• જાપાનની સરકારે છોકરીઓ મોટા શહેરો છોડીને ગામડાંમાં રહેવા જાય એ માટે આર્થિક સહાયની યોજના જાહેર કરી છે. માત્ર જાપાન જ નહીં, સમગ્ર વિશ્વમાં એ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે, છોકરીઓને હવે ગામડાંમાં રહેવું નથી
  • આપણા દેશમાં પણ ગામડાંઓ ભાંગી રહ્યા છે. ગામડાંમાં વસતા લોકોને એ જ વાતની ચિંતા છે કે, અમારા દીકરાઓને છોકરી કોણ આપશે? ગામડાંની છોકરીઓને પણ પરણીને મોટા શહેરમાં રહેવાના ઓરતા હોય છે

આપણા દેશ સહિત આખી દુનિયા એક નવી અને વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહી છે. હવેના સમયમાં છોકરીઓ લગ્ન કરીને નાના ગામડાંઓમાં રહેવા જવા તૈયાર નથી. જે છોકરીઓ નાના ગામડાંમાં જ જન્મી અને ઉછરી છે એને પણ ગામડાંમાં રહેવું નથી. છોકરીઓ પરણીને નાના ગામડાંઓમાં રહેવા આવવા તૈયાર નથી એટલે છોકરાઓ પણ ગામડાં છોડીને શહેરોમાં વસવા આવી જાય છે. દુનિયાના તમામ દેશોમાં મોટા શહેરો આડેધડ વિકસી રહ્યા છે અને ગામડાંઓ સંકોચાતા જાય છે. આ સમસ્યાનો ઉકેલ શું એ કોઇને સમજાતું નથી. તમે કોઇને ધરાર ગામડાંમાં વસવા માટે મજબૂર કરી ન શકો. જાપાને આ સમસ્યાના ઉકેલ માટે નવો રસ્તો અપનાવ્યો છે. જાપાનનું ટોક્યો શહેર સમગ્ર વિશ્વનું સૌથી મોટું શહેર છે. દરેક જાપાનીની ઇચ્છા ટોક્યોમાં રહેવાની હોય છે. મેળ પડે એટલે લોકો જાપાનના બીજા શહેરો અને ગામડાંઓ છોડીને ટોક્યો રહેવા આવી જાય છે. જાપાનની સરકારે છોકરીઓને હવે એક નવી ઓફર આપી છે. ટોક્યો છોડીને ગામડાંઓમાં લગ્ન કરશો તો સરકાર છ લાખ રૂપિયા આપશે અને બીજી મદદ પણ કરશે. સરકારે આર્થિક મદદની લાલચ આપી છતાં છોકરીઓ ગામડાંઓમાં જવા તૈયાર નથી. છોકરીઓ કહે છે કે, ગામડાંમાં જઇને કરવું શું? ત્યાં લાઇફ જેવું કશું છે જ નહીં. સવાલ માત્ર અમારો નથી, ભવિષ્યમાં અમારા સંતાનો થાય ત્યારે તેને સારા સ્ટડી અને તેની કરિયર માટે પણ વિચાર કરવાનો કે નહીં? ગામડાંઓમાં એટલી સુવિધાઓ પણ હોતી નથી. મોટા શહેરોમાં એન્ટરટેઇનમેન્ટ માટે ઘણા ઓપ્શન છે. સરકાર પણ ગામડાંઓ માટે કંઇ કરતી નથી. બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શહેરોને ધ્યાનમાં રાખીને જ ઊભું કરવામાં આવે છે.

દુનિયાના ઘણા દેશોમાં હવે એવું પણ જોવા મળી રહ્યું છે કે, છોકરીઓને મેરેજ જ કરવા નથી. મેરેજની ઝંઝટમાં કોણ પડે? લગ્ન કરીને શું લઇ લેવાનું છે? અમારો જન્મ કંઇ પતિ અને સાસરિયાઓની સેવા કરવા માટે નથી થયો. અમારે પણ કંઇક બનવું છે. અમે પણ સારું એવું કમાઇ શકીએ છીએ. પ્રાચીન સમયમાં એવી વ્યવસ્થા હતી કે, પતિ કમાઇને લાવે અને પત્ની ઘર સંભાળે. હવે આ સિસ્ટમ આઉટડેટેડ થઇ ગઇ છે. મોંઘવારી વધી ગઇ છે અને લાઇફ સ્ટાઇલ બદલી ગઇ છે. એક વ્યક્તિ કમાતી હોય તો પૂરું કરવાના ફાંફાં પડી જાય છે. સારી રીતે જીવવા માટે પતિ પત્ની બંનેએ કમાવવું પડે એમ છે. પુરુષોનો રોલ તો અગાઉ હતો એ જ એટલે કે કમાવવાનો જ રહ્યો છે. સ્ત્રીઓનો રોલ બદલ્યો છે અને બમણો થઇ ગયો છે. સ્ત્રીઓએ હવે ઘર પણ ચલાવવાનું છે અને કમાવવાનું પણ છે. સારું કમાતી છોકરીઓ હવે લગ્ન કરવાના બદલે એકલા રહીને જીવવાનું પસંદ કરવા લાગી છે. કોઇનું આધિપત્ય ન જોઇએ. છોકરીઓ એવો સવાલ પણ કરવા લાગી છે કે, છોકરાઓને પણ ક્યાં ગામડાંમાં રહેવું હોય છે? ગામડાંની વાત તો દૂરની છે, નાના શહેરોમાં પણ હવે છોકરીઓને ફાવતું નથી. છોકરીઓને પણ એ જે શહેરમાં રહેતી હોય એનાથી મોટો શહેરમાં જ પરણવું હોય છે. લગ્નનું માંગુ આવે ત્યારે સૌથી પહેલા ક્યાં રહે છે એ જ પૂછવામાં આવે છે. નાના શહેરની વાત આવે તો છોકરો કોણ છે કે કેવો છે એ જાણવાની તસ્દી લીધા વગર જ ના પાડી દેવામાં આવે છે.

શહેરોની ઝાકમઝોળ બધાને આકર્ષે છે. ગામડાંમાં ધંધા, રોજગાર અને ઉદ્યોગો નથી. ખેતી છે પણ ખેતીની આવક આસમાની સુલતાની જેવી છે. બીજી વાત એ કે, ખેતીમાં સખત મહેનત છે. મોટા શહેરોમાં નોકરી કરીને જો સારો પગાર મેળવી શકાતો હોય તો ખેતરમાં શા માટે પરસેવો પાડવો એવો સવાલ યંગસ્ટર્સ કરવા લાગ્યા છે. છોકરીઓ હવે સારું એવું ભણવા લાગી છે. સ્ટડી અને જોબમાં છોકરીઓ છોકરાઓને ટક્કર આપવા લાગી છે. આવા સંજોગોમાં છોકરીઓ પોતાનું હિત વિચારે એમાં ખોટું શું છે? વાત ખોટી નથી પણ એના કારણે જે બીજા સવાલો પેદા થાય છે એનો જવાબ કોઇને મળતો નથી. આપણા દેશમાં પણ ગામડાંઓ સૂના થવા લાગ્યા છે. ગ્રામીણ સંસ્કૃતિની મોટી મોટી વાતો ભલે થતી હોય પણ કોઇને ગામડાંમાં રહેવું નથી. આપણા ગામડાંઓમાં ચક્કર મારો તો માત્ર મોટી ઉંમરના વડીલો જ જોવા મળે છે. યંગ છોકરા કે છોકરીઓના દર્શન બહુ ઓછા થાય છે. વડીલોને પૂછો તો એ પણ એવું જ કહેશે કે, અહીં ભણવાની સગવડ જ ક્યાં છે? છોકરા છોકરીઓ ભણવા માટે શહેરમાં જાય છે. ભણી ગણી લે એ પછી સવાલ નોકરીનો આવે છે. નોકરી કરવી હોય તો શહેરમાં જ રહેવું પડે. ઘણા છોકરાઓને ગામડાંમાં રહેવું હોય છે પણ કોઇ છોકરી આપતું નથી એટલે એ પણ શહેરમાં રહેવા ચાલ્યા જાય છે. આ જ વડીલો એવું પણ કહેતા હોય છે કે, છોકરાંવને મોટા શહેરોના નાના નાના ઘરમાં રહેવું છે પણ ગામડાંના મોટા ઘરમાં રહેવા આવવું નથી. સંતાનો તો હવે મોટા શહેરોમાં સેટ થઇને મા-બાપને પણ સિટીમાં બોલાવવા લાગ્યા છે. સંતાનોની દાનત સારી જ હોય છે. માતા પિતા બીમાર પડે તો શહેરમાં સારી સારવાર મળી શકે. ગામડાંમાં ડોકટરો પણ મળતા નથી. એવા અસંખ્ય કિસ્સાઓ આપણે જોયા પણ હોય છે કે, મા-બાપ શહેરમાં આવે છે પણ એને શહેરમાં ફાવતું નથી. સંતાનો પ્રત્યે અનહદ લાગણી હોવા છતાં એ પોતાને ગામ પાછા ચાલ્યા જાય છે.

જે યંગસ્ટર્સ ગામડાંઓ છોડીને મોટા શહેરમાં આવ્યા છે એના મોઢે પણ ગામડાંની વાત નીકળે ત્યારે એવું જ સાંભળવા મળે છે કે, ગામડાંની તો વાત જ નિરાળી છે. બધા જ એક-બીજાને ઓળખતા હોય, આત્મીયતા અનુભવાતી હોય, અહીં શહેરમાં તો બાજુમાં કોણ રહે છે એની પણ ખબર હોતી નથી. ગામડે જાય એ પછી એક બે દિવસ ગમે પછી થાય કે અહીં કરવું શું? સાવ નવરાં થઇ ગયા હોય એવું લાગે. શહેરની ઉચાટભરી જિંદગી જીવવા ટેવાઇ ગયેલા લોકોને હવે ગામડાંની શાંતિ પણ માફક આવતી નથી.

કોરોનાકાળ બાદ કેટલાંક દેશોમાં એવો ટ્રેન્ડ જોવા મળ્યો હતો કે, લોકો મોટા શહેરો છોડી નાના શહેરમાં રહેવા જવા લાગ્યા હતા. હવે જે ગામડાંઓમાં ગયા હતા એ પણ પાછા શહેરોમાં આવવા લાગ્યા છે. લોકોની લાઇફ સ્ટાઇલની વ્યાખ્યા બદલી ગઇ છે. લોકોને હવે માત્ર સુખ શાંતિ નથી જોઇતા પણ મોલ, મલ્ટિપ્લેક્ષ અને પાર્ટી કલ્ચર પણ જોઇએ છે. ગામડાંની કેટલીક મર્યાદાઓ પણ છે, ત્યાં વડીલોની શરમ રાખવી પડે છે અને પહેરવા ઓઢવામાં પણ ધ્યાન રાખવું પડે છે. શહેરમાં પોતાની રીતે જીવી શકાય છે. આ સમસ્યાનો ઉકેલ એક જ છે કે, ગામડાંઓમાં શહેરો જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવે. અલબત્ત, તો પણ શહેરો તરફનું આકર્ષણ ઘટે એવી શક્યતાઓ બહુ ઓછી છે!


  • Follow us on: