• દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગોવડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાનું પ્રકરણ હજુ ગાજી રહ્યું છે ત્યાં જ તેના મોટા ભાઇ સૂરજનો કિસ્સો ચગ્યો છે. અપ્રાકૃતિક સેકસના કિસ્સામાં સૂરજની ધરપકડ કરવામાં આવી છે. સૂરજ પણ સેક્સ મેનિયાક છે?
  • પ્રજ્વલ રેવન્ના સામે મહિલાઓના યૌન શોષણના કેસો નોંધાયેલા છે. પ્રજ્વલ જેલમાં છે. સૂરજ સામે પુરૂષના શોષણનો કેસ છે. અત્યાર સુધી પ્રજ્વલ અને સૂરજ સામે પડવાની કોઇ હિંમત નહોતું કરતું. સૂરજના પણ વધુ કિસ્સાઓ બહાર આવશે?

દેશના હાઇપ્રોફાઇલ પોલિટિકલ ફેમિલીના પ્રજ્વલ રેવન્ના પછી તેના મોટા ભાઇ સૂરજના કાળા કરતૂતો પણ બહાર આવ્યા છે. દેશમાં જ્યારે લોકસભાની ચૂંટણીનું વાતાવરણ જબરજસ્ત જામ્યું હતું ત્યારે પ્રજ્વલ રેવન્નાના સેક્સ પ્રકરણો બહુ ગાજ્યા હતા. ભૂતૂપર્વ સંસદ સભ્ય પ્રજ્વલ રેવન્ના સામે અનેક મહિલાઓએ યૌન શોષણના આક્ષેપો કર્યા હતા. પ્રજ્વલ મહિલાઓ સાથે જબરજસ્તીથી શારીરિક સંબંધો બાંધતો હતો અને તેના વીડિયો પણ ઉતારતો હતો. પ્રજ્વલના સેક્સ વીડિયો વાઇરલ થયા એ પછી પ્રજ્વલ જર્મની ભાગી ગયો હતો. જર્મનીથી પાછો આવ્યો કે તરત જ એરપોર્ટ પરથી કર્ણાટક પોલીસે તેની ધરપકડ કરી હતી. પ્રજ્વલનું પ્રકરણ જ્યારે ગાજી રહ્યું હતું ત્યારે તેનો મોટો ભાઇ સૂરજ તેના બચાવામાં ઉતર્યો હતો. સૂરજ એવું કહેતો હતો કે, પ્રજ્વલની કરિયર ખતમ કરવા માટે અને તેની ઇમેજ બગાડવા માટે તેની સામે કાવતરું ઘડવામાં આવ્યું છે. પ્રજ્વલને બચાવવા નીકળેલો સૂરજ પોતે જ હવે અપ્રાકૃતિક સેક્સ સ્કેન્ડલમાં ફસાયો છે. પ્રજ્વલ સામે મહિલાઓએ કેસો કર્યા છે. સૂરજ સામે તો એક યુવાને ફરિયાદ કરી છે. પ્રજ્વલ અને સૂરજની પાર્ટીના જ કાર્યકર ચેતન નામના યુવાને એવી ફરિયાદ કરી છે કે, તારીખ 16મી જૂને સૂરજ રેવન્નાએ તેને પોતાના ધન્નીકાડામાં આવેલા ફાર્મ હાઉસમાં બોલાવ્યો હતો. સૂરજે બાદમાં સમલૈંગિક સંબંધો બાંધ્યા હતા. ચેતન સાથે સૂરજે જે કર્યું હતું એનું વિગતવાર વર્ણન ચેતને પોલીસ સમક્ષ કર્યું છે. બધી વાતો લખી શકાય એવી નથી પણ એ બધી વાતોથી સૂરજની વિકૃતિ સારી રીતે જાહેર થાય છે.

પ્રજ્વલ અન સૂરજ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગોવડાના પૌત્ર છે. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના પ્રધાન એચ ડી કુમારસ્વામી પ્રજ્વલ અને સૂરજના સગા કાકા થાય છે. કર્ણાટકના રાજકારણમાં દેવગોવડા પરિવારની દાયકાઓથી બોલબાલા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગોવડાને ચાર દીકરા અને બે દીકરી એમ કુલ છ સંતાનો છે. પ્રજ્વલ અને સૂરજ તેમના બીજા નંબરના દીકરા એચડી રેવન્નાના દીકરાઓ છે. પ્રજ્વલ રેવન્ના ગઇ ટર્મમાં સંસદ સભ્ય રહી ચૂક્યા છે. આ વખતની ચૂંટણીમાં પ્રજ્વલે કર્ણાટકની હાસન બેઠક પર જેડીએસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. પ્રજ્વલ રેવન્ના હારી ગયો હતો. પ્રજ્વલનું સેક્સ સ્કેન્ડલ બહાર આવ્યું એ પછી તેને જેડીએસમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો હતો. પ્રજ્વલનો મોટા ભાઇ સૂરજ વ્યવસાયે ડોકટર છે અને કર્ણાટક વિધાનસભા પરિષદનો સભ્ય પણ છે. ભૂતપૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગોવડના છએ છ સંતાનોમાં બે દીકરા એચડી કુમારસ્વામી અને એચડી રેવન્ના સૌથી વધુ સક્રિય રહ્યા છે. બંને ભાઇઓ વચ્ચે પણ રાજકીય વર્ચસ્વ માટે હૂંસાતુસી ચાલતી રહી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગોવડા 91 વર્ષના છે. તેમના વિશે એવું કહેવાઇ રહ્યું છે કે, જતી જિંદગીએ આવું બધું જોવાનું તેના નસીબમાં લખ્યુ હશે. પ્રજ્વલ જર્મની ભાગી ગયો હતો ત્યારે દાદા એચડી દેવગોવડાએ કહ્યું હતું કે, સીધી રીતે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી લે અને કાયદાનું પાલન કર. પ્રજ્વલના આઘાતમાંથી તેઓ બહાર આવ્યા નહોતા ત્યાં બીજા પૌત્ર સૂરજના બેહુદા પરાક્રમો બહાર આવ્યા છે!

પહેલા પ્રજ્વલ એવી વાતો કરતો હતો કે મને ફસાવાયો છે, હવે સૂરજ કહી રહ્યો છે કે, મારી સામે પણ કાવતરું ઘડાયું છે. સૂરજનો ભોગ બનનાર ચેતને કહ્યું કે, સમલૈંગિક સંબંધો માટે મને ધમકી અને લાલચ આપવામાં આવી હતી. સૂરજે કહ્યું હતું કે, મને કોઓપરેટ કર. તેને રાજકારણમાં આગળ વધવામાં હું મદદ કરીશ. કોઇને કંઇ કહ્યું છે તો તું મને અને મારા પરિવારને ઓળખે છે. બીજી તરફ સૂરજના નજીકના સાથીદાર શિવકુમારે ચેતન અને તેના બનેવી સામે રૂપિયા માંગવાની ફરિયાદ નોંધાવી છે. શિવકુમારે કહ્યું કે, ચેતને મારી સાથે દોસ્તી કરી હતી. બાદમાં તે સૂરજ સાથે તેની બ્રિગેડમાં કામ કરવા લાગ્યો હતો. ચેતને સૂરજ સામે યૌન શોષણની ફરિયાદની ધમકી આપીને પાંચ કરોડ માગ્યા હતા. રૂપિયા આપવાની ના પાડી એ પછી તેણે રકમ ઘટાડીને ત્રણ કરોડ આપવા કહ્યું હતું. ચેતનની વાતનો સ્વીકાર ન કર્યો એટલે તેણે સૂરજ સામે જબરજસ્તીથી સમલૈંગિક સંબંધોની ફરિયાદ નોંધાવી હતી. સૂરજ સામે પોલીસે તપાસ શરૂ કરી છે. જે હશે તે બહાર આવી જવાનું છે. વાત તો ત્યાં સુધીની થઇ રહી છે કે, સૂરજના હજુ ઘણા પ્રકરણ બહાર આવવાના છે. સૂરજ સામે ફરિયાદ કરવાની કોઇ હિંમત કરતું નહોતું, પહેલા પ્રજ્વલ અને પછી સૂરજની ધરપકડ થયા બાદ બંને ભાઇઓનો ભોગ બનનાર બીજા લોકો પણ બહાર આવશે એવું માનવામાં આવે છે.

કર્ણાટકના લોકો કહે છે કે, પાપનો ઘડો વહેલા કે મોડો ભરાય જાય છે અને પછી રસ્તો સીધો જેલમાં જ જાય છે. પ્રજ્વલ રેવન્ના લાંબો સમય જેલમાંથી બહાર નીકળી ન શકે એટલા કેસો તેની સામે નોંધાયેલા છે. પ્રજ્વલને એમ હતું કે, હું સંસદ સભ્ય છું, મારું કોઇ શું બગાડી લેવાનું છે? આ વખતની ચૂંટણીમાં પણ તેને એમ જ હતું કે, આપણે ચૂંટાઇ જવાના છીએ. તેનો ભાંડો ફૂટી ગયો અને સંસદને બદલે પોલીસ કસ્ટડીમાં જવાનો વારો આવ્યો. પ્રજ્વલ સામે તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. પ્રજ્વલના કરતૂતો પણ ફિલ્મી ઢબે બહાર આવ્યા હતા. તારીખ 24મી એપ્રિલ, 2024નો એ દિવસ હતો. પ્રજ્વલ જ્યાંથી ચૂંટણી લડતો હતો એ હાસનમાં આવેલા સ્પોર્ટસ સ્ટેડિયમે લોકો મોર્નિંગ વોક માટે ગયા હતા. લોકોએ જોયું તો સ્ટેડિયમના રનિંગ ટ્રેક પર સેંકડો પેનડ્રાઇવ વિખરાયેલી પડી હતી. લોકોએ પેનડ્રાઇવનું કન્ટેન્ટ જોયું તો બધાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. તેમાં પ્રજ્વલની છોકરીઓ સાથેની રંગરેલિયા હતા. પેનડ્રાઇવમાં પાછી એક-બે ક્લિપ નહીં પણ પૂરી ત્રણ હજાર સેક્સ ક્લિપ અને ફોટા હતા. લોકો સુધી જે પેનડ્રાઇવ પહોંચી એ મીડિયાને પણ પહોંચાડી દેવાઇ હતી. મીડિયામાં તો એ ક્લિપ બતાવી શકાય એવી નહોતી પણ કર્ણાટકમાં લોકોએ પ્રજ્વલની ક્લિપ બહુ ફેરવી અને ભાગ્યે જ કોઇ એવું હશે જેના સુધી આ ક્લિપો ન પહોંચી હોય! જે રીતે પેનડ્રાઇવ મળી હતી એ એવું તો સાબિત કરે જ છે કે, પ્રજ્વલને ઉઘાડો પાડવા માટે જ કોઇએ વ્યવસ્થિત પ્લાન બનાવ્યો હતો. પૂરો સમય લઇને સેંકડો પેનડ્રાઇવ બનાવવામાં આવી હતી. બરાબર ચૂંટણી ટાણે જ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજકારણમાં મોકા પર ચોક્કા મારવામાં આવતા હોય છે. પ્રજ્વલ રેવન્નાના ચારિત્ર્ય વિશે વાતો તો ઘણા સમયથી થતી જ હતી, હવે તો લોકોના હાથમાં પુરાવાઓ પણ આવી ગયા હતા. પ્રજ્વલ પછી હવે તેના મોટા ભાઇ સૂરજના કિસ્સાઓ ચર્ચાના ચકડોળે ચડ્યા છે. કર્ણાટકમાં હજુ પણ કહેવાવાળા લોકો તો એવું જ કહે છે કે, આ તો ફક્ત ટ્રેલર છે, પિક્ચર અભી બાકી હૈ. હજુ ઘણા લોકોના પાપ છાપરે ચડીને પોકારવાના છે!


  • Follow us on: