• જાપાન છેલ્લા ઘણા સમયથી અનેક આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. જાપાન અમેરિકા અને ચીન પછીનું ત્રીજા નંબરનું દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર હતું. હવે તે ચોથા નંબરે ચાલ્યું ગયું છે. જર્મનીનું અર્થતંત્ર ત્રીજા નંબરનું બની ગયું છે

  • આપણો દેશે દુનિયાની પાંચમા નંબરની ઇકોનોમી છે. જે અનુમાનો અને આગાહીઓ છે એ એવું કહે છે કે, થોડા વર્ષોમાં ભારત જર્મની અને જાપાનને પાછળ રાખીને અમેરિકા અને ચીન પછી દુનિયાની ત્રીજા નંબરની ઇકોનોમી બની જશે!

એક સમય હતો જ્યારે આખા જગતમાં જાપાનના અર્થતંત્રની બોલબાલા હતી. સમયની સાથે ધીમે ધીમે જાપાનનું અર્થતંત્ર સંકોચાતું ગયું. જાપાન હમણાં સુધી દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર હતું, હવે તે ચોથા નંબર પર સરકી ગયું છે. કોઇ પણ દેશનું અર્થતંત્ર વિકસે કે નબળું પડે તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. જાપાને અર્થતંત્રને નબળું થતું બચાવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા પણ તેનો મેળ પડ્યો નથી. કેટલાંક પરિબળો એવા હોય છે જે કોઇના કંટ્રોલમાં હોતા નથી. તમે ખેલ જોવા સિવાય કંઇ કરી શકતા નથી. અમેરિકા અને ચીન પછી જાપાનનો નંબર આવતો હતો, જર્મની ચોથા નંબરે હતું. એ બધા પછી આપણો દેશ પાંચમા નંબરની દુનિયાની સૌથી મોટી ઇકોનોમી છે. જાપાનના લોકોએ દેશના વિકાસ માટે લોહીપાણી એક કર્યા છે. જાપાનીઝ લોકો ખૂબ મહેનતું છે. જાપાન પર કુદરત બીજા દેશ જેટલી મહેરબાન રહેતી નથી. જાપાનમાં છાશવારે ભૂકંપ આવતા રહે છે. દુનિયામાં 6 રિકટર સ્કેલ કરતા વધુ તીવ્રતા ધરાવતા જેટલા ભૂકંપ આવે છે તેમાંથી વીસ ટકા માત્ર જાપાનમાં આવે છે. નાના નાના ભૂકંપ તો જાપાન માટે રોજની ઘટના છે. ભૂકંપના કારણે જાપાન પર સુનામીનો ખતરો પણ તોળાયેલો રહે છે. જાપાને દરેક પડકારોનો સામનો કરીને વિકાસ સાધ્યો હતો. જો કે, છેલ્લા થોડા સમયમાં ચક્ર એવું ફર્યું કે, જાપાન મંદીના વમળમાં ફસાઇ ગયું. ડોલરની સામે જાપાનનું ચલણ યેન નબળું પડ્યું અને જાપાનની ઇકોનોમી વધુ એક વખત નીચેના નંબરે સરકી ગઇ. છેલ્લા એક વર્ષમાં યેનનું મૂલ્ય સાત ટકા ઘટ્યું છે. જાપાનનું અર્થતંત્ર આયાતો પર મોટા આધાર રાખે છે. જાપાને ઓઇલ, ગેસ, કોલસા સહિતની ઉત્પાદન માટે જરૂરી ચીજ વસ્તુઓની આયાત કરીને જાપાન પોતાને ત્યાં વાહનો, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ અને અન્ય ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરીને નિકાસ કરતું હતું. છેલ્લા થોડા સમયમાં જાપાનથી થતી નિકાસમાં પણ ઘટાડો થયો. જાપાન જે ચીજ વસ્તુઓ બનાવતું હતું એવી અને ઘણા કિસ્સાઓમાં એનાથી પણ સારી અને સસ્તી ચીજ વસ્તુઓ ચીન, ભારત, વિયેતનામ અને બ્રાઝિલ સહિત કેટલાંક દેશો બનાવવા અને નિકાસ કરવા લાગ્યા, એના કારણે જાપાનને મોટો ફટકો પડ્યો. મંદીથી બચવા માટે અને પોતાનો દબદબો કાયમ રાખવા માટે જાપાને ચીન, ભારત, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા સહિતના દેશોમાં કંપનીઓ સ્થાપી ઉત્પાદનો શરૂ કર્યા, તો પણ જે ફાયદો થવો જોઇએ એ ન થયો.

જાપાનનું અર્થતંત્ર નબળું પડવાનું બીજું એક સૌથી મોટું કારણ ત્યાંની વસતિમાં વૃદ્ધોની વધી ગયેલી સંખ્યા છે. નિવૃત અને અશક્ત લોકોની સંખ્યા જાપાનમાં મોટી છે. જાપાનમાં જન્મદર નીચો છે. યંગસ્ટર્સ બાળકોને જન્મ આપવાથી દૂર રહે છે. પરિણામે કામ કરી શકે એવા લોકોની ઘટ પેદા થઇ છે. મંદી અને પડતીનું ચક્ર એવું હોય છે કે, એક વખત શરૂ થઇ ગયા પછી એ ચાલતું જ રહે છે. આખરે જાપાન ચોથા નંબરે સરકી ગયું. ગયા વર્ષે ઓકટોબર, 2024માં જ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે એવું કહ્યું હતું કે, આવતા વર્ષે જાપાન પાછળ રહી જશે અને જર્મની ત્રીજા નંબરની ઇકોનોમી બની જશે. જો કે, એ સમયે એવો અંદાજ નહોતો કે આટલી ઝડપથી આઇએમએફની આગાહી સાચી પડશે. જાપાનની સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ એવું કહે છે કે, દેશની જીડીપી છેલ્લા ત્રણ મહિનામાં ધારણા કરતા વધુ ઘટી છે. જાપાન અગાઉ દુનિયાની બીજા નબંરની ઇકોનોમી હતું. ચીને આ દરમિયાનમાં કોઇને કલ્પના ન હોય એવો વિકાસ સાધ્યો હતો. 2010માં ચીન જાપાનને પાછળ રાખીને દુનિયાની બીજા નબંરની ઇકોનોમી બની ગયું હતું. તેર વર્ષ સુધી જાપાન નંબર ત્રણ પર રહ્યું અને હવે ચોથા સ્થાને આવી ગયું.

