ભારતથી બ્રિટન ભાગી ગયેલા લલિત મોદીએ ઇન્ડિયન પાસપોર્ટ સરન્ડર કરવાની અરજી કરી છે. તેણે હવે નવો દાવ અજમાવ્યો છે!
| લલિત મોદીએ વાનુઅતુ નામના દેશની સિટિઝનશીપ મેળવી છે. માત્ર એક કરોડ ખર્ચીને આ દેશના નાગરિક બની શકાય છે. દોઢ કરોડમાં તો આખા ફેમિલિને નાગરિકતા મળે છે. છેલ્લા બે વર્ષમાં 30થી વધુ ભારતીયોએ આ દેશની નાગરિકતા મેળવી છે! |
આપણા દેશની સુરક્ષા એજન્સીઓ દેશના મોસ્ટ વોન્ટડે આર્થિક ગુનેગાર લલિત મોદીને ભારત લાવવાના પ્રયાસો કરી રહી છે ત્યારે પ્રત્યાર્પણથી બચવા માટે લલિત મોદીએ નવો પેંતરો રચ્યો છે. ભારતથી ભાગીને લંડન પહોંચી ગયેલા લલિત મોદીએ બ્રિટન ખાતેની ઇન્ડિયન એમ્બેસીમાં ઇન્ડિયન પાસપોર્ટ સરન્ડર કરવાની અરજી કરી છે. તેનો સીધો અર્થ એ થાય કે, હવે મારે ભારતના નાગરિક રહેવું નથી. લલિત મોદીએ નાના નાના 80 ટાપુઓના દેશ વાનુઅતુની સિટિઝનશીપ મેળવી લીધી છે.
આપણા દેશના ટોપ ટેન ભાગેડું આર્થિક ગુનેગારોમાં વિજય માલ્યા, મેહુલ ચોક્સી, નીરવ મોદી અને લલિત મોદીનો સમાવેશ થાય છે. મેહુલ ચોક્સીએ પ્રત્યાર્પણથી બચવા માટે એન્ટીગુઆની સિટિઝનશીપ મેળવી લીધી છે. વિજય માલ્યા અને નીરવ મોદી લંડનમાં છે. લલિત મોદી પણ લંડનમાં જ હતો. આપણી સરકાર વિદેશમાં છુપાયેલા ગુનેગારોને પાછા લાવવા માટે સક્રિય થઇ છે એ જોઇને લલિત મોદીને એવો ડર પેસી ગયો હતો કે, ભારત સરકાર વહેલો કે મોડો મારો કબજો મેળવી લેશે. કંઇ થાય એ પહેલા જ લલિત મોદીએ વાનુઅતુની સિટિઝનશીપ મેળવી લીધી છે.
ઇન્ડિયન પ્રિમિયર લીગની શરૂઆત કરનાર લલિત મોદીનો એક સમયે ભારતમાં જબરજસ્ત દબદબો હતો. એ વાતથી કોઇ ઇન્કાર થઇ શકે એમ નથી કે, લલિત મોદીએ આઇપીએલના રૂપમાં ક્રિકેટને એક નવો જ અવતાર આપ્યો છે. આઇપીએલના પ્રારંભ વખતે માત્ર આપણા દેશમાં જ નહીં પણ આખી દુનિયામાં તેની ચર્ચા થતી હતી. આજની તારીખે આઇપીએલ એટલી જ પોપ્યુલર ક્રિકેટ લીગ છે. આઇપીએલ હોય ત્યારે લલિત મોદી હેલિકોપ્ટરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર એન્ટ્રી મારતા હતા. દેશની ટોપની સેલિબ્રિટિઓ તેની આજુબાજુમાં આંટાફેરા મારતી રહેતી હતી.
બીજી તરફ લલિત મોદી મની લોન્ડ્રિંગ અને બીજા કારનામા કરીને પોતાની ખીસ્સા ભરતો હતો. ક્રિકેટના નામે જાતજાતની ગોલમાલ કરીને લલિત મોદીએ અબજો રૂપિયા બનાવ્યા છે એ વાત બહાર આવતા દેશની આર્થિક એજન્સીઓએ લલિત મોદી સામે તપાસ હાથ ધરી હતી. લલિત મોદીને ધરપકડની બીક લાગી એટલે એ 2010માં ભારતથી ભાગીને લંડન પહોંચી ગયો હતો. એ દરમિયાનમાં જ લલિત મોદીના અનેક કરતૂતો બહાર આવ્યા હતા. 2009માં દેશમાં ચૂંટણી હતી એટલે આઇપીએલ રમાડવી શક્ય નહોતી, એ સમયે સાઉથ આફ્રિકામાં આઇપીએલ રમાડવાનો નિર્ણય કરીને લલિત મોદીએ હલચલ મચાવી હતી. લલિત મોદી લંડન ભાગી ગયો ત્યારથી તેને ભારત લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. હવે લલિત મોદીએ નવો દાવ અજમાવ્યો છે!
કેવો છે વાનુઅતુ દેશ?
વાનુઅતુ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલા નાના નાના 80 જેટલા ટાપુઓનો દેશ છે. વાનુઅતુની વસતિ માત્ર 3.2 લાખ છે. અગાઉ વાનુઅતુ ફ્રેન્ચ અને બ્રિટિશ કોલોની હતું. 1980માં વાનુઅતુને આઝાદી મળી હતી. આ દેશ સિટિઝનશીપ બાય ઇન્વેસ્ટમેન્ટની યોજના ચલાવે છે. માત્ર એક કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરીને ત્યાંના નાગરિક બની શકાય છે. વાનુઅતુમાં 1800 જેટલા ભારતીયો વસી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં જ 30થી વધુ ભારતીયોને નાણાં ખર્ચીને વાનુઅતુની સિટિઝનશીપ મેળવી છે. હવે તેમાં લલિત મોદીનો પણ ઉમેરો થયો છે. ગયા વર્ષે ડિસેમ્બર, 2024માં વાનુઅતુમાં 7.3ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો. આ ધરતીકંપના કારણે ભારે ખાનાખરાબી સર્જાઇ હતી. આમ તો આ દેશ ભાગ્યે જ કોઇ ચર્ચામાં આવે છે, દુનિયાની સરખામણીમાં તેનું ખાસ વજૂદ નથી. દુનિયાના પ્રવાસીઓ માટે વાનુઅતુના ટાપુઓ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. વાનુઅતુ એવો દેશ છે કે, ત્યાંનો નાગરિક નોકરી કરે કે બિઝનેસ, કોઇ ટેક્સ આપવો પડતો નથી. આ દેશના પાસપોર્ટનું એટલા માટે ખૂબ મહત્ત્વ છે કારણ કે, આ દેશના નાગરિકને દુનિયાના પંચાવન દેશ કોઇ પણ જાતના વિઝા વગર એન્ટ્રી આપે છે. 33 દેશોમાં ઓનઅરાઇવલ એન્ટ્રી મળે છે. જો કે, હવે કેટલાંક અપરાધીઓ આ દેશના નાગરિક બની ગયા હોવાથી અમુક દેશો તેના નાગરિકો પર વિઝા સિસ્ટમ દાખલ કરવાનું વિચારે છે.
લલિત મોદીના લફરાઓ જોરદાર ગાજતા રહ્યા છે
લલિત મોદી લંડનમાં હોય કે બીજે ક્યાંય પણ હોય, એ હંમેશાં લેવિશ લાઇફ જીવે છે. ભારતથી ભાગતા પહેલા જ તેણે પોતાના નાણાંનો એવો બંદોબસ્ત કરી દીધો હતો કે, બાકીની જિંદગી તે મોજમજાથી જીવી શકે. લલિત મોદી ગર્ભશ્રીમંત છે. 61 વર્ષના લલિત મોદીનો જન્મ તારીખ 29મી નવેમ્બર, 1963ના રોજ દિલ્હીમાં થયો હતો. લલિત મોદીએ બ્રિટન અને અમેરિકામાં અભ્યાસ કર્યો છે. સ્ટુડન્ટ હતા ત્યારે પણ તેની સામે મારામારી, લૂંટ અને ડ્રગ્સના ગુના નોંધાયા હતા. યુવાન વયથી જ તેના કરતૂતો ગાજતા રહ્યા છે. લલિત મોદીએ તારીખ 17મી ઓક્ટોબર, 1991ના રોજ પોતાનાથી નવ વર્ષ મોટી મીનલ સગરાણી સાથે મેરેજ કર્યા હતા.
મીનલ સાથે મેરેજથી લલિત મોદીનો પરિવાર નારાજ હતો. એક તો મીનલ લલિતથી ઘણી મોટી હતી અને બીજું તેના અગાઉ લગ્ન પણ થઇ ચૂક્યા હતા. નાઇજીરિયામાં રહેતા સિંધી ઉદ્યોગપતિ પેસુ અસ્વાનીની દીકરી મીનલના પહેલા લગ્ન નાઇજીરિયાના જ બિઝનેસમેન જેક સગરાણી સાથે થયા હતા. બંનેને ફાવ્યું નહોતું એટલે ડિવોર્સ લઇ લીધા હતા. મીનલને પહેલા પતિથી એક દીકરી પણ છે. લલિત મોદી સાથે મેરેજ બાદ મીનલે એક દીકરા રુચિર અને દીકરી આલિયાને જન્મ આપ્યો હતો. તારીખ 10મી ડિસેમ્બર, 2018ના રોજ કેન્સરની બીમારીથી મીનલનું મોત થયું હતું. મીનલના મોત બાદ અનેક યુવતીઓ સાથે લલિત મોદીનું નામ ચર્ચાયું હતું. લલિત મોદીએ જ જુલાઇ, 2022માં અભિનેત્રી સુસ્મિતા સેન સાથેના રોમેન્ટિક ફોટા સોશિયલ મીડિયા પર મૂકીને ચર્ચા જગાવી હતી. સુસ્મિતા સાથે ડેટ કરું છું પણ અમે હજુ મેરેજ નથી કર્યા એવી વાત લલિત મોદીએ કરી હતી. હવે સુસ્મિતા સાથે પણ તેનું બ્રેકઅપ થયું છે. ગયા વેલેન્ટાઇન ડેના દિવસે જ લલિત મોદીએ પોતાની નવી ગર્લફ્રેન્ડ સાથેના ફોટા અપલોડ કર્યા હતા. હવે લલિત મોદી વાનુઅતુ પહોંચી ગયો છે. ભારત સરકારે તેને પકડી લાવવા માટે હવે નવેસરથી કસરત કરવી પડશે!
| અમેરિકા સહિત અનેક દેશોમાં પૈસા ફેંકો તમાશા દેખોનો ખેલ
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસો પહેલા જ ગોલ્ડ કાર્ડની જાહેરાત કરી હતી. 50 લાખ ડોલરનું રોકાણ કરીને કોઇપણ વ્યક્તિ અમેરિકાની સિટિઝનશીપ મેળવી શકે છે. અમેરિકા જેવું અમેરિકા પણ જો આવું કરતું હોય તો બીજા દેશોની તો વાત જ ક્યાં કરવી? સેફ હેવન તરીકે ઓળખાતા એવા અનેક દેશ દુનિયામાં છે જે થોડાક લાખ રૂપિયા ખર્ચો તો નાગરિકતા આપી દે છે. આપણા દેશના કેટલાંયે ગુનેગારોએ આવા દેશોમાં આશરો લીધો છે. દુનિયામાં 100થી વધુ દેશ નાણાં લઇને સિટિઝનશીપ આપે છે. આ દેશોમાં બ્રિટન, સ્પેન, ઓસ્ટ્રેલિયા, માલ્ટા, કેનેડા અને ઇટાલીનો પણ સમાવેશ થાય છે. ડોમિનિકા અને એન્ટીગુઆમાં બે કરોડ રૂપિયા ખર્ચો તો નાગરિકતા મળી જાય છે. સૌથી સસ્તો દેશ નાઉરુ છે, ત્યાં 13 લાખમાં સિટિઝનશીપ મળી જાય છે. કોઇ દિવસ નામ પણ ન સાંભળ્યા હોય એવા દેશોમાં ગુનેગારો નાણાં ફેંકીને સિટિઝનશીપ મેળવી લે છે અને પછી એશોઆરામથી જીવે છે. તુર્કિયે, પોર્ટુગલ અને ગ્રીસની નાગરિકતા ખરીદનારાઓની સંખ્યા પણ મોટી છે. આ બધા દેશમાં નાણાં ખર્ચો એટલે ધાર્યું કરી શકાય છે! |










