ઉત્તર પ્રદેશના બાંદાની યુવતી શહેજાદીને દુબઇમાં જ્યાં કામ કરતી હતી તેના દીકરા મોતના કેસમાં ફાંસીની સજા ફરમાવવામાં આવી છે



શહેજાદીએ ભારતમાં રહેતા માતા-પિતાને ફોન કરીને કહ્યું કે, આ મારો છેલ્લો ફોન છે. મને ફાંસીની કોટડીમાં શિફ્ટ કરવામાં આવી છે. શહેજાદીને તેના પ્રેમીએ પ્રેમજાળમાં ફસાવીને દુબઇમાં વેચી દીધી હતી! કરૂણ છે શહેજાદીની કથા!

અબ્બુ, આ મારો છેલ્લો ફોન છે. મને લાગે છે કે હવે મારો સમય પૂરો થયો છે. મને બીજી કોટડીમાં શિફ્ટ કરવામાં આવી છે. હવે ગમે ત્યારે ફાંસીની સજા આપી દેશે. તમે દુ:ખી ન થતા. પિતાએ કહ્યું, લે લે તારી મા સાથે વાત કર. શહેજાદીએ માતાને પણ કહ્યું કે, તમારું ધ્યાન રાખજો. દસ મિનિટ થઇ અને ફોન કપાઇ ગયો. શહેજાદીનો ફોન કદાચ તેની અંતિમ ઇચ્છાનો અમલ હતો. ચાર મહિનાના બાળકની હત્યાના કેસમાં દુબઇની અદાલતે શહેજાદીને ફાંસીની સજા ફરમાવી છે. શહેજાદી કહે છે કે, મારો કંઇ વાંક નથી. બાળકના માતા-પિતાએ બચવા માટે બાળકના મોતનો આરોપ મારા પર મૂકી દીધો છે. મને ફસાવી દેવાઇ છે! એનું નામ શહેજાદી છે પણ એના નસીબ કોણ જાણે કેવા છે કે, તેણે જિંદગીમાં ક્યારેય સુખ જોયું જ નહીં. પ્રેમીએ તેને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને દુબઇમાં વેચી દીધી હતી. શહેજાદીના જિંદગીમાં અનેક વળાંકો આવ્યા અને અંતે તે ફાંસીના માંચડા સુધી પહોંચી ગઇ!

શહેજાદીની કરૂણ કથા ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના ગોયરા મુગલી ગામથી શરૂ થાય છે. આ ગામના સબ્બીર ખાનની ત્રણ દીકરીમાં શહેજાદી સૌથી નાની છે. શહેજાદી આઠ વર્ષની હતી ત્યારે રસોઇ બનાવતી વખતે લાગેલી આગમાં ગંભીર રીતે દાઝી ગઇ હતી. એ સમયે એવું લાગતું હતું કે, હવે શહેજાદી નહીં બચે પણ નસીબે તેને સાથ આપ્યો અને તે બચી ગઇ. મોટી થયા બાદ શહેજાદીને રોટી બેંક નામની સામાજીક સંસ્થામાં નોકરી મળી. પોતાના પગારમાંથી શહેજાદી ઘરમાં થાય એ મદદ કરતી હતી. બધું બરાબર ચાલતું હતું, ત્યાં જ શહેજાદીની જિંદગીમાં એક ફિલ્મી ટર્ન આવ્યો. સોશિયલ મીડિયા પર તેને આગ્રામાં રહેતા ઉજ્જૈર નામના યુવાન સાથે પરિચય થયો. ઉજ્જૈરને મળીને શહેજાદીને લાગ્યું કે, તેને પોતાનો જીવનસાથી મળી ગયો.

ઉજ્જૈર તેને કહ્યું કે, હું તારી સાથે નિકાહ કરીશ અને આપણે બંને સરસ જિંદગી જીવશું. બંને મળવા લાગ્યા. એક દિવસે ઉજ્જૈરે શહેજાદીને કહ્યું કે, દુબઇમાં મારા એક સગા રહે છે. એ તારી સારવાર કરાવવા માટે તૈયાર છે. તારી પ્લાસ્ટિક સર્જરી કરાવીને તને સરસ બનાવી દેશે. આપણે બંને પછી દુબઇ જ શિફ્ટ થઇ જશું. જાત જાતની વાતો કરીને ઉજ્જૈરે શહેજાદીના પાસપોર્ટ, વિઝા તૈયાર કરાવ્યા અને શહેજાદીને દુબઇ મોકલી દીધી. દુબઇ પહોંચ્યા પછી શહેજાદીને ખબર પડી કે, મને તો વેચી દેવામાં આવી છે! માત્ર દોઢ લાખ રૂપિયામાં પ્રેમી ઉજ્જેરે દુબઇના દંપતી સાથે શહેજાદીનો સોદો કરી નાખ્યો હતો.

દુબઇના કપલ ફૈઝ અને નાદિયાએ શહેજાદીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તારે જો શાંતિથી જીવવું હોય તો અમે કહીએ એમ જ કરવું પડશે. શહેજાદીનો પાર્સપોર્ટ બંનેએ લઇ લીધો હતો. શહેજાદીએ જેવા મારા નસીબ એવું વિચારીને મન મનાવી લીધું હતું. ફૈઝ અને નાદિયા તેની પાસે ઘરકામ તો કરાવતા જ હતા, સાથોસાથ પોતાના ચાર મહિનાના દીકરાને સંભાળવાની જવાબદારી પણ શહેજાદી પર ઢોળી દીધી હતી. એક વાર ફૈઝ અને નાદિયાનો દીકરો બીમાર પડ્યો. માતા નાદિયા દીકરાને દવાખાને લઇ ગઇ. ડોકટરે તેને તપાસીને ઇન્જેકશન આપ્યું. દીકરાને પાછો ઘરે લાવી, તેને શહેજાદીને સોંપીને નાદિયા નોકરી કરવા ચાલી ગઇ. એ પછી ગમે તે થયું, બાળકની તબિયત બગડી અને તેનું મૃત્યુ થયું.

બાળકનું ભેદી સંજોગોમાં મોત થયું એટલે દુબઇ પોલીસે ફૈઝ અને નાદિયા સામે તપાસ હાથ ધરી. બંનેની પૂછપરછ થઇ. ફૈઝ અને નાદિયાને એવું થયું કે, દીકરાના મોતના કેસમાં તેને સજા પડશે. દીકરો મરી ગયો એના દસ દિવસ પછી ફૈઝે શહેજાદી સામે એવી ફરિયાદ કરી કે, શહેજાદીની બેદરકારીના કારણે અમારા દીકરાનું મોત થયું છે. શહેજાદીએ દીકરાને મારી નાખ્યો છે. દુબઇ પોલીસે શહેજાદીની ધરપકડ કરી. શહેજાદી સામે દુબઇની અદાલતમાં કેસ ચાલ્યો. અદાલતે શહેજાદીને કસુરવાર ઠેરવીને ફાંસીની સજા ફરમાવી. શહેજાદીના માતા પિતાએ આગ્રાના ઉજ્જૈર સામે દીકરી શહેજાદીને પ્રેમજાળમાં ફસાવીને દુબઇમાં વેચી દીધી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી. આ કેસ આગળ વધે એ પહેલા જ શહેજાદીને દુબઇમાં ફાંસીને સજા ફરમાવવામાં આવી અને બધું ફોકસ શહેજાદીના કેસ તરફ ફંટાઇ ગયું. શહેજાદીના મા-બાપે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત સરકારને અપીલ કરી કે, શહેજાદીને બચાવી લો. સરકારે પ્રયાસો કર્યા પણ છેલ્લે ગમે તે થયું, શહેજાદીની ફાંસીની સજા બરકરાર રાખવામાં આવી. ગયા સપ્ટેમ્બરમાં જ દુબઇની અદાલતે શહેજાદીને ફાંસી આપી દેવાનું એલાન કર્યું હતું. શહેજાદી છેક સુધી કહેતી રહી કે, બાળકનું મોત મારા કારણે નહીં પણ તબીબી બેદરકારીના કારણે થયું હતું. તેની સારવાર કરનાર ડોકટર કે તેના માતા-પિતાને જવાબદાર ઠેરવવાના બદલે બધો દોષ મારા પર નાખી દેવાયો છે.

શહેજાદી અને તેના પરિવારજનો જે વાત કરે છે તેમાં શું સાચું અને શું ખોટું તેના વિશે પણ જાતજાતના તર્કવિતર્કો થયા છે. અનેક દલીલો થઇ છે પણ શહેજાદીનો બચાવ થઇ શક્યો નથી. શહેજાદીના આખા કિસ્સામાં માનવ તસ્કરીથી માંડીને ગુલામી સુધીની ઘટનાઓ છે. સાથોસાથ સોશિયલ મીડિયાના પ્રેમ સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અત્યારના સમયમાં છોકરા છોકરીઓ સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોના સંપર્કમાં આવે છે અને આંધળુકિયા કરી બેસે છે. દેશમાં એવી ઘણી ગેંગો અને કેટલાંયે બદમાશો છે જે માનવ તસ્કરીનું કામ કરી રહ્યા છે. એ બધા શહેજાદી જેવી છોકરીઓને ફસાવવાના મોકા જ શોધતા હોય છે. ઉજ્જૈરે બાકાયદા શહેજાદીને ફસાવી હતી. તેને ખબર હતી કે, આ ગરીબ છે, જરાયે દેખાવડી નથી, એટલે એ મારી મીઠી મીઠી વાતોમાં આવી જશે. થયું પણ એવું જ. ઉજ્જૈરના કેસમાં તો એ તપાસ પણ ચાલે છે કે, તેણે શહેજાદીની જેમ બીજી છોકરીઓને તો ફસાવી નથીને? ઉજ્જૈરનું તો જે થાય તે પણ હવે શહેજાદીને કોઇ બચાવી શકે એમ નથી. શહેજાદીની જિંદગી પર ગમે ત્યારે પડદો પડી જવાનો છે!  


શહેજાદીને ફાંસીથી બચાવવા માટે ઘણા પ્રયાસો થયા છે
શહેજાદીને ફાંસીની સજાથી બચાવવા માટે તેના માતા પિતાએ સરકારને વિનંતી કરી હતી. આપણી સરકારે પણ તેને બચાવવા માટે થાય એટલા પ્રયાસો કર્યા હતા. ગમે તે થયું પણ કોઇ પ્રયાસ કામ લાગ્યા નથી. સરકારની પણ કેટલીક મર્યાદાઓ હોય છે. ક્રાઇમના કિસ્સામાં ગુનેગારને બચાવવામાં ઘણી વખત સફળતા મળતી નથી. જાસૂસી, રાજનૈતિક કે બીજી કોઇ ઘટના હોય તો હજુયે માફી મેળવવામાં કામયાબી મળે છે. કતારમાં ભારતીય નૌસેનાના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને જાસૂસીના કેસમાં મોતની સજા ફરમાવવામાં આવી હતી. આપણી સરકારે દરમિયાનગીરી કરીને આઠે આઠને બચાવી લીધા હતા. કેટલાંકમાં જેની હત્યા થઇ હોય તેના પરિવારજનોને બ્લડમની આપીને પણ માફી મેળવવામાં આવે છે. શહેજાદીના કિસ્સામાં કોઇ ઉપાયો સફળ થયા નથી. એક તબક્કે એવું લાગતું હતું કે, શહેજાદી ફાંસીની સજાથી બચી જશે પણ એવું થયું નથી. શહેજાદીની જિંદગી એક કરૂણ કથાથી જરાયે ઉતરતી નથી. નાની હતી ત્યારથી તેના નસીબમાં પીડા, વેદના, દર્દ અને દગા ફટકા જ રહ્યા છે!


  • Follow us on: