બ્રિક્સના દેશો અંદરોઅંદર પોતાના દેશની કરન્સીમાં વ્યવહારો કરવા લાગ્યા છે. રશિયા પર અમેરિકાએ કરન્સી પ્રતિબંધો લાદ્યા છે તો પણ રશિયાનું ગાડું ગબડી જ રહ્યું છે. ચીન અને ભારત સાથે રશિયા સ્થાનિક ચલણમાં જ કામ કરી રહ્યું છે
 

આપણા દેશની રાજધાની દિલ્હીમાં બ્રિક્સના શિખર સંમેલનનું રંગેચંગે સમાપન થયું. બ્રિક્સના દેશો વચ્ચે ઘણા સમયથી બ્રિક્સ કરન્સીની વાતો ચાલતી રહી છે. આ વખતની બ્રિક્સ બેઠકમાં બ્રિક્સ કરન્સી વિશે કંઇ થશે ખરું એની ચર્ચાઓ ખૂબ થઇ હતી. બ્રિક્સની આ વખતની બેઠકમાં બ્રિક્સ કરન્સીનો મુદ્દો પડતો મૂકવામાં આવ્યો છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ એવું કહી ચૂક્યા છે કે, બ્રિક્સ કરન્સીનો વિચાર જ ન કરતા. જો બ્રિક્સ કરન્સી લાવ્યા તો એવા હાલ કરીશ કે બધાની હાલત ખરાબ થઇ જશે.

અનેકગણા ટેરિફ લગાવવાની ધમકી ટ્રમ્પે બ્રિક્સ દેશોને આપી હતી. બ્રિક્સના દેશોને ખબર છે કે, ડોનાલ્ડ ટ્રમ્પને વતાવવા જેવા નથી. એ માણસ ગમે તે કરે એવા છે. બ્રિક્સ દેશો ભલે બ્રિક્સ કરન્સી ન લાવે પણ અંદરોઅંદર સ્થાનિક ચલણમાં આર્થિક વ્યવહારો કરવાનું તો બધાએ નક્કી કરી જ લીધું છે. આ વખત બ્રિક્સ બેઠક દરમિયાન પણ બ્રિક્સ કરન્સી અને સ્થાનિક ચલણમાં વ્યવહારો કરવાની વાતો તો છેડાઇ જ હતી. 

ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને કહ્યું હતું કે, ડોલર પર નિર્ભર રહેવાનું ઘટાડવા માટે બધા દેશોએ સાથે મળીને જે કંઇ થઇ શકે એ કરવું જોઇએ. ઇરાન પર અમેરિકાએ જબરદસ્ત પ્રતિબંધો લાદ્યા છે. રશિયાની સ્થિતિ પણ એવી જ છે. ઇરાન ચીન, રશિયા, ભારત સહિત અનેક દેશો સાથે સ્થાનિક ચલણથી વ્યવહારો કરે છે. રશિયા અને યુક્રેન યુદ્ધ સાડા ચાર વર્ષથી ચાલી રહ્યું છે. અમેરિકાની દાદાગીરી છતાં રશિયાનું કામ અટક્યું નથી. રશિયા પોતાના ઓઇલનો વેપાર સહિત તમામ બિઝનેસ રૂબલમાં કરે છે. રશિયા અને ભારત વચ્ચેનો વ્યવહાર પણ રૂબલ અને રૂપિયાથી થાય છે. ચીન સહિત અનેક દેશો સાથે રશિયા લોકલ કરન્સીથી જ બિઝનેસ કરે છે. 

ડિજિટલ કરન્સીથી પણ કામ થાય છે

બ્રિક્સના દેશો જ નહીં, હવે આખી દુનિયા ડોલરનો દબદબો ઘટાડવા માટે ડિજિટલ કરન્સીના ઉપયોગ પર પણ કામ કરી રહ્યા છે. ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ ટોકન્સ એ ડોલરનો સૌથી મોટો વિકલ્પ બનતો જાય છે. અનેક દેશો પોતાના વ્યવહારો ડિજિટલ કરન્સીમાં કરી રહ્યા છે. દુનિયા પાસે અત્યારે પેમેન્ટ સિસ્ટમ માટે અનેક વિકલ્પો છે. બ્રિક્સના દેશો અંદરખાને કહે છે કે, બ્રિક્સ કરન્સી ભલે ઓફિશિયલી લાગુ ન થાય પણ અમારી પાસે બીજા જે રસ્તા છે એનાથી કામ પતી જવાનું છે. ટ્રમ્પ ભલે એવું આશ્વાસન લે કે, મેં બ્રિક્સ કરન્સી લાવવા ન દીધી પણ અમેરિકા વિરૂદ્ધના મોરચાએ પોતાની રીતે વ્યવસ્થા ગોઠવી જ દીધી છે. 

વિનિમય પદ્ધતિથી પણ બિઝનેસ થઇ રહ્યો છે

દુનિયામાં જ્યારે ચલણનું અસ્તિત્ત્વ નહોતું ત્યારે વિનિમય પદ્ધતિ અસ્તિત્ત્વમાં હતી. એક ચીજની બદલે બીજી ચીજની લેતીદેતી થતી હતી. પ્રાચીન સમયની આ વિનિમય પદ્ધતિને પણ જરાક જુદી રીતે અપનાવીને દુનિયાના અનેક દેશો કામ કરી રહ્યા છે. ભારત અને ઇરાન વચ્ચે લાંબો સમય વિનિમય પદ્ધતિથી વ્યવહારો થયા છે. આ પદ્ધતિમાં બે દેશ એક બીજાને ચીજ વસ્તુઓની લે વેચ કરે છે. બંને દેશ પોતપોતાની રીતે ટોટલ મારે છે અને જે ડિફરન્સ હોય એનું જ પેમેન્ટ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો, એ અને બી દેશ એક બીજા સાથે વેપાર કરે છે. એ દેશ 100 રૂપિયાની ચીજો બી દેશને મોકલે છે. સામે બી દેશ 80 રૂપિયાની ચીજો એ દેશને મોકલે છે. એ પછી જે પેમેન્ટ થાય છે એ વીસ રૂપિયાનું જ થાય છે. બાકીનું અંદરોઅંદર સમજી લેવાય છે. 

ઘણા વર્ષોથી ચાલે છે ડીડોલરાઇઝેશનના પ્રયાસો

અમેરિકાનું વર્ચસ્વ અને દાદાગીરીનું એક મોટું કારણ તેની કરન્સી ડોલર છે. ડોલરનો અમેરિકા હથિયાર તરીકે ઉપયોગ કરતું આવ્યું છે. ડોલર ઇન્ટરનેશનલ કરન્સી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આર્થિક વ્યવહારો માટે ચોક્કસ પદ્ધતિ વિકસાવવાની જરૂરીયાત પેદા થઇ હતી. બીજા વિશ્વયુદ્ધના કારણે બ્રિટન, ફ્રાંસ, જર્મની જેવા શક્તિશાળી દેશો આર્થિક રીતે તબાહ થઇ ગયા હતા. અમેરિકા ઘણું બધું સક્ષમ હતું. એ સમયે 70થી 80 ટકા સોનું પણ અમેરિકા પાસે હતું. જુલાઇ, 1944માં અમેરિકાના ન્યૂ હેમ્પશાયરના બ્રેટન વુડ્સ ખાતે 44 દેશોના પ્રતિનિધિઓની બેઠક મળી.

આ બેઠકમાં નવી વૈશ્વિક નાણાંકીય પ્રણાલી અપનાવવામાં આવી. એ સમયથી ડોલર ઇન્ટરનેશનલ કરન્સી બની ગઇ. કોઇ દેશે બીજા દેશ પાસેથી આયાત કરવી હોય તો તેનું પેમેન્ટ ડોલરમાં જ કરવુ પડે છે. સમયની સાથે ડોલરનો દબદબો સતત વધતો જ ગયો. અમેરિકા પોતાનો સ્વાર્થ સાધવા માટે જરૂર પડ્યે જે તે દેશને ડોલર જ ન મળે અને ડોલરમાં વ્યવહારો ન કરે એવા પ્રતિબંધો લાદવા લાગ્યું. ડોલર ડિપેન્ડન્સી ઘટાડવા માટે અનેક દેશો વર્ષોથી પ્રયાસો કરી રહ્યા છે. 

ડીડોલરાઇઝશેન એટલે અમેરિકન ડોલર પર નિર્ભરતા ઘટાડવાની પ્રક્રિયા. અમેરિકા ડીડોલરાઇઝેશન સામે સતર્ક છે. ડોલરને ઉની આંચ ન આવે એ માટે અમેરિકા આખી દુનિયા પર તીણી નજર રાખે છે. અમેરિકાનો ડર બધાને લાગે છે, જોકે ચીન, રશિયા સહિતના દેશો અમેરિકાના ઇરાદા પર પણ પાણી ફેરવવાના કામો કરતા રહે છે. આગામી સમયમાં પણ લોકલ કરન્સીથી વેપાર વધશે એવી આગાહીઓ થઇ રહી છે. ભવિષ્યમાં ડિજિટલ કરન્સી પણ ડોલરનો વિકલ્પ બની જાય તો તો જરાયે નવાઇ પામવા જેવું નહીં હોય. અમેરિકાને કંટ્રોલમાં રાખવું હશે તો બધા દેશોએ સાથે મળીને કોઇ રસ્તો શોધવો પડશે. ટેક્નોલોજીની મહેરબાનીથી દુનિયા હવે એ કક્ષાઓ પહોંચી ગઇ છે કે, ગમે એવી અઘરી સમસ્યાનો તોડ પણ શોધી શકે.


ટ્રમ્પના કારણે અમેરિકાની ઇમેજ આખી દુનિયામાં ખરડાઇ ગઇ છે
દુનિયાના સૌથી શક્તિશાળી દેશનો એક ગ્રેસ હોવો જોઇએ. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી પ્રેસિડેન્ટ બન્યા છે ત્યારથી તેઓ મન ફાવે એવા નિર્ણયો લઇ રહ્યા છે. તેના કારણે આખી દુનિયામાં અમેરિકાની ઇમેજ ખરડાઇ છે. ટ્રમ્પે અમેરિકાના સાથી દેશોને પરેશાન કરવામાં પણ કંઇ બાકી રાખ્યું નથી. બ્રિટન, યુરોપના દેશો સહિત દુનિયાના મોટા ભાગના દેશો અમેરિકાથી કંટાળ્યા છે. બધા રાહ જોઇને બેઠા છે કે હવે ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થાય તો સારું. ટ્રમ્પ ખોટું બોલે છે. વાહિયાત દાવાઓ કરે છે અને પોતે જાણે સર્વસ્વ હોય એવું વર્તન કરી રહ્યા છે. અમેરિકાની હાલત પણ ટ્રમ્પની નિર્ણયોના કારણે ખરાબ થઇ છે. મોટા ભાગના અમેરિકનો પણ તેમને ફરીથી ચૂંટીને પસ્તાઇ રહ્યા છે.