• અમેરિકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને આ વખતની ચૂંટણીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ થયું. નસીબના બળિયા ડોનાલ્ડ ટ્રમ્પ જરાક માટે બચી ગયા. આ ઘટનાની અમેરિકાના ઇલેકશન પર કેવી અસર પડશે?
  • ટ્રમ્પ પરના હુમલાએ સુરક્ષા મુદ્દે ઊંચી ઊંચી વાતો કરતા અમેરિકા સામે અનેક સવાલો ખડા કર્યા છે. અમેરિકાના ગન કલ્ચર વિશે પણ નવેસરથી ચર્ચાઓ ચાલી છે. ટ્રમ્પ પર હુમલા બાદ વાતે વાતે લોચા મારતા જો બાઇડેનની હાલત વધુ કફોડી થઇ ગઇ છે

સુરક્ષાના મોટા મોટા દાવાઓ કરતા અમેરિકામાં વીસ વર્ષના એક છોકરાએ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને આ વખતની ચૂંટણીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર આડેધડ ફાયરિંગ કરીને અમેરિકાની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે. નસીબના બળિયા ડોનાલ્ડ ટ્રમ્પના કાનને અડીને ગોળી પસાર થઇ ગઇ. જરાકેય આડું અવળું થયું હોત તો ન થવાનું થઇ ગયું હોત. હુમલાખોરના ફાયરિંગમાં એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો અને બીજા બેને ગોળીથી ઇજા થઇ. સુરક્ષા કર્મચારીઓએ હુમલાખોરને તરત જ ઢાળી દીધો. પેન્સિલવેનિયાના બેથલમાં રહેતા વીસ વર્ષના હુમલાખોર થોમસ મેથ્યુ ક્રુકસે મંચની સામે આવેલી બિલ્ડિંગની અગાશી પરથી સેમી ઓટોમેટિક એઆર-15 સ્ટાઇલ રાયફલમાંથી ફાયરિંગ કર્યું હતું. જે વિગતો બહાર આવી છે એ મુજબ લોકોએ તેને ઢસડાઇને અગાશી પર જઇ પોઝિશન લેતા જોયો હતો અને સુરક્ષા કર્મચારીઓને જાણ પણ કરી હતી. સુરક્ષા અધિકારીઓએ આ વાતને ગંભીરતાથી લીધી નહોતી. હુમલાખોરની ઓળખ તો થઇ ગઇ છે પણ તેણે શા માટે હુમલો કર્યો એ વિશે તર્કવિતર્કો થઇ રહ્યા છે. મેથ્યુનો એક વીડિયો બહાર આવ્યો છે જેમાં તેણે ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીને નફરત કરતો હોવાનું કહ્યું છે. બીજી વાત એવી પણ બહાર આવી છે કે, મેથ્યુ રિપબ્લિકન પાર્ટીનો જ સપોર્ટર હતો અને તેણે પંદર ડોલરનું ડોનેશન પણ પાર્ટીને આપ્યું હતું. હુમલા વિશે વધુ વાતો ધીમે ધીમે છતી થશે, બાકી ટ્રમ્પ પરથી મોટી ઘાત ટળી છે એ હકીકત છે. ટ્રમ્પ પરના હુમલાએ અમેરિકાની સિક્રેટ સર્વિસ સામે સવાલો ખડા કર્યા છે અને તેની સાથે એ ચર્ચાઓ પણ ચાલી છે કે, આ હુમલાથી અમેરિકાની ચૂંટણીના પરિણામોમાં કંઇ ફેર પડશે કે કેમ?

ડોનાલ્ડ ટ્રમ્પને કાન પાસે ગોળી વાગી અને લોહી નીકળતું હતું છતાં ટ્રમ્પ જોરમાં હતા. ટ્રમ્પે કહ્યું કે, મારો પ્રચાર ચાલુ રહેશે અને હું કોઇનાથી ડરવાનો નથી. ટ્રમ્પને તો આ ઘટનાએ વધુ જોમ આપ્યું છે. ટ્રમ્પ હવે પોતાના માટે સહાનુભૂતિ પેદા કરવાના તમામ પ્રયાસો કરશે. ટ્રમ્પને કેટલો ફાયદો થશે એ સવાલ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દુનિયાના દેશોના નેતાઓએ ટ્રમ્પ પરના હુમલાની ઘટનાને કડક શબ્દોમાં વખોડી છે. વાતે વાતે લોચા મારતા પ્રેસિડેન્ટ જો બાઇડેન માટે ટ્રમ્પ પરના હુમલાએ નવી મુસિબતો ખડી કરી છે. ચૂંટણી વિશે તો ચર્ચાઓ છે જ સાથોસાથ અમેરિકાના ગન કલ્ચર મુદ્દે પણ નવેસરથી ચર્ચાઓ જાગી છે. અમેરિકાના દરેક પ્રેસિડેન્ટ વેપન લોબીને છાવરતા આવ્યા છે. શાળા, કોલેજથી માંડીને જાહેર સ્થળો પર અસંખ્ય હુમલાઓ થયા છે છતાં હથિયારોના જાહેર વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવતો નથી. આપણે ત્યાં શાક ભાજી ખરીદીએ એટલી આસાનીથી અમેરિકામાં રિવોલ્વર કે પિસ્તોલ ખરીદી શકાય છે. ટ્રમ્પ હવે પોતાના પ્રચારમાં હથિયારો પર પ્રતિબંધનો મુદ્દો લાવશે?

અમેરિકામાં પ્રેસિડેન્ટની હત્યા અને હત્યાના પ્રયાસનો લાંબો ઇતિહાસ રહ્યો છે. ચાર પ્રેસિડેન્ટને તો એમના કાર્યકાળ દરમિયાન જ મારી નખાયા હતા. અમેરિકાના મહાન રાષ્ટ્રપતિમાં જેમની ગણના થાય છે એ અબ્રાહમ લિંકનની તારીખ 14મી એપ્રિલ, 1865ના રોજ માથામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અબ્રાહમ લિંકન ફોર્ડ થિએટરમાં અવર અમેરિકન કઝિન નામનું નાટક જોવા ગયા હતા ત્યારે થિએટરના એક આર્ટિસ્ટે જ તેને પાછળથી ગોળી મારી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જેમ્સ ગાર્ફિલ્ડને તારીખ 2 જુલાઇ, 1881ના રોજ ચાર્લ્સ ગુઇટો નામના માણસે ગોળી મારી હતી. ગોળી પ્રેસિડેન્ટની છાતીમાં ઘૂસી ગઇ હતી. અઢી મહિના હોસ્ટિપલમાં સારવાર બાદ પણ પ્રેસિડેન્ટને બચાવી શકાયા નહોતા. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ વિલિયમ મૈકકન્લેને તારીખ 6 સપ્ટેમ્બર 1901ના રોજ લિઓન જોલગોજ નામના 28 વર્ષના યુવાને ગોળી મારી હત્યા કરી હતી. અમેરિકાના એક પ્રેસિડેન્ટ જ્હોન એફ કેનેડીની હત્યા તારીખ 22મી નવેમ્બર 1963ના રોજ કરવામાં આવી હતી. કેનેડી ખુલ્લી કારમાં લોકોનું અભિવાદન ઝીલતા હતા ત્યારે જ હાર્વી ઓસ્વાલ્ડ નામના વ્યક્તિએ તેને ગોળી મારી દીધી હતી. અમેરિકામાં મરીન તરીકે ફરજ બજાવનાર હાર્વીની પણ બે દિવસ બાદ હત્યા થઇ ગઇ હતી. કેનેડીની હત્યા શા માટે કરવામાં આવી હતી એ આજની તારીખે રહસ્ય છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગન સહિત ત્રણ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ પર જીવલેણ હુમલાઓ થયા છે. અમેરિકામાં ભેજાગેપ લોકોની કમી નથી. ડ્રગ એડિક્ટ અમેરિકનો ન કરવાના કરતૂતો કર્યા હોવાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. ચાર પ્રેસિડેન્ટની હત્યા અને બીજા પ્રેસિડેન્ટની હત્યાના પ્રયાસોની ઘટનાઓ બની હોવા છતાં અમેરિકાની સરકાર ગન કલ્ચરને કંટ્રોલ કરતી નથી.

અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણીનું મતદાન તારીખ પાંચમી નવેમ્બર, 2024ના રોજ થવાનું છે. આ વખતે સીધી સ્પર્ધા પ્રેસિડેન્ટ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન અને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થવાની છે. જો બાઇડેન 81 વર્ષના છે અને ટ્રમ્પ 78 વર્ષના છે. જો બાઇડેને પોતાના કાર્યકાળ દરમિયાન ખાસ કંઇ ઉકાળ્યું નથી. ઉલટું તેના નિર્ણયોએ અમેરિકાની હાલત વધુ ખરાબ કરી નાખી છે. આખી દુનિયામાં જગત જમાદાર બનીને ફરતા અમેરિકાની ઇમેજ ઘસાઇ છે. અમેરિકાનું અર્થતંત્ર ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. જો બાઇડનને કંઇ યાદ રહેતું નથી. હમણા બાઇડેને યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીને પુટિન કહી દીધા હતા અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પ્રેસિડેન્ટ કહી દીધા હતા. દર વખતે પોતાનો વાહિયાત બચાવ કરતા જો બાઇડેન ભાંગરા વાટ્યા હોય એવી ઘટનાઓનું લાંબુ લિસ્ટ છે. બાઇડેન ચાલી શકતા નથી. પોતાના વિશેષ વિમાન એરફોર્સ વનની સીડી ચડતી વખતે ગબડી પડવાની ઘટનાઓ બની છે. તેઓ ડિમ્નેશિયાથી પીડાઇ રહ્યા હોવાનું કહેવાતું રહ્યું છે. પોતાની પાર્ટીના કેટલાંક નેતાઓની નારાજગી હોવા છતાં તેઓ ચૂંટણીમાંથી ખસવા માટે તૈયાર નથી. જો બાઇડેનની લોકપ્રિયતામાં ઘટાડો નોંધાયો છે. સામા પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પ પણ અનેક વિવાદોમાં ઘેરાયેલા છે. પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથેના લફરાંમાં સ્ટોર્મીને મોઢું બંધ રાખવા આપેલા નાણાંના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને દોષી ઠેરવવામાં આવ્યા છે. આ કેસમાં ટ્રમ્પને સજા સંભળાવવાનું બાકી છે. અમેરિકાની આ વખતની ચૂંટણી બંને ઉમેદવારોના અનેક પ્રકરણોના કારણે ગાજી રહી હતી ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાએ નવી હલચલ પેદા કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પરના હુમલા બાદ બાઇડેનને બદલીને એની જગ્યાએ બીજા ઉમેદવારને મૂકવાની વાતો વધુ ચગે એવી શક્યતાઓ છે. ડેમોક્રેટ પાર્ટીના 17 સંસદ સભ્યો તો પહેલેથી જ બાઇડેનને બદલવાની માંગણી કરી ચૂક્યા છે. ચૂંટણી પહેલા હજુ અમેરિકામાં ઘણી નવા જૂની થશે એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકાના લોકો જે થઇ રહ્યું છે એનાથી બહુ ખુશ નથી. મોટા ભાગના અમેરિકનોને બાઇડેન કે ટ્રમ્પ બેમાંથી એકેય પર ભરોસો નથી. તેઓ કહે છે કે, અમેરિકાને યંગ અને એનર્જેટિક પ્રેસિડેન્ટની જરૂર છે. આપણામાં કહેવત છે કે, અણી ચૂક્યો સો વર્ષ જીવે, જોઇએ હવે બાલ બાલ બચી ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પનું ચૂંટણીમાં શું થાય છે!


  • Follow us on: