• દેશ અને દુનિયામાં ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુણગાન ગવાઇ રહ્યા છે. દરેક સરવે એવું કહે છે કે, ભારતમાં મોદીનો વિકલ્પ બની શકે એવો કોઇ ચહેરો જ નથી. મોદી દેશને હજુ નવી ઊંચાઇઓ અપાવવાના છે
  • I.N.D.I.A. ગમે એટલા ધમપછાડા કરી લે એનો કોઇ મેળ પડવાનો નથી. રાજકીય પક્ષોનો શંભુમેળો પોતાનો સ્વાર્થ જ વિચારે છે. ભાજપ સામે એ બધા છેલ્લે તો વામણાં જ સાબિત થવાના છે!

માત્ર આપણા દેશમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બોલબાલા છે. આખી દુનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વ નેતા તરીકે સ્વીકાર્યા છે. નરેન્દ્ર મોદીએ આજે ભારતને એ સ્ટેજ પર પહોંચાડી દીધું છે કે, સુપર પાવર કન્ટ્રી અમેરિકા સહિત દુનિયાનો કોઇ દેશ ભારતની અવગણના કરી શકે એમ નથી. આગામી તારીખ 9 અને 10ના રોજ અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન સહિત દુનિયાના વીસ સમૃદ્ધ દેશોના વડાઓ જી-20ની બેઠકમાં હાજરી આપવા માટે નવી દિલ્હી આવી રહ્યા છે. આ બેઠકથી ભારતની ઇમેજ વિશ્વમાં છે એના કરતા અનેકગણી ચકચકિત થવાની છે. આગામી વર્ષે એપ્રિલ, મે મહિનામાં લોકસભાની ચૂંટણી થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષ સામે દેશનો કોઇ પક્ષ ટકી શકે એમ નથી. દેશના બધા રાજકીય પક્ષોને એક વાતની ખબર છે કે, એકલા હાથે ભાજપને ટક્કર આપી શકવાની કોઇ શક્યતા નથી એટલે હવે બધા ભેગા મળીને લડવાની વાતો કરી રહ્યા છે. જાણકારો એવું કહે છે કે, બધા ભેગા મળીને પણ ભાજપનું કંઇ બગાડી શકે એવી કોઇ શક્યતા નથી. દેશમાં અત્યાર સુધીમાં જે સર્વે થયા છે એ એવું જ કહે છે કે, ભાજપ અને નરેન્દ્ર મોદીની હેટ્રિક પાક્કી છે. નરેન્દ્ર મોદીની સરકારે બે ટર્મમાં જે કામો કર્યા છે એ ઉડીને આંખે વળગે એવા છે. સામા પક્ષે નરેન્દ્ર મોદીની તોલે આવે એવો કોઇ ચહેરો જ નથી. અંદરખાને કોંગ્રેસ અને બીજા રાજકીય પક્ષોના નેતાઓ પણ એવું કબૂલતા રહે છે કે, I.N.D.I.A. ગમે એટલા ધમપછાડા કરી લે એનો કોઇ ગજ વાગવાનો નથી.

દેશમાં છેલ્લા સાડા નવ વર્ષમાં જે કામો થયા છે એ ઐતિહાસિક છે. જમ્મુ અને કાશ્મીરને મળેલો વિશેષ દરજ્જો ખતમ કરીને સરકારે જમ્મુ કાશ્મીર અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા એ પછી કાશ્મીરમાં વિકાસની ગતિ તેજ બની છે. રામ મંદિરનો મુદ્દો કાયદાકીય રીત ઉકેલીને સરકારે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ત્રિપલ તલાકનો કાયદો લાવીને મુસ્લિમ મહિલાઓને સન્માન આપ્યું છે. દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકટર જે રીતે ડેવલપ થયું છે એ જોઇને દુનિયાના અત્યાધુનિક દેશો પણ દંગ છે. દેશે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન અનેક કાર્યક્રમો હાથ ધરીને સાબિત કર્યું છે કે, ભારત કોઇનાથી કમ નથી. નરેન્દ્ર મોદી પાસે દેશેને હજુ આગળ લઇ જવાનું જે વિઝન છે, જે રોડમેપ છે, જે ગોલ છે એની સરખામણીમાં વિપક્ષો દૂર દૂર સુધી ક્યાંય નજરે પડતા નથી. વિપક્ષોએ સાથે મળીને ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્કલુઝિવ અલાયન્સ નામ આપીને ટૂંકું નામ I.N.D.I.A. કર્યું છે. બધા પક્ષોને એમ છે કે, ઇન્ડિયા નામ રાખી દેશું એટલે આપણને ફાયદો થશે. એ લોકો ભૂલી જાય છે કે, મતદારો ખૂબ શાણા હોય છે. મતદારો કોઇ ભ્રમમાં આવી જાય એવો સમય ક્યારનોયે ચાલ્યો ગયો છે. આપણો દેશ યુવાનોનો દેશ છે. દુનિયાના દેશોની સરખામણીમાં આપણા દેશમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. દેશનો આ યુવાવર્ગને દેશના વિકાસમાં જ રસ છે. કોણ કેવું કામ કરે છે એની એમને પૂરેપૂરી સમજ છે. એ વાત પણ બધા જાણે છે કે, રાજકીય પક્ષો પોતાનો સ્વાર્થ સાધવા માટે ભેગા થયા છે. અંદરખાને કોઇ પક્ષના નેતાને એક-બીજા સાથે બનતું નથી. બધાની વિચારસરણી સાવ જુદી છે. નરેન્દ્ર મોદી સામે વડાપ્રધાનના ઉમેદવાર પણ એ પક્ષો જાહેર કરી શકતા નથી. વિપક્ષોનું ગઠબંધન એવું કહે છે કે, સરકાર બનવા જેટલી બેઠકો મળે એ પછી નક્કી કરીશું કે, વડાપ્રધાન કોણ બનશે? તેની સામે હળવાશમાં એવું પણ કહેવાઇ રહ્યું છે કે, એ નોબત આવશે તોને? કોંગ્રેસ એના ઇતિહાસની સૌથી કરૂણ દશામાંથી પસાર થઇ રહી છે. બીજા પ્રાદેશિક પક્ષોનું પોતાના રાજ્ય સિવાય બહાર ક્યાંય કશું ઉપજતું નથી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પોતાનું રાજ્ય સાચવી શકતા નથી અને દેશમાં રાજકારણ ખેલવાની વાત કરે છે. મમતા બેનરજીનું ગમે ત્યારે ફટકે છે. રાહુલ ગાંધીને તો કોંગ્રેસમાં જ ઘણા સ્વીકારતા નથી. શરદ પવારનો સગો ભત્રીજો અજિત પવાર કાકાથી જુદો થઇ ગયો છે. અરવિંદ કેજરીવાલ ક્યારેય કોઇના થયા નથી. I.N.D.I.A.માં કેટલાંક તો એવા પક્ષો છે જેનું કોઇએ નામ પણ ન સાંભળ્યું હોય. અમારી સાથે ઘણા રાજકીય પક્ષો છે એવું સાબિત કરવા માટે વિપક્ષોના ગઠબંધનમાં ગમે એવા રાજકીય પક્ષોનો સમાવેશ કરી રહ્યા છે. મુંબઇમાં વિપક્ષોની બેઠક મળી છે. અગાઉની બે બેઠક બાદ અંદરોઅંદરના વિવાદો છતાં થયા છે. હજુ ચૂંટણી સુધીમાં કોણ સાથે રહેશે, કોને વાંધા પડશે અને કોણ ક્યારે છૂટું થઇ જશે એ કહેવું અઘરું છે. બેઠકોની ફાળવણીના મુદ્દે બધા એક-બીજા સામે બાંયો ચડાવવાના છે એ નક્કી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિશે હમણાં એક સર્વે થયો છે તેના પર નજર નાખીએ તો એક વાત સમજાઇ જાય છે કે, મોટા ભાગનો લોકો નરેન્દ્ર મોદીને જ ત્રીજી વખત વડાપ્રધાનપદે જોવા ઇચ્છી રહ્યા છે. પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે, 79 ટકા વિદેશી ભારતીયોને નરેન્દ્ર મોદી પર એવો ભરોસો છે કે, તેઓ દેશને નવી મંઝિલોએ પહોંચાડશે. દુનિયાના 23 દેશોમાં વસતા 30.861 લોકો પર થયેલા સર્વેમાં એવું બહાર આવ્યું છે કે, વિદેશમાં વસતા ભારતીયો પણ મોદીને જ ઇચ્છે છે. આ બધાએ સ્વીકાર્યું છે કે, મોદીના શાસન દરમિયાન દેશે અકલ્પનીય પ્રગતિ કરી છે. ભારતનું કદ દુનિયામાં વધ્યું છે. ભારત દુનિયાની પાંચમા નંબરની સૌથી મોટી આર્થિક સત્તા બની ગયું છે. દુનિયાના અર્થશાસ્ત્રીઓ હજુ એવું કહી રહ્યા છે કે, ભારત જર્મની અને જાપાનને પણ પાછળ રાખીને અમેરિકા અને ચીન પછી દુનિયાની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બનવાનું છે. પહેલા કોરોના અને પછી રશિયા યૂક્રેનના યુદ્ધને કારણે દુનિયાના તમામ દેશોની હાલત ખરાબ થઇ ગઇ છે. અમેરિકા સહિત અનેક દેશો પર મંદીના વાદળો છવાયેલા છે. ભારત દુનિયાનો એક માત્ર એવો દેશ છે જેનો ગ્રોથ રેટ જળવાયો છે. રશિયા અને યૂક્રેનના યુદ્ધમાં ભારતે જે ન્યૂટ્રલ સ્ટેન્ડ લીધું છે તેની પણ આખી દુનિયામાં સરાહના થઇ રહી છે. ફ્રાંસના પ્રેસિડેન્ટ ઇમેનુઅલ મૈક્રોંએ એક કરતા વધુ વખત એવું કહ્યું છે કે, પોતાના દેશના હિતોનું રક્ષણ કેવી રીતે કરવું એ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી દુનિયાના દેશોએ શીખવા જેવું છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિઝે જાહેરમાં કહ્યું હતું કે, મોદી ઇઝ બોસ. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેને મોદીને એવું કહ્યું હતું કે, તમે અમેરિકામાં પણ એટલા જ લોકપ્રિય છો. બાઇડેને તો મોદીના ઓટોગ્રાફ પણ લીધા હતા. મોદીની લોકપ્રિયતા આસમાન આંબી રહી છે, એને એટલે જ વિપક્ષોનું ગઠબંધન મોદી કે ભાજપ સામે ટકી શકે એ વાતમાં કોઇને દમ લાગતો નથી!

  • Follow us on: