• આંધ્ર પ્રદેશના સુપ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિરના લાડુના પ્રસાદમાં જાનવરોની ચરબી અને માછલીના તેલના ઉપયોગ કરવામાં આવે છે એ મુદ્દે જબરજસ્ત ઉહાપોહ મચ્યો છે. હવે આ પ્રસાદના મુદ્દે રાજકારણ પણ જામ્યું છે
  • આપણે ત્યાં અંબાજીના પ્રસાદનો ઇશ્યૂ પણ ખૂબ ગાજ્યો હતો. દરેક મંદિરના પ્રસાદનો પોતાનો મહિમા હોય છે. પ્રસાદ સાથે લોકોની શ્રદ્ધા જોડાયેલી હોય છે. પ્રસાદના વિવાદ બાદ સનાતન ધર્મ રક્ષણ બોર્ડની માંગણી પણ ઉઠી છે

હિન્દુ ધર્મમાં પૂજા જેટલું જ મહત્ત્વ પ્રસાદનું છે. પ્રસાદ સાથે લોકોની શ્રદ્ધા જોડાયેલી હોય છે. આપણે જે ભગવાનને માનતા હોઇએ એનો પ્રસાદ આપણા માટે ભગવાનના આશીર્વાદથી જરાયે ઓછો હોતો નથી. કોઇ સ્વજન યાત્રા પર જતા હોય ત્યારે આપણે તેને કહીએ છીએ કે, પ્રસાદ ભૂલ્યા વગર લેતા આવજો. યાત્રાએ જતા સ્વજનોને લોકો ભગવાનને ધરવા માટે અને પ્રસાદ લેવા માટે રૂપિયા પણ આપે છે. દર્શને જઇ આવ્યા બાદ પ્રસાદ વહેંચવાની આપણે ત્યાં પરંપરા છે. મંદિરે જઇ આવ્યા બાદ પડોશથી માંડીને ઓફિસમાં પણ પ્રસાદ વહેંચવામાં આવે છે. પ્રસાદ આરોગીને લોકો ધન્યતા અનુભવે છે. આ પ્રસાદમાં જ જ્યારે ભેળસેળ અને ઘાલમેલની વાત સાંભળવા મળે ત્યારે લોકો આઘાતનો આંચકો અનુભવે છે. આપણે ત્યાં અંબાજીના પ્રસાદનો વિવાદ જાણીતો છે. પ્રસાદમાં મોહનથાળના બદલે ચીકી આપવામાં આવતા લોકો છંછેડાયા હતા. પ્રસાદનો સ્વાદ પણ લોકોને પ્રિય હોય છે. પ્રસાદના સ્વાદ વિશે આપણે જાતજાતની વાતો કરતા રહીએ છીએ. સત્ય નારાયણની કથાના પ્રસાદ વિશે એવું લગભગ તમામ લોકોએ કહ્યું હોય છે કે, કથાના પ્રસાદના શીરાનો સ્વાદ જ કંઇક અનેરો હોય છે. તમે ઘરે ગમે એવો શીરો બનાવો તો પણ એનો સ્વાદ કથાના પ્રસાદ જેવો આવે જ નહીં. પ્રસાદમાં લોકોની ભાવના સાથે ઇશ્વરના આશીર્વાદ પણ જોડાયેલા હોય છે. આજની તારીખે ઘણા ઘરોમાં ભગવાનને થાળ ધર્યા પછી અને તેના પ્રસાદ લીધા પછી જ જમવામાં આવે છે. પ્રસાદ પ્રાચીન સમયથી ચાલી આવતા આપણી સંસ્કૃતિનો જ એક હિસ્સો છે. આ પવિત્ર પ્રસાદ પણ સમયે સમયે વિવાદના ચકડોળે ચડતો રહે છે. આંધ્ર પ્રદેશના સુપ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિરના લાડુના પ્રસાદમાં જાનવરોની ચરબી અને માછલીના ઓઇલનો ઉપયોગ થાય છે એ વાત સ્વાભાવિક રીતે જ તમામ શ્રદ્ધાળુઓની લાગણીને ઠેંસ પહોંચાડે એવી છે. આખરે એવી તે શું જરૂર પડી કે પ્રસાદ સાથે આવા ચેડાં કરવામાં આવ્યા? લોકો દૈનિક વપરાશની ચીજ વસ્તુ ખરીદે ત્યારે પણ એ ચેક કરે છે કે આમાં પ્રાણીની ચરબી કે બીજો કોઇ નોનવેજ પદાર્થનો ઉપયોગ તો નથી થયોને? અનેક લોકો કેકમાં ઇંડા ન હોય એની પણ કાળજી રાખે છે. પ્રસાદને તો અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પ્રસાદની એક કણી પણ લોકો નીચે પડવા દેતા નથી. આ પ્રસાદ સામે જ જ્યારે સવાલો ઉઠે ત્યારે ઉહાપોહ થવાનો જ છે.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ બુધવારે એવું કહ્યું કે, ભગવાન તિરૂપતિ બાલાજીના મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ થાય છે. તેમણે ખાલી વાતો નથી કરી પણ પ્રસાદના પરીક્ષણનો સત્તાવાર રિપોર્ટ પણ જાહેર કર્યો છે. તારીખ નવમી જુલાઇએ પ્રસાદમાં શું વપરાયું છે તેની તપાસ કરવા માટે નમૂના આપણા ગુજરાતની એનડીડીબી કાલ્ફ લિમિટેડને મોકલવામાં આવ્યા હતા. આણંદ ખાતે આવેલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઇન લાઇવસ્ટોક એન્ડ ફૂડ વિભાગની પ્રયોગશાળામાં આ પ્રસાદનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તારીખ 16મી જુલાઇએ આવેલા રિપોર્ટમાં એવું બહાર આવ્યું હતું કે, પ્રસાદમાં જાનવરોની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ થયો છે. આંધ્ર પ્રદેશની સીએમ ચંદ્રાબાબુ નાયડુએ આ માટે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વાયએસઆર કોંગ્રેસના વડા જગનમોહન રેડ્ડી સામે આંગળી ચિંધી છે કે, તેમના સમય દરમિયાન તિરૂપતિ બાલાજી મંદિરના પવિત્રતાને ભ્રષ્ટ કરવામાં આવી હતી. વાયએસઆર કોંગ્રેસે ચંદ્રાબાબુ નાયડુના આક્ષેપો સામે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને નાયડુના આક્ષેપોની તપાસ કરવા માટે સમિતિની રચના કરવાની માંગણી કરી છે. કોર્ટ આગામી તારીખ 25મીએ આ કેસની સુનાવણી હાથ ધરવાની છે. કોર્ટ તો જે કરે તે પણ અત્યારે આંધ્ર પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સૌથી મોટો સવાલ એ પણ છે કે, અત્યાર સુધી કેમ કોઇને ખબર ન પડી કે પ્રસાદમાં જાનવરોની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ થાય છે? મંદિરના ટ્રસ્ટીઓ કેમ આ મામલે ચૂપ રહ્યા? આખરે ક્યારથી આ બધું ચાલતું હતું? જેને દર વર્ષે ટનબંધ સોનાનું દાન મળે છે એ મંદિરને આખરે આવું કરવાની જરૂર કેમ પડી?

તિરૂપતિ બાલાજી મંદિરમાં દરરોજ અંદાજે એક લાખ જેટલા લોકો દર્શને આવે છે. ટીટીડીના ટૂંકા નામે ઓળખાતું તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ આ મંદિરનો વહીવટ કરે છે. મંદિરના ત્રણસો વર્ષ જૂના રસોડામાં દરરોજ પ્રસાદના સાડા ત્રણ લાખ લાડુ બનાવવામાં આવે છે. પ્રસાદના લાડુના વેચાણમાંથી જ મંદિરને દર વર્ષે 500 કરોડ રૂપિયા જેટલી આવક થાય છે. ચંદ્રાબાબુ નાયડુની સરકારે પ્રસાદનો જે રિપોર્ટ રજૂ કર્યો છે તેમાં સોયાબીન, નારિયેળ, સૂર્યમુખી, કોટન સીડ, જૈતુનનું તેલ ઉપરાંત બીફ ટેલો, ફિશ ઓઇલ અને લાર્ડ હોવાનું બહાર આવ્યું છે. બીફ ટેલો એટલે જાનવરોની ચરબીને ગરમ કરીને મેળવેલી ફેટ. આ ફેટનો ઘીની જેમ ઉપયોગ કરવામાં આવે છે. લાર્ડ ભૂંડની ચરબીમાંથી મેળવવામાં આવે છે. ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીના પ્રવક્તા વેંકટ રમન્ના રેડ્ડીએ લેબનો રિપોર્ટ લોકો સમક્ષ મૂક્યો પછી આ રિપોર્ટ સામે પણ અનેક સવાલો પેદા થયા છે. મંદિરનું ટ્રસ્ટ પ્રસાદ બનાવવા માટે ટેન્ડરથી ઘી ખરીદે છે. જે કંપની ઘી સપ્લાય કરે છે તેને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરવાની માંગ પણ કરવામાં આવી છે. જે રીતે ઉહાપોહ મચ્યો છે એ જોતા આ વિવાદ લાંબો ચાલવાનો છે એ નક્કી છે.

પ્રસાદ વિવાદ બાદ આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે એવી માંગણી કરીને નવો વિવાદ સર્જ્યો છે કે, આખા દેશના મંદિરોમાં જે ચાલી રહ્યું છે તેના પર નજર રાખવા માટે નેશનલ લેવલે સનાતન ધર્મ રક્ષણ બોર્ડ બનાવવામાં આવે. હવે ચર્ચા એવી પણ ચાલી છે કે, શું ખરેખર સનાતન ધર્મના રક્ષણ માટે આવું બોર્ડ બનાવવું જરૂરી છે? બોર્ડ બને તો પણ દેશના મંદિરો તેને સ્વીકારશે ખરા? આપણા દેશમાં મંદિરોની તાકાત પણ જરાયે ઓછી નથી. મંદિરો સરકાર સામે પડે તો સરકાર માટે પણ મુશ્કેલી સર્જાય એમ છે. પ્રસાદના વિવાદમાં વાયએસઆર કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની કોઇ ભૂમિકા હતી કે કેમ એ પણ તપાસનો વિષય છે. આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ જ્યારથી વાયએસઆર કોંગ્રેસને હરાવીને મુખ્યમંત્રી બન્યા ત્યારથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી સામે આકરે પાણીએ છે. જગન મોહન રેડ્ડીએ બનાવેલા મહેલ જેવા બિલ્ડિંગથી માંડીને સેક્સ સ્કેન્ડલ સુધીના વિવાદો આંધ્ર પ્રદેશમાં ગાજ્યા છે. હવે તેમાં મંદિરના પ્રસાદનો ઉમેરો થયો છે. આ મામલો તમામ લોકોની આસ્થા સાથે જોડાયેલો છે એટલે અત્યંત સંવેદનશીલ બની ગયો છે. શુદ્ધ શાકાહારી લોકો જેમણે મંદિરનો પ્રસાદ આરોગ્યો છે એમને પોતાની સાથે ક્રૂર છેતરપિંડી અને તેની આસ્થા સાથે ખિલવાડ થયો હોવાનું અનુભવ્યું છે. પ્રસાદ મામલે સંપૂર્ણ તપાસ થાય અને તમામ તથ્યો લોકો સમક્ષ મૂકાય એ જરૂરી છે. જો એવું નહીં થયું તો લોકોને પ્રસાદ પર પણ શંકા જવા લાગશે!


  • Follow us on: