- અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન આખરે ચૂંટણીના મેદાનમાંથી ખસી ગયા છે. બાઇડેન પોતે હટ્યા હોય એવું ચિત્ર ભલે ખડું કરવામાં આવ્યું હોય, સાચી વાત એ છે કે, તેમને ધક્કા મારીને હટાવી દેવાયા છે. બાઇડેનના હટ્યા પછી ડેમોક્રેટિક પાર્ટીનું કંઇ ભલું થશે ખરું?
- બાઇડેને પ્રેસિડેન્શિયલ ડિબેટમાં લોચા માર્યા એ વખતથી તેમના પર હટી જવાનું પ્રેશર શરૂ થયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાએ વાતાવરણ બદલી નાખ્યું. બાઇડેનની જગ્યાએ કમલા હેરિસ જ ચૂંટણી લડશે કે બીજું કોઇ નામ આવશે?
ડેમોક્રેટ્સને ગળા સુધીની ખાત્રી હતી કે, બાઇડેન ચૂંટણીમાં ઊભા રહ્યા તો આપણી પાર્ટી બેસી જવાની છે. જૂન મહિનામાં પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજાઇ ત્યારે જો બાઇડેને જબરજસ્ત લોચા માર્યા હતા, એ વખતથી જ તેમના વળતા પાણી શરૂ થઇ ગયા હતા. ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું હતું કે, બાઇડેનના નામ પર ચૂંટણી જીતવી અઘરી પડશે. અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના મતદારોનો એક સરવે કરવામાં આવ્યો હતો. આ સરવેમાં 63 ટકા ડેમોક્રેટ્સે બાઇડન સામે નારાજગી વ્યક્ત કરી હતી. બાઇડેને એકથી વધુ વખત એવું કહ્યું હતું કે, હું જ ચૂંટણી લડવાનો છું. ગયા મહિને બાઇડેને કહ્યું હતું કે, સર્વશક્તિમાન ઇશ્વર ઉપરથી આવીને મને કહે કે, જો રેસમાંથી ખસી જાવ, તો હું ચૂંટણીનું મેદાન છોડી દઇશ. તેનો મતલબ એવો હતો કે, ભગવાન સિવાય કોઇ મને હટાવી શકે એમ નથી. દબાણ વધ્યું પછી તેમનો સૂર બદલાયો હતો. તેમણે એવું કહ્યું હતું કે, જો મને સ્વાસ્થ્ય સંબંધી કોઇ તકલીફ થશે તો હું ચૂંટણીમાંથી હટી જવાનો વિચાર કરીશ. એટલામાં બાઇડેનને કોરોના થયો અને તેમણે કેમ્પેઇન રોકવી પડી. બે દિવસથી એવી વાતો ચાલતી હતી કે, બાઇડેનના પરિવારજનો તેમને ચૂંટણીમાંથી હટી જવા સમજાવી રહ્યા છે. આખરે બાઇડેને હટી જવાનો નિર્ણય કર્યો. દેશના હિતમાં પોતે હટી જતા હોવાની વાત તેમણે કરીને એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે, તેઓ સ્વેચ્છાએ ચૂંટણીમાંથી હટી રહ્યા છે. સાચી વાત એ છે કે, તેમના પર પાર્ટીનું એટલું બધું દબાણ હતું કે, તેમણે હટવું પડે. દુનિયાની સૌથી જૂની લોકશાહી ધરાવતા અમેરિકાના 248 વર્ષના ઇતિહાસમાં આ રીતે કોઇ પ્રેસિડેન્ટ ચૂંટણીમાંથી હટી ગયા હોય તેવી આ પહેલી ઘટના છે.
બાઇડેનના હટી જવાના કારણે અમેરિકાની ચૂંટણી વધુ રસપ્રદ બની ગઇ છે. બાઇડેને પોતાના વિદાય પત્રમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું સમર્થન કર્યું છે. ડેમોક્રેટિક પાર્ટીએ હજુ કમલા હેરિસના નામ પર મંજૂરીની મહોર મારવાની બાકી છે. સૌથી મોટો સવાલ એ જ છે કે, શું પાર્ટી કમલા હેરિસ પર દાવ ખેલશે કે પછી કોઇ બીજી વ્યક્તિને મેદાનમાં ઉતારશે? માનો કે કમલા હેરિસને પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ બનાવે તો પણ તેઓ જીતશે કે કેમ? અઢી સદીની અમેરિકાની હિસ્ટ્રીમાં એકેય મહિલા પ્રેસિડેન્ટ બન્યાં નથી. કમલા હેરિસ સામે ઘણા બધા પડકાર છે. ભલે કમલા હેરિસનો જન્મ અમેરિકામાં થયો હોય, ભલે તેણે અમેરિકન સાથે મેરેજ કર્યા હોય પણ તેના નામ સાથે ભારતીય મૂળની વ્યક્તિનું ટેગ લાગેલું છે. 59 વર્ષના કમલા હેરિસ નો ડાઉટ હોંશિયાર છે. તેમની પાસે ઉપરાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવવાનો અનુભવ છે. નેશનલ અને ઇન્ટરનેશનલ ઇશ્યૂઝથી તેઓ સારી રીતે વાકેફ છે. અમેરિકનો જો તેમને ચૂંટે તો ઇતિહાસ સર્જાશે.
બાઇડેને મેદાન છોડ્યું એના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટીની સ્થિતિ વિચિત્ર થઇ ગઇ છે. ટ્રમ્પે આખું ઇલેકશન કેમ્પેઇન બાઇડેનને ધ્યાનમાં રાખીને જ ઘડ્યું હતું. હવે તેમણે રાતોરાત કેમ્પેઇન બદલવું પડ્યું છે. ટ્રમ્પે બાઇડેન વિરૂદ્ધની જાહેરાતો હટાવી દીધી છે અને કમલા હેરિસ વિશે બોલવાનું શરૂ કર્યું છે. બાઇડેન વિશે ટ્રમ્પે કહ્યું કે, એ તો કોઇ રીતે લાયક હતા જ નહીં. ખોટી રીતે અને ફેક ન્યૂઝ ફેલાવીને તેઓ ટકી રહ્યા હતા. બાઇડેનને તેના ડોકટર્સ અને મીડિયા બચાવી રહ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, કમલા હેરિસને હરાવવા વધુ આસાન રહેશે. ટ્રમ્પ ભલે એવું કહી રહ્યા હોય પણ અમેરિકાના પોલિટિકલ એક્સપર્ટ્સ એવું કહે છે કે, કમલા હેરિસને હરાવવા ટ્રમ્પ માટે આસાન નહીં હોય. ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો એ પછી તે જોમમાં આવી ગયા હતા. પોતાના પરના એટેકને તેણે મુખ્ય મુદ્દો બનાવ્યો અને સાથોસાથ નેશનલ અને ઇન્ટરનેશનલ મુદ્દાઓની પણ વાત કરવા લાગ્યા. ટ્રમ્પે કહ્યું કે, હું ચૂંટાયો તો શપશ ગ્રહણ કરીશ એ પહેલા જ રશિયા અને યૂક્રેનનું યુદ્ધ પૂરું કરાવી દઇશ. અમેરિકામાં ચૂંટણી તારીખ પાંચમી નવેમ્બર, 2024ને મંગળવારે થવાની છે. ચૂંટણીમાં જે જીતે એ બીજા વર્ષે તારીખ 20મી જાન્યુઆરી શપથ ગ્રહણ કરે છે અને પ્રેસિડેન્ટ તરીકેનું કામકાજ સત્તાવાર રીતે શરૂ કરે છે. આ સમય દરમિયાન તેઓ પ્રેસિડેન્ટ ઇલેકટેડ તરીકે ઓળખાય છે.
અમેરિકામાં તારીખ 20મી જાન્યુઆરી ઇનોગ્રેશન ડે તરીકે જાણીતી છે. અમેરિકાના બંધારણમાં લખેલું છે કે, 20મી જાન્યુઆરીએ જ નવા પ્રેસિડેન્ટ શપથ લેશે. આ તારીખ નક્કી કરવા માટે બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો. એ પહેલા વર્ષ 1937 સુધી તારીખ 4 માર્ચના દિવસે નવા પ્રેસિડેન્ટ શપથ લેતા હતા. 1937માં સૌથી પહેલી વખત તારીખ 20મી જાન્યુઆરીએ પ્રેસિડેન્ટ ફ્રેંકલીન ડી રૂઝવેલ્ટે શપથ લીધા હતા. ઇલેકશન અને ઇનોગ્રેશન વચ્ચેના સમયને ટ્રાન્ઝિટ પિર્યડ કહે છે. ભલે ચૂંટાઇ ગયા હોય પણ જ્યાં સુધી શપથ ગ્રહણ ન થાય ત્યાં સુધી નવા પ્રેસિડેન્ટ વ્હાઇટ હાઉસમાં પગ મૂકી શકતા નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ બાઇબલ હાથમાં રાખીને શપથ લે છે. 2019ની ચૂંટણીમાં ટ્રમ્પ હાર્યા અને બાઇડેન જીત્યા એ પછી ટ્રમ્પે ઉપાડો લીધો હતો. ટ્રમ્પના સમર્થકોએ કેપિટોલ હિલમાં તોફાન મચાવ્યું હતું. ભારે ધમાલ પછી ટ્રમ્પે સત્તા છોડી હતી. સામાન્ય સંજોગોમાં વિદાય લેતા પ્રેસિડેન્ટ નવા પ્રેસિડેન્ટની શપથવિધિમાં હાજરી આપે છે. ડોનાલ્ડ ટ્રમ્પ બાઇડેનની શપથવિધિમાં ગયા નહોતા. આ વખતની ચૂંટણીમાં શું થશે એ જોવું રસપ્રદ બની રહેવાનું છે. જો બાઇડેન હજુ 20મી જાન્યુઆરી, 2025 સુધી પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવવાની છે. તેમણે ચૂંટણીમાંથી હટવું પડ્યું છે એટલે હવે તેને કેટલો રસ રહેશે એ જોવાનું છે. બાઇડેનની કાર્યકાળના લેખાંજોખાં થઇ રહ્યા છે. આમ તો બાઇડેને એવું ખાસ કંઇ ઉકાળ્યું નથી જેના કારણે તેની નોંધ લેવાય. બાઇડેનની હેલ્થ તેને પહેલેથી સાથ આપતી નહોતી. તેઓ પ્રેસિડેન્ટના વિશેષ વિમાન એરફોર્સ વનમાં ચડતી વખતે પડી ગયાના અને જાહેર કાર્યક્રમોમાં પણ ગડથોલિયું ખાઇ ગયા હોવાની ઘટનાઓ બની છે. પ્રેસિડેન્શિયલ ડેબિટમાં તેઓ બોલતા બોલતા પોઝ થઇ જતા હતા. આગળ શું બોલવું તે જ તેમને સમજાતું નહોતું. નાટોની બેઠક દરમિયાન બાઇડેને યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીને પ્રેસિડેન્ટ પુટિન કહી દીધા હતા. લોચો મરાઇ ગયો પછી પોતાના બચાવમાં તેમણે એવું કહ્યું કે, હું રાત દિવસ પુટિનને હરાવવાના જ વિચાર કરું છું એટલે મારાથી પુટિન બોલાઇ ગયું. બાઇડેન 81 વર્ષના થયા છે અને હવે તેણે આરામ કરવાની જરૂર છે એવું ઘણા નિષ્ણાતો કહેતા રહ્યા છે. અમેરિકાની આર્થિક હાલત બહુ નાજુક છે. દુનિયામાં પણ અમેરિકાની ઇમેજ ઘસાઇ છે. નવા પ્રેસિડેન્ટે ઘણા પડકારોનો સામનો કરવાનો છે. બાઇડેન હટી ગયા પછી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી સુધીમાં હજુ ઘણી નવા જૂની થવાની છે. અમેરિકાનો જંગ રોમાંચક બની ગયો છે!