| દુનિયામાં હવે એવી નવી માનસિક બીમારીઓ આવી ગઇ છે જેનું મોબાઇલ આવ્યા એના પહેલા અસ્તિત્ત્વ જ નહોતું. હજુ અનેક બીમારીઓ ત્રાટકવાની છે એવી આગાહીઓ નિષ્ણાતો કરી રહ્યા છે. લોકોનો સ્ક્રીન ટાઇમ સતત વધી રહ્યો છે. લોકોને હવે મોબાઇલ વગર ચેન પડતું નથી. આ મોબાઇલ જ લોકોનું જીવવું હરામ કરી રહ્યો છે |
મોબાઇલ લોકોનું જીવવું હરામ કરી રહ્યો છે. આમ તો છેલ્લા ઘણા સમયથી નિષ્ણાતો મોબાઇલ મામલે લોકોને સાવચેત કરી જ રહ્યા છે પણ લોકો સમજવા તૈયાર નથી. લોકોનો સ્ક્રીન ટાઇમ સતત વધી રહ્યો છે. આપણા દેશની જ વાત કરીએ તો લોકો આખા દિવસમાં પાંચથી આઠ કલાક સુધી મોબાઇલ મચડતા રહે છે. મોબાઇલના વધુ પડતા ઉપયોગ સામે નિષ્ણાતોએ વધુ એક વખત લોકોને સાવચેત કરતા કહ્યું છે કે, મોબાઇલ લોકોના મગજ ખરાબ કરી રહ્યો છે. મોબાઇલથી માત્ર સમય જ નથી બગડતો, શારીરિક અને માનસિક હેલ્થને પણ ગંભીર અસરો થાય છે. માણસની ડિજિટલ હેબિટ્સને કારણે નવી નવી માનસિક બીમારીઓ સામે આવી રહી છે. મોબાઇલની લોકોને એવી આદત પડી ગઇ છે કે,
જો તેમના હાથમાંથી મોબાઇલ લઇ લેવામાં આવે તો તેના હાથ ધ્રૂજવા લાગે છે. થોડીક મિનિટ પણ મોબાઇલ દૂર થઇ જાય તો માણસ હાંફળો ફાંફળો થઇ જાય છે. કેટલાંક લોકોને સતત એ વાતનો ભય રહે છે કે, મોબાઇલની બેટરી ખતમ થઇ જશે તો? થોડોક સમય રિંગ કે એલર્ટ ટોન ન વાગે તો લોકોને એવું લાગે છે જાણે પોતે દુનિયાથી કટઓફ થઇ ગયા છે. આમ તો મોબાઇલના કારણે સર્જાયેલા અનેક મેન્ટલ ડિસિઝ છે પણ આજકાલ સૌથી વધુ ચર્ચા ફેન્ટમ સિન્ડ્રોમની થઇ રહી છે. એક રિસર્ચ દરમિયાન એવું બહાર આવ્યું છે કે, દુનિયામાં વધુને વધુ લોકો ફેન્ટમ સિન્ડ્રોમનો ભોગ બની રહ્યા છે!
શું છે ફેન્ટમ સિન્ડ્રોમ અને તેની અસરો
ફેન્ટમ સિન્ડ્રોમ એ એવી માનસિક અવસ્થા છે જેમાં માણસને એવું લાગે છે કે, તેના ફોનની રિંગ વાગે છે અથવા તો ફોન વાઇબ્રેટ થાય છે. માત્ર જાગતી અવસ્થામાં જ નહીં, ઊંઘમાં પણ એવા ભણકારા વાગે છે જાણે મોબાઇલમાં રિંગ વાગી ન હોય. તમે કેટલાંય લોકોને એવું કરતા જોયા હશે જે અચાનક જ મોબાઇલ લઇને જોશે કે રિંગ તો નથી વાગીને? કંઇ મેસેજ તો નથી ને? આવું થવાનું મુખ્ય કારણ મોબાઇલનો વધુ પડતો ઉપયોગ જ છે. 18થી માંડીને પચાસ વર્ષના લોકોને આવું વધુ થાય છે. એવું બિલકુલ નથી કે, આ યંગસ્ટર્સને કે કોઇ ચોક્કસ ઉંમરના લોકોને જ આવું થાય છે.
જે કોઇને પણ ફોન વગર ચાલતું નથી એની સાથે આવું થઇ શકે છે. સ્ત્રી હોય કે પુરૂષ, આવા કિસ્સામાં કોઇ ભેદભાવ નથી. મોબાઇલના વધુ પડતા ઉપયોગથી મગજનો સેરિબ્રલ કોર્ટેજ હિસ્સો પ્રભાવિત થાય છે. તેના કારણે લોકોને મોબાઇલની રિંગ વાગી હોવાના ભ્રમ થાય છે. કેટલાંક કિસ્સામાં તો માણસને એ પણ ખબર નથી હોતી કે, મને આવો ભ્રમ થાય છે. આવું થાય ત્યારે એ એવું નથી વિચારતા કે પોતે કોઇ સિન્ડ્રોમનો ભાગ બન્યા છે. તેને બધુ સહજ જ લાગે છે. હકીકતે આ એક સાવચેતી છે. જો આવી બાબતોને નજરઅંદાજ કરવામાં આવે તો માણસના વાણી વર્તનમાં પણ ફર્ક જોવા મળે છે. માણસને માથું ભારે લાગે છે, કામમાં પૂરું ધ્યાન આપી નથી શક્તા અને નાની નાની વાતોમાં ઉશ્કેરાઇ જાય છે.
મોબાઇલથી થતી બીમારીઓથી કેવી રીતે બચી શકાય?
ફેન્ટમ સિન્ડ્રોમ તો એક માનસિક અવસ્થા છે. બીજી તો એવી ઘણી માનસિક બીમારીઓ છે જે મોબાઇલના કારણે થાય છે. સૌથી મોટો સવાલ એ કે, આવી બીમારીથી બચવાનો કોઇ ઉપાય ખરો? હા, બિલકુલ છે. તેનો સૌથી સહેલો અને સરળ ઉપાય એ છે કે, મોબાઇલનો ઉપયોગ મર્યાદિત કરી નાખો. સોશિયલ મીડિયા માટે ચોક્કસ સમય નક્કી કરો. રીલ્સ જોવામાં ધ્યાન રાખો. રીલ્સ એવી ચીજ છે કે, તમે એક વખત જોવાનું ચાલુ કર્યું પછી તમને સતત જોવાનું મન થયા રાખે છે. કેટલો સમય ચાલ્યો ગયો તેનું પણ ભાન રહેતું નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે માણસને ગમતી હોય એવી જ રીલ્સ સામે આવતી રહે છે એટલે માણસ છોડી પણ નથી શકતો. ઓવરઓલ સ્ક્રીન ટાઇમ જ ફિક્સ કરી રાખો.
હવે તો મોબાઇલમાં એવી એપ્લિકેશન જ આવે છે કે, તમે સેટ કરેલો સમય પૂરો થાય કે તરત જ બીપર વાગવા લાગે. માણસે પોતે મક્કમ રહેવું પડે કે ગમે તે થાય હું આના કરતા વધુ સમય મોબાઇલનો ઉપયોગ કરીશ નહીં. નિષ્ણાતો એવી સલાહ આપે છે કે, 24 કલાકમાં બે કલાક જ મોબાઇલને આપો. જો કંટ્રોલ નહીં રાખો તો સમય વધતો જ જશે અને તમારી માનસિક સ્વસ્થતા બગડતી રહેશે. બીજી એક સલાહ એવી પણ આપવામાં આવે છે કે, રાતે સૂતા પહેલા અને સવારે ઉઠતાવેંત મોબાઇલ ન જુઓ. મોટા ભાગના લોકો સવારે ઉઠીને પહેલું કામ મોબાઇલ હાથમાં લેવાનું કરે છે. પહેલા ફ્રેશ થાવ પછી જ મોબાઇલ જુવો. કંઇ વાંચવું હોય તો પણ મોબાઇલ પર વાંચવાને બદલે બુક્સ વાંચવાનું પસંદ કરો. એવું બિલકુલ નથી કે, લોકોને મોબાઇલથી થતાં નુકશાનની ખબર નથી, તકલીફ એ છે કે, લાખ પ્રયાસો કરવા છતાં પણ લોકોથી મોબાઇલ છૂટતો નથી!
ડિજિટલ ડિટોક્સનો ટ્રેન્ડ : સભાન થયેલા લોકો મુક્તિ ઝંખી રહ્યા છે
મોબાઇલ અને બીજા ડિજિટલ ડિવાઇઝના વિપરીત પરિણામો સામે ધીમે ધીમે અવેરનેસ પણ આવતી જાય છે. મોબાઇલની ઝંઝટમાંથી બચવા માટે લોકો હવે ડિજિટલ ડિટોક્સ તરફ વળી રહ્યા છે. અઠવાડિયામાં એક દિવસ મોબાઇલથી દૂર રહેવાનું નક્કી કરે છે. થોડા સમય અગાઉ જૈનોના પર્યુષણ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી થઇ હતી. પર્યુષણ પર્વ દરમિયાન જૈનો જુદી જુદી તપસ્યાઓ કરે છે. તેમાં હવે ડિજિટલ ઉપવાસનો પણ ઉમેરો થયો છે. પર્યુષણ પર્વ શરૂ થયા એ પહેલા જ અનેક જૈન યુવક યુવતીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે, આ દિવસથી હું આટલા દિવસ સુધી સોશિયલ મીડિયાથી દૂર રહીશ. જૈનાચાર્યોની અપીલો જે રીતે કામ કરતી થઇ છે એ જોઇને કેટલાંક બુદ્ધિજીવીઓ એવું પણ કહે છે કે, દરેક ધર્માચાર્યોએ આવું કરવા જેવું છે. લોકો તેમની વાત માને છે. નિષ્ણાતો લોકોને એક પ્રયોગ કરવાનું કહે છે. તમે નક્કી કરો કે મારે આટલો સમય મોબાઇલને ટચ કરવો નથી. અઘરું લાગશે પણ ધીમે ધીમે ફાવી જશે. પહેલા એક કલાકથી શરૂ કરો. ધીમે ધીમે સમય વધારતા જાવ. મોબાઇલ જરૂરી છે એ વાતથી જરાયે ઇન્કાર થઇ શકે એમ નથી પણ તેનો અતિરેક જોખમી છે. ડિજિટલ આદતોના કારણે લોકો પ્રકૃતિથી દૂર થતા જાય છે. લોકોના સંબંધોનું પોત પાતળું પડી રહ્યું છે. સાઇબર એક્સપર્ટસ કહે છે કે, હવે હાઇટાઇમ છે, હજુ સમજી જાવ તો સારી વાત છે. |