• વડાપ્રધાન મોદીની ત્રીજા વખતની સરકારનું પહેલું બજેટ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પેશ કર્યું. આ બજેટમાં ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂતો, મહિલાઓ, યુવાનો, નાના ઉદ્યોગો અને સહિત તમામ ક્ષેત્રના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ જોગવાઇઓ કરવામાં આવી છે
  • લોકોને જેમાં સૌથી વધુ રસ હોય છે એ આવકવેરાના સ્ટ્રક્ચરની વાત કરીએ તો નવી રીજીમ અપનાવનારાઓને ફાયદો થાય એવા ફેરફારો કરવામાં આવ્યા છે. જૂની રીજીમના સ્ટ્રક્ચરને એમને એમ રાખ્યું છે. રીજીમ-ટુને સરકાર પ્રોત્સાહન આપવા માંગે છે

દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ત્રીજી વખત સત્તા સંભાળી એ પછીનું પહેલું બજેટ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યું. આ વખતના બજેટમાં તમામ વર્ગો અને દરેક ક્ષેત્રને લાભ થાય એવા પ્રયાસો કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા તા. 1 ફેબ્રુઆરીએ નિર્મલા સીતારામણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. એ વખતે તેમણે કહ્યું હતું કે, જુલાઇમાં રજૂ થનારા સરકારના રેગ્યુલર બજેટમાં આર્થિક વિકાસના નવા રોડમેપને લોકો સમક્ષ મૂકવામાં આવશે. બજેટ જે તે દેશના વિકાસની રાહને નક્કી કરતું હોય છે. લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવે છે ત્યારે જે મુખ્ય મુદ્દાઓ હોય છે એના વિશે જ વાત કરવામાં આવતી હોય છે. બજેટ આંકડાની એવી ઇન્દ્રજાળ છે જેને સંપૂર્ણપણે સમજતા અર્થશાસ્ત્રીઓને પણ સમય લાગતો હોય છે. આ બજેટ એકંદરે દેશ માટે સારું કહી શકાય એવું છે. દુનિયાના તમામ દેશો અત્યારે આર્થિક સંકટોમાંથી પસાર થઇ રહ્યા છે ત્યારે આપણો દેશ મક્કમ ગતિએ આર્થિક પ્રગતિ સાધી રહ્યો છે. ભારત અત્યારે વિશ્વની પાંચમા નંબરની આર્થિક મહાસત્તા છે. ભારતની ગતિ જર્મની અને જાપાનને પાછળ રાખીને અમેરિકા તથા ચીન પછી ત્રીજા નંબરનું અર્થતંત્ર બનવા તરફની છે. બજેટમાં દેશના વિકાસની સાથે ખેડૂતો, યુવાનો, મહિલાઓ, ગરીબ અને મધ્યમ વર્ગ, નાના ઉદ્યોગોથી માંડીને દરેક ક્ષેત્ર માટે કંઇકને કંઇક જોગવાઇઓ કરવામાં આવી છે. આ વખતના બજેટમાં સ્પેસ ટેક્નોલોજી, ન્યૂક્લિયર એનર્જીથી માંડીને સોલાર એનર્જી તરફ પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. યુવાનોને અભ્યાસ અને રોજગારીની નવા તકો પેદા થાય તેવો ઉદ્દેશ પણ નજરે પડે છે. વચગાળાના બજેટમાં લખપતિ દીદીની વાત કરવામાં આવી હતી. આ વખતના બજેટમાં પણ મહિલાઓને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો થયા છે.

બજેટમાં દેશના મોટા નોકરીયાત વર્ગને સૌથી વધુ રસ આવકવેરામાં શું ફેરફાર થયા અને તેનાથી કેટલો ફાયદો થશે એ જાણવામાં હોય છે. મોદી સરકારે આવકવેરા માટે બે રીજીમ અપનાવી છે. જૂની રીજીમના જે ટેક્સ સ્લેબ છે એમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. નવી રીજીમ અપનાવનારાઓને ફાયદો થાય એવા જોગવાઇઓ કરવામાં આવી છે. આ વાત સ્પષ્ટ રીતે એ સાબિત કરે છે કે, સરકાર નવી રીજીમને આગળ વધારવા માંગે છે. નવી રીજીમમાં ત્રણ લાખ સુધીની આવકને કરમુક્ત રાખવામાં આવી છે. 3થી 7 લાખની આવક પર પાંચ ટકા, 7થી 10 લાખ પર દસ ટકા, 10થી 12 લાખની આવક પર પંદર ટકા, 12થી 15 લાખની આવક પર 20 ટકા અને 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સની જોગવાઇ કરવામાં આવી છે. સ્ટાન્ડર્ડ ડિડકશન લિમિટને 75 હજાર કરવામાં આવી છે. નાણાં પ્રધાન સીતારમણે કહ્યું કે, ટેક્સ સ્લેબમાં પરિવર્તન બાદ ટેક્સ ભરનારને ઓછામાં ઓછો 17,500 રૂપિયાનો ફાયદો થશે. તેમણે ટેક્સ પ્રક્રિયાને પણ વધુ સરળ બનાવવાની ઘોષણા કરી છે.

નિર્મલા સીતારમને બજેટ પ્રવચનની વાત કરતી વખતે શરૂઆતમાં જ એવું કહ્યું કે, સરકાર મુખ્ય નવ ક્ષેત્રને પ્રાથમિકતા આપવાની છે. જેમાં સૌથી પહેલા તેમણે કૃષિ ક્ષેત્રની વાત કરી હતી. સરકારે કૃષિ ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડની ફાળવણી કરી છે. કૃષિ ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગ પર સરકારે ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવશે. કઠોળ ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવાની વાત કરવામાં આવી છે. શાકભાજીની સપ્લાય ચેન પણ સક્ષમ બનાવાશે. નાબાર્ડની મદદથી ખેડૂતોને મદદ કરવામાં આવશે. ઓવરઓલ કૃષિ માટે જે જોગવાઇઓ કરવામાં આવી છે તેની પાછળ ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો હેતુ ઉજાગર થાય છે. કૃષિ ઉપરાંત જે બીજા આઠ ક્ષેત્રોને પ્રાધાન્ય આપવાની વાત કરવામાં આવી છે તેમાં ઉત્પાદકતા, રોજગાર, સામાજિક ન્યાય, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન અને સુધારાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશની પાંચસો કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશીપની તકો મળે એ માટે નવી યોજના ઘડવામાં આવી છે.

અગાઉના સમયમાં રસનો એક વિષય એ પણ રહેતો કે, શું સસ્તું થશે અને શું મોંઘું થશે? હવે એના વિશે બહુ જાહેરાતો કરવામાં આવતી નથી પણ જે બદલાવ કરવામાં આવ્યા છે તેનાથી થોડી ચીજ વસ્તુઓ સસ્તી થશે એવા સંકેતો ચોક્કસ મળે છે. સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને છ ટકા કરવામાં આવી છે. પ્લેટિનમ ડ્યૂટી પણ ઘટી છે. એ હિસાબે સાનું, ચાંદી અને પ્લેટિનમ સસ્તા થશે. મોબાઇલ ફોન અને મોબાઇલ ચાર્જરની કસ્ટમ ડ્યૂટીમાં 15 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે એટલે મોબાઇલ પણ સસ્તા થશે. સોલાર પેનલ અને લિથિયમ બેટરી પણ સસ્તી થવાની છે. કેન્સરની કેટલીક દવાઓ પણ સસ્તી થશે. ટૂરિઝમના વિકાસ માટે પણ આ બજેટમાં અનેક જોગવાઇઓ કરવામાં આવી છે. દુનિયા જે રીતે આગળ વધી રહી છે એ જોતા સ્પેસ ટેક્નોલોજી અને ન્યૂક્લિયર પાવર સૌથી વધુ અગત્યના બની ગયા છે. આ બંને વિશે વાતો ઓછી થાય છે પણ સરકારના નિર્ણયોથી એવું લાગી રહ્યું છે કે, સરકાર આ ક્ષેત્રો પર ધીમે ધીમે વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

બિહારને વિશેષ દરજ્જો આપવામાં આવશે નહીં એવી જાહેરાત સોમવારે સરકારે સંસદમાં કરી હતી. આ જાહેરાત બાદ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર વિરોધીઓએ તડાપીટ બોલાવી હતી. જો કે, બજેટ જોતા એક વાત સાબિત થાય છે કે, સરકારે ભલે બિહારને વિશેષ પેકેજ ન આપ્યું હોય પણ બજેટમાં બિહારને ઘણું બધું આપીને વળતર વાળી દેવાનો પ્રયાસ ચોક્કસ થયો છે. આંધ્ર પ્રદેશ માટે પણ ઘણી બધી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. પૂર્વોત્તરના રાજ્યોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. બિહારને 26 હજાર કરોડના ત્રણ એક્સપ્રેસ વે, 21 હજાર કરોડ રૂપિયાનો 2400 મેગાવોટનો પાવર પ્લાન્ટ, મેડિકલ કોલેજ અને એરપોર્ટ પણ આપવામાં આવ્યા છે. બિહારને પૂરથી બચાવવા માટે પણ વિશેષ યોજના હાથ ધરવામાં આવવાની છે. આ બધું વિશેષ પેકેજથી જરાયે કમ નથી. આંધ્ર પ્રદેશને 15 હજાર કરોડનું વધારાનું ફંડ આપવામાં આવ્યું છે.

અગાઉના સમયમાં રેલવેનું બજેટ અલગ રજૂ કરવામાં આવતું હતું. બાદમાં રેલવેના બજેટને જનરલ બજેટ સાથે મર્જ કરી દેવામાં આવ્યું. 2016માં એ વખતના રેલવે પ્રધાન પીયૂષ ગોયલે છેલ્લી વખત અલગ રેલવે બજેટ રજૂ કર્યું હતું. 2017માં નાણાં પ્રધાન સ્વ. અરૂણ જેટલીએ પ્રથમ વખત સંયુક્ત બજેટ રજૂ કર્યું હતું. આ વખતના બજેટમાં અકસ્માતો ન થાય એ માટે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા ઉપરાંત કોચ, સિગ્નલીંગ અને હાઇસ્પીડ ટ્રેન માટે વિવિધ જોગવાઇઓ કરવામાં આવી છે. બજેટ વિશે શાસક અને વિપક્ષ પોતપોતાની રીતે પ્રતિભાવો આપી રહ્યા છે પણ બજેટ વિશે એક લાઇનમાં કહીએ તો ગામ, ખેતી, ગરીબ અને મધ્યમ વર્ગથી માંડીને દેશનો સર્વાંગી વિકાસ થાય એવું બજેટ આપવામાં આવ્યું છે. બજેટની બીજી બારીકાઇઓ ધીમે ધીમે ઉજાગર થશે. બજેટમાં બધાને રાજી રાખવાનો પ્રયાસ કરાયો છે.


  • Follow us on: