ભારત અને અફઘાનિસ્તાનના તાલિબાનો નજીક આવી રહ્યા છે. આપણા વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ દુબઇમાં તાલિબાનોના વિદેશ પ્રધાન આમિરખાન મુત્તાકી સાથે બેઠક યોજી હતી. આ ઘટનાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે

અફઘાનિસ્તાનના તાલિબાનો અને પાકિસ્તાન વચ્ચે અત્યારે ભારે તણાવ છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી એ પછી તાલિબાનોએ પાકિસ્તાનની બોર્ડર પર સેના ખડકી દીધી છે. તાલિબાનોએ પાકિસ્તાનને જોઇ લેવાની ધમકી આપી છે

આતંરરાષ્ટ્રીય સંબંધોના સમીકરણો સમયે સમયે બદલતા રહે છે. ક્યારે કોણ સાથે આવી જાય અને ક્યારે કોણ સામે આવી જાય એ નક્કી હોતું નથી. કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે જે દોસ્તી અને દુશ્મનીની વ્યાખ્યા બદલી નાખે છે. ભારત અને તાલિબાનોના સંબંધોમાં અત્યારે એવું જ થઇ રહ્યું છે. બંને દેશ નજીક આવી રહ્યા છે અને એ જોઇને પાકિસ્તાનના પેટમાં કળકળતું તેલ રેડાઇ રહ્યું છે. તારીખ 15મી ઓગસ્ટ, 2021ના રોજ તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવી દીધો હતો. અમેરિકન સેનાએ રાતોરાત બિસ્તરા પોટલા સંકેલીને ઉચાળા ભરવા પડ્યા હતા.

તાલિબાનો અફઘાનિસ્તાનમાં ઘૂસી આવે એ માટે પાકિસ્તાને તેને તમામ પ્રકારની મદદ કરી હતી. એ સમયે ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન હતા. ઇમરાન ખાનને એમ હતું કે, હવે તાલિબાન આપણે કહેશું એમ જ કરશે. ઇમરાન ખાન અને પાકિસ્તાનની સેના તથા જાસૂસી સંસ્થા આઇએસઆઇની એક મેલી મુરાદ તો એવી પણ હતી કે, અફઘાનિસ્તાનમાં નવરા પડેલા તાલિબાનોનો ઉપયોગ હવે ભારતના કાશ્મીરમાં કરીશું. પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં બેક-સિટ ડ્રાઇવિંગ કરવું હતું પણ તાલિબાનોએ તેને કહી દીધું કે, અમારા મામલાઓમાં પડવાની કંઇ જરૂર નથી. અફઘાનિસ્તાનમાં જ્યારે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર અને અમેરિકાની સેના હતી ત્યારે આપણા દેશે અફઘાનિસ્તાનમાં ઘણા પ્રોજેક્ટો હાથ ધર્યા હતા.

અફઘાનિસ્તાનની સંસદથી માંડી રોડ, શાળાઓ અને બીજી સુવિધાઓ ભારતે ઊભી કરી આપી હતી. તાલિબાનો આવ્યા એ પછી આપણા દેશે અફઘાનિસ્તાનમાં ચાલતા તમામ પ્રોજેક્ટો અટકાવી દીધા હતા. તાલિબાનો એ સમયથી કહેતા આવ્યા છે કે, ભારત પાછું આવે અને જે પ્રોજેક્ટો તેમણે શરૂ કર્યા છે એ પૂરા કરે. અમે ભારત સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ. ભારતે માનવીય ધોરણે અફઘાનિસ્તાનના લોકોને મદદ કરતું રહ્યું છે. તાલિબાનોએ અનેક વખત ભારતનો આભાર પણ માન્યો છે. હવે ભારત અને તાલિબાનો ફરીથી નજીક આવી રહ્યા છે. સામા પક્ષે પાકિસ્તાન સાથેના તાલિબાનોના સંબંધો સતત વણસી રહ્યા છે.

આપણા વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ ગયા બુધવારે દુબઇમાં તાલિબાનોના વિદેશ પ્રધાન આમિરખાન મુત્તાકી સાથે બેઠક યોજી હતી. બંને દેશોએ આર્થિક સહયોગ વધારવા સહિત અનેક મુદ્દે સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે. આપણો દેશે ઇરાનના ચાબહાર બંદરને વિકસાવ્યું છે. ઇરાને આ બંદરનો વહીવટ પણ ભારતને સોંપ્યો છે. ભારતે જ્યારે આ બંદર વિકસાવ્યું ત્યારે એક યોજના એવી પણ ઘડી હતી કે, આ બંદરને અફઘાનિસ્તાન સાથે રોડ માર્ગે જોડવું. તાલિબાનોના આગમન પછી આ યોજનાને પણ બ્રેક વાગી ગઇ હતી. દુબઇમાં યોજાયેલી બેઠકમાં આ બંદરના રસ્તે અફઘાનિસ્તાન સાથે વેપાર વ્યવહાર શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આપણા દેશે તાલિબાનની સરકારને હજુ માન્યતા આપી નથી છતાં પણ અફઘાનિસ્તાનમાં જે પ્રોજેક્ટો ચાલી રહ્યા છે તેમાં આગળ વધવાનું આપણો દેશ વિચારી રહ્યો છે.

તાલિબાનોને ભારતની જરૂર છે. સાથોસાથ એ પણ હકીકત છે કે, તાલિબાનોને પાકિસ્તાન પર ભરોસો નથી. પાકિસ્તાનની દાનત એવી હતી કે, પોતે મધ્યસ્થી કરીને ચીન અને અફઘાનિસ્તાનને નજીક લાવશે અને એનો ફાયદો મેળવશે. ચીનનો ડોળો પણ અફઘાનિસ્તાન પર મંડાયેલો છે. અફઘાનિસ્તાનના પેટાળમાં કિંમતી ખનીજોનો મોટો ભંડાર છે. ચીનને એ ખનીજો જોઇએ છે. તાલિબાનો એટલા મૂરખ નથી કે, ચીનની ચાલ સમજી ન શકે. તાલિબાનોએ ચીનથી સેઇફ ડિસ્ટન્સ મેઇન્ટેન કરી રાખ્યું છે. તાલિબાનોને ખબર છે કે, ચીન જ્યાં જ્યાં ઘૂસ્યું છે ત્યાં ત્યાં એણે કેવા કરતૂતો કર્યા છે. બીજી વાત એ પણ છે કે, અફઘાનિસ્તાન જો ચીનની નજીક સરકે તો અમેરિકા નારાજ થાય. તાલિબાનો અને અમેરિકા વચ્ચે દુશ્મની છે એ વાત સાચી પણ તાલિબાનો અમેરિકા સાથે પંગો લેવા ઇચ્છતા નથી. ઉલટું, તાલિબાનો એવું ઇચ્છે છે કે, અમેરિકા તેના પર રહેમનજર રાખે. ભારત સાથે દોસ્તી વધારીને તાલિબાનો અમેરિકાની નજીક જવાની પણ ઇચ્છા રાખે છે.

તાલિબાનોએ અફઘાનિસ્તાનની સત્તા હાંસલ કરી એ પછી પાકિસ્તાનના તાલિબાનો નવરા પડ્યા હતા. પાકિસ્તાનના આતંકી સંગઠન તહેરીક-એ-તાલિબાને પછી પોતાની નજર પાકિસ્તાન પર માંડી હતી. તાલિબાનોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમે ધીમે ધીમે આખા પાકિસ્તાન પર કબજો જમાવી લેશું અને પાકિસ્તાનમાં શરિયા કાનૂન લાગુ કરીશું. પાકિસ્તાનના કેટલાંક વિસ્તારોમાં તો અત્યારે જ તાલિબાનોનો કબજો છે. પાકિસ્તાનના તાલિબાનો રોજેરોજ આતંકી હુમલાઓ કરી રહ્યા છે. પાકિસ્તાનની સેના માટે સૌથી મોટો પડકાર તાલિબાનો જ છે. પાકિસ્તાનની સેનાના વડા અસીમ મુનીર એવું કહેતા રહ્યા છે કે, પાકિસ્તાનના તાલિબાનોને અફઘાનિસ્તાનના તાલિબાનો તમામ પ્રકારની મદદ કરી રહ્યા છે. અફઘાનિસ્તાન એવું કહે છે કે, પાકિસ્તાન અમારા પર ખોટા આક્ષેપ કરે છે. પાકિસ્તાનનો દાવો છે કે, તાલિબાનો અમારા દેશમાં હુમલાઓ કરીને અફઘાનિસ્તાનની હદમાં ચાલ્યા જાય છે. ગઇ તારીખ 25મી ડિસેમ્બર, 2024ના રોજ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી હતી.

પાકિસ્તાનના હુમલામાં અફઘાનિસ્તાનની 59 લોકોના મોત થયા હતા. જે લોકો માર્યા ગયા એમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો. તાલિબાનોએ કહ્યું હતું કે, પાકિસ્તાને નિર્દોષ લોકોને મારી નાખ્યા છે. પાકિસ્તાને તેના પરિણામો ભોગવવા પડશે. તાલિબાનોએ બાદમા ડૂરંડ લાઇન તરીકે ઓળખાતી અફઘાન પાકિસ્તાન સીમામાં પોતાની સેનાનો જમાવડો કરી પાકિસ્તાનની સેના સાથે લડવાનું શરૂ કરી દીધું હતું. તાલિબાનોના હુમલામાં પાકિસ્તાનના વીસ જેટલા સૈનિકો માર્યા ગયા હતા.

મોતના ડરથી પાકિસ્તાનના સૈનિકો ચોકીઓ છોડીને ભાગી ગયા હતા. તાલિબાનોએ પાકિસ્તાનની કેટલીક ચોકીઓ પર પણ કબજો જમાવી લીધો છે. પાક અફઘાન બોર્ડર પર અત્યારે યુદ્ધ જેવો માહોલ છે. અફઘાનિસ્તાનના વળતા પ્રહારથી પાકિસ્તાનની હાલત કફોડી થઇ ગઇ છે. પાકિસ્તાન હવે તાલિબાનોને મનાવવાના પ્રયાસો કરે છે પણ તાલિબાનો પાકિસ્તાનની કોઇ વાત સાંભળવા તૈયાર નથી. બરાબર આ સમયે જ ભારત અને તાલિબાનો નજીક આવી રહ્યા છે. પાકિસ્તાને તેની સામે બળાપો ઠાલવ્યો છે. એ વાત જુદી છે કે, પાકિસ્તાન ગમે તે કરે એનાથી ભારત કે અફઘાનિસ્તાનના તાલિબાનોને નયા ભારનો ફેર પડતો નથી.

અત્યારે જે કંઇ થઇ રહ્યું છે એ ભારતના હિતમાં છે. અફઘાનિસ્તાનના તાલિબાનો ભારતના વખાણ કરી રહ્યા છે અને પાકિસ્તાનને એનાથી ઝાળ લાગે છે. તાલિબાનોએ પોતાના મુખપત્ર અલમિરસાદમાં ભારતના બે મોઢે વખાણ કર્યા છે અને લખ્યું છે કે, ભારત અને અફઘાનિસ્તાનની દોસ્તી હજુ વધવાની છે. પાકિસ્તાનને વિશે લખ્યું કે, તમારે કોઇ ભ્રમમાં રહેવાની જરૂર નથી. અમે અમારી નીતિઓમાં સપષ્ટ છીએ. કોની સાથે સંબંધ રાખવા અને કોની સાથે ન રાખવા એનું અમને ભાન છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે હજુ તણાવ વધવાનો છે અને એનો સીધો ફાયદો આપણા દેશને થવાનો છે!

  • Follow us on: