- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુટિન પાંચમી વખત રાષ્ટ્રપતિ બન્યા એ પછી સૌથી પહેલી મુલાકાતે ચીન ગયા. પુટિન અને શી જિનપિંગ સાથે મળીને શું યોજના બનાવે છે એ વિશે જબરદસ્ત ભેદભરમ સર્જાઇ રહ્યા છે
- ચીન જતા પહેલા પુટિને કહ્યું કે, યુદ્ધ ખતમ કરવા માટે રશિયા વાટાઘાટ કરવા માટે તૈયાર છે. પુટિન અગાઉ પણ આવું કહી ચુક્યા છે. પુટિનની ચીન મુલાકાત વિશે અમેરિકાએ કહ્યું કે, ચીન ડબલ ઢોલકી વગાડી રહ્યું છે!
રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિનની ચીન મુલાકાતના કારણે દુનિયામાં વધુ એક વખત હોબાળો મચ્યો છે. પાંચમી વખત પ્રેસિડેન્ટ બન્યા પછી પુટિનની આ પહેલી વિદેશ યાત્રા છે. યૂક્રેન સાથે યુદ્ધ પછી પુટિન દેશ છોડીને બીજે જવાનું ટાળી રહ્યા છે. પુટિન સામે ઇન્ટરનેશનલ કોર્ટે એરેસ્ટ વોરન્ટ ઇશ્યૂ કર્યું છે. અમેરિકા દર થોડા દિવસે રશિયા સાથે સંબંધો રાખતા દેશોને ધમકી આપતું રહે છે. એ વાત જુદી છે કે, અમેરિકાની ચેતવણીઓથી ચીનને નયા ભારનો ફેર પડતો નથી. ચીન જતી વખતે પુટિને ચીની મીડિયા સાથે વાત કરી અને વધુ એક વખત એવું કહ્યું કે, યુદ્ધ ખતમ કરવા માટે તે યૂક્રેન સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. પુટિને આવી વાત પહેલા પણ કરી છે. પુટિનની વાતથી એ ચર્ચા પણ ચાલી છે કે, પુટિન ખરેખર યુદ્ધ પૂરું કરવા ઇચ્છે છે કે પછી ખોટી વાતો કરે છે? સમાધાન કરવું હોય તો બાંધછોડ કરવાની તૈયારી હોવી જોઇએ. યુદ્ધ તો યૂક્રેનને પણ પૂરું કરવું છે પણ બેમાંથી કોઇ જરાયે નમતું જોખવા તૈયાર નથી. આવા સંજોગોમાં વાત ક્યાંથી આગળ વધવાની છે? એ વાતથી ઇનકાર થઇ શકે એમ નથી કે. યુદ્ધમાં અત્યારે રશિયાનો હાથ ઉપર છે. યૂક્રેન પાયમાલ થઇ ગયું છે. યૂક્રેનના સાથી દેશો હવે તેને મદદ કરી કરીને થાકી ગયા છે. અમેરિકાના કારણે યૂક્રેન ટકી રહ્યું છે. રશિયાની સ્થિતિ પણ નાજુક બની છે. દરેક સંજોગોમાં ટકી રહેવા માટે જ પુટિન ચીન સાથે સંબંધો વધારી રહ્યા છે. ચીન સામે પણ એવો આક્ષેપ થઇ રહ્યો છે કે, ચીન રશિયાની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યું છે. આ વાત ખોટી નથી. ચીનની દાનત આર્થિક ફાયદો મેળવવાની તો છે જ, સાથોસાથ રશિયાની સાથે રહીને ચીને અમેરિકાને પણ ટક્કર આપવી છે.
પુટિનની ચીન મુલાકાત સામે અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી છે અને એવું કહ્યું છે કે, ચીન ડબલ ઢોલકી વગાડે છે. ચીને યુરોપ સાથે પણ સંબંધ રાખવા છે અને રશિયાને પણ થાબડભાણાં કરવા છે. આ ડબલ સ્ટાન્ડર્ડ વાજબી નથી. ચીનના સ્ટાન્ડર્ડ કેવા છે એ આમ તો આખી દુનિયા જાણે જ છે. ચીનને નીતિમત્તા સાથે કંઇ લાગતુ વળગતું નથી. પોતાનો સ્વાર્થ સાધવા માટે ચીન કોઇપણ હદે જઇ શકે છે. અમેરિકાના સ્ટાન્ડર્ડ સામે પણ કંઇ ઓછા સવાલો થતા નથી. અમેરિકા એક તરફ ચીનને ભાંડતું રહે છે અને બીજી તરફ ચીન સાથે પણ સંબંધ તો રાખે જ છે. અમેરિકાને ખબર છે કે, ચીન સાથે બગાડવામાં બહુ માલ નથી. હવેનો સમય એવો છે કે, કોઇને કોઇ વગર ચાલે એમ જ નથી. અમેરિકા અને રશિયાને અત્યારે બાપે માર્યા વેર છે પણ સ્પેસ સહિતના કેટલાંક પ્રોજેક્ટમાં બંને હાલમાં પણ સાથે કામ કરી જ રહ્યા છે. કેટલાંક પ્રોજેક્ટ એવા હોય છે જે આદર્યા પછી અધૂરા મૂકી શકાતા નથી. અમેરિકાની બકરી પણ ડબે થઇ ગઇ છે. અત્યારના યુદ્ધમાં અમેરિકા લાંબા ગાળાના ફાયદા જુએ છે. લાંબા ગાળે તો જે થવાનું હશે એ થશે પણ અત્યારનું શું? અમેરિકાની આર્થિક સ્થિતિ પણ વખાણવા જેવી રહી નથી. અમેરિકા એવું ઇચ્છે છે કે, ઇઝરાયેલ હમાસનું યુદ્ધ ખતમ કરે પણ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ અમેરિકાને ગણકારતા નથી.
પુટિને યુદ્ધ ખતમ કરવાની વાત કરી છે ત્યારે અમેરિકા કેમ કોઇ પહેલ કરતું નથી? યુદ્ધ શરૂ થયું એ પછી અમેરિકાના પ્રેસિડેન્ટ બાઇડેને એવું કહ્યું હતું કે, જો પુટિન યુદ્ધ પૂરું કરવા ઇચ્છતા હોય તો હું તેમની સાથે વાત કરવા તૈયાર છું. બાઇડેને સમાધાન માટે ટેબલ પર આવવા માટે કેટલીક શરતો પણ મૂકી હતી. રશિયાએ યૂક્રેનમાં જ્યાં જ્યાં કબજો જમાવ્યો છે એ ખાલી કરવાની એક શરત પણ તેમાં હતી. પુટિને કહ્યું હતું કે, કોઇ શરત માનવા અમે તૈયાર નથી, વાત કરવી હોય તો શરતો વગર સામે આવો. રશિયા યૂક્રેન યુદ્ધને 813 દિવસ થઇ ગયા છે. રશિયાએ તારીખ 24મી ફેબ્રુઆરી 2022ના રોજ યૂક્રેન પર આક્રમણ કર્યું હતું. એ સમયે કોઇને કલ્પના ન હતી કે, આ યુદ્ધ આટલું લાંબુ ખેંચાશે. હજુ યુદ્ધ ક્યારે પતશે એ પણ કોઇ કહી શકે એમ નથી. દુનિયાનું ધ્યાન અત્યારે ઇઝરાયેલ અને હમાસ વોર પર છે, રશિયા યૂક્રેન વોરની ખાસ વાતો થતી નથી. જો કે, રશિયા સમયાંતરે યૂક્રેનના કોઇને કોઇ વિસ્તારમાં હવાઇ હુમલા કરતું જ રહે છે.
ચીનમાં પુટિન અને શી જિનપિંગે કહ્યું કે, રશિયા અને ચીનના સંબંધોનો એક નવો યુગ શરૂ થઇ રહ્યો છે. રશિયા અને ચીન વેપાર સંબંધ સતત વધારી રહ્યા છે. ગયા વર્ષે 2023માં બંને દેશ વચ્ચેનો વેપાર 240 અબજ ડોલરનો રહ્યો હતો. 2021ની સરખામણીમાં વેપારમાં 64 ટકાનો વધારો થયો છે. 2023માં રશિયાએ ચીન પાસેથી 111 અબજ ડોલરના માલસામાનની આયાત કરી હતી. રશિયાએ ચીનમાં 129 અબજ ડોલરની નિકાસ કરી હતી. આંકડા એવું પણ સાબિત કરે છે કે, ચીને રશિયાને જેટલું વેચ્યું છે એના કરતા ખરીદ્યું વધુ છે. બંનેનો વેપાર હજુ વધવાનો છે. અમેરિકાને વેપાર સામે બહુ વાંધો નથી. અમેરિકાને ટેન્શન એ વાતનું છે કે, ચીન રશિયાને હથિયારો આપતું નથીને? અમેરિકાએ ચીનને ધમકી આપી છે કે, રશિયાને હથિયારો આપ્યા તો તમારી ખેર નથી. ચીન કંઇ મૂરખ નથી કે રશિયાને હથિયારો આપીને અમેરિકા સહિત આખી દુનિયાની આંખે ચડે. રશિયાને હથિયારોની મદદ કરવામાં ચીન ચાલાકી વાપરી રહ્યું છે. ચીન નોર્થ કોરિયા મારફતે રશિયાને હથિયાર આપતું હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. નોર્થ કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉન રશિયાની પડખે ચડેલો છે. કિમ જોંગ ઉન અમેરિકાને પણ પરમાણુ હુમલાની ધમકી આપતો રહે છે. કિમ જોંગ ઉન રશિયાની મુલાકાતે ગયા ત્યારે તેણે પુટિનને તમામ મદદ કરવાની ખાત્રી આપી હતી. કિમ જોંગ ઉનનો દેશ ખાડે ગયો છે. નોર્થ કોરિયા ચીનની મહેરબાનીના કારણે જ ટકી રહ્યું છે. હવે તેને રશિયાનો પણ સાથ મળ્યો છે. અમેરિકાના દુશ્મનો વધી રહ્યા છે. રશિયા, ચીન, નોર્થ કોરિયા, ઇરાન અને બીજા દેશો સાથે મળીને અમેરિકાને ભીંસમાં લઇ રહ્યા છે. અમેરિકા ઇઝરાયેલ અને હમાસનું યુદ્ધ અટકાવી શક્યું નથી એટલે કેટલાંક મુસ્લિમ દેશો પણ અમેરિકાથી નારાજ થયા છે. અમેરિકાનું વર્ચસ્વ દુનિયામાં ઘટી રહ્યું છે. આપણા દેશ આખો ખેલ જોઇ રહ્યો છે. અમેરિકા સાથે ભારતને દોસ્તી છે એમાં ના નહીં, જો કે આપણો દેશ પણ અમેરિકાન એક હદથી વધુ ભાવ આપતો નથી. ઇરાનના ચાબહાર પોર્ટનું સંચાલન ભારતને મળ્યું એમાં અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી હતી. ભારતે અમેરિકાને પણ કહી દીધું કે, હવે જૂના ખયાલોમાંથી બહાર નીકળો. રશિયા અને ચીન વધુ નજીક આવી રહ્યા છે એ અમેરિકા માટે આફત નોતરે એવું છે!