પાકિસ્તાનની સેનાનો વડો અસીમ મુનીર અમેરિકાની જમીન પરથી પરમાણુ હુમલાની વાતો કરે છે. કોઇ મૂરખ માણસ જ આવી વાતો કરી શકે! 



ઓપરેશન સિંદૂર વખતે જબરદસ્ત પછડાટ ખાધા બાદ પણ પાકિસ્તાનની સેનાના વડા અસીમ મુનીરમાં નયા ભારનો સુધારો થયો નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક વખત બોલાવ્યા એમાં તેની ચકલી ફૂલેકે ચડી છે. અમેરિકા પણ તેને ચલાવી લે છે એ વિચિત્ર વાત છે. પાકિસ્તાનને થાબડભાણાં કરવાના પરિણામો વહેલા કે મોડા અમેરિકાએ પણ ભોગવવા પડશે

નાદાન કી દોસ્તી, જાન કા ખતરા. આ વાત બધા જાણે છે પણ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને સમજાતી નથી. ટ્રમ્પ જે રીતે પાકિસ્તાનની સેનાના વડા અસીમ મુનીરને વેઇટેજ આપી રહ્યા છે એ જોઇને અસીમ મુનીર નામની કુકરી ગાંડી થતી જાય છે. અસીમ મુનીર અમેરિકાની જમીન પરથી ભારતના વિરૂદ્ધમાં બેફામ નિવેદનો આપી રહ્યા છે. એક સમયે જે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવામાં કંઇ બાકી રાખતા નહોતા એ ટ્રમ્પ હવે પોતાના દેશમાં થતા ભારત વિરોધી બયાનો ચલાવી લે છે એનાથી પણ ઘણાને આશ્ચર્ય થાય છે. અસીમ મુનીર વારેવારે ભારત સાથે પરમાણુ યુદ્ધની વાતો કરે છે. આ તેની બુદ્ધિનું સૌથી મોટું પ્રદર્શન છે. કોઇ શાણો માણસ પરમાણુ હુમલાની વાત ન જ કરે. રશિયા અને યુક્રેન વચ્ચે સાડા ત્રણ વર્ષ કરતા પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે.

રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિને યુક્રેનને પરમાણુ હુમલાની ધમકીઓ આપી હતી પણ પરમાણુ હથિયારનો ઉપયોગ કર્યો નથી. પુટિનમાં એટલી સમજ છે કે, પરમાણુ હુમલાના પરિણામો કેવા આવી શકે છે. જ્યાં ડાહ્યા માણસો જતા પહેલા સો વખત વિચાર કરે ત્યાં મૂરખાઓ આંખો મીંચીને ધસી જતા હોય છે. આ વાત અસીમ મુનીરને પૂરેપૂરી લાગુ પડે છે. પાકિસ્તાનના ડાહ્યા લોકો પોતાની સરકારને સલાહ આપે છે કે, ઓપરેશન સિંદૂર વખતે કેવા હાલ થયા હતા એ આખી દુનિયા સારી રીતે જાણે છે એટલે ખોટા ફાંકા મારવાનું બંધ કરો. પાકિસ્તાન નાકલીટી તાણીને યુદ્ધવિરામ માટે ભારત પાસે કરગર્યું હતું એ ભૂલી ન જાવ. પાકિસ્તાન એની આદત મુજબ લાજવાને બદલે ગાજી રહ્યું છે. અસીમ મુનીર મોટી મોટી અને સાવ ખોટી વાતો કરીને પાકિસ્તાનીઓને ભ્રમમાં રાખવાનો પ્રયાસ કરે છે. પાકિસ્તાનના લોકો પણ પોતાના દેશના રાજકારણીઓ અને સેનાના વડાની મથરાવટી સારી રીતે જાણી ગયા છે. લોકો સોશિયલ મીડિયા પર ફીરકી લઇ રહ્યા છે. વડાપ્રધાન શહેબાઝ શરીફને ભિખારી અને અસીમ મુનીરને ડરપોક કહેતા રહે છે.

ભારત મર્સિડીઝ અને પાકિસ્તાન ભંગાર ટ્રક

અસીમ મુનીરમાં કેટલી બુદ્ધિ છે એનું ઉદાહરણ હમણાં તેણે પોતે જ આપ્યું હતું. અસીમ મુનીરે એક પ્રવચનમાં કહ્યું કે, ભારત રોડ પર પૂરપાટ દોડતી મર્સિડીઝ કે ફરારી છે. પાકિસ્તાન ડમ્પિંગ ટ્રક છે. જો અથડાય તો નુકશાન મર્સિડીઝને થવાનું છે. આસીમની આ વાત પછી પાકિસ્તાનીઓએ જ તેને જબરદસ્ત ટ્રોલ કર્યા અને લખ્યું કે, બુદ્ધિ જેવું કંઇ છે કે નહીં? તમે જ પાકિસ્તાનને કચરાના ટ્રકની ઉપમા આપો છો. ઘણા લોકોએ એવી રીતે પણ ટીકા કરી કે, અસીમ મુનીર આમ તો સાચું જ બોલ્યા છે. ભારત મર્સિડીઝ જ છે અને પાકિસ્તાન કચરાની ટ્રક જ છે.

અસીમ મુનીર એવું પણ બોલ્યા કે, ભારતથી પાકિસ્તાનને જોખમ છે પણ અમે ડૂબશું તો અડધી દુનિયાને સાથે લઇને મરશું. તેની સામે પણ અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. લોકો કહે છે કે, સેનાના વડાને આવા નિવેદનો શોભતા નથી. પાકિસ્તાનની હાલતનું તો વિચારો. ખાવાના ફાંફાં છે. મોંઘવારી સતત વધતી રહે છે. બેકારીના કારણે લોકો ત્રાહિમામ છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની મહેરબાની પર પાકિસ્તાન નભી રહ્યું છે. ગમે ત્યારે પાકિસ્તાનનું અર્થતંત્ર ડૂકી જવાનું છે અને તમે વાહિયાત વાતો કરવામાંથી નવરા પડતા નથી.

પાકિસ્તાનને ચારે તરફથી ભીંસમાં લેતું ભારત

કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં આપણી સરકાર અને સેનાએ આપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા હતા. એ સિવાય પણ સિંધુ નદી જળ સંધિ રદ કરીને પાણી રોકી દીધું. બીજા પણ અનેક પગલાંઓ ભર્યા. આપણો દેશ પાકિસ્તાનને ચારે તરફથી ભીંસમાં લઇ રહ્યો છે. પાયમાલ પાકિસ્તાનના હાલ હજુ ખરાબ થવાના છે એ નક્કી છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અમે તમને ઘરમાં ઘૂસીને મારીશું. પરમાણુ હુમલાની ધમકીઓ આપવાનું બંધ કરો. અમને તેનાથી જરાયે ફેર પડવાનો નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ આખરે શું કરવા ધારે છે?

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનને છાવરી રહ્યા છે. પાકિસ્તાને ટ્રમ્પનું નામ નોબલ પીસ પ્રાઇઝ માટે નોમિનેટ કર્યું છે. અમેરિકાની દાનત પાકિસ્તાનને ચીનથી દૂર કરીને પોતાની નજીક લેવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પે જ પોતાની પહેલી ટર્મ દરમિયાન પાકિસ્તાનની આર્થિક મદદ બંધ કરી હતી. ટ્રમ્પ એવા ખોટા દાવાઓ કરી રહ્યા છે કે, મેં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ રોકાવી દીધું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની સેનાના વડા અસીમ મુનીરને અમેરિકા તેડાવ્યા હતા અને તેની સાથે લંચ પણ કર્યું હતું. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફને ડોનાલ્ડ ટ્રમ્પ ભાવ આપતા નથી અને અસીમ મુનીર સાથે મંત્રણાઓ કરે છે. અમેરિકાના જ નિષ્ણાતો ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવી રહ્યા છે કે, પાકિસ્તાનને સાથ આપવાની ભૂલ ભારે પડી શકે એમ છે. પાકિસ્તાનની મથરાવટી આખી દુનિયા જાણે છે. પાકિસ્તાન આતંકવાદીઓને પાળી પોષી રહ્યું છે. ભારત સાથે આડોડાઇ અને પાકિસ્તાનની ફેવર સરવાળે અમેરિકાને પણ ભારે પડવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પને પણ આ વાત વહેલી કે મોડી સમજાઇ જવાની છે.  


BLAને આતંકવાદી સંગઠન જાહેર કરાયું : ટ્રમ્પે પાકિસ્તાનને વધુ એક ફેવર કરી
પાકિસ્તાનથી આઝાદી માટે લડી રહેલા બલૂચિસ્તાન લિબરેશન આર્મી અને તેના સાથી સંગઠન મજીદ બ્રિગેડને અમેરિકાએ ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જાહેર કર્યા છે. અમેરિકાનું આ પગલું પણ પાકિસ્તાન પર ડોનાલ્ડ ટ્રમ્પની મહેરબાનીનું ઉદાહરણ છે. પાકિસ્તાન આઝાદીના સમયથી બલૂચિસ્તાનને અન્યાય કરતું રહ્યું છે. પાકિસ્તાનથી મુક્તિ મેળવવા માટે બલૂચ લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડ સહિતના સંગઠનો વર્ષોથી લડી રહ્યા છે. બલૂચ લડાકુઓ રોજેરોજ પાકિસ્તાનની સેનાના સૈનિકોને નિશાન બનાવી રહ્યા છે. પાકિસ્તાનની સેના પણ બલૂચિસ્તાનમાં પગ મૂકતા ફફડે એવી સ્થિતિ બલૂચ લડાકુઓએ પેદા કરી દીધી છે. કેટલાંક બલૂચ નેતાઓએ તો પાકિસ્તાનથી આઝાદી પણ ઘોષિત કરી દીધી છે. યુનાઇટેડ નેશન્સને એવી અપીલ કરી છે કે, તમારા પ્રતિનિધિઓને મોકલો અને અમને આઝાદ જાહેર કરો. ચીને બલૂચિસ્તાનમાં ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડર સહિતના અનેક પ્રોજેક્ટો શરૂ કર્યા છે.

પાકિસ્તાનનું ચાબહાર બંદર પણ ચીન ડેવલપ કરી રહ્યું છે. બલૂચ લડાકુઓએ ચીનને પણ ધમકી આપી છે કે, તમારું ભલું ઇચ્છતા હોવ તો વહેલી તકે તમારી માયાજાળ સંકેલીને અહીંથી ચાલ્યા જાવ. હવે અમેરિકાએ બલૂચ લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડને ટેરરિસ્ટ આર્ગેનાઇઝેશન જાહેર કર્યા છે ત્યારે બલૂચ લડાકુઓ વધારે ઉશ્કેરાય એવી શક્યતાઓ પેદા થઇ છે. બલૂચ લડાકુઓ કહેતા રહ્યા છે કે, જેને જે કરવું હોય એ કરે, જ્યાં સુધી બલૂચિસ્તાન પાકિસ્તાનની ચુંગાલમાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી અમે શાંતિથી બેસવાના નથી.


  • Follow us on: