અમેરિકામાં આટલા મોટા પાયે તોફાનો ફાટી નીકળ્યા ત્યાં સુધી સુરક્ષા અને જાસૂસી તંત્રને કંઇ ગંધ સુદ્ધાં ન આવી?
| અમેરિકામાં જે થઇ રહ્યું છે એ માત્ર ઇમિગ્રન્ટસના કારણે નથી. ટ્રમ્પ વિરોધી આખી લોબી સક્રિય થઇ છે. અમેરિકાના સુરક્ષા દળો તોફાનોને કેમ કંટ્રોલ કરી શકતા નથી? પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે કામ કરી રહ્યા છે એ જોઇને એવું માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકામાં કંઇકને કંઇક ચાલતું જ રહેવાનું છે! |
આખી દુનિયાના કોઇપણ દેશમાં કંઇ થાય એટલે અમેરિકા તરત જ જગત જમાદારી કરવા માટે મેદાનમાં આવી જાય છે. શું હોવું જોઇએ અને શું કરવું જોઇએ એની સલાહો અમેરિકા આપવા માંડે છે. હવે પોતાને ત્યાં જ લોકો તોફાને ચડ્યા છે. લોસ એન્જલસમાં ગેરકાયદે રહેતા લોકોને પકડવા માટે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા એ પછી લોકો મેદાનમાં આવી ગયા. તોફાનો ધીમે ધીમે બીજા રાજ્યોમાં પણ ફેલાયા છે. કાયદો અને વ્યવસ્થાની મોટી મોટી વાતો કરતી અમેરિકાની પોલીસ તોફાનોને કંટ્રોલ કરી શકતી નથી. ડોનાલ્ડ ટ્રમ્પે તોફાનીઓને કાબુમાં કરવા માટે 4000થી વધુ નેશનલ ગાર્ડસ અને 700 અમેરિકન મરીનને મોકલવા પડ્યા.
આ સંખ્યા અમેરિકાએ સીરિયા અને ઇરાકમાં મોકલેલા જવાનો કરતા પણ વધારે છે. અમેરિકામાં આવું ભાગ્યેજ બને છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂજોમે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સરાજાહેર ટીકા કરીને કહ્યું કે, તેઓ રાજ્યો પર અતિક્રમણ કરી રહ્યા છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સામે કેસ પણ નોંધાવી દીધો છે. અમેરિકાનો મોટો વર્ગ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓથી નારાજ છે. અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોની સંખ્યા એટલી બધી છે કે, એ બધાને પકડી પકડીને હાંકી કાઢવા શક્ય નથી. ભલે લોકો ગેરકાયદે રહેતા હોય પણ અમેરિકાના ધંધા અને રોજગારમાં તેમની ભૂમિકા નાની સૂની નથી. તમારે ગેરકાયદે રહેતા લોકોને કાઢવા હોય તો કાયદેસરની કાર્યવાહી કરીને શાંતિથી કામ કરી શકો છો. બધા લોકો ક્રિમિનલ્સ નથી. કેટલાંક તો દાયકાઓથી અહીં રહે છે. એ બધાને પકડવા આડેધડ દરોડા પાડવામાં આવે એ વાજબી નથી.
અમેરિકાના તોફાનો પાછળ મોટું કાવતરું ઘડાયું છે?
તારીખ 14મીને શુક્રવારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો બર્થડે હતો. આ દિવસે આખા અમેરિકામાં મોટા પાયે દેખાવોનું પ્લાનિંગ કરવામાં આવ્યું. અમેરિકાના પ્રદર્શનકારીઓ ‘નો કિંગ્સ’ લખેલા બેનરો બનાવ્યા. તેઓ કહી રહ્યા છે કે, અમેરિકામાં ન કોઇ રાજા છે, ન કોઇ તાજ છે, ન કોઇ સિંહાસન છે. ડોનાલ્ડ ટ્રમ્પ તાનાશાહની જેમ વર્તી રહ્યા છે. અમેરિકામાં લોકશાહી છે અને જે કંઇ કરવું હોય એ લોકશાહી ઢબે અને માનવ અધિકારોને ધ્યાનમાં રાખીને કરવું જોઇએ. આ દરમિયાનમાં અમેરિકાના તોફાનો પાછળ કોઇ મોટું ઇન્ટરનેશનલ કાવતરું હોવાની વાતો પણ બહાર આવી રહી છે.
ચીન અને મેક્સિકો સહિત અનેક દેશોના નામ આવી રહ્યા છે. અમેરિકાના દુશ્મનો ઓછા નથી. એ બધા પણ અમેરિકાનું વાતાવરણ ડહોળાઇ તેવા પ્રયાસોમાં લાગેલા રહે છે. અલબત્ત, તેના વિશે પણ સવાલો ઉઠી રહ્યા છે. બે ઘડી માની લો કે તોફાનો પાછળ વિદેશી તાકાતો જવાબદાર છે, તો પણ અમેરિકન ઇન્ટેલિજન્સને એ વાતની ગંધ કેમ ન આવી? લોકો આટલી મોટી સંખ્યામાં રોડ પર ઉતરી આવ્યા ત્યાં સુધી કોઇને કંઇ અણસાર જ ન આવ્યો? શું આ અમેરિકન સિસ્ટમની ફેલ્યોર નથી? અમેરિકાની સરકાર પાસે એનો કોઇ જવાબ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ એવી જ વાતો કરી રહ્યા છે કે, જે કોઇ લોકો આ તોફાનો પાછળ હશે તેને છોડવામાં નહીં આવે. જે લોકો અમેરિકાના ઝંડા સળગાવી રહ્યા છે તેને પકડી પકડીને સજા કરવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પની સત્તાને હજુ પાંચ મહિના પણ નથી થયા. આટલા સમયમાં ટ્રમ્પ લોકોની આંખે ચડી ગયા છે. અમેરિકાના નિષ્ણાતો એવી વાતો કરી રહ્યા છે કે, જો ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ-રીતિમાં કોઇ ફેર નહીં પડે તો સ્થિતિ હજુ વણસવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીના પ્રચાર વખતે અમેરિકાને ફરીથી મહાન બનાવવાની વાતો કરી હતી. હવે તેઓ જ અમેરિકાને અંધાધૂંધીમાં ધકેલી રહ્યા છે. માત્ર ગેરકાયદે રહેતા લોકોની જ વાત નથી. અમેરિકાના નાગરિકોમાં પણ ઉશ્કેરાટ છે. તેઓને શાંતિ ખપે છે. તેમને એવું લાગી રહ્યું છે કે, ટ્રમ્પના નિર્ણયોના કારણે અમારા પર જોખમ તોળાઇ રહ્યું છે. તોફાનોમાં નુકશાન તો અમેરિકામાં કાયદેસર રહેતા લોકોને જ થઇ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે અનેક લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. હાર્વર્ડ યુનિવર્સિટી સહિતની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટને પરેશાન કરી છે.
ઉદ્યોગપતિઓને ટ્રમ્પ આદેશો કરી રહ્યા છે કે, તમારે આમ કરવાનું છે અને આમ નથી કરવાનું. એપલના સીઇઓ ટીમ કૂકને ભારતને બદલે અમેરિકામાં જ આઇફોન બનાવવાનું કહ્યું છે. અમેરિકન ઇન્ડસ્ટ્રિયાલિસ્ટોને એમ થઇ રહ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમારા અધિકારો પર તરાપ મારી રહ્યા છે. અમને ફાયદો હોય એવા નિર્ણયો અમે કરીએ. સરકારે એમાં દખલ કરવાની જરૂર નથી. દુનિયાના દેશો સાથેની ટેરિફ વોરના કારણે અમેરિકામાં અનેક ઉદ્યોગો ડખે ચડી ગયા છે. આવા સંજોગોમાં બીજા દેશો પણ નારાજ થવાના જ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના મિત્ર દેશોને પણ ગણકારતા નથી. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ જે કરવાનું છે એ તો કરી જ શકતા નથી. રશિયા અને યુક્રેન હવે તેમને ગાંઠતા નથી. યુદ્ધ રોકવાની વાત ટલ્લે ચડી ગઇ છે. અમેરિકા અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. એના માટે જો કોઇ જવાબદાર હોય તો એ ખુદ પ્રેસિડેન્ટ ટ્રમ્પ જ છે!
ટ્રમ્પની ભેદી નીતિ : પહેલા બાંયો ચડાવો, પછી સમાધાન કરી લો!
અમેરિકાની ટેરિફ ઘમકી બાદ ચીને 17માંથી 7 દુર્લભ ખનીજ અમેરિકાને આપવાનું બંધ કરી દીધું હતું. એના કારણે અમેરિકાના અનેક ઉદ્યોગો મુશ્કેલીમાં મૂકાયા હતા. અમેરિકાએ એટલે જ ચીન સાથે સમાધાન કરીને ખનીજ સંધિ કરી છે. ચીને આ એગ્રીમેન્ટના બદલામાં પોતાની ઘણી શરતો મનાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ધમકાવીને પછી જ્યારે પગ નીચે રેલો આવે ત્યારે માની જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને દોસ્ત એલન મસ્ક વચ્ચે ઝઘડો થઇ ગયો. એલન મસ્કે છેલ્લે સોરી કહીને જે કંઇ સોશિયલ મીડિયા પર લખ્યું હતું એ ડિલિટ કરી નાખ્યું. દુનિયાને એવું લાગ્યું છે કે, મસ્કે પોતાનું હિત જોઇને નમતું જોખી દીધું પણ અંદરખાને વાત એવી પણ ચાલે છે કે, ટ્રમ્પે જ તેમને પોતાના પ્રતિનિધિઓ દ્વારા સમજાવી લીધા હતા. ટ્રમ્પ જે કંઇ કરી રહ્યા છે એનાથી સરવાળે તેની અને અમેરિકાની ઇમેજ ઝંખવાઇ છે.
|










