• પાકિસ્તાનની સરકારી એરલાઇન પીઆઇએની ફ્લાઇટ એટેન્ડન્ટ મરિયમ રજા કેનેડા પહોંચી એ પછી ગૂમ થઇ ગઇ. હોટલના રૂમમાંથી મરિયમે લખેલી એક ચિઠ્ઠી મળી જેમાં લખ્યું હતું, થેંક યુ પીઆઇએ. મરિયમે કર્યું એવું પહેલા પણ થયું છે!
  • પાકિસ્તાનની હાલત ખરાબ છે. જે લોકો બીજા દેશમાં જઇ શકે એમ છે એ ગમે તેમ કરીને પાકિસ્તાનથી પલાયન કરી જાય છે. મરિયમના કિસ્સા બાદ પાકિસ્તાનના યુવાનો સોશિયલ મીડિયા પર લખે છે કે, મરિયમ તો ભાગી ગઇ, અમારે ક્યાં જવું?
પાકિસ્તાનની એક એર હોસ્ટેસ કેનેડામાં ગૂમ છે. મરિયમ રજા નામની આ અત્યંત સ્વરૂપવાન ફ્લાઇટ એટેન્ડન્ટનો કિસ્સો અત્યારે આખા પાકિસ્તાન અને કેનેડામાં જોરદાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદથી કેનેડાના ટોરન્ટો ગયેલી ફ્લાઇટ નંબર પીકે-782માં મરિયમ ફરજના ભાગરૂપે ગઇ હતી. બીજા દિવસે રિટર્ન ફ્લાઇટમાં તેણે પાછું ફરજ પર હાજર થવાનું હતું. ફ્લાઇટનો સમય થયો તો પણ મરિયમ દેખાઇ નહીં. ફ્લાઇટના પાયલોટ સહિત તમામ ટેન્શનમાં આવી ગયા કે, આખરે મરિયમ ગઇ ક્યાં? તેને છોડીને ફ્લાઇટ ઉપાડવી કેવી રીતે? વિમાનના ક્રૂ મેમ્બર્સને રહેવા માટે હોટલની વ્યવસ્થા કરવામાં આવે છે. હોટલમાં કોન્ટેક્ટ કરવામાં આવ્યો તો પણ મરિયમનો કોઇ પત્તો ન લાગ્યો. આખરે મરિયમ જે રૂમમાં હતી એ રૂમમાં તપાસ કરવામાં આવી. મરિયમના રૂમમાં તેણે હાથેથી લખેલી એક ચિઠ્ઠી મળી આવી, તેમાં માત્ર એટલું લખ્યું હતું કે, થેંક યુ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ. મરિયમનો એર હોસ્ટેસનો ડ્રેસ પણ રૂમમાંથી મળી આવ્યો. આ વાતથી પોલીસ એટલું તો સમજી જ ગયું હતી કે, મરિયમ ભાગી ગઇ છે. સવાલ એ હતો કે, આખરે મરિયમે આવું શા માટે કર્યું? ભાગીને એ ગઇ ક્યાં? મરિયમ પંદર વર્ષથી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સમાં ફરજ બજાવતી હતી. તેની કરિયરનો ટ્રેક રેકોર્ડ પણ સારો રહ્યો હતો. અચાનક તેને શું સૂઝ્યું કે, તે આમ અચાનક કોઇને જાણ કર્યા વગર ગૂમ થઇ ગઇ? શું મરિયમે કેનેડામાં અસાઇલમ લઇ લીધું છે? જો અસાઇલમ લીધું છે તો પછી આમ ઓચિંતા ભાગી જવાની શું જરૂર હતી? એ બાકાયદા નોકરી છોડીને કેનેડામાં સેટલ થઇ શકી હોત! પીઆઇએમાં પંદર વર્ષની જોબ બદલ તેને મળવાપાત્ર રકમ પણ મળત. બીજે ક્યાંય જોબ કરવા માટે પ્રમાણપત્રની પણ મરિયમે પરવા ન કરી? શું મરિયમ ગેરકાયદે કેનેડામાં રહી છે? કે પછી કેનેડાથી એ બીજે ક્યાંક ભાગી ગઇ છે? આ અને આવા ઘણા પ્રશ્નોના જવાબ પોલીસ શોધી રહી છે.

મરિયમના કેસ પછી ખબર પડી કે, આ કંઇ પહેલો એવો કિસ્સો નથી કે, પીઆઇએના ઘણાં ક્રૂ મેમ્બર્સ ભાગી ગયા છે. એક જ મહિનામાં આ બીજો કિસ્સો છે. થોડા મહિના પહેલા પણ એક એર હોસ્ટેસ આવી જ રીતે ગૂમ થઇ ગઇ હતી. જેમ જેમ વાતો ફેલાતી ગઇ એમ એમ નવા નવા કિસ્સાઓ બહાર આવવા લાગ્યા. છેલ્લે એવી ખબર પડી કે, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના કુલ નવ ક્રૂ મેમ્બર્સ અત્યાર સુધીમાં ગૂમ થઇ ગયા છે. બધી એર હોસ્ટેસની સ્ટોરી ઓલમોસ્ટ સરખી છે. એ નોકરી પર કેનેડા પહોંચે છે અને પછી ભાગી જાય છે. આવું કરવા પાછળ એક-બે કારણો પણ આપવામાં આવે છે. એક તો એ બધીને એ વાતનો ભય છે કે, જો અગાઉથી જાણ કરીશું તો અમને જવા નહીં દે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ હજાર વાંધા કાઢશે. પાકિસ્તાનની સરકાર પણ પગલાં ભરી શકે છે. બીજી વાત પરિવારની છે. ઘરના લોકો જ આ રીતે બીજા દેશમાં રહેવા જવાની પરવાનગી નહીં આપે. પાકિસ્તાની સમાજ અત્યંત રૂઢીચૂસ્ત છે. છોકરીઓને નોકરી કરવાની છૂટ આપે એ જ મોટી વાત છે. જ્ઞાતિ અને સમાજના બંધનો એટલા બધા છે કે, મહિલાઓ મુક્ત રીતે જીવી જ નથી શકતી!

એક પછી એક એર હોસ્ટેસના ગૂમ થવા પાછળ ઘણા લોકો તો પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સને પણ જવાબદાર સમજે છે. પીઆઇએ વિશે એવી વાતો ખૂબ ચાલે છે કે, એ પાઇલોટ અને ક્રૂ મેમ્બર્સને સમયસર પગાર ચૂકવતી નથી. પીઆઇએના વિમાનો ખખડધજ થઇ ગયા છે. પાકિસ્તાનના લોકો જ પીઆઇએની ફ્લાઇટમાં સફર કરવાનું ટાળી રહ્યા છે. પાકિસ્તાનના વિમાનોમાં ભીખારીઓ ભીખ માંગતા હોવાના વીડિયો પણ વાઇરલ થયા છે. પાકિસ્તાનના વિમાનો જ્યાં જાય છે ત્યાં લેન્ડિંગની ફી અને બીજા ચાર્જિસ ચૂકવવાનો હોય એ ચૂકવી શકતી નથી. મલેશિયાએ તો પીઆઇએ દ્વારા ડ્યૂઝ નહીં ચૂકવાતા પીઆઇએનું વિમાન પણ જપ્ત કરી લીધું હતું. પાકિસ્તાન સરકાર ગમે ત્યારે પીઆઇએને બંધ કરી દેશે એવી વાતો પણ ખૂબ થઇ છે. સરકાર પાસે દેશ ચલાવવા નાણાં નથી એવા સંજોગોમાં પીઆઇએને ક્યાંથી મદદ કરી શકવાની છે? નાણાંના અભાવે પીઆઇએની સર્વિસમાં પણ ધાંધિયા થવા લાગ્યા છે. ગમે તે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ગમે ત્યારે કેન્સલ થઇ જાય છે. પાકિસ્તાનમાં પીઆઇએની ઇમેજ એવી થઇ ગઇ છે કે, જો તમારે એક્ઝેક્ટ ટાઇમે પહોંચવું હોય તો પીઆઇએની ફ્લાઇટમાં ક્યારેય ન જવું! પીઆઇએના ભંગાર વહીવટના કારણે જ બીજી ઇન્ટરનેશનલ એરલાઇનને પાકિસ્તાનમાં મોટો ફાયદો થાય છે!

પાકિસ્તાનમાં હમણાં જ નવી સરકારની રચના થઇ છે. શહેબાઝ શરીફ વધુ એક વખત વડાપ્રધાન બન્યા છે. પાકિસ્તાન દેવાના ડુંગર નીચે દબાયેલું છે. દેશ પર સો અબજ ડોલરથી વધુનું દેવું છે. ચીન અને બીજા દેશોની મદદ પર પાકિસ્તાન નભી રહ્યું છે. અત્યારે તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની આર્થિક સહાયથી પાકિસ્તાનનું ગાડું ગબડી રહ્યું છે. પાકિસ્તાનનો રૂપિયો દિવસેને દિવસે પતલો થઇ રહ્યો છે. ડોલર સામે સતત રૂપિયો સતત ગગડી રહ્યો હોવાથી બધી જ આયાતી ચીજ વસ્તુઓ મોંઘી થઇ રહી છે. ગરીબી અને બેકારીના કારણે લોકો હેરાન પરેશાન છે. નવી સરકાર પર લોકોને નયા ભારનો ભરોસો નથી. આ દરમિયાનમાં પાકિસ્તાનના લોકો સોશિયલ મીડિયા પર રમૂજી મેસેજિસ અપલોડ કરીને મજા માણી રહ્યા છે. નવી સરકાર આવી એટલે ઘણાએ લખ્યું કે, હવે નવી સરકાર ભીખ માંગવા માટે નવો કટોરા લેશે અને જુદા જુદા દેશોમાં ફરીને ભીખ માંગવાનું શરૂ કરશે. પીઆઇએના ક્રૂ મેમ્બર્સ વિશે એવું લખાઇ રહ્યું છે કે, એક વખત પાકિસ્તાનની બહાર પગ મૂકે એ પાછો આવે ખરો? પાકિસ્તાનીઓનું ચાલે તો બધા દેશ છોડીને ભાગી જાય! બીજી મજાક એવી પણ થાય છે કે, પાકિસ્તાનીઓની હાલત એક શહેરમાંથી બીજા શહેરમાં જઇ શકે એવી નથી, બીજા દેશમાં તો ક્યાંથી જવાના? રાજકારણીઓને પોતાના ઘર ભરવા સિવાય બીજો કોઇ ધંધો જ નથી. શહેબાઝ શરીફે બીજી વખત વડાપ્રધાન બનવાની સાથે જ ફરીથી કાશ્મીર રાગ આલાપવાનું શરૂ કર્યું છે. શહેબાઝે કાશ્મીરની વાત કરી એ સાથે સોશિયલ મીડિયા પર એવું લખવામાં આવ્યું કે, અત્યારે છે એ તમારાથી સચવાતું નથી ત્યારે કાશ્મીરની વાતો ક્યાં કરો છો? પાકિસ્તાનની હાલત ખરાબ થઇ એનું એક કારણ ભારત સાથે સંબંધો બગાડ્યા એ પણ છે. ભારત ક્યાંનું ક્યાં નીકળી ગયું છે અને તમારી હાલત તો જુઓ. સરકાર જો ધ્યાન નહીં રાખે તો પાકિસ્તાનના હજુ વધુ ટૂકડા થઇ જશે. પાકિસ્તાનમાં આતંકવાદીઓ માથું ઊંચકી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પાકિસ્તાનમાં રહેવું મુશ્કેલ બનતું જાય છે. આવા સંજોગોમાં જે ભાગી શકે એમ છે એ દેશ છોડીને ભાગી ન જાય તો જ નવાઇ! પાકિસ્તાનમાં આવી ઘટનાઓ તો બનતી અને વધતી જ રહેવાની છે!

  • Follow us on: