- મહારાષ્ટ્રની ટ્રેઇની આઇએએસ ઓફિસર પૂજા ખેડકરના એક પછી એક પ્રકરણો બહાર આવી રહ્યા છે. પોતાની લકઝરી કાર ઓડી પર લાલ લાઇટ અને ગવર્નમેન્ટ ઓફ મહારાષ્ટ્રનું બોર્ડ લગાવીને નીકળેલી પૂજા ખમતીધર પિતાની બિન્ધાસ્ત પુત્રી છે
- પૂજાની નિમણૂક અને યોગ્યતા સામે પણ સવાલો ખડા થયા છે. પૂજાના પિતા દીલીપ ખેડકર પણ કલેકટર હતા. માતા મનોરમા સરપંચ છે. પૂજા પોતે પણ કરોડોની સંપત્તિ ધરાવે છે. પૂજાના માતા -પિતાના અનેક કિસ્સાઓ પણ બહાર આવી રહ્યા છે.
આઇએએસ બનવું ખાવાના ખેલ નથી. ખૂબ મહેનત, લગન અને ધગશ પછી આઇએએસ બની શકાય છે. લોકો પણ એટલે જ આઇએએસને આદરની નજરથી જુએ છે. આઇએએસ બની ગયા પછી એ હોદ્દાને શોભે એ રીતે કામ કરવાનું હોય છે. અલબત્ત, કેટલાંક જુવાનીયાઓ આઇએએસ બની ગયા પછી બધું એચિવ કરી લીધું હોય એવું માનવા લાગે છે. એ ભૂલી જાય છે કે, અમારે હજુ લોકો માટે કામ કરીને પોતાની જાતને સાબિત કરવાની છે. દેશમાં એવા અસંખ્ય આઇએએસ છે જેણે બેનમૂન કામગીરી કરીને દેશનું અને પોતાનું નામ રોશન કર્યું હોય. સામા પક્ષે એવા આઇએએસની પણ કમી નથી જેઓ કોઇને કોઇ વિવાદમાં ફસાઇ ગયા હોય. મહારાષ્ટ્રમાં ફરજ બજાવનાર આઇએએસ પૂજા ખેડકર અત્યારે પોતાના કારનામાના કારણે ચર્ચામાં છે. પૂણેમાં પૂજા ખેડકરની નિમણૂક ટ્રેઇની તરીકે થઇ હતી. આ દરમિયાનમાં તેઓ પોતાની ઓડી કારમાં સરકારી લાલ લાઇટ લગાવીને ફરતા હતા. કારમાં તેમણે ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્રનું બોર્ડ પણ લગાવ્યું હતું. પૂજાબેન જે ઓડી કાર વાપરતા હતા એ એક ખાનગી કંપનીના નામે રજિસ્ટર થયેલી છે. આ કાર પર 26 લાખનો દંડ પણ ફટકારાયો છે. લાલ લાઇટ વાપરવાના નિયમો છે. સૌથી પહેલો સવાલ તો એ થયો કે, આઇએએસ પાસ કરનાર પૂજાને એ ખબર નહી હોય કે લાલ લાઇટ કોણ અને ક્યારે વાપરી શકે? શું સીનસપાટા કરવા માટે તેમણે આવું કર્યું હતું? પૂજા ખેડકર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. કોઇ આઇએએસ ઓફિસરનું સોશિયલ મીડિયા પર હોવું ગેરકાયદે નથી પણ તેઓ જે અપલોડ કરે તેનાથી તેમની એક ઇમેજ ખડી થતી હોય છે. પૂજાએ સોશિયલ મીડિયા પર બિન્ધાસ્ત ફોટો અપલોડ કર્યા છે. તેમના નામે વિવાદ ચગ્યો એટલે તેમણે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રાઇવેટ કરી નાખ્યું છે. લાલ લાઇટવાળી કારનો મામલો ગાજ્યો એ સાથે તેમના બીજા વિવાદો પણ બહાર આવ્યા. તેમણે નિમણૂક થઇ એ સાથે જ વોટ્સએપથી એ વિગતો માંગી હતી કે, તેને કઇ કઇ સુવિધાઓ મળે છે? તેમને જે ચેમ્બર મળી હતી એમાં એટેચ્ડ ટોઇલેટ નહોતું એટલે એણે ચેમ્બરની ના પાડી દીધી. આટલું ઓછું હોય એમ તેમણે એડિશનલ કલેકટર અજય મોરેની ચેમ્બર પર કબજો જમાવી દીધો હતો. ચેમ્બરમાં પણ પોતાનું મન પડે એ રીતે ફરનીચરની ગોઠવણ કરી લીધી હતી. પૂણેની કલેકટર કચેરીમાં જ એવો સવાલો ઉઠવા લાગ્યા હતા કે, આ બહેન ટ્રેનિંગ લેવા આવ્યા છે કે પોતાની મરજી પડે એવું કરવા માટે? વિવાદ વકર્યો એટલે મહારાષ્ટ્ર સરકારે પૂજા ખેડકરની બદલી પૂણેથી વાશિમ જિલ્લામાં કરી નાખી. આ બદલી પણ એમ જ નથી થઇ. પૂણેના કલેકટર સુહાસ દિવાસે મહારાષ્ટ્રના મુખ્ય સચિવને પૂજાના વર્તન વિશે પત્ર લખ્યો હતો. પૂજાના પિતા દીલીપ ખેડકર પણ આઇએએસ ઓફિસર હતા. તેમના પિતાએ પણ પૂણેના જિલ્લા કલેકટર પર પોતાની દીકરી માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે પ્રેશર કર્યું હતું. દીલીપ ખેડકરે લોકસભાની ગઇ ચૂંટણીમાં મહારાષ્ટ્રની અહેમદનગર બેઠક પરથી વંચિત બહુજન અઘાડી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. તેઓને માત્ર 13749 મત મળ્યા હતા. લોકસભાની ચૂંટણી વખતે એફિડેવિટમાં તેમણે 40 કરોડની સંપત્તિ હોવાનું જાહેર કર્યું હતું. પૂજા ખેડકર પણ 17 કરોડની પ્રોપર્ટીની માલીક છે. પૂજાના મધર મનોરમા અહેમદનગર જિલ્લાના ભાલગાંવ ગામના સરપંચ છે. પૂજાના વિવાદ સાથે જ તેમના માતા મનોરમાનો બે મહિના પહેલાનો એક વીડિયો પણ વાઇરલ થયો છે. બાઉન્સર સાથે હાથમાં પિસ્તોલ લઇને તેઓ ખેડૂતોને ધમકાવી રહ્યા છે. તેમની સામે પણ ગામના ખેડૂતની જમીન હડપ કરી લેવાનો આક્ષેપ છે. પૂજા અને તેમના પરિવારના સભ્યો વિશે નવી નવી વિગતો બહાર આવી રહી છે. આ દરમિયાનમાં જે સૌથી મોટો સવાલ ઉઠ્યો છે એ પૂજાના આઇએએસ પાસ કરવાની કેટેગરી વિશેનો છે. દિવ્યાંગ હોવાનું ખોટું પ્રણાણપત્ર આપીને પૂજાએ આઇએએસ પાસ કર્યું છે એવો આક્ષેપ તેમના પર થયો છે. આ અંગેની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
પૂજા ખેડકર 2023 બેંચના આઇએએસ ઓફિસર છે. યુપીએસસીની એક્ઝામમાં તેમણે 841મો ઓલ ઇન્ડિયા રેન્ક હાંસલ કર્યો હતો. યુપીએસસીની એક્ઝામ વખતે પૂજા ખેડકરે પોતાને કેટલીક માનસિક સમસ્યાઓ અને આંખોની દ્રષ્ટિ નબળી હોવાનું કહીને દિવ્યાંગ સર્ટીના આધારે પરીક્ષા પાસ કરી હતી. પોતે દિવ્યાંગ હોવાનું સાબિત કરવા માટે મેડિકલ ટેસ્ટ આપવાની હોય છે. પૂજાની કિસ્સામાં વાત એવી છે કે, તેણે કોઇ મેડિકલ ટેસ્ટ આપી નથી. એક-બે વાર નહીં પણ છ વખત તેણે મેડિકલ ટેસ્ટ આપવાનો ઇનકાર કર્યો છે. 22મી એપ્રિલ, 2022ના રોજ પૂજાએ દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ આપવાની હતી. પોતે કોવિડ પોઝિટિવ હોવાનું કહી પૂજાએ આ ટેસ્ટ આપી નહોતી. એમઆરઆઇ ટેસ્ટ માટે પણ તેઓ હાજર રહ્યા નહોતા. સવાલ તો એ પણ છે કે, મેડિકલ ટેસ્ટ આપી ન હોવા છતાં તેમની નિમણૂક કેવી રીતે થઇ ગઇ?










