસ્થતાથી રમતો રહ્યો અને છેલ્લે જીત મેળવી. ગુકેશે પોતાની સામે હારી ગયેલા ચીનના ખેલાડી ડિંગ લિરેનની તારીફ કરી છે. તેણે કહ્યું કે, મેચ પહેલા તેની તબિયત સારી નહોતી છતાં ડિંગ બહુ જ સારી રીતે રમ્યો છે.

ગુકેશની સફળતામાં કોણે કોણે સાથ આપ્યો તેનાથી માંડીને ગુકેશના ઇરાદાઓ અને સપનાઓ વિશે નાનામાં નાની કહાનીઓ અત્યારે ચર્ચાઇ રહી છે. દરેકને એમાં રસ પણ પડે છે. ગુકેશની જિંદગીથી એક વાત વધુ એક વખત સાબિત થાય છે કે, કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. ગુકેશે મહેનત કરી છે અને તેને ફળ મળ્યું છે. સફળતાનો એક મંત્ર એ પણ છે કે, જેટલી મહેનત કરશો, સફળતાની નજીક એટલી ઝડપથી પહોંચી શકાશે.

આપણા દેશમાં અને આખી દુનિયામાં યંગસ્ટર્સની ટીકા કરનારો એક મોટો વર્ગ છે. અત્યારના યંગસ્ટર્સ પોતાની કરિયર અને જિંદગી પ્રત્યે ગંભીર નથી. મોબાઇલમાં મચ્યા રહે છે. સોશિયલ મીડિયા પાછળ કલાકો બગાડે છે. રીલ્સ જોયા રાખે છે. સંસ્કૃતિ અને પરંપરાની તેમને કોઇ પરવા નથી. આદર આપવાનું એમને આવડતું નથી. યુવાનોને મોજમજા જ કરવી છે અને જિંદગી વેડફવી છે. ગુકેશની સફળતા યંગસ્ટર્સના ટીકાકારોને જવાબ છે કે, જેને કંઇક કરી છૂટવું છે એ બચપણથી જ પોતાના સપના સાકાર કરવામાં રચ્યા પચ્યા રહે છે.

આજનો યંગસ્ટર્સ સમજુ, ડાહ્યો અને ફોકસ્ડ છે. બાકી બેફિકર યંગસ્ટર્સ તો પહેલા પણ હતા, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ હોવાના જ છે. આપણો દેશ યંગસ્ટર્સનો દેશ છે. દુનિયાના દરેક દેશો કરતા આપણે ત્યાં યુવાનોની સંખ્યા વધુ છે. કેટલાંય ગુકેશો દેશનું નામ રોશન કરવા માટે મહેનત કરી રહ્યા છે. દેશના યંગસ્ટર્સ જ ભારતને સુપર પાવર કન્ટ્રી બનાવવાના છે. ગુકેશ પર ચેસના ગ્રેસને જાળવવાની મોટી જવાબદારી છે. નાની ઉંમરે મળી જતી સફળતાને પચાવવી સહેલી હોતી નથી. વિનોદ કાંબલીનું ઉદાહરણ આપણી સામે છે.

અલબત્ત ભારતરત્ન સચિન તેંડુલકરથી માંડીને શૂટિંગમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારા અભિનવ બિન્દ્રા સુધીના અનેક એવા લોકો છે જેણે ક્યારેય કોઇ મર્યાદાઓ ચૂકી નથી. ગુકેશના નામે એક ચર્ચા એ પણ ચાલી છે કે, એ તમિલ છે કે તેલુગુ? આવા વિવાદો વાહિયાત છે. ગુકેશ સૌથી પહેલા ઇન્ડિયન છે અને દુનિયાનો ચેસ ચેમ્પિયન છે. વી ઓલ પ્રાઉડ ઓફ ગુકેશ! 

  • Follow us on: