બાંગ્લાદેશના કાર્યકારી વડા મોહમ્મદ યુનુસ આપણા વડાપ્રધાન મોદીને મળવા કાલાવાલા કરે છે પણ આપણા દેશે ના પાડી છે



થાઇલેન્ડમાં આગામી તારીખ 2થી 4 એપ્રિલ દરમિયાન બિમ્સટેકની બેઠક મળવાની છે. વડાપ્રધાન મોદી તેમાં હાજરી આપવા જવાના છે. બાંગ્લાદેશથી મોહમ્મદ યુનુસ પણ આ બેઠકમાં આવવાના છે. બાંગ્લાદેશે મુલાકાત માટે વિનંતી કરી હતી, જેનો આપણા દેશે ઇન્કાર કરી દીધો છે

બાંગ્લાદેશની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ને વધુ ખરાબ થઇ રહી છે. બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ બાદ શાંતિનું નોબલ પ્રાઇઝ મેળવનાર 84 વર્ષના મોહમ્મદ યુનુસને દેશના કાર્યકારી વડા બનાવાયા હતા. તેમના વડપણ નીચે સરકારની પણ રચના કરવામાં આવી હતી. મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશનું કંઇ ભલું તો કરી નથી શક્યા પણ તેના શાસન દરમિયાન બાંગ્લાદેશની હાલત હતી એના કરતા પણ વધુ ખરાબ થઇ ગઇ છે. મોહમ્મદ યુનુસે ભારત સાથે વાયડાઇ કરવામાં કંઇ બાકી રાખ્યું નથી. બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુ મંદિરો અને હિન્દુ લોકો પર હુમલા થયા એની સામે ભારતે અનેક વખત બાંગ્લાદેશને અપીલો કરી કે, તમે જરૂરી પગલાં લો. મોહમ્મદ યુનુસે કંઇ જ ન કર્યું. હવે મોહમ્મદ યુનુસને ભારત સાથે સંબંધો બગાડવાના પરિણામો સમજાઇ રહ્યા છે. તેને ખબર પડી ગઇ છે કે, ભારતની મદદ વગર સ્થિતિ ખરાબ થઇ જવાની છે. છેલ્લા કેટલાંય સમયથી બાંગ્લાદેશ એવા પ્રયાસો કરી રહ્યું છે કે, મોહમ્મદ યુનુસની મુલાકાત વડાપ્રધાન મોદી સાથે થાય. આપણો દેશ પહેલેથી કોઇ ભાવ આપતો નથી.

આ દરમિયાનમાં એક સંજોગ એવો સર્જાયો કે, એક જ પ્રસંગમાં વડાપ્રધાન મોદી અને બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસ હાજર હોય. થાઇલેન્ડમાં આગામી તારીખ 2થી 4 દરમિયાન બિમ્સટેકની બેઠક યોજાઇ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં હાજરી આપવા માટે થાઇલેન્ડ જવાના છે. બાંગ્લાદેશ બિમ્સટેકનું સભ્ય છે. મોહમ્મદ યુનુસ પણ એ નાતે બિમ્સટેકની બેઠકમાં હાજરી આપવા આવવાના છે. બાંગ્લાદેશની સરકારને થયું કે, મોદીને મળવાનો આ સારો મોકો છે. બાંગ્લાદેશની સરકારે મોદી અને મોહમ્મદ યુનુસની મુલાકાત માટે વિનંતીઓ કરી. આપણા દેશે મુલાકાતનો ઇન્કાર કરી દીધો. સામાન્ય સંજોગોમાં ઇન્ટરનેશનલ ઇવેન્ટ વખતે બે દેશના વડા વન ટુ વન મળીને દ્વીપક્ષીય મંત્રણાઓ કરતા હોય છે. ભારતે ના પાડી દીધી એ બાંગ્લાદેશના ગાલે સણસણતો તમાચો છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરને જ્યારે મુલાકાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એવું કહ્યું કે, અમે હજુ વિચાર કરીએ છીએ. તેનો મતલબ એવો પણ કાઢવામાં આવે છે કે, મોદી મોહમ્મદ યુનુસને મળશે તો પણ તેના પર મહેરબાની કરતા હોય એ રીતે મળશે.

શેખ હસીનાના મુદ્દે પણ ભારતનું સ્પષ્ટ વલણ

બાંગ્લાદેશમાં સ્થિતિ સ્ફોટક બની ગઇ એ પછી તારીખ 5 ઓગસ્ટ, 2024ના રોજ તત્ત્કાલીન વડાંપ્રધાન શેખ હસીના ભાગીને ભારત આવી ગયા હતા. શેખ હસીનાની યોજના ભારતથી બ્રિટન અથવા બીજા કોઇ દેશમાં જવાની હતી. ગમે તે થયું પણ તેઓ ભારતમાં જ રોકાઇ ગયા. આપણા દેશે શેખ હસીનાને સુરક્ષા અને સગવડ પૂરા પાડ્યા છે. બાંગ્લાદેશની નવી સરકારે પોતાના દેશમાં જે કંઇ થયું એના માટે શેખ હસીનાને જવાબદાર ઠેરવીને તેમની સામે કેસો કર્યા છે.

માત્ર એટલું જ નહીં, ભારત સરકાર પાસે એવી માંગણી પણ કરી છે કે, શેખ હસીના અમારા ગુનેગાર છે, તેમને અમને સોંપી દો. આપણો દેશ આ મુદ્દે કંઇ બોલતો નથી પણ ભારતનું એવું સ્પષ્ટ વલણ દેખાઇ આવે છે કે, શેખ હસીના ભારતમાં જ રહેશે અને જ્યાં સુધી ભારતમાં છે ત્યાં સુધી તેને કંઇ થવા દેવાના નથી. બાંગ્લાદેશની યુનુસ સરકારે એવો બંદોબસ્ત કરી રાખ્યો છે કે, શેખ હસીના ક્યારેય બાંગ્લાદેશમાં પગ જ ન મૂકી શકે. શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે. તોફાનીઓએ તેમના પૂતળા તોડી નાખ્યા અને તેમના ઘર સહિતના સ્થળોએ તોડફોડ કરી. આ વિશે શેખ હસીનાએ એવું કહ્યું કે, થોડાક લોકોની બદમાશી અને કરતૂતોથી ઇતિહાસ બદલી જવાનો નથી. બાંગ્લાદેશના લોકોએ ઇતિહાસને યાદ રાખવો જોઇએ અને આજે નહીં તો કાલે લોકોને પોતાની ભૂલ સમજાવાની છે.

એ વાત તો આખી દુનિયા જાણે છે કે, બાંગ્લાદેશનું અસ્તિત્ત્વ ભારતના કારણે છે. ભારતે જ બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદ કરાવ્યું હતું. પાકિસ્તાને બાંગ્લાદેશ સાથે ક્રુરતા આચરવામાં કંઇ બાકી રાખ્યું નથી. મોહમ્મદ યુનુસ એ બધું જ ભૂલીને પાકિસ્તાનની નજીક પહોંચી ગયા છે. બાંગ્લાદેશમાં જે કંઇ થયું એની પાછળ ચીન અને પાકિસ્તાનનો જ હાથ છે. બાંગ્લાદેશમાં અનેક એવા આતંકવાદી સંગઠનો છે જે ચીન અને પાકિસ્તાનના ઇશારે કામ કરી રહ્યા છે.

ચીન અને પાકિસ્તાન આતંકવાદીઓને હથિયારો સહિત તમામ મદદ કરે છે. આ આતંકવાદીઓએ જ બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરોને ટાર્ગેટ કર્યા છે. મોહમ્મદ યુનુસ પોતાના દેશમાં જે કંઇ થઇ રહ્યું છે એમાં આંખ આડે કાન કરી રહ્યા છે. તેમને ગમે તેમ કરીને સત્તા પર ચિટકી રહેવું છે. બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ છે કે, સુરક્ષાની જવાબદારી સેનાએ સંભાળવી પડી છે. બાંગ્લાદેશમાં એક શક્યતા લશ્કરી બળવાની પણ થઇ રહી છે. બાંગ્લાદેશમાં ક્યારે શું થશે એ કોઇ કહી શકે એમ નથી.

બાંગ્લાદેશ અમેરિકાની આંખે પણ ચડેલું છે. મોહમ્મદ યુનુસ જે રીતે ચીન અને પાકિસ્તાનના ચાળે ચડ્યા છે એ અમેરિકાને પસંદ પડતું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા એ પછી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અને ટ્રમ્પ સાથે બેઠક કરી હતી. એ વખતે બાંગ્લાદેશ સંદર્ભે ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ પૂછાયો ત્યારે ટ્રમ્પે એવો જવાબ આપ્યો હતો કે, બાંગ્લાદેશનો મામલો હું મોદી પર છોડું છે. તેનો સીધો અર્થ એ થયો કે, વડાપ્રધાન મોદી જે કરે તેની સાથે અમેરિકા છે. મોહમ્મદ યુનુસને ખબર છે કે, ભારત અને અમેરિકા અમને છોડવાના નથી. વડાપ્રધાન મોદીને મળીને મોહમ્મદ યુનુસ પોતાનો સ્વાર્થ સાધવા ઇચ્છે છે પણ ભારત તેને પાઠ ભણાવવાના મૂડમાં છે. બાંગ્લાદેશે કરેલી ભૂલો ભોગવવી પડવાની છે! 


મોહમ્મદ યુનુસની સરકાર ગમે ત્યારે ગબડી પડે એવી સ્થિત સર્જાઇ છે!
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ બાદ જ્યારે મોહમ્મદ યુનુસને કાર્યકારી વડા બનાવવામાં આવ્યા ત્યારે બધાને એવું હતું કે, હવે બાંગ્લાદેશમાં શાંતિ સ્થપાશે પણ એવું થયું નથી. બાંગ્લાદેશની હાલત હતી એના કરતા પણ વધુ ખરાબ થઇ છે. મોહમ્મદ યુનુસની સાથે જે લોકો હતા એ પણ તેની સામે આવી ગયા છે. જે વિદ્યાર્થી નેતાએ શેખ હસીનાની સરકારને ઉથલાવી નાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી એ સ્ટુડન્ટસ અગેઇન્સ્ટ ડિસક્રિમિનેશન સંગઠનના વડા નાહિદ ઇસ્લામ બાંગ્લાદેશની સરકારમાં જોડાયા હતા. હવે તેણે પણ મોહમ્મદ યુનુસની સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. નાહિદ ઇસ્લામે પોતાના સાથીઓ સાથે મળીને રાષ્ટ્રીય નાગરિક પાર્ટી બનાવીને રાજકારણમાં ઝંપલાવ્યું છે. નાહિદ કહે છે કે, મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશનું ભલું કરી શકે એમ નથી. બાંગ્લાદેશની સેના પણ મોહમ્મદ યુનુસની નીતિરીતિથી નારાજ છે. બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઇ રહ્યું નથી. અત્યારે સ્થિતિ એવી સર્જાઇ છે કે, બાંગ્લાદેશમાં ગમે ત્યારે ગમે તે થઇ શકે છે. રાજકીય નિષ્ણાતો એવી આગાહી કરી રહ્યા છે કે, મોહમ્મદ યુનુસની સરકાર લાંબુ કાઢશે નહીં! બાંગ્લાદેશનું રાજકારણ હજુ ઘણા વળાંકો લેવાનું છે!


  • Follow us on: