બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ તમિળ અને કન્નડ અભિનેત્રી રાન્યા રાવે દુબઇથી સોનાની અનેક ખેપ મારી છે. હવે પાપ છાપરે ચડ્યું છે!


રાન્યા રાવ કર્ણાટકમાં ડીજીપી તરીકે ફરજ બજાવતા રામચંદ્ર રાવની સાવકી દીકરી છે. રાન્યા 14.8 કિલો સોનું છુપાવીને લાવી હતી. રાન્યાએ ત્રીસેક વખત દુબઇની ટ્રીપ મારી હતી. એક શક્યતા એ છે કે, રાન્યા કોઇ ગોલ્ડ સ્મગલર માફિયા ગેંગની સભ્ય છે!


એસ્ક્યૂઝ મી મેડમ, જરાક સાઇડમાં આવજો! દુબઇથી અમિરાતની ફ્લાઇટમાં આવેલી તમિળ અને કન્નડ ફિલ્મની સ્વરૂપવાન અભિનેત્રી રાન્યા રાવ બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી કે તરત જ ડાયરેકટર ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સના અધિકારીએ તેને રોકી. રાન્યાને ચેકિંગ રૂમમાં લઇ જઇ ફિઝિકલ તપાસ હાથ ધરવામાં આવી. રાન્યા રાવે વિશેષ રીતે બનાવવામાં આવેલ એક બેલ્ટ પહેર્યો હતો. આ બેલ્ટમાંથી 14.8 કિલો સોનું મળી આવ્યું. અંદાજે બાર કરોડથી વધુ રકમના સોના સાથે રાન્યા પકડાઇ છે એ સમાચાર મળતા તેના ચાહક વર્ગમાં ખળભળાટ મચી ગયો. બધાને થયું કે, આપણે જેને બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ હીરોઇન સમજતા હતા એ તો હાર્ડકોર ગોલ્ડ સ્મગલર નીકળી! રાન્યા માત્ર હીરોઇન નથી, એ કર્ણાટક પોલીસમાં ડીજીપી તરીકે ફરજ બજાવતા આઇપીએસ ઓફિસર રામચંદ્ર રાવની સાવકી દીકરી છે. રાન્યાને રોકી કે તરત જ એક પોલીસવાળો તેની નજીક દોડી આવ્યો હતો. ડીઆરઆઇના અધિકારીને તેણે કહ્યું કે, તમને ખબર છે આ કોણ છે? આ ડીજીપીની દીકરી છે! અધિકારીએ કહ્યું, જે હોય એ, અમને કોઇ ફેર પડતો નથી! જે કાર્યવાહી થતી હશે એ થશે જ!

રાન્યા પાસેથી સોનું મળ્યું એ પછી ડીઆઇઆઇએ લવેલ રોડ પર આવેલા તેના આલિશાન ફ્લેટમાં દરોડો પાડ્યો. રાન્યાના ઘરમાંથી 2.1 કરોડની ડિઝાઇનર જ્વેલરી અને રૂપિયા 2.7 કરોડ રોકડા મળી આવા. અત્યાર સુધીમાં બધું મળીને 17.3 કરોડની જપ્તી કરવામાં આવી છે. રાન્યાને 14 દિવસના રિમાન્ડ પર લેવામાં આવી છે. પૂછપરછ દરમિયાન હજુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, રાન્યા કોના ઇશારે સોનાની દાણચોરી કરતી હતી? એક વાત એવી છે કે, એ કોઇ રાજકારણીના કહેવાથી આવું બધું કરતી હતી. રાન્યા રાવ કોઇ ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલર ગેંગની સભ્ય હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. જે કંઇ હશે એ થોડા સમયમાં બહાર આવી જવાનું છે.

પંદર દિવસમાં ચાર વખત

દુબઇ જતા શંકા ગઇ!

રાન્યા રાવ માત્ર પંદર દિવસ દરમિયાન ચાર વખત દુબઇ ગઇ હતી. આ છોકરી વારંવાર કેમ દુબઇ જાય છે એવી શંકા ડીઆરઆઇને ગઇ હતી. એજન્સીની તપાસમાં એવી ખબર પડી હતી કે, દુબઇમાં રાન્યાનો કોઇ બિઝનેસ કે બીજું એવું કંઇ નથી કે તેને વારંવાર દુબઇ જવું પડે. આખરે તેના પર નજર રાખવાનું શરૂ થયું હતું. તપાસમાં એવી પણ ખબર પડી હતી કે, છેલ્લા એક વર્ષમાં રાન્યા ત્રીસેક વખત વખત દુબઇ ગઇ હતી. સોનું પકડાયું એ પછી એવી વાત પણ બહાર આવી છે કે, રાન્યા દર વખતે મોટા પાયે સોનું સાથે લાવતી હતી. જે સોનું રાન્યા લાવતી હતી એ તેનું નહોતું પણ કોઇ તેનો કેરિયર તરીકે ઉપયોગ કરતું હતું. એક કિલો પેટે રાન્યાને એક લાખ રૂપિયા આપવામાં આવતા હતા. એ હિસાબે દર ખેપે તેને બારથી પંદર લાખ મળતા હતા. દર વખતે રાન્યા સોનું સંતાડવા માટે અલગ અલગ પ્રકારના બેલ્ટનો ઉપયોગ કરતી હતી. સોનું લાવવા માટે કોઇ રાન્યાને બ્લેકમેલ કરતું હતું એવી પણ વાતો થઇ રહી છે. રાન્યા ડીજીપીની દીકરી હોવાના કારણે તેને એરપોર્ટ પર કોઇ રોકતું નહીં. એરપોર્ટ પર તેને કોઇ તપાસ વગર નીકળી જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એક વખત રાન્યા હેમખેમ નીકળી ગઇ પછી એને પણ આ કામમાં સારી ફાવટ આવી ગઇ હતી. તેને અંદાજ નહોતો કે, આવા કરતૂતોની અંતિમ મંઝિલ જેલ જ હોય છે!

કોણ છે રાન્યાનો પતિ

જતીન હુક્કેરી?

32 વર્ષની રાન્યાએ હજુ ચાર મહિના અગાઉ જ જતીન હુક્કેરી સાથે મેરેજ કર્યા હતા. બેંગલુરૂની ફાઇવ સ્ટાર હોટલ તાજ વેસ્ટ એન્ડમાં જબરજસ્ત તામજામ સાથે યોજાયેલા મેરેજમાં કર્ણાટકના મોટા માથા હાજર રહ્યા હતા. રાન્યાનો પતિ જતીન ખૂબ જ હાઇપ્રોફાઇલ આર્કિટેક્ટ છે. લંડનમાં ભણેલા જતીને દેશ અને વિદેશમાં અનેક મોટી હોટલોની ડિઝાઇન બનાવી છે. એજન્સીઓ હવે એ પણ તપાસ કરી રહી છે કે, સોનાની દાણચોરીના કિસ્સાઓમાં જતીનની તો સંડોવણી નથીને? જતીનને ખબર હતી કે, તેની પત્ની ગોલ્ડ સ્મગલ કરે છે? રાન્યા અને જતીન કેવી રીતે પરિચયમાં આવ્યા હતા? બંનેએ મેરેજ કરવાનો નિર્ણય કેમ કર્યો એ વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આર્કિટેક્ટરના અનેક એવોર્ડ જીતનાર જતીન હુક્કેરી પણ અત્યારે તપાસ એજન્સીઓના રડારમાં છે. પત્ની દુબઇ આંટાફેરા મારતી હોય અને પતિ જતીનને કંઇ ખબર ન હોય એ વાતમાં કંઇ માલ નથી એવું ઘણા માને છે.

રાન્યા પકડાઇ એ પછી તેના સાવકા પિતા ડીજીપી રામચંદ્ર રાવે કહ્યું કે, મારે રાન્યા સાથે કંઇ લેવા દેવા નથી. એ તેના પતિ સાથે રહેતી હતી. તેણે પોતાના બચાવમાં એવી વાતો પણ કરી કે, મારી કરિયર બેદાગ રહી છે. પોતાની પહેલી પત્નીના અવસાન બાદ રામચંદ્ર રાવે બીજા મેરેજ કર્યા હતા. રાન્યા બીજી પત્નીની પહેલા હસબન્ડથી થયેલી દીકરી છે. રાન્યાએ 2014માં ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. સૌથી પહેલા રાન્યાએ કન્નડ ફિલ્મ માણિક્યમાં સુપ્રસિદ્ધ અભિનેતા સુદીપ સાથે કામ કર્યું હતું. એ પછી રાન્યાએ તમિળ ફિલ્મ વાગહમાં વિક્રમ પ્રભુ સાથે અને કન્નડ ફિલ્મ પટકીમાં મશહૂર અભિનેતા ગણેશ સાથે પણ કામ કર્યું હતું. જો કે, છેલ્લા થોડા સમયથી એ ફિલ્મી દુનિયાથી દૂર થઇ ગઇ હતી. એજન્સીઓ એ પણ તપાસ કરી રહી છે કે, આ દરમિયાનમાં તે શું કરતી હતી અને આટલી હાઇફાઇ લાઇફ કેવી રીતે જીવતી હતી? એજન્સીઓનું માનવું છે કે, રાન્યા તો કદાચ નાની માછલી છે તેની પાછળ દાણચોરીની દુનિયાના મોટો મગરમચ્છ હોય એવી પૂરી શક્યતાઓ છે. હીરોઇન રાન્યાની પોતાની કથા જ થ્રીલર ફિલ્મ બને એવી નીકળે તો નવાઇ પામવા જેવું નહીં હોય!

રાન્યાના સાવકા પિતા રામચંદ્ર
રાવ પણ અનેક વિવાદોમાં રહ્યા છે!


રાન્યા રાવ સોનાની દાણચોરીમાં પકડાઇ એ પછી તેના સાવકા પિતા ડીજીપી રામચંદ્ર રાવે હાથ ઊંચા કરી દીધા છે. તેમણે કહ્યું કે, મારે આ ઘટના સાથે કંઇ લેવા દેવા નથી. રાન્યા તેના પતિ સાથે રહેતી હતી. તેના કરતૂતો વિશે મને કંઇ ખબર નથી. ડીજીપી રામચંદ્ર રાવના નામે બીજા વિવાદો પણ ચડેલા છે. રામચંદ્ર રાવ અત્યારે કર્ણાટક સ્ટેટ પોલીસ હાઉસિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમને અને મેનેજિંગ ડિરેકટર છે. સપ્ટેમ્બર, 2023માં તેને પ્રમોશન મળતા ડીજીપી બન્યા હતા. 2014માં જ્યારે તેઓ આઇજીપી હતા ત્યારે રોકડ જપ્તીના કેસમાં તેનું નામ ઉછળ્યું હતું. મૈસુર પોલીસે એક ખાનગી બસમાં સફર કરતા ચાર વેપારીઓ પાસેથી 2.27 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. આ જપ્તી વખતે રામચંદ્ર રાવ ઘટના સ્થળે હાજર હતા. પોલીસે ચોપડા પર 2.27 કરોડને બદલે 20 લાખ રૂપિયાની જ જપ્તી બતાવવામાં આવી હતી. આખી ઘટના બહાર આવી એ પછી રામચંદ્ર રાવની બદલી કરી નાખવામાં આવી હતી. તેમની પર્સનલ લાઇફ વિશે પણ જાતજાતની ચર્ચાઓ થતી રહી છે. સાવકી દીકરી રાન્યા સાવકા પિતા રામચંદ્ર રાવના નામે જ ચરી ખાતી હતી!


  • Follow us on: