- અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેને હમણા વધુ એક લોચો મારતા તેની યાદશક્તિ સામે સવાલો ઉઠવા લાગ્યા છે. બાઇડેને ઇજિપ્તના નેતા અબ્દેલ ફતહ અલ-સિસીને મેક્સિકોના રાષ્ટ્રપતિ કહી દેતા હોબાળો મચ્ચો છે. શું બાઇડેને ડિમેન્શિયા ટેસ્ટ આપવો પડશે?
- અમેરિકાના પ્રેસિડેન્ટ બાઇડેનની હેલ્થ વિશે આમ તો ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બાઇડેન માંડ માંડ ચાલી શકે છે. 81 વર્ષના જો બાઇડેનને હજુ ચૂંટણી લડવી છે. અમેરિકાના લોકો કહે છે કે, દેશને હવે યંગ અને એનર્જેટિક પ્રેસિડેન્ટની જરૂર છે!
અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આ વર્ષના અંતે તારીખ પાંચમી નવેમ્બર, 2024ના રોજ અમેરિકામાં મતદાન થવાનું છે. અમેરિકામાં કોઇ પણ વ્યક્તિ મેક્સિમમ બે ટર્મ માટે પ્રેસિડેન્ટ રહી શકે છે. વર્તમાન પ્રેસિડેન્ટ જો બાઇડેને સેકન્ડ ટર્મ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. બાઇડેનની સામે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી લડવાની તૈયારીમાં લાગેલા છે. અમેરિકામાં અત્યારે સ્થિતિ એ છે કે, બાઇડેન અને ટ્રમ્પ બંને સામે સવાલો ઉઠી રહ્યા છે. ટ્રમ્પના નામ સાથે વિવાદોનું લાબું લિસ્ટ છે. તેમની સામે અનેક કેસો ચાલે છે. બાઇડેનની હેલ્થના ઇશ્યૂ છે. જો બાઇડેને પોતાની સત્તા દરમિયાન ખાસ કંઇ ઉકાળ્યું નથી. અમેરિકાની હાલત અગાઉ હતી એના કરતા વધુ ખરાબ થઇ ગઇ છે. અમેરિકાની આર્થિક સ્થિતિ નબળી પડી છે. જગત જમાદારી કરવામાં અમેરિકાનો ખો નીકળી ગયો છે. અમેરિકાના અર્થશાસ્ત્રીઓ અનેકવાર બાઇડેન એડમિનિસ્ટ્રેશનને ચેતવણી આપી ચૂક્યા છે કે, જો તાત્કાલિક યોગ્ય નિર્ણયો નહીં લેવામાં આવે તો અમેરિકા મંદીની આંધીમાં ફસાઇ જશે. અમેરિકાએ ઇઝરાયેલ, યૂક્રેન અને બીજી બાબતોમાંથી બહાર આવીને સૌથી પહેલું કામ અમેરિકા પર ધ્યાન કેન્દ્રીત કરવા જેવું છે. અમેરિકાની ઇમેજ પણ આખી દુનિયામાં ઘસાઇ છે. અમેરિકા સામે ચીન, રશિયા, ઇરાન, નોર્થ કોરિયા સહિતના દેશોએ મોરચો માંડ્યો છે, એના કારણે અમેરિકા સામે પડકારો વધી રહ્યા છે. જો બાઇડેન બીજી વખત ચૂંટણી લડવાની વાતો કરે છે પણ તેમની તબિયત હવે તેમને સાથ આપતી નથી. બાઇડેન સરખું ચાલી શકતા નથી. ચાલતા ચાલતા ગડથોલિયા ખાઇ જાય છે. આટલું ઓછું હોય તેમ હવે તો તેમને કંઇ યાદ પણ રહેતું નથી. અમેરિકા સુપર પાવર કન્ટ્રી છે અને અમેરિકાના પ્રેસિડેન્ટને દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવે છે. એ જ વ્યક્તિને જો યાદ ન રહેતું હોય તો એ મુદ્દો ગંભીર છે અને દેશ માટે જોખમી છે!
જો બાઇડેને હમણાં બોલવામાં વધુ એક લોચો માર્યો એના કારણે વાતો એવી થવા લાગી છે કે, જો બાઇડેન ડિમેન્શિયાથી પીડાઇ રહ્યા છે. બાઇડેન ગાઝાની વાત કરતા હતા ત્યારે હમાસનું નામ ભુલી ગયા હતા. આ ઉપરાંત ઇજિપ્તના નેતા અબ્દેલ ફતહ અલ-સિસીને મેક્સિકોના રાષ્ટ્રપતિ કહી દીધા હતા. બાઇડેન સામેના એક કેસ સંદર્ભના રિપોર્ટમાં તેમના વિશે એવું લખાયું છે કે, તેઓ એક સારા ઇરાદાવાળા પણ નબળી યાદશક્તિવાળા બુઝુર્ગ છે. બાઇડેન બોલતી વખતે નામ અને બીજી વિગતો ભુલી ગયા હોય તેવી ઘટનાઓનું તો લાંબું લિસ્ટ છે. બાઇડેન વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને પ્રેસિડેન્ટ પણ કહી ચૂક્યા છે. બાઇડેનને નાની નાની વિગતો લખીને આપવી પડે છે. કોઇ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં તેમણે ક્યારે બોલવાનું છે, કેટલી મિનિટ બોલવાનું છેથી માંડીને ક્યારે ઊભા થવાનું છે અને ક્યારે કોની સાથે હાથ મિલાવવાના છે એ પણ લખીને આપવું પડે છે. ઇન્ડોનેશિયામાં જી-20ની બેઠક દરમિયાન બાઇડેનના હાથમાં જે પેપર્સ હતા તે જાહેર થઇ ગયા હતા. આ કાગળોમાં બાઇડેન માટે નાની નાની સૂચનાઓ લખવામાં આવી હતી. બધું લખીને આપ્યું હોય તો પણ બાઇડેન લોચા મારે છે. અમેરિકન પ્રેસિડેન્ટના વિશેષ વિમાન એરફોર્સ વનની સીડી તેઓ ચડી શકતા નથી. બાઇડેન અમેરિકન સંસદમાં થયેલી હિંસા મુદ્દે બોલતી વખતે તારીખ 6 જાન્યુઆરીને બદલે તારીખ 6 જુલાઇ બોલી ગયા હતા.
અમેરિકામાં હવે તો બાઇડેન ઇલેકશન પહેલા યાદશક્તિનો ટેસ્ટ આપે એવી પણ માંગણી થવા લાગી છે. 2018માં બાઇડેને ગોલ્ડ સ્ટાન્ડર્ડ ડિમેન્શિયા ટેસ્ટ આપી ચૂક્યા છે. હવે તેઓએ પાછો ટેસ્ટ આપવા જોઇએ એવી વાતો થવા લાગી છે. આ ટેસ્ટમાં વ્યક્તિને ઘોડા, હાથી અને સિંહ જેવા પ્રાણીઓની ઓળખ કરવાની હોય છે. એકથી પાંચ અને એ થી ઇ સુધીના અક્ષરો બોલવાના અને ઓળખવાના હોય છે. બીજા પણ ઘણા જવાબો આપવા પડે છે. આ ટેસ્ટમાં 26થી વધારે સ્કોર થવો જોઇએ. બાઇડેને પહેલી વખત ટેસ્ટ આપ્યો ત્યારે તેનો સ્કોર 30નો થયો હતો. હવે જ્યારે ફરીથી ટેસ્ટની માંગણી થવા લાગી છે ત્યારે બાઇડેને ગુસ્સે થઇને એવું કહ્યું કે, મને બધું યાદ રહે છે. મારા વિશે ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે. બાઇડેન ભલે એવું કહે પણ તેની હેલ્થના ઇશ્યૂ તો છે જ. અમેરિકાના રિપબ્લિકન પાર્ટીની નેતા નીકી હેલી તો ત્યાં સુધીની વાત કહી ચૂક્યા છે કે, ભવિષ્યમાં કમલા હેરિસ અમેરિકાના પ્રેસિડેન્ટ હશે. તેમણે કહ્યું હતું કે, બાઇડેન બીજી વખત પ્રેસિડેન્ટ બનશે તો તેઓ પ્રેસિડેન્ટ હશે એ સમય દરમિયાન જ ગુજરી જશે અને નિયમ મુજબ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ પ્રેસિડેન્ટ બનશે. અમેરિકા દુનિયાની સૌથી જૂની લોકશાહી છે, અમેરિકામાં મહિલાઓને સમાન અધિકારો મળે છે, એ બધી વાત સાચી પણ અમેરિકા વિશે એ પણ એક હકીકત છે કે, અમેરિકાના ઇતિહાસમાં આજ દિવસ સુધીમાં કોઇ મહિલા પ્રેસિડેન્ટ બની નથી. નીકી હેલીએ એવું કહ્યું કે, બાઇડેન ગુજરી જશે એટલે કમલા હેરિસ અમેરિકાના ફર્સ્ટ પ્રેસિડેન્ટ બનશે! 2021માં બાઇડેનને એના બર્થ ડેના દિવસે જ તારીખ 20મી નવેમ્બરે મેડિકલ ટેસ્ટ માટે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. બાઇડેનને ટેસ્ટ માટે એનેસ્થેસિયા આપવામાં આવ્યો હતો. અમેરિકામાં એવો નિયમ છે કે, પ્રેસિડેન્ટ બેહોશ હોય તો પ્રેસિડેન્ટ તરીકેનો ચાર્જ વાઇસ પ્રેસિડેન્ટે સંભાળવો પડે. બાઇડેન બેભાન હતા એ સમય પૂરતા એટલે કે 48 મિનિટ માટે કમલા હેરિસ પ્રેસિડેન્ટ બન્યા હતા.
બાઇડેનની હેલ્થના ઇશ્યૂ વિશે અમેરિકાના લોકો શું માને છે એ વિશે અનેક સરવે થયા છે. એનબીએસના એક સરવેમાં 62 ટકા મતદારોએ એવું કહ્યું હતું કે, બાઇડેનની હેલ્થ એ ચિંતાનો વિષય છે. એક બીજા સરવેમાં એવું બહાર આવ્યું હતું કે, અમેરિકાને હવે યુવાન અને કંઇક કરી છૂટવાની ઇચ્છાવાળા પ્રેસિડેન્ટની જરૂર છે. ગમે તે હોય પણ ઉંમર ઉંમરનું કામ કરતી હોય છે. મોટી ઉંમરે માણસની યાદશક્તિ તો નબળી પડે જ છે, એ ઉપરાંત તેમનો ડિસિઝન પાવર પણ ઓસરે છે. બાઇડેને હવે આરામ કરવાની જરૂર છે. બાઇડેન બીજી વખત ચૂંટણી લડશે ત્યારે તેઓ 82 વર્ષના હશે. અમેરિકાના પ્રેસિડેન્ટની ટર્મ ચાર વર્ષની હોય છે. 86 વર્ષ સુધી તેઓ સારી રીતે કામ કરી શકશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ કંઇ નાના તો નથી જ. ટ્રમ્પની ઉંમર 77 વર્ષની છે. ટ્રમ્પ કહે છે કે, હું તો કડેધડે છું. જો કે અમેરિકનો તો એવું જ કહે છે કે, બેમાંથી કોઇ ચાલે એમ નથી. અલબત્ત, પ્રેસિડેન્ટના ઉમેદવાર તો પોલિટિકલ પાર્ટી નક્કી કરે છે, એમાં લોકો કંઇ કરી શકતા નથી. બાઇડેને ચૂંટણીમાં ઝુકાવી તો દીધું છે પણ તેઓ ચૂંટણીનો પ્રચાર અને બીજા કામો પણ સ્વસ્થતાથી કરી શકશે કે કેમ એ વિશે પણ શંકા-કુશંકાઓ થઇ રહી છે!