જાપાનની ઇકોનોમી વર્ષ 2023માં 4.2 ટ્રિલિયન ડોલરની રહી છે. જ્યારે જર્મનીની ઇકોનોમી 4.5 ટ્રિલિયન ડોલરની રહી છે. જીડીપીની વાત કરીએ તો અમેરિકાની જીડીપી 27.97 ટ્રિલિયન ડોલર સાથે ટોપ પર છે. બીજા નંબરે ચીનની જીડીપી 15.86 ટ્રિલિયન ડોલરની છે. જર્મની 4.73 ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા નંબરે અને 4.29 ટ્રિલિયન ડોલર સાથે જાપાન ચોથા નંબરે છે. ભારતની જીડીપી 4.11 ટ્રિલિયન ડોલર છે. આપણે બ્રિટનને પાછળ રાખીને વિશ્વનું પાંચમા નંબરનું અર્થતંત્ર બન્યા છીએ. આપણો દેશ 1947માં આઝાદ થયો ત્યારે દેશની છાપ સાપ અને મદારીઓના દેશની હતી. ભારત વિશે એવી વાતો થઇ હતી કે, અંગ્રેજો હતા એટલે જ આ દેશ ટક્યો હતો, હવે તો આ દેશને ધૂતારા અને પિંઢારા ચૂંથી નાખશે. ભારતે પોતાની ક્ષમતા સાબિત કરી બતાવી છે. જે આગાહી છે એ એવી છે કે, આગામી થોડા જ વર્ષોમાં ભારત જર્મની અને જાપાનને પાછળ રાખીને દુનિયાની ત્રીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી બની જવાનું છે. દુનિયાના તમામ દેશોની નજર આજે ભારત પર મંડાયેલી છે. ભારતનો વિકાસ દુનિયા જોઇ રહી છે. વિકાસ તો ચીને પણ કર્યો છે પણ ચીન અને ભારતમાં બહુ ફેર છે. ચીન દરેક વાતમાં પોતાનો સ્વાર્થ જ જુએ છે અને પોતાનો સ્વાર્થ સાધવા માટે બદમાશીની કોઇપણ હદ સુધી જાય છે. ભારત એવું નથી કરતું. ભારત બધાને સાથે રાખીને ચાલવામાં માને છે. જાપાન ભલે ચોથા નંબરે સરકી ગયું પણ ભારત આજે વિકાસ સાધી શક્યું એમાં જાપાનનો ફાળો પણ મહત્ત્વનો છે. ભારત અને જાપાન બહુ સારા મિત્રો રહ્યા છે. ભારતમાં બૂલેટ ટ્રેન સહિત અનેક પ્રોજેક્ટ જાપાન હસ્તક છે. આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રચર ઊભું કરવામાં જાપાનની ભૂમિકા મહત્ત્વની રહી છે. આપણો દેશ વસુધૈવ કુટુમ્બકમમાં માને છે. સમગ્ર વિશ્વને એક પરિવાર સમજે છે. દુનિયાના નાના અને જરૂરિયાતવાળા દેશોને જ્યારે જરૂર પડી છે ત્યારે ભારત તેમની મદદે ગયું છે. ભારતની ઇકોનોમી આજે દુનિયાના કોઇપણ દેશ કરતા વધુ ઝડપે આગળ વધી રહી છે. પહેલા કોરોનાએ દુનિયાના અર્થતંત્રોને હચમચાવી નાખ્યા હતા. હજુ જગત કોરોનાની અસરોમાંથી મુક્ત થયું નહોતું ત્યાં રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. આ યુદ્ધ બે વર્ષથી ચાલી રહ્યું છે. આ યુદ્ધ ચાલતું હતું ત્યાં જ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ છેડાયું. દુનિયામાં અત્યારે બે બે યુદ્ધ ચાલી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં તણાવનું વાતાવરણ છે. અમેરિકા જેવા અમેરિકાનું અર્થતંત્ર ડામાડોળ થઇ ગયું છે. અર્થશાસ્ત્રીઓ અમેરિકાની બાઇડેન સરકારને એવી ચેતવણી આપી રહ્યા છે કે, બીજા બધામાંથી દૂર ખસીને દેશના અર્થતંત્ર પર ધ્યાન આપવાની તાતી જરૂર છે, જો યોગ્ય પગલાં નહીં લેવાય તો અમેરિકા મંદીની ઝપટમાં આવી જશે. ચીનનું અર્થતંત્ર પણ હચમચી રહ્યું હોવાના સમાચારો આવી રહ્યા છે અને હવે જાપાનની દશા પણ ખરાબ થઇ છે. આપણું અર્થતંત્ર આગળ વધી રહ્યું છે તેની પાછળ આપણા આર્થિક નિર્ણયો અને સાથોસાથ આપણી અસરકારક વિદેશ નીતિ અને કૂટનીતિ પણ છે. જાપાનની સ્થિતિ જોતા એવું લાગે છે કે, હજુ તેનું અર્થતંત્ર વધુ નબળું પડવાનું છે!


  • Follow us on: