બોલિવૂડની જાણીતી હીરોઇન નરગીસ ફખરીની બહેન આલિયાએ અમેરિકામાં પોતાના એક્સ બોયફ્રેન્ડ અને તેની પ્રેમિકાને જીવતા સળગાવી દીધા હતા. આ કેસમાં અમેરિકાની પોલીસે આલિયાની ધરપકડ કરી છે

બહેનના કારનામા વિશે નરગીસ ફખરીએ હજુ સુધી કંઇ નથી કહ્યું પણ તેમની માતાએ કહ્યું કે, મારી દીકરી હત્યા કરે એ વાત ગળે ઉતરે એવી નથી. જો કે, પોલીસ પાસે હત્યાના પુરતા પુરાવાઓ છે. આલિયાને જન્મટીપ થઇ શકે છે

ફિલ્મી દુનિયાના લોકોના પરિવારમાં ક્યારેક ફિલ્મને પણ ટક્કર મારે એવી ઘટના બનતી હોય છે. બોલિવૂડની જાણીતી હીરોઇન નરગીસ ફખરી અત્યારે તેની બહેન આલિયાના ખતરનાક પરાક્રમના કારણે ચર્ચામાં છે. આલિયાની અમેરિકામાં તેના એક્સ પ્રેમી અને પ્રેમીની પ્રેમિકાને જીવતા સળગાવી દેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આલિયાને જન્મટીપની સજા થઇ શકે છે. અમેરિકામાં આ હત્યાનો કેસ ખૂબ જ ગાજ્યો છે. આમ તો નરગીસ ફખરીને બહેનના કારનામા સાથે કંઇ લાગતું વળગતું નથી પણ જ્યારે વાત કોઇ સેલિબ્રિટીના સગાની હોય ત્યારે ચર્ચા તો એના નામે જ થવાની છે. અમેરિકામાં પણ એ વાત ચર્ચાઇ રહી છે કે, ડબલ મર્ડર કેસમાં જેની ધરપકડ થઇ છે એ આલિયા ઇન્ડિયાની ફિલ્મ સ્ટાર નરગીસ ફખરીની બહેન છે.

નરગીસ ફખરી પણ અમેરિકન સિટીઝન જ છે. આલિયા નરગીસની નાની બહેન છે. નરગીસ અને આલિયા બંનેનો જન્મ અમેરિકાના કવીન્સમાં થયો છે. બંનેના પિતા મોહમ્મદ ફખરી પાકિસ્તાની હતા. તેમની માતા મેરી ચેક રિપબ્લિકનના છે. મેરીએ અમેરિકન પોલીસમાં ફરજ બજાવી છે. નરગીસ ફખરી છ વર્ષની હતી ત્યારે જ તેના માતા પિતાએ ડિવોર્સ લઇ લીધા હતા. પિતા પાકિસ્તાની, માતા ચેક, પોતે અમેરિકન સીટિઝન અને કામ ભારતમાં કરતી હોવાથી નરગીસ ફખરી પોતાને વૈશ્વિક નાગરિક ગણાવતી રહી છે. નરગીસ ફખરી કામ માટે ભારત આવી ગઇ હતી, જ્યારે તેની બહેન આલિયા માતા સાથે અમેરિકાના કવીન્સમાં જ રહેતી હતી. આલિયાને ક્વીન્સમાં જ એડવર્ડ જેકબ્સ નામના યુવાન સાથે પ્રેમ થઇ ગયો હતો. બંનેની લવસ્ટોરીનો અંજામ ફિલ્મી હશે એની કલ્પના કોઇએ કરી નહોતી.

આલિયા અને એડવર્ડ વચ્ચે પહેલા તો ખૂબ સારા સંબંધો હતા પણ બાદમાં ગમે તે થયું, બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. એડવર્ડે બ્રેકઅપ કર્યું એ આલિયાથી સહન થયું નહોતું. ગઇ તારીખ 2 નવેમ્બર, 2024ના દિવસે વહેલી સવારે 6 વાગે અને વીસ મિનિટે આલિયા પોતાનો એક્સ બોયફ્રેન્ડ એડવર્ડ જ્યાં રહેતો હતો એ બે માળના ગેરેજવાળા બિલ્ડિંગમાં પહોંચી હતી. આલિયાએ કહ્યું હતું કે, તમે બધા મરવાના છો. આલિયાએ આટલું કહીને ગેરેજને આગ લગાડી દીધી હતી. આ આગમાં આલિયાનો 35 વર્ષનો એક્સ બોયફ્રેન્ડ એડવર્ડ જેકોબ્સ અને તેની 33 વર્ષની ગર્લ ફ્રેન્ડ અનાસ્તાસિયા ઇટિઅન્સના મોત થયા હતા.

આલિયા વિશે જે વિગતો બહાર આવી છે એ એવી છે કે, એ ડ્રગ એડિક્ટ હતી. તેને ઘણા સાયકોલોજિકલ ઇશ્યૂઝ હતા. આલિયા ઓપિઓઇડ લેતી હતી. ઓપિઓઇડ ખસખસ અને અફીણના છોડમાંથી પ્રાપ્ત થાય છે. તેનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. આપણે ત્યાં જેમ ઘણા લોકોને કફ સીરપની આદત લાગી જાય છે એમ ઓપિઓઇડની પણ લત લાગી જાય છે. લોકો તેનો નશા માટે ઉપયોગ કરવા લાગે છે. એક હદથી વધુ ઓપિઓઇડ લેવામાં આવે ત્યારે તેની વિપરીત અસર થાય છે અને તેની અસરમાં માણસ કંઇપણ કરી બેસે છે.

આલિયાની ધરપકડ બાદ પોલીસને પૂરતા પુરાવા મળ્યા છે કે, પ્રેમીની હત્યા માટે આગ આલિયાએ જ લગાવી હતી. આલિયાએ જામીન માટે અપીલ કરી હતી. આ અપીલ અદાલતે ફગાવી દીધી હતી. આલિયાના પરાક્રમ વિશે તેની મોટી બહેન નરગીસ ફખરીએ હજુ સુધી કોઇ વાત કરી નથી પણ તેની માતા દીકરીનો બચાવ કરી રહી છે. આલિયાની માતાએ કહ્યું કે, મને નથી લાગતું કે આલિયા કોઇની હત્યા કરી શકે. મારી દીકરી તો હંમેશાં બધાની મદદ કરતી હતી. જો કે, એડવર્ડની માતા જે કંઇ થયું એના માટે આલિયાને જ જવાબદાર ઠેરવે છે. એડવર્ડની માતાએ કહ્યું કે, એડવર્ડ અને આલિયાના સંબંધો એક વર્ષ પહેલા જ પૂરા થઇ ગયા હતા.

બ્રેકઅપ બાદ પણ આલિયા એડવર્ડનો પીછો છોડતી નહોતી. એડવર્ડ પર તે નજર રાખતી હતી. એડવર્ડના બીજી છોકરી સાથેના સંબંધો તેનાથી સહન થતા નહોતા. આલિયા જ્યારે એક્સ પ્રેમીને મારી નાખવા માટે આગ લગાડવા ગઇ ત્યારે કદાચ તેને એ પણ ખબર હતી કે, એડવર્ડની પ્રેમિકા પણ તેની સાથે જ છે. તું મારો ન થયો તો તેને કોઇનો થવા નહીં દઉં એ દાનતથી જ આલિયાએ આગ લગાડી હતી અને બંનેને મારી નાખ્યા હતા. આલિયાએ પેટ્રોલ છાંટીને આગ લગાડી હતી. આલિયાએ જે કર્યું એ આકસ્મિક નહોતું પણ વેલ પ્લાન્ડ ક્રાઇમ હતું એવું પોલીસનું કહેવું છે.

નરગીસ ફખરીના નજીકના વર્તુળો આ ઘટના વિશે એવું કહે છે કે, નરગીસને આ વિશે કંઇ જ ખબર નથી. નરગીસ પોતાની નાની બહેન સાથે વીસ વર્ષથી સંપર્કમાં નથી. નરગીસને પણ મીડિયા રિપોર્ટસ મારફતે જ આ ઘટનાની ખબર પડી હતી. નરગીસની નજીકના લોકો જે વાત કરે છે એ આમ તો કોઇને ગળે ઉતરતી નથી. નરગીસના પરિવારમાં માતા અને બહેન સિવાય બીજું કોઇ નથી. બહેન સાથે કદાચ સીધી રીતે સંપર્કમાં ન હોય પણ માતા સાથે નરગીસ સંપર્કમાં હશે જ એવું ઘણા લોકો માની રહ્યા છે. માતા દ્વારા તેને બહેનના સમાચારો મળતા જ રહેતા હોય. એમાંયે હવે જ્યારે આલિયાની ધરપકડ થઇ છે ત્યારે તેમના માતા એકલા પડી ગયા છે. આવા સંજોગોમાં કોઇ પણ દીકરીને માતાની ચિંતા થાય એ સમજી શકાય એવી વાત છે.

ભલે આખી ઘટના સાથે નરગીસ ફખરીને કંઇ લાગતું વળગતું ન હોય પણ એના નામે ચર્ચા થાય એ સ્વાભાવિક છે. ગમે તેમ તો યે નરગીસ અને આલિયા એક સાથે મોટા થયા છે. નરગીસ ફખરી સોળ વર્ષની હતી ત્યારથી તેણે મોડેલિંગનું કામ શરૂ કરી દીધું હતું. નાની હતી ત્યારે નરગીસે મોડેલિંગની સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. ભારતમાં નરગીસ ફખરીનું આવવાનું કેમ થયું તેની પાછળ પણ રસપ્રદ સ્ટોરી છે. 2009માં નરગીસ ફખરીએ કિંગફિશરના કેલેન્ડર માટે ફોટોશૂટ કર્યું હતું. ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ અલી એ વખતે પોતાની ફિલ્મ રોકસ્ટાર માટે કોઇ નવા ચહેરાની શોધમાં હતા. આ દરમિયાનમાં કિંગફિશરના કેલેન્ડરમાં તેનું ધ્યાન નરગીસ ફખરી પર પડ્યું હતું. ઇમ્તિયાઝ અલીને એવું લાગ્યું હતું કે, રોકસ્ટારમાં મારી હીરોઇનની જે ભૂમિકા છે એના માટે નરગીસ ફખરી એકદમ પરફેક્ટ છે. નરગીસે ફિલ્મ કરવાની હા પાડી હતી અને એ રીતે બોલિવૂડમાં તેનું આગમન થયું હતું.

પહેલી જ ફિલ્મ રોકસ્ટારમાં તેને રણબીર કપૂર સાથે કામ કરવા મળ્યું હતું. નરગીસ ફખરીનું કામ વખણાયું પણ હતું. રોક સ્ટાર પછી તેણે મદ્રાસ કાફે, ફટા પોસ્ટર નીકલા હીરો, મેં તેરા હીરો, જાસૂસ, બેન્જો જેવી કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે તેની ફિલ્મો બહુ ચાલી નથી. નરગીસ ઉદય ચોપરા સાથેના પ્રેમ પ્રકરણ અને બીજા અનેક કારણોસર ચર્ચામાં રહી છે પણ આ વખતે બહેન આલિયાના કારણે તેનું નામ ગાજી રહ્યું છે! 

  • Follow us on: