• ઇરાનના સર્વોચ્ય ધાર્મિક નેતા આયાતોલા ખામૈનીએ દેશના પરમાણુ કાર્યક્રમ સંદર્ભે અમેરિકા સાથે વાત કરવાનો સૂર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, દુશ્મન પર ભરોસો કરી શકાય નહીં પણ વાત કરવામાં કંઇ વાંધો નથી!
  • ઇઝરાયેલે ઇરાનની જમીન પર હુમલો કરીને હમાસના વડા ઇસ્માઇલ હનિયાને મારી નાખ્યો એ પછી ઇરાન વળતો પ્રહાર કરશે એવું માનવામાં આવતું હતું પણ એવું થયું નથી. ઇરાનની દશા માઠી છે એટલે હવે તે કોઇ જોખમ લેવા ન માંગતું હોય એવું લાગે છે

હમણાં સુધી અમેરિકા અને ઇઝરાયેલને જોઇ લેવાની વાતો કરતા ઇરાને અચાનક સૂર બદલીને વાતચીત કરવાની તૈયારી બતાવતા આખી દુનિયામાં આશ્ચર્ય સર્જાયું છે. ઇરાનના સર્વોચ્ય ધાર્મિક નેતા આયાતોલા ખામૈનીએ ટેલિવિઝન પર એક વીડિયો સંદેશમાં એવું કહ્યું કે, દુશ્મન પર ભરોસો કરી શકાય નહીં પણ તેની સાથે વાત કરવામાં કંઇ વાંધો નથી. અમેરિકા અને ઇરાનની દુશ્મની પાંચ દાયકા જૂની છે. ઇઝરાયેલ અને હમાસના યુદ્ધ બાદ ઇરાન અને અમેરિકા વચ્ચે ડિસ્ટન્સ વધ્યું છે. એક રીતે જોવા જઇએ તો અત્યારે ઇઝરાયેલ સાથે ઇરાન જ પ્રોક્સી વોર ખેલી રહ્યું છે. લેબેનોનના હિઝબુલ્લાહ અને યમનના હૂતીઓ ઇરાનના ઇશારે જ હુમલાઓ કરી રહ્યા છે. ઇઝરાયેલે હમાસના વડા ઇસ્માઇલ હનિયાની ઇરાનમાં ઘૂસીને હત્યા કરી નાખી એ પછી સ્થિતિ સ્ફોટક થઇ ગઇ હતી. ઇરાને તાબડતોબ બેઠકો બોલાવી હતી અને લડી લેવાની તમામ તૈયારીઓ કરી લીધી હતી. એવી વાતો થતી હતી કે, હવે ગમે તે ઘડીએ ઇરાન ઇઝરાયેલ પર સીધો હુમલો કરી દેશે. ઇસ્માઇલ હનિયાના મોતને મહિનો થઇ ગયો છે, હજુ સુધી ઇરાને ઇઝરાયેલ પર સીધો હુમલો કરવાનું જોખમ લીધું નથી. અમેરિકાએ પણ જરૂર પડ્યે ઇઝરાયેલની મદદ માટે પોતાની સેના ગોઠવી દીધી હતી. જે રીતે બધા એક બીજા સામે બાંયો ચડાવી રહ્યા હતા એ જોઇને ત્યાં સુધીની વાતો થવા લાગી હતી કે, હવે ત્રીજું વિશ્વયુદ્ધ નક્કી છે. ઇરાન સમસમીને બેસી રહ્યું એ એક જોતા બહુ સારું થયું છે. જો ઇરાને યુદ્ધ શરૂ કર્યું હોત તો આખી દુનિયા માટે નવી મુશ્કેલીઓ પેદા થઇ હોત. હવે જ્યારે ઇરાને વાત કરવાની તૈયારી બતાવી છે ત્યારે નિષ્ણાતો એને સારા સંકેત ગણાવી રહ્યા છે. દુનિયા ઘણા વર્ષોથી કોઇને કોઇ આફતોનો સામનો કરી રહી છે. પહેલા કોરોનાએ આખી દુનિયાની દશા ખરાબ કરી નાખી હતી. હજુ વિશ્વ કોરોનાની અસરોમાંથી મુક્ત થયું નહોતું ત્યાં રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. આ યુદ્ધ લાંબું ખેંચાયું અને હજુ ક્યારે પૂરું થાય એ કહી શકાય એમ નથી. આ યુદ્ધ દરમિયાન જ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ છેડાયું. અમેરિકા જેવા ખમતીધર દેશ સહિત સમગ્ર વિશ્વના દેશોના અર્થતંત્રો ખખડી ગયા છે. હવે દુનિયા શાંતિ ઝંખે છે.

ઇરાન પણ હવે થાક્યું હોય એવું લાગે છે. ઇરાન પોતાની આંતરિક સમસ્યાઓથી ઘેરાયેલું છે. સતત ટેન્શનમાં રહીને લોકો કંટાળી ગયા છે. હિઝાબ આંદોલનના કારણે પેદા થયેલો રોષ હજુ અંદરખાને ભભૂકી રહ્યો છે. અમેરિકાના આકરા પ્રતિબંધોના કારણે ઇરાનની ઇકોનોમી બગડી છે. દેશના સર્વોચ્ય નેતા આયાતોલા ખામૈની હવે બુઢ્ઢા થઇ ગયા છે. 85 વર્ષના ખામૈનીમાં હવે અગાઉ જેવું જોમ રહ્યું નથી. ઇરાન એક સમયે મુક્ત અને આધુનિક હતું. આયાતોલા ખામૈનીએ ઇરાનિયન ક્રાંતિ કરીને અમેરિકાને સમર્થન કરતા ઇરાનના શાહ મહોમ્મદ રઝા પહેલવીનો તખ્તો પલટાવી નાખ્યો હતો. ખામૈનીએ ઇરાનમાં શરિયા કાનૂન લાગુ કર્યો હતો. હવે જનરેશન બદલી ગઇ છે. દુનિયા પણ હવે પહેલા જેવી રહી નથી. ઇરાનના સત્તાધીશો જો નહીં સુધરે તો બીજી ક્રાંતિ થશે એવી વાતો પણ ઘણા સમયથી થઇ રહી છે.

ઇરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન આધુનિક વિચારસરણી ધરાવે છે. ખામૈની ઇચ્છતા નહોતા કે મસૂદ પેજેશ્કિયાન રાષ્ટ્રપતિ બને પણ તેનું ચાલ્યું નહીં. તેણે જેમનું સમર્થન કર્યું હતું એ ચૂંટણી હારી ગયા હતા. ખામૈનીને એ ઘટના પરથી પણ એટલું તો સમજાઇ જ ગયું છે કે, ઇરાનના લોકો હવે તેની વાત માનતા નથી. બીજો એક ડર એ પણ તેમને લાગતો હશે કે, જો ઇઝરાયેલે ઇરાનમાં હમાસના વડા ઇસ્માઇલ હનિયાને ઉડાવી શકતું હોય તો એ મારી પણ હત્યા કરી શકે છે. આ અને આવા ઘણા કારણોસર આયાતોલા ખોમૈની ફરીથી શાંતિ ઝંખતા હોય એવી શક્યતાઓ નકારી શકાતી નથી.

બીજી તરફ અમેરિકાની સ્થિતિ પણ અત્યારે વિચિત્ર છે. અમેરિકામાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તારીખ પાંચમી નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. અત્યારે કંઇ પણ થાય તેની સીધી અસર ઇલેકશન પર પડવાની છે. જો બાઇડેન એવું ઇચ્છે છે કે, ઇલેકશન પહેલા ઇઝરાયેલ અને હમાસનું યુદ્ધ પૂરું થાય. ઇઝરાયેલ અને હમાસ તથા રશિયા અને યૂક્રેન યુદ્ધના કારણે અમેરિકાને મોટો ફટકો પડ્યો છે. યૂક્રેનને જે રીતે અમેરિકા મદદ કરી રહ્યું છે એનાથી ઘણા અમેરિકનો નારાજ છે. અર્થશાસ્ત્રીઓએ પણ એવું કહે છે કે, અમેરિકાએ બીજા દેશોની માથાકૂટમાં પડવાને બદલે પોતાના દેશ પર ધ્યાન આપવાની જરૂર છે. અમેરિકા પણ અંદરખાને તો એવું ઇચ્છે જ છે કે, ઇરાન સાથે મંત્રણાઓ થાય અને સંઘર્ષનો અંત આવે.

ઇરાનની ઇચ્છા એવી પણ હશે કે, અમેરિકાની ચૂંટણી પહેલા વિવાદનો અંત આવી જાય તો સારું. જો ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટાઇ ગયા તો ગમે તે થઇ શકે એમ છે. ડોનાલ્ડ ટ્રમ્પના કારણે જ બંને દેશોના સંબંધો અત્યંત વણસી ગયા હતા. બરાક ઓબામા અમેરિકાના પ્રેસિડેન્ટ હતા ત્યારે માંડ માંડ બંને દેશો વચ્ચે સંબંધો સુધર્યા હતા. તારીખ 14મી જુલાઇ, 2015ના રોજ વિએનામાં યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલના છ કાયમી સભ્યો અમેરિકા, રશિયા, ચીન, ફ્રાંસ, બ્રિટન અને જર્મનીના પ્રતિનિધિઓની હાજરીમાં અમેરિકા અને ઇરાને જોઇન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એકશન પર હસ્તાક્ષર કર્યા હતા. આ પરમાણુ સંધિને આખી દુનિયાએ વખાણી હતી અને કહ્યું હતું કે, હવે જગત વધુ શાંત અને સુરક્ષિત બન્યું છે. જો કે, અમેરિકા અને ઇરાન વચ્ચેની આ સંધી લાંબુ ટકી નહોતી. 2016માં અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીના પ્રચાર દરમિયાના જ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું હતું કે, ઇરાન સાથે અમેરિકાએ કરેલી પરમાણુ સંધિ અમેરિકાના હિતમાં નથી. જો હું પ્રેસિડેન્ટ બનીશ તો આ સંધિ રદ કરીને ઇરાનને નવી સમજૂતી કરવા માટે મજબૂર કરીશ. ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા અને પ્રેસિડેન્ટ બન્યા. ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેની ન્યૂક્લિયર ડીલ કેન્સલ કરી નાખી. ઇરાનને નવી ડીલ કરવાનું કહ્યું. ઇરાને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. અમેરિકાએ ઇરાન પર સખત પ્રતિબંધો લાદ્યા તો પણ ઇરાન ઝૂક્યું નહીં. એક સમયે તો વાત યુદ્ધ સુધી પહોંચી ગઇ હતી. બંનેની સેના સામસામે ગોઠવાઇ ગઇ હતી. ઇરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યું એ પછી તો ટ્રમ્પે ઇરાન પર હુમલો કરવાનો આદેશ પણ આપી દીધો હતો. છેલ્લી ઘડીએ ટ્રમ્પે આદેશ પાછો ખેંચી લેતા યુદ્ધ અટકી ગયું હતું. ઇરાન હવે મંત્રણાની તૈયારી બતાવતા નવી આશાઓ જન્મી છે. અમેરિકા અને ઇરાન વાત કરવા માટે ટેબલ પર સામસામે આવશે તો એ આખી દુનિયા માટે મોટી અને સારી ઘટના હશે!


  • Follow us on: