- ફેવર લઇને સવાલો પૂછવાના કેસમાં તૃણમૂલ કોંગ્રેસના સંસદ સભ્ય મહુઆ મોઇત્રાનું સભ્યપદ એથિક્સ કમિટિની ભલામણ બાદ રદ કરી દેવાયું છે. પાર્લામેન્ટની એથિક્સ કમિટિના પાંચસો પાનાના રિપોર્ટમાં મહુઆ મોઇત્રાના કરતૂતો બચાન કરવામાં આવ્યું છે
- મહુઆ મોઇત્રાએ પોતાના મિત્ર અને બિલ્ડર દર્શન હીરાનંદાનીને પાર્લામેન્ટમાં પ્રશ્નો પૂછવા માટે સંસદની વેબસાઇટનું આઇડી અને પાસવર્ડ આપ્યા હતા. દુબઇથી અનેક વખત વેબસાઇટ પર લોગઇન કરવામાં આવ્યું હતું. આખરે પાપ છાપરે ચડીને પોકાર્યું!
લોકશાહીમાં પાર્લામેન્ટને મંદિરનો દરજ્જો આપવામાં આવે છે. મંદિરની જેમ જ સંસદની મર્યાદા, આમન્યા અને ગૌરવ જળવાવા જોઇએ. સંસદ સભ્યોને મળેલા અધિકારોનો ઉપયોગ તેમણે દેશ અને દેશના લોકોના હિતમાં કરવો જોઇએ. જ્યારે કોઇ સંસદ સભ્ય પોતાને બધાથી ઉપર સમજીને મન ફાવે એવું કરે ત્યારે એ લોકશાહી, સંસદ અને તેમને જેણે ચૂંટ્યા હોય છે એ લોકોનું પણ અપમાન છે. લોકસભામાં પ્રશ્નો પૂછવા માટે સંસદ સભ્યને પાર્લામેન્ટની સત્તાવાર વેબસાઇટનું આઇડી અને પાસવર્ડ આપવામાં આવે છે. આ વેબસાઇટનો ઉપયોગ માત્રને માત્ર સંસદ સભ્ય જ કરી શકે છે. મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસના સંસદ સભ્ય મહુઆ મોઇત્રાએ વેબસાઇટનું આઇડી અને પાસવર્ડ પોતાના મિત્ર અને દેશના જાણીતા બિઝનેસમેન દર્શન હીરાનંદાનીને આપ્યા હતા. આ આઇડી અને પાસવર્ડની મદદથી દુબઇમાં બેઠાં બેઠાં 47 વખત લોગ ઇન કરવામાં આવ્યું હતું. દુબઇથી લોગ ઇન થયું એ સમયે મહુઆ મોઇત્રાની હાજરી ભારતમાં જ હતી. મહુઆ મોઇત્રાએ દર્શન હીરાનંદાની પાસેથી નાણાં, ભેટ સહિત અનેક ફેવર મેળવી હતી. આ વાત બીજા કોઇએ નહીં પણ ખુદ દર્શન હીરાનંદાનીએ પત્ર લખીને જાહેરમાં કબૂલ કરી છે. આખું પાપ છાપરે ચડીને પોકારવા લાગ્યું પછી ખુદ મહુઆએ પણ સ્વીકાર્યું કે, તેણે આઇડી અને પાસવર્ડ દર્શન હીરાનંદાનીને આપ્યા હતા. ઉધાડા પડી ગયા પછી જો મહુઆ મોઇત્રામાં લાજ શરમ જેવું કંઇ હોત તો એણે સંસદ સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું હોત. મહુઆ મોઇત્રાએ લાજવાને બદલે ગાજવાનું શરુ કર્યું હતું અને પોતે દૂધે ધોયેલી હોય એવી વાતો કરી હતી. પાર્લામેન્ટની એથિક્સ કમિટિના પાંચસો પાનાના રિપોર્ટમાં મહુઆ મોઇત્રાની કરતૂતોનું ડિટેઇલમાં બયાન છે. કમિટિની ભલામણ બાદ મહુઆ મોઇત્રાનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે. કેશ ફોર ક્વેરીના કિસ્સાઓ અગાઉ પણ નોંધાયા છે અને પગલાંઓ પણ લેવાયા છે. ભવિષ્યમાં કોઇ સંસદ સભ્ય આવું ન કરે એ માટે જે થયું એ એકદમ વાજબી અને યોગ્ય છે.
મહુઆ મોઇત્રા કંઇ અભણ કે મૂર્ખ નથી કે તેણે જે કર્યું એના પરિણામો એને ખબર ન હોય! 49 વર્ષના મહુઆ મોઇત્રાએ અમેરિકામાં ગ્રેજ્યુએશન કર્યું છે. અમેરિકાના ન્યૂયોર્ક અને બ્રિટનના લંડનમાં જેપી મોર્ગન કંપનીમાં બેન્કર તરીકે કામ કર્યું છે. બેન્કિંગ સેક્ટર છોડીને તેમણે રાજકારણમાં પદાર્પણ કર્યું હતું. મમતા બેનરજી સાથે જોડાયા બાદ મહુઆએ 2016માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં કરીમનગર બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીતી પણ હતી. 2019માં મમતા બેનરજીએ તેમને લોકસભાની કૃષ્ણાનગર બેઠકની ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં મહુઆ મોઇત્રાએ ભાજપના કલ્યાણ ચોબેને 63218 મતે હરાવીને જીત મેળવી હતી. મહુઆ મોઇત્રા પોતાની હાઇફાઇ લાઇફ સ્ટાઇલ અને વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહ્યા છે. સતત સફળતા જ જોનાર મહુઆ મોઇત્રાને કદાચ એમ હતું કે, હું જે કરું એની કોને ખબર પડવાની છે? કોઇ મારું શું બગાડી લેવાનું છે? લોકસભાની ટર્મ શરૂ થઇ ત્યારથી એટલે કે વર્ષ 2019થી મહુઆ મોઇત્રાએ પાર્લામેન્ટમાં 28 કેન્દ્રીય મંત્રાલયને રિલેટેડ 62 સવાલો પૂછ્યા છે. સૌથી વધુ નવ પ્રશ્નો પેટ્રોલિયમ અને નેચરલ ગેસ વિભાગના હતા. તેનાથી પણ નોંધપાત્ર વાત એ છે કે, 62માંથી નવ પ્રશ્નો અદાણી ગ્રૂપ રિલેટેડ હતા. એક રીતે જોવા જઇએ તો મહુઆ મોઇત્રાએ પોતાના મિત્ર દર્શન હીરાનંદાનીની મદદથી અદાણી ગ્રૂપને પરેશાન કરવાના પ્રયાસો કર્યા હતા. 42 વર્ષના દર્શન હીરાનંદાની મુંબઇ બેઝ્ડ રિઅલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની હીરાનંદાની ગ્રૂપના સીઇઓ અને ઉદ્યોગપતિ નિરંજન હીરાનંદાનીના પુત્ર છે. અમેરિકામાં ગ્રેજ્યુએશન કરનાર દર્શન હીરાનંદાની ગ્રૂપની ડેટા સેન્ટર, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ઓઇલ એન્ડ ગેસ, લોજિસ્ટિક સહિતની અનેક કંપનીઓના પ્રેસિડેન્ટ પણ છે. કેટલાંક ક્ષેત્રોમાં તેઓ અદાણી ગ્રૂપના કમ્પિટિટર છે. દર્શન હીરાનંદાની અને મહુઆ મોઇત્રાના સંબંધો વિશે પણ ખૂબ વાતો થઇ છે. દર્શન હીરાનંદાનીના ખર્ચે મહુઆ મોઇત્રાએ વિદેશ પ્રવાસ સહિત અનેક ખરીદીઓ અને મોજમજા કરી છે. મહુઆનું આખું પ્રકરણ બહાર આવ્યું એ પછી દર્શને બધી જ સાચી વાત સ્વીકારીને મહુઆના કારનામાઓનો પર્દાફાશ કર્યો હતો.










