શિરોમણી અકાલી દળ અને ભાજપનું ગઠબંધન 24 વર્ષ સુધી ચાલ્યું હતું. બંનેએ પાંચ વખત સાથે મળી વિધાનસભાની ચૂંટણી લડી હતી. ત્રણ વખત સરકાર બનાવી હતી. પંજાબમાં સ્થિતિ એવી છે કે, બેમાંથી કોઇને એક-બીજા વગર ચાલે એમ નથી. 

એક સમય હતો જ્યારે પંજાબમાં શિરોમણી અકાલી દળ અને ભારતીય જનતા પક્ષના સંબંધોને નૌ—માંસ દા રિશ્તા એટલે કે નખ અને માંસનો સંબંધ ગણવામાં આવતો હતો. 24 વર્ષના લાંબા સાથ પછી આ સંબંધ તૂટ્યો. છ બંને જુદા રહ્યા. હવે ફરીથી અકાલીદળ અને ભાજપે હાથ મિલાવી લીધા છે. પંજાબમાં ફેબ્રુઆરી, 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી બંને સાથે મળીને લડશે. અકાલી દળ અને ભાજપ બંનેને એક વાત સારી રીતે સમજાઇ ગઇ છે કે, જો એકલા લડીશું તો બંને ડૂબશું. સાથે હશું તો નૈયા પાર થઇ જવાની શક્યતાઓ છે. તારીખ 24મી નવેમ્બર 2026ને ગુરૂવારે દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ નીતિન નબીન અને અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે મીડિયાને કહ્યું કે, ગુરૂ નાનક જયંતી અવસરે જૂના સાથીઓ ફરી એક થઇ ગયા છે.

આ ગઠબંધનમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે, ભાજપે અકાલી દળને મોટા ભાઇ તરીકે અપનાવવાની જાહેરાત કરી છે. તેનો સીધો મતલબ એ થયો કે, જો તેમના ગઠબંધનને બહુમતી મળશે તો મુખ્યમંત્રી શિરોમણી અકાલી દળના હશે. હવે પછીની ચૂંટણીમાં કોણ જીતશે એ વિશે અત્યારથી જ તર્ક વિતર્કો થઇ રહ્યા છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. આપના મુખ્યમંત્રી ભગવતસિંહ માન પોતાની સત્તા દરમિયાન અનેક વિવાદોમાં સપડાઇ ચૂક્યા છે. લોકો ફરીથી આપ પર ભરોસો મૂકશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. જ્યાં સુધી ભાજપ અને અકાલી દળની વાત છે તો મતદારો ખેડૂત આંદોલન ભૂલી જશે? કોંગ્રેસ પણ જોર અજમાવી રહી છે. 

પંજાબ ભલે નાનકડું રાજ્ય હોય પણ તેનું ઇમ્પોર્ટન્સ જરાયે ઓછું આંકી શકાય એમ નથી. એક તો પંજાબ પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલું છે. બીજું ખાલિસ્તાનીઓ વિદેશમાં બેઠા બેઠા ઉધામા મચાવવાના પ્રયાસો કરતા રહે છે. ત્રીજી જે સૌથી મોટી વાત છે એ પંજાબની નશાખોરી છે. પંજાબ ખરેખર ઉડતા પંજાબ બની ગયું છે. ડ્રગ્સનું દૂષણ આ રાજ્યના યુવાધનને બરબાદ કરી રહ્યું છે. ભાજપે ડ્રગ્સ નાબુદીનું એલાન કર્યું છે. ગૃહ પ્રધાન અમિત શાહે માત્ર પંજાબને જ નહીં, આખા દેશને ડ્રગ્સમુક્ત કરવાની ઘોષણા કરી ચૂક્યા છે. પંજાબીઓ ડ્રગ્સથી મુક્તિ ઝંખે છે. પંજાબના મતદારો આપના શાસનથી બહુ ખુશ હોય એવું લાગતું નથી. અનેક નિષ્ણાતોએ એવું કહ્યું છે કે, પંજાબમાં આ વખતે પરિવર્તન થઇ શકે છે. 

ભાજપ - અકાલીદળના સંબંધોનો ઇતિહાસ

પંજાબમાં ભારતીય જનતા પક્ષ અને શિરોમણી અકાલીદળના સંબંધો ભાજપના અસ્તિત્ત્વ પહેલાથી એટલે કે જનસંઘના સમયથી છે. 1996થી ભાજપ અને અકાલીદળના સંબંધોને નવું સ્વરૂપ મળ્યું. એ પછી બંને સાથે મળીને ચૂંટણી લડતા હતા. 1996 બાદ બંનેએ અત્યાર સુધીમાં પાંચ વખત બંનેએ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડી છે. 1997, 2002, 2007, 2012 અને 2017માં સાથે ચૂંટણી લડ્યા એ દરમિયાનમાં ત્રણ વખત બંનેના ગઠબંધનને બહુમતી મળી હતી અને બંનેએ સાથે મળીને સરકાર બનાવી હતી. ત્રણેય વખતે અકાલીદળના પ્રકાશસિંહ બાદલ મુખ્યમંત્રી બન્યા હતા. આ સમય દરમિયાન જ ભાજપ અને અકાલીદળે છ વખત સાથે મળીને લોકસભાની ચૂંટણી લડી હતી. તેમાં બે વખત તો પંજાબની લોકસભાની 13 બેઠકોમાંથી 11 બેઠકો બેઠકો જીતવામાં બંને સફળ રહ્યા હતા. બધું બરાબર ચાલતું હતું ત્યાં એક મોટું પરિવર્તન આવ્યું.

કેમ બંનેએ જુદા થવું પડ્યું?

જૂન, 2020માં સરકારે ત્રણ કૃષિ વટહુકમો બહાર પાડ્યા હતા. સપ્ટેમ્બર, 2020માં આ ત્રણ વટહુકમો સંસદમાં પસાર થયા હતા અને કાયદો બન્યા હતા. પંજાબ અને હરિયાણાના ખેડૂતો આ કૃષિ કાયદાઓ સામે મેદાને પડ્યા હતા. ખેડૂતોને ડર હતો કે, નવા કાયદાથી લધુત્તમ ટેકાના ભાવની વ્યવસ્થા નબળી પડશે અને ખેતી પર ખાનગી કંપનીઓનું વર્ચસ્વ વધી જશે. સરકારે ખેડૂતોને એવો ભરોસો આપ્યો હતો કે, કંઇ ખોટું થવાનું નથી, અમારા માટે ખેડૂતોનું હિત સર્વોપરી છે. ખેડૂતો તો પણ માન્યા નહોતા. આ દરમિયાનમાં અકાલીદળને એવું લાગ્યું કે, જો ખેડૂતો નારાજ થશે તો અમારું આવી બનશે. તારીખ 26મી સપ્ટેમ્બર, 2020ના રોજ અકાલીદળના પ્રમુખ સુખબીરસિંહ બાદલે એનડીએ સાથે છેડો ફાડી નાખવાનું એલાન કર્યું એ સાથે બંનેના રસ્તા અલગ થઇ ગયા. જુદા પડ્યા એ પછીની ચૂંટણીમાં બંનેની હાલત ખરાબ થઇ ગઇ. 

વિધાનસભાની ચૂંટણીનું શું પરિણામ આવ્યું હતું?

પંજાબમાં વિધાનસભાની કુલ 117 બેઠકો છે. સરકાર બનાવવા માટે 59 બેઠકોની જરૂર રહે છે. પંજાબ વિધાનસભાની છેલ્લી ચૂંટણી તારીખ 20મી ફેબ્રુઆરી, 2022ના રોજ યોજાઇ હતી. આમ આદમી પાર્ટીએ 92 બેઠકો મેળવી હતી. પંજાબમાં અગાઉ જેની સરકાર હતી એ કોંગ્રેસને માત્ર 18 બેઠકો મળી હતી. સૌથી ખરાબ હાલત શિરોમણી અકાલીદળ અને ભાજપની થઇ હતી. અકાલી દળને ત્રણ અને ભાજપને બે બેઠકો મળી હતી. બીએસપીને એક અને અપક્ષને એક બેઠક મળી હતી. આમ આદમી પાર્ટી દિલ્હીને બાદ કરતા સૌથી વધુ સફળ માત્ર પંજાબમાં જ થઇ છે.

હવે શું થશે એ વિશે જાતજાતની વાતો થઇ રહી છે. હજુ થોડા દિવસો પહેલા આપના ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા છે. હવે ભાજપ અને અકાલીદળના ફરીથી જોડાણના કારણે સંબંધોના સમીકરણો બદલ્યા છે. આ બંનેની દોસ્તી કેવો રંગ લાવે છે એ જોવાનું રહે છે. ચૂંટણી પહેલા હજુ પંજાબમાં ઘણા ખેલ જોવા મળવાના છે. 


એક સમયે પંજાબમાં કોંગ્રેસનો દબદબો હતો, અત્યારે હાલત પતલી થઇ ગઇ છે
એક સમય હતો જ્યારે પંજાબમાં કોંગ્રેસનો દબદબો હતો. કોંગ્રેસે કુલ આઠ વખત પંજાબમાં સરકાર બનાવી છે. આતંરિક વિખવાદ અને અનેક વિવાદોના કારણે કોંગ્રેસની હાલત પંજાબમાં નાજુક થઇ ગઇ છે. આપની સરકાર આવી એ પહેલાની ટર્મમાં કોંગ્રેસની સરકાર હતી. 2017ની ચૂંટણીમાં કેપ્ટન અમરિંદરસિંહની આગેવાનીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી. સરકાર બન્યા બાદ થોડા જ સમયમાં અમરિંદરસિંહ અને નવજોતસિંહ સિદ્ધુ વચ્ચે સત્તા સંઘર્ષ શરૂ થયો હતો. વાત એટલી વકરી કે, અમરિંદરસિંહે રાજીનામું આપી દીધું. કોંગ્રેસ ચરણજીતસિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા. તેઓ ખાસ કંઇ ઉકાળી શક્યા નહીં. ચૂંટણીમાં કોંગ્રેસે ખરાબ રીતે હારી. અત્યારે કોંગ્રેસ પોતાના અસ્તિત્ત્વ માટે ઝઝૂમી રહી છે. કોંગ્રેસ થાય એટલું જોર કરી રહી છે. બાકી તો કોના ભાગે શું આવે છે એ ચૂંટણીના પરિણામો વખતે જ ખબર પડશે.