• સાઉથ કોરિયાના શહેર સુવોનમાં સેક્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સૌથી પહેલા અને સૌથી મોટા સેક્સ ફેસ્ટિવલ સામે એટલો બધો વિરોધ થયો કે, 24 કલાક પહેલા જ ફેસ્ટિવલ રદ કરવો પડ્યો!
  • દુનિયાના અનેક દેશમાં સેક્સ ફેસ્ટિવલ યોજવામાં આવે છે. આવા ફેસ્ટિવલ મૂળ તો પોર્ન ઇન્ડસ્ટ્રીના કરતૂત છે. સેક્સ ટોયઝ બનાવતી કંપનીઓ પણ આવા ફેસ્ટિવલ પાછળ મોટો ખર્ચ કરે છે. જો કે, મોટા ભાગના દેશોમાં આવા ફેસ્ટિવલોનો વિરોધ થાય છે!

સેક્સ બહુ જ અંગત બાબત છે. બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ બેડરૂમ પૂરતો જ મર્યાદિત રહે એ યોગ્ય છે. સેક્સ આજની તારીખે અત્યંત સંવેદનશીલ વિષય છે. સેક્સનું નામ પડે એટલે ઘણાના નાકનું ટીચકું ચડી જાય છે. સેક્સ આમ તો દુનિયાની દરેક દરેક વ્યક્તિ સાથે જોડાયેલી હકીકત છે છતાં સેક્સ વિશે દરેકના પોતાના ખયાલો અને માન્યતાઓ હોય છે. ઘણા લોકો એવા હોય છે જે ખાનગીમાં બધું જોતા રહે છે પણ જાહેરમાં તેને ગંદુ ગણે છે. દુનિયામાં સૌથી વધુ પોર્ન ફિલ્મો જોવાય છે. અમેરિકા સહિત કેટલાંક દેશોમાં સેક્સ ઇન્ડસ્ટ્રી ધમધમે છે. રેડ લાઇટ એરિયા દરેક શહેરમાં જાહેર કે ખાનગી સ્થળોએ હોય જ છે. ક્યાંક સ્પાની આડમાં તો ક્યાંક મસાજ સેન્ટરના નામે સેક્સના ધંધાઓ ચાલતા રહે છે. કેટલાંક લોકો એવું પણ કહે છે કે, ખાનગીમાં જે થતું હોય એ ભલે થાય પણ આવા બધાની નુમાઇશ ન હોય! સેક્સના કંઇ ફેસ્ટિવલ થોડા હોય? સાઉથ કોરિયા પ્રમાણમાં રૂઢીચૂસ્ત દેશ છે. આ દેશમાં પોર્ન મટીરિયલ જાહેરમાં વેચવાની પણ મનાઇ છે. જો કે, સમયની સાથે સાઉથ કોરિયાના રંગ ઢંગ પણ બદલી રહ્યા છે. સાઉથ કોરિયામાં હમણાં દેશના સૌથી પહેલા અને સૌથી મોટો સેક્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. સાઉથ કોરિયાના સુવોન શહેરમાં ‘2024 કેએફએક્સ ફેશન’ના નામે સેક્સ ફેસ્ટિવલનું આયોજન પ્લે જોકર નામની કંપનીએ કર્યું હતું.

સાઉથ કોરિયામાં જાપાનીઝ પોર્ન સ્ટાર્સ ખૂબ જ પોપ્યુલર છે. આ ફેસ્ટિવલમાં યંગસ્ટર્સને આકર્ષવા માટે જાપાનીઝ પોર્ન સ્ટાર્સને બોલાવાયા હતા. સેક્સ ટોયઝ વેચતી કંપનીઓ પણ આ સેક્સ ફેસ્ટિવલમાં મોટાપાયે મેદાનમાં ઉતરી હતી. સાઉથ કોરિયામાં જેમ જેમ સેક્સ ફેસ્ટિવસની વાતો વધતી ગઇ તેમ તેમ તેનો વિરોધ કરવાવાળા પણ રોડ પર આવવા લાગ્યા. મહિલા સંગઠનોએ કહ્યું કે, આ બધું વળી શું છે? આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને આ શોભતું નથી. લોકોની નારાજગી જોઇને સરકાર પણ વિરોધમાં આવી ગઇ હતી. આયોજકો ટસના સમ થતા નહોતા. જો કે પછી પરિસ્થિતિ એવી ઊભી થઇ કે, આયોજકો મૂંઝાઇ ગયા. સેક્સ ફેસ્ટિવલની ટિકિટો માત્ર પુરૂષોએ જ ખરીદી! છોકરીઓએ ટિકિટ ખરીદી જ નહીં! સેક્સ ફેસ્ટિવલમાં માત્ર પુરૂષો જ હોય તો એનો હેતુ ક્યાંથી સરે? સેક્સ ફેસ્ટિવલમાં સેક્સ ગેઇમ્સ રમાડવામાં આવે છે અને ઘણું બધું ખુલ્લમખુલ્લા થાય છે. સીસકારા સંભળાય છે અને ચીચીયારીઓ પડે છે. એડલ્ટ એન્ટરટેઇનમેન્ટના નામે બધું ચાલે છે. જાપાનથી જે પોર્ન સ્ટાર્સ આવવાના હતા એને પણ ડર લાગ્યો કે, ક્યાંક અમને માર ન પડે! સાઉથ કોરિયાના હાઇ તાઇની પ્લે જોકર કંપની કાનૂની હદમાં રહીને પોર્ન કન્ટેન્ટ બનાવે છે. પોતાના કન્ટેન્ટને વધુ પોપ્યુલર બનાવવા માટે સેક્સ એજ્યુકેશનથી માંડીને જુદા જુદા કાર્યક્રમો આ કંપની યોજતી રહી છે. આ વખતે કંપનીએ જોખમ લઇને સેક્સ ફેસ્ટિવલનું આયોજન કર્યું. જો કે, આખરે વિરોધ અને લોકોના નબળા રિસ્પોન્સના કારણે 24 કલાક પહેલા જ આયોજકોએ જાહેર કર્યું કે, સેક્સ ફેસ્ટિવલ કેન્સલ કરવામાં આવે છે!

સાઉથ કોરિયાનો સેક્સ ફેસ્ટિવલ તો કેન્સલ થઇ ગયો પણ તેના કારણે ગયા વર્ષે તારીખ 8મી જૂન 2023ના રોજ સ્વીડનમાં યોજાયેલી યુરોપિયન સેક્સ ચેમ્પિયનશીપની યાદો ફરીથી તાજી થઇ ગઇ હતી. સ્વીડન એક માત્ર એવો દેશ છે જેણે સેક્સને ખેલ તરીકે સત્તાવાર માન્યતા આપી છે! સ્વીડનની આ સેક્સ ચેમ્પિયનશીપમાં બે ચાર નહીં પણ પૂરા વીસ દેશોએ ભાગ લીધો હતો. આ સેક્સ ચેમ્પિયનશીપમાં જુદી જુદી 16 રમતોનો સમાવેશ થાય છે. આ રમત કેવી હોય છે એના વિશે લખીએ તો પણ ઘણાના મોઢે છી છી શબ્દ નીકળી જાય! મોસ્ટ એક્ટિવ કપલ, સિડ્કશન, મસાજ સહિતની એવી રમતો જેમાં કોઇ છોછ રાખવામાં આવતો નથી. આ બધી સ્પર્ધાના વિજેતા કેવી રીતે નક્કી થાય છે? 30 ટકા વોટ સેક્સ એક્સપર્ટ આપે છે, જ્યારે બાકીના 70 ટકા મત ઓડિયન્સ આપે છે. સ્વીડન ઉઘાડો દેશ છે. ત્યાંની સરકાર પણ આવી બાબતોમાં કશું ખોટું જોતી નથી. સ્વીડનની સરકારે જ કહ્યું કે, સમાજમાં ટેબુ ગણાતા સેક્સના વિષયને જાહેરમાં લાવવાથી લોકોના વિચારોમાં ઉદારતા આવશે. સેક્સ દરેકની જરૂરિયાત છે, બધાને એ ગમતું પણ હોય છે પણ એના વિશે ચર્ચા કરવાનું લોકો ટાળે છે. સેક્સને સહજતાથી કેમ નથી લેવામાં આવતું? બધી વાત સાચી પણ એક મોટો વર્ગ એવું માને છે કે, સેક્સ બે વ્યક્તિ સુધી જ મર્યાદિત રહેવું જોઇએ. પ્રેમ, લાગણી, વફાદારી અને કમિટમેન્ટ પણ સેક્સ સાથે જોડાયેલા છે. સેક્સને ઘણા લોકો પઝેશન સાથે પણ જોવે છે. મારી વ્યક્તિ મારી જ રહેવી જોઇએ. પત્ની કે પ્રેમિકાને ટીકી ટીકીને કોઇ જુએ તો પણ છોકરાઓથી સહન થતું નથી. છોકરીઓ પણ એવું જ ઇચ્છતી હોય છે કે, એની વ્યક્તિ એના સિવાય કોઇનો વિચાર સુદ્ધાં ન કરે. ફેન્ટસીમાં પણ પોતાની વ્યક્તિ બીજાનો વિચાર કરે એ પસંદ હોતું નથી. હવે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના જમાનામાં સેક્સ કન્ટેન્ટ ઇઝી અવેલેબલ બની ગયું છે. પોર્ન જોવાવાળાની સંખ્યા વધતી જ જાય છે. સેક્સ કન્ટેન્ટથી લોકોના માનસ બગડે છે એવું સાયકોલોજિસ્ટ્સનું કહેવું છે. કેટલાંક દેશો કહે છે કે, લોકો પોતાની પસંદ નાપસંદ નક્કી કરવા માટે સ્વતંત્ર છે, અમે તેને રોકી શકીએ નહીં.

દુનિયામાં અનેક દેશોમાં સેક્સ ટૂરિઝમ ડેવલપ થયું છે. થાઇલેન્ડ, નેધરલેન્ડ, યુરોપના દસ દેશો સહિત પચીસ જેટલા દેશોમાં પ્રોસ્ટિટ્યૂશન લિગલ પ્રોફેશન છે. જ્યાં લિગલ નથી ત્યાં ઇલલિગલી બધું ચાલે છે. આપણા દેશમાં મુંબઇ, દિલ્હી અને કોલકાતાના રેડ લાઇટ એરિયા પંકાયેલા છે. ખાનગી ધોરણે અને લિમિટેડ લોકો માટે મુંબઇ સહિત કેટલાંક શહેરોમાં નાના પાયે સેક્સ ફેસ્ટિવલ યોજાતા હોય છે. જાહેરમાં આવું બધું આપણે ત્યાં થતું નથી.

દુનિયાના અનેક દેશોના સેક્સ ફેસ્ટિવલ તો બહુ પોપ્યુલર છે. શોખીન લોકો તેની રાહ જોતા હોય છે. ડેનમાર્કમાં કિંકી કોપનહેગન સેક્સ ફેસ્ટિવલ યોજાય છે. આ ફેસ્ટિવલ વાઇલ્ડ સેક્સનો છે! દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં સેક્સપો યોજાય છે. ફિનલેન્ડમાં કુટેમાર્જવી સેક્સ ફેસ્ટિવલનું આયોજન થાય છે. જર્મની અને બર્લિનની લવ પરેડ બહુ જાણીતી છે. બ્રિટનના લંડનમાં ઇરોટિકા નામનો ફેસ્ટિવલ યોજાય છે. સ્પેનના બાર્સેલોનામાં ઇરોટિક શોનું આયોજન થાય છે. ઇન્ડોનેશિયાનો પોર્ન ફેસ્ટિવ તો યુનિક છે. ત્યાં એક પહાડ છે, આ પહાડ પર જઇને અજાણી વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવાનો હોય છે. આ વિશે તો એવી માન્યતા છે કે, આવું કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે! ક્યા ક્યા દેશમાં સેક્સના નામે શું શું ચાલે છે એની વાત માંડવા બેસીએ તો લાંબુ થાય એમ છે. આપણો દેશ વાત્સાયનનો દેશ છે. અજંતા ઇલોરા સહિત અનેક સ્થળોએ રતિક્રિડાના શિલ્પો કંડારાયા છે. આપણે ત્યાં સેક્સને પવિત્ર સંબંધ માનવામાં આવે છે. સેક્સ મુદ્દે છેલ્લે તો દરેકના પોતાના વિચારો હોય છે, જો કે ઘણાને આ વિષયને વધુ પડતો છંછેડવો ગમતો નથી!


  • Follow us on: