• પાકિસ્તાનની કાર્યવાહક સરકારે પોતાના દેશમાં શરણાર્થી તરીકે રહેતા અફઘાનિસ્તાનના 11 લાખ લોકોને તારીખ 1 નવેમ્બર સુધીમાં પાકિસ્તાન છોડી દેવાનો આદેશ કર્યો છે. પાકિસ્તાનમાં શરણાર્થીઓના રૂપમાં આતંકવાદીઓ હરેફરે છે!
  •  પાકિસ્તાને એક વખત તો અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી જ છે. હવે આતંકવાદીઓના ખાત્મા માટે પાકિસ્તાન બીજી સ્ટ્રાઇકની તૈયારીઓ કરતું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તાલિબાનો પણ પાકિસ્તાન સાથે લડી લેવાના મૂડમાં છે!

પાકિસ્તાનમાં છેલ્લા થોડા સમયમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. પાકિસ્તાનના કોઇને કોઇ ખૂણે લગભગ દરરોજ બોંબ ધડાકાઓ થાય છે. નાની નાની ઘટનાઓની તો આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ પણ લેવાતી નથી. કોઇ મોટો બ્લાસ્ટ થાય ત્યારે ઉહાપોહ મચે છે. થોડા દિવસ પહેલાની જ વાત છે. ગઇ તારીખ 29મી સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આવેલા મત્સુંગમાં સુસાઇડ એટેક થયો હતો. 60 લોકોના મોત થયા અને 70થી વધુને ઇજા થઇ. આ ઉપરાંત બીજા બે સ્થળે પણ આ દિવસે જ બ્લાસ્ટ થયા. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન તહેરીક-એ-તાલિબાને સરાજાહેર એવું કહ્યું છે કે, અમે ધીમે ધીમે આખા પાકિસ્તાન પર કબજો કરીને ઇસ્લામિક શાસન સ્થાપવાના છીએ. અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું રાજ છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના તાલિબાનો જુદા જુદા છે. પાકિસ્તાનને શંકા છે કે, પાકિસ્તાનના તાલિબાનોને અફઘાનિસ્તાનના તાલિબાનોનો સાથ છે. અફઘાનિસ્તાનના સત્તાધીશ તાલિબાનો પાકિસ્તાનની વાતનો ઇનકાર કરી રહ્યા છે. તેઓ તો પાકિસ્તાન સામે એવો આક્ષેપ કરે છે કે, પાકિસ્તાનથી પોતાનો દેશ સચવાતો નથી એટલે દોષનો ટોપલો અમારા પર ઢોળવાનો પ્રયાસ કરે છે. અફઘાનિસ્તાનના તાલિબાનોનો પાકિસ્તાનના તાલિબાનોને સાથ છે કે કેમ એ તો અલ્લાહ જાણે પણ એક વાત સાચી છે કે, પાકિસ્તાનના તાલિબાનો પાકિસ્તાનમાં બોંબ ધડાકાઓ કરીને અફઘાનિસ્તાનની હદમાં ચાલ્યા જાય છે. ગયા વર્ષે એપ્રિલ, 2022માં પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી હતી. પાકિસ્તાનથી ઉડેલા ફાઇટરોએ અફઘાનિસ્તાનના કુનોર, ખોસ્ત, ચોગમ અને પેચા મેલા પર બોંબ વરસાવ્યા હતા. આ હુમલામાં અફઘાનિસ્તાનના 41 લોકોના મોત થયા હતા. તેમાં એક મહિલા અને પાંચ બાળકોને સમાવેશ થતો હતો. આ હુમલા પછી અફઘાનિસ્તાને પાકિસ્તાનને એવી ધમકી આપી હતી કે, જો હવે પછી આવું કર્યું છે તો અમે પાકિસ્તાન સાથે યુદ્ધ છેડી દેશું.

પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇનું એક સિક્રેટ ડોક્યુમેન્ટ હમણા લીક થયું છે. તેમાં એવી વિગતો છે કે, પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓ પર વધુ એક એર સ્ટ્રાઇકની તૈયારીઓ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનના જાલના, નૂરિસ્તાન અને લઘમનમાં આતંકવાદીઓના આઠ તાલીમ કેમ્પો ધમધમે છે. પાકિસ્તાનનો ઇરાદો એર સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓના આ અડ્ડાઓનો નાશ કરવાનો છે. જો પાકિસ્તાને આવું કર્યું તો અફઘાનિસ્તાનના તાલિબાનો પણ વળતો પ્રહાર કરે એવી શક્યતાઓ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બોર્ડર પર પણ ટેન્શન છે. તાલિબાનો અને પાકિસ્તાનની સેના વચ્ચે સમયાંતરે અથડાણો થતી રહે છે. બંને દેશ વચ્ચે 2670 કિલોમીટરની બોર્ડર છે. આ બોર્ડર ડૂરંડ લાઇન તરીકે ઓળખાય છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પાક્કી બોર્ડર નથી, કેટલીક જગ્યાએ તારની વાડ છે. મોટા ભાગની બોર્ડર ખુલ્લી છે. સામાન્ય લોકો તો આરામથી એક-બીજાના દેશમાં આંટા મારતા હોય છે. બે દિવસ પહેલાની જ વાત છે. પાકિસ્તાન તરફથી આવી રહેલા લોકો પર અફઘાનિસ્તાનના તાલિબાનોએ આડેધડ ફાયરિંગ કર્યું હતું. તેમાં એક મહિલા સહિત બેના મોત થયા હતા. પાકિસ્તાને આ ઘટના વિશે એવું કહ્યું કે, અફઘાનિસ્તાન અમને કારણ વગર ઉશ્કેરી રહ્યું છે.

પાકિસ્તાનમાં અત્યારે કેરટેકર સરકાર છે. કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હક કાકર પોતાને ફાવે એ રીતે દેશ ચલાવી રહ્યા છે. પાકિસ્તાનમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આતંકવાદીઓ ચૂંટણી સમયે બેફામ બને એવા ઇન્ટેલિજન્સ ઇનપુટ પાકિસ્તાનની સરકારને મળ્યા છે. પાકિસ્તાનને એક શંકા એવી છે કે, અફઘાનિસ્તાનથી જે લોકો શરણાર્થી તરીકે આવ્યા છે એમાં આતંકવાદીઓની સંખ્યા પણ મોટી છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનના તમામ શરણાર્થીઓને પાછા ધકેલી દેવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનની સરકારે એવું એલાન કર્યું છે કે, તારીખ 1 નવેમ્બર સુધીમાં અફઘાનિસ્તાનના શરણાર્થીઓ પાકિસ્તાન છોડીને ચાલ્યા જાય. અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાનો ઘૂસી આવ્યા ત્યારે લાખો શરણાર્થીઓ ભાગીને પાકિસ્તાન આવી ગયા હતા. પાકિસ્તાનમાં ખરેખર કેટલા અફઘાન શરણાર્થીઓ છે તેનો કોઇ ચોક્કસ આંકડો નથી. યુનાઇટેડ નેશન્સ એવું કહે છે કે, દસ લાખ તો રજિસ્ટર્ડ શરણાર્થીઓ છે. પાકિસ્તાન એવું કહે છે કે, એ સિવાય બીજા ન નોંધાયા હોય એવા શરણાર્થીઓની સંખ્યા 11થી 17 લાખની છે. પાકિસ્તાનના આ નિર્ણય સામે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર બરાબરની ઉશ્કેરાઇ છે. તાલિબાનોએ કહ્યું કે, પાકિસ્તાન જે કરી રહ્યું છે એ બરાબર નથી. પાકિસ્તાનની કેરટેકર સરકારે કહ્યું કે, પાકિસ્તાનમાં થયેલા છેલ્લા 24 સુસાઇડ એટેકમાંથી 14 એટેક અફઘાનિસ્તાનના આંતકવાદીઓએ કર્યા છે. અફઘાનિસ્તાનની હાલત અત્યારે ઓલરેડી નાજુક છે. લોકો ભૂખે મરી રહ્યા છે. જિંદગી ટકાવવા માટે જે આવશ્યક સુવિધાઓ જોઇએ એ પણ લોકોને મળતી નથી. દવાખાનાઓમાં દવાઓ અને તબીબી સાધનોની અછત છે. આવા સંજોગોમાં જો પાકિસ્તાનથી શરણાર્થીઓ પાછા આવે તો તાલિબાન સરકાર માટે નવી મુશ્કેલી પેદા થાય એમ છે. શરણાર્થીઓની હાલત તો સુડી વચ્ચે સોપારી જેવી થઇ છે. પાકિસ્તાન રાખવા તૈયાર નથી અને અફઘાનિસ્તાનમાં જવા જેવું નથી. પાકિસ્તાને કાઢી મૂકવાની વાત કરી એમાં કેટલાંક શરણાર્થીઓએ એવું પણ કહ્યું કે, અમે આતંકવાદી નથી પણ તમે અમને આતંકવાદી બનાવીને જ ઝંપશો!

અફઘાનિસ્તાનમાં તાલિબાનોને ઘૂસાડવામાં પાકિસ્તાને તમામ મદદ કરી હતી. અમેરિકા પાકિસ્તાનથી નારાજ છે એનું એક કારણ એ પણ છે કે, પાકિસ્તાન તાલિબાનોને મદદ કરીને રમત રમતું હતું. તાલિબાનો ચડી બેઠા ત્યારે ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન હતા. તેને એમ હતું કે, તાલિબાનો આપણે કહીશું એમ કરશે. તાલિબાનોની સરકારમાં પોતાના માણસોને ઘૂસાડવાનો પાકિસ્તાને પ્રયાસ કર્યો હતો. તાલિબાનોનો ઇતિહાસ કહે છે કે, તાલિબાનો ક્યારેય કોઇના થયા નથી. એ પાકિસ્તાનના શું થવાના? અફઘાનિસ્તાનમાં ચૂંટાયેલી સરકાર હતી અને અમેરિકન સેનાની હાજરી હતી ત્યારે તાલિબાનો પાકિસ્તાનની બોર્ડર પરથી હુમલાઓ કરતા હતા. એ વખતે પાકિસ્તાનના તાલિબાનોએ પણ અફઘાનિસ્તાનના તાલિબાનોને મદદ કરવામાં કંઇ બાકી રાખ્યું નહોતું. અફઘાનિસ્તાન મળી ગયું પછી પાકિસ્તાનના તાલિબાનો નવરા પડ્યા અને તેણે પાકિસ્તાનમાં જ ઉધામા મચાવવાનું શરૂ કર્યું. પાકિસ્તાને પાળેલા જ અત્યારે તેને નડી રહ્યા છે. પાકિસ્તાનની દાનત તો એવી હતી કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનો આવી જાય એ પછી તેનો ઉપયોગ ભારતના કાશ્મીરમાં કરવો. ઇમરાન ખાનના એક મંત્રી તો એવું પણ બોલી ગયા હતા કે, આપણે તાલિબાનોને અફઘાનિસ્તાન અપાવ્યું, હવે તાલિબાનો આપણને ભારત પાસેથી કાશ્મીર અપાવશે. અલબત્ત, તાલિબાનોએ આવતા વેંત એ વાતે ચોખવટ કરી દીધી હતી કે, અમે ભારતમાં કે કાશ્મીરમાં કોઇ દખલ કરવાના નથી. ઉલટું તાલિબાનોએ તો ભારતને મદદ કરવા કહ્યું હતું. ભારતે જે પ્રોજેક્ટો સંકેલી લીધા છે એ પાછા ચાલુ કરવા કહ્યું હતું. પાકિસ્તાન કેવું છે એ તાલિબાનોને સારી રીતે ખબર પડી ગઇ છે. ભારત અફઘાનિસ્તાનના લોકો માટે મદદ મોકલતું હતું ત્યારે પાકિસ્તાને પોતાનો રસ્તો વાપરવા દેવામાં ઠાગાઠૈયા કર્યા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તકરાર વધી રહી છે ત્યારે ઘણું બધું ન થવાનું પણ થઇ શકે છે!

  • Follow us on: