• ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું જેમાં મોત થયું એ હેલિકોપ્ટર ક્રેશ કેવી રીતે થયું એ વિશે જાતજાતની થિયરીઓ બહાર આવી રહી છે. ઇઝરાયેલ પાસે એવી હાઇટેક ટેક્નોલોજી છે કે એ ધાર્યું નિશાન પાર પાડી દે અને કોઇને અણસાર સુદ્ધાં ન આવે!
  • હેલિકોપ્ટરના પાયલોટથી માંડીને ઇરાનના સર્વોચ્ય નેતા આયાતોલા ખોમૈનીના દીકરા મોજતબા સામે પણ આંગળી ચિંધવામાં આવે છે. કેટલાંક તો એવી શંકા પણ વ્યક્ત કરી રહ્યા છે કે, સાચું કારણ ક્યારેય બહાર આવશે જ નહીં!

આખી દુનિયામાં અત્યારે સૌથી વધુ ચર્ચા એની જ છે કે, આખરે ઇરાનના રાષ્ટ્રપતિ ઇબાહિમ રઇસી સહિત નવ લોકોનો ભોગ લેનાર હેલિકોપ્ટર સાથે ખરેખર શું થયું હતું? ખરાબ વાતાવરણના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું એ વાત કોઇને ગળે ઉતરતી નથી. જે થયું એ કોઇ અકસ્માત નથી પણ વેલ પ્લાન્ડ મર્ડર છે. રઇસીનું મોત કોણ ઇચ્છતું હતું? આંગળી ઇઝરાયેલથી માંડીને ઇરાનના સર્વોચ્ય નેતા આયાતોલા ખોમૈનીના દીકરા મોજતબા ખોમૈની સુધી ચિંધવામાં આવે છે. ઇરાનનું સૌથી પહેલું અને સૌથી મોટું દુશ્મન ઇઝરાયેલ છે. ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદે એવા અનેક ઓપરેશનો હાથ ધર્યા છે જેણે લોકોને અચંબામાં મૂકી દીધા હતા. ઇઝરાયેલે આ ઘટનામાં પોતાનો કોઇ હાથ હોવાનો ઇન્કાર કર્યો છે. જો કે, યહૂદી વૈજ્ઞાનિક બેન્જામિન રુબ્રિનસ્ટેને કહ્યું કે, આ ઘટનામાં ઇઝરાયેલનો હાથ ન હોય એવું માનવાની કંઇ જરૂર નથી. બેન્જામીન રુબ્રિનસ્ટેન યહૂદી છે પણ તેની છાપ ઇઝરાયેલના વિરોધીની છે. તેનું માનવું છે કે, ઇઝરાયેલ કંઇ પણ કરી શકે છે. ઇઝરાયેલ સરકારના મનસુબાઓ સામે તેમણે કેટલીય વખત સવાલો ઉઠાવ્યા છે. બીજી એક થિયરી એવી પણ છે કે, ઇરાનના આતંરિક રાજકારણના કારણે જે રઇસીનો ભોગ લેવાયો છે. ઇરાનમાં જે રીતે રઇસીનું કદ વધતું જતું હતું એ ઘણાથી સહન થતું નહોતું. કારણ ઇરાનનું હોય, ઇઝરાયેલનું હોય કે પછી બીજું કોઇ હોય, તેમાં પણ એ સવાલ તો ઉઠે જ છે કે, હેલિકોપ્ટર ક્રેશ કઇ રીતે થયું? હેલિકોપ્ટર ક્રેશના મોટા ભાગે બે કારણોથી થાય છે. એક તો ખરાબ વાતાવરણ અને બીજું ટેકનિકલ ફોલ્ટ. આ બેમાંથી કોઇ કારણ ન હોય તો સમજી લેવાનું કે હેલિકોપ્ટરને ઉડાવી દેવામાં આવ્યું છે.

હેલિકોપ્ટરને મિસાઇલ કે ડ્રોનથી નિશાન બનાવી શકાય છે. રઇસીના હેલિકોપ્ટર ક્રેશમાં આવું કંઇ જોવા મળ્યું નથી. શું સેટેલાઇટ કંટ્રોલ્ડ વેપન સ્પેસ લેસરથી હેલિકોપ્ટરને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું? ઇઝરાયેલ પાસે એવી ટેક્નોલોજી છે કે એ સ્પેસમાંથી લેસર બીમ છોડીને ધાર્યું નિશાન પાર પાડે. સ્પેસમાં ગોઠવવામાં આવેલી લેસર ગનથી કરવામાં આવતા એટેક એવા છે જેનાથી બચવાનો કોઇ ઉપાય જ નથી. વર્લ્ડના બેસ્ટ વેપન એક્સપર્ટેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જે વાતો લખી છે એ લેસર એટેક અને ડાયરેક્ટ એનર્જી વેપન્સ તરફ ઇશારા કરે છે. ઇરાને હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસ હાથ ધરી છે અને એવું કહ્યું છે કે, અમે સાચું કારણ શોધી કાઢીશું. સાચું કારણ મળશે તો પણ ઇરાનની સરકાર જાહેર નહીં કરે એવી પણ શંકા સેવવામાં આવી રહી છે. બે ઘડી માની લો કે, આ હેલિકોપ્ટર ખરેખર ઇઝરાયેલે ઉડાવી દીધું છે એવું બહાર આવે તો ઇરાન શું કરવું પડે? ઇરાને ઇઝરાયેલ સાથે ફૂલફ્લેજ્ડ વોર જ લડવી પડે. ઇરાન ભલે ઇઝરાયેલને નકશામાંથી નાબુદ કરી દેવાની ધમકી આપતું હોય પણ સાચી વાત એ છે કે, ઇરાનને અત્યારે વોર પરવડે એમ નથી. ઇરાન ચારેય બાજુથી ભીંસમાં છે. ઇરાનના સર્વોચ્ચ વડા આયાતોલા ખોમૈનીમાં એટલી તો બુદ્ધિ છે જે કે યુદ્ધ કરાય નહીં. યુદ્ધ માંડીએ તો અમેરિકા અને ઇઝરાયેલ બંને સાથે મળીને આપણો ખુરદો બોલાવી દે. ઇરાનના લોકોના સંતોષ ખાતર ઇરાન જુદું જ કારણ આપી દે એવી શક્યતાઓ પણ ઘણા લોકો જુએ છે. ઇરાને એક વાત એવી કરી છે કે, અમેરિકાના પ્રતિબંધોના કારણે અમે જૂના હેલિકોપ્ટર વાપરવા મજબૂર હતા. પ્રતિબંધોના કારણે નવા હેલિકોપ્ટર ખરીદી શકાતા નથી. આડકતરી રીતે ઇરાને એવું તો જાહેર કરી જ દીધું છે કે, જે હેલિકોપ્ટર ક્રેશ થયું એ જૂનું અને જોખમી હતું.

હવે બીજી વાત. શું આ ઘટના પાછળ આયાતોલા ખોમૈનીના દીકરા મોજતબાનો હાથ છે? ઇરાનની સત્તા મેળવવા મોજતબાએ રઇસીને રસ્તામાંથી હટાવી દીધા? ઇરાનમાં ભલે રાષ્ટ્રપતિ અને બીજી ચૂંટાયેલી બોડી હોય પણ સર્વશક્તિમાન તો આયાતોલા ખોમૈની જ છે. ઇરાનમાં જે કંઇ થાય છે એ એના ઇશારે જ થાય છે. રાષ્ટ્રપતિએ પણ તે કહે એમ જ કરવું પડે છે. ઇરાન એક સમયે આધુનિક વિચારસરણી ધરાવતું હતું. આયોતોલા ખામૈનીની ઇસ્લામિક ક્રાંતિના કારણે જ ઇરાન ઘરમૂળથી બદલાઇ ગયું. આ ક્રાંતિના કારણે તારીખ 11મી ફેબ્રુઆરી, 1979ના રોજ અમેરિકાના સમર્થક પહેલવીના રાજનો અંત આવ્યો હતો અને આયાતોલાનો કબજો થયો હતો. એ પછી જ ખોમૈનીએ ઇરાનમાં કટ્ટર કાયદાઓ લાગુ કર્યા. આયાતોલા ખોમૈનીએ એ પછી ઇરાનમાં પોતાનું ધાર્યું જ કર્યું છે. આયાતોલા ખોમૈની હવે 85 વર્ષના થયા છે. હવે એ કાઢી કાઢીને કેટલું કાઢવાના? ઇરાનમાં સવાલ એ છે કે, આયાતોલા ખોમૈની પછી કોણ? રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું જે રીતે વર્ચસ્વ વધતું જતું હતું એનાથી ઘણાને એવું લાગતું હતું કે, આયાતોલા ખોમૈની પછી ઇરાનના સર્વોચ્ય વડા એ જ બની જશે. આયાતોલા ખોમૈનીના દીકરા મોજતબાની નજર આ પદ માટે છે. સર્વોચ્ય વડા બનવા માટે ચૂંટાવાની પણ જરૂર નથી. 54 વર્ષના મોજતબા અત્યંત મહત્ત્વાકાંક્ષી છે. ઇબ્રાહિમ રઇસીના મોત પછી હવે ઇરાનમાં એવો કોઇ નેતા નથી જે દેશના સર્વોચ્ય નેતા બનવા માટે લાયક હોય. મોજતબાના કિસ્સામાં પણ એ વાત તો છે જ કે, તેણે કાવતરું ઘડ્યું હોય તો પણ હેલિકોપ્ટર ક્રેશ કેવી રીતે કરાવાયું? એક શંકા હેલિકોપ્ટરના પાયલોટ પર પણ કરવામાં આવે છે. હેલિકોપ્ટરના પાયલોટ અને કો-પાયલોટ કોણ હતા તેના વિશે વધુ વિગતો બહાર આવી નથી. શું કોઇએ પાયલોટને મોટી લાલચ આપી હેલિકોપ્ટર ક્રેશ કરવા મનાવી લીધો હતો? આવું કરવામાં પાયલોટે પોતે પણ મરવું પડે. નાણાંની લાલચથી માંડીને બીજા ઘણા કારણોસર માણસ આવું કરવા તૈયાર થઇ શકે છે. સુસાઇડ બોંબર પણ જો મળી આવતા હોય તો આવું થવું પણ શક્ય છે જ.

હેલિકોપ્ટર ક્રેશ થયા પછી તેનો કાટમાળ શોધવામાં પણ કલાકો લાગ્યા હતા. શું જાણી જોઇને કાટમાળ શોધવામાં મોડું કરાયું હતું? કોઇ બચી ગયું હોય તો પણ એને સારવાર ન મળે અને ખતમ થઇ જાય એટલા ખાતર જાણીજોઇને ટાઇમ પાસ કરાયો? ઇરાને કાટમાળ શોધવા માટે અમેરિકા પાસે સહાય માંગી હતી. અમેરિકાએ મદદ ન કરી. અમેરિકાએ એવું કહ્યું કે, આવા કિસ્સામાં અમે મદદ કરીએ જ પણ લોજિસ્ટિક કારણોથી અમે મદદ કરી શકીએ એમ નહોતા એટલે અમે ના પાડી! અમેરિકા પાસે એવા સેટેલાઇટ્સ છે જે દુનિયાના કોઇ પણ ખૂણેથી કંઇ પણ શોધી શકે. અમેરિકાએ પ્રયાસ પણ ન કર્યો એ વાત જ એવું સાબિત કરે છે કે, અમેરિકાની દાનત નહોતી. અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર જોન કિર્બીએ તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ઇબ્રાહીમ રઇસીના હાથ હજારો લોકોના લોહીથી ખરડાયેલા હતા. ઇરાન અત્યારે તો રઇસીના મોતનો શોક મનાવી રહ્યું છે પણ મોતનું સાચું કારણ ક્યારેય છતું કરશે કે કેમ એ અંગે શંકા-કુશંકાઓ થઇ રહી છે.


  • Follow us on: