છાંગુર બાબા અને નસરીન મળતિયાઓ મારફતે હિન્દુઓને ફસાવતા હતા અને નાણાં તથા બીજી લાલચો આપીને ધર્માંતરણ કરાવતા હતા



એક સમયે ભીખ માંગીને પેટ ભરનાર છાંગુર બાબા પાસે અત્યારે એક હજાર મુસ્લિમ યુવાનોની ફોજ છે. તેના મળતિયાના પચાસ જેટલા બેંક ખાતાઓમાંથી 100 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન પકડાયું છે. છાંગુર બાબાના તાર પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇથી માંડી કટ્ટરવાદી સંગઠનો સુધી નીકળ્યા છે. હજુ ઘણું બહાર આવવાનું બાકી છે

પહેલા તો એવું લાગતું હતું કે, છાંગુર બાબા માત્ર ધર્માંતરણના ધંધામાં સંડોવાયેલો છે. છાંગુરની ધરપકડ બાદ રોજે રોજ જે નવા પ્રકરણો બહાર આવી રહ્યા છે તેણે દેશની સુરક્ષા એજન્સીઓને પણ અચંબામાં મૂકી છે. એક સમયે ભીખ માંગીને પેટ ભરનારો છાંગુર બાબા રાતોરાત ઐયાશીમાં આળોટવા લાગ્યો હતો. તેણે જોતજોતામાં એક હજાર મુસ્લિમ યુવાનોની ફોજ તૈયાર કરી લીધી હતી. તેના મળતિયાઓના પચાસથી વધુ બેંક ખાતાઓ મળ્યા છે. આ બેંક એકાઉન્ટસમાંથી સો કરોડ રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન પકડાયું છે. એટીએસ અને ઇડી સહિતની સુરક્ષા એજન્સીઓ અત્યારે છાંગુર બાબાના કરતૂતોની તપાસ કરી રહી છે. હવે વાત વિદેશી ષડયંત્ર સુધી પહોંચી છે. છાંગુર બાબાના છેડા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ સુધી નીકળ્યા છે.

નીતુ ઉર્ફે નસરીનના ખતરનાક ખેલ

છાંગુર બાબાની સૌથી મોટી સાગરિત છે નીતુ નવીન રોહરા ઉર્ફે નસરીન. લખનઉની હોટલમાંથી છાંગુર બાબાની ધરપકડ કરવામાં આવી ત્યારે નસરીન પણ તેની સાથે હતી. 70 દિવસથી છાંગુર અને નસરીન હોટલમાં પતિ પત્નીની જેમ રહેતા હતા. બલરામપુરની વતની નીતુ માત્ર સાત ધોરણ સુધી ભણી છે. 2015માં નીતુ પોતાના પતિ નવીન ઘનશ્યામ રોહરા સાથે દુબઇ ગઇ હતી. દુબઇમાં તેનો ભેટો કેટલાંક લોકો સાથે થયો હતો. એ પછી આ દંપતિએ તારીખ 16મી નવેમ્બર, 2015ના રોજ ધર્માંતરણ કરીને મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. નીતુએ પોતાનું નામ બદલીને નસરીન કરી નાખ્યું હતું. તેના પતિ નવીને પોતાનું નામ જલાલુદ્દીન રાખ્યું હતું. નસરીને છાંગુર બાબાનો વિશ્વાસ જીત્યો હતો અને તેના રેકેટમાં જોડાઇ ગઇ હતી.

નસરીન ગરીબ, બીમાર અને જરૂરિયાતવાળા ગરીબ હિંદુઓને શોધતી હતી. જે જાળમાં ફસાઇ જાય એને છાંગુર બાબા પાસે લઇ જતી હતી. છાંગુર બાબા જાદુટોના, ચમત્કારથી માંડીને જાતજાતની વાતો કરતો અને ધર્માંતરણ કરાવતો હતો. ધર્માંતરણ માટે છાંગુર અને નસરીને અનેક લોકોને લાખો રૂપિયા આપ્યા છે. મુસ્લિમ ધર્મ અપનાવ્યા પછી નસરીન અને તેનો પતિ જલાલુદ્દીન 2014થી 2019 દરમિયાન 19 વખત દુબઇ અને યુએઇની મુલાકાતે જઇ આવ્યા છે. આ વિદેશ યાત્રામાં પણ એક રહસ્ય એ સામે આવ્યું છે કે, બંને જતા હતા એક સાથે અને આવતા હતા અલગ અલગ.

નસરીનના ખાતામાં માત્ર ચાર મહિનામાં જ 14 કરોડનું ફંડ વિદેશથી ટ્રાન્સફર થયું હતું. નસરીનના નામે આઠ બેંક એકાઉન્ટ છે. જ્યાંથી નાણાં આવતા હતા તેના સોર્સની તપાસ હાથ ધરવામાં આવી છે. છાંગુર બાબાએ બલરામપુરના ઉતરૌલામાં શોપિંગ કોમ્પલેક્સ પણ બનાવ્યું હતું. છાંગુર બાબાએ બલરામપુરમાં 12 કરોડના ખર્ચે આલિશાન કોઠી બનાવી હતી. 11 વીઘા જમીનમાં બનેલી 40 રૂમની કોઠીમાં જ ધર્માંતરણનો ધંધો ચાલતો હતો. છાંગુર અને નસરીનના કારનામા બહાર આવ્યા એ પછી આ કોઠી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. હજુ બીજી ઘણી મિલકતો નસરીનના નામે ખરીદવામાં અને બનાવવામાં આવી છે. સરકારી જમીનો પર પણ છાંગુર અને નસરીને ગેરકાયદે કબજો કરીને બાંધકામો પણ કર્યા છે.

કોણ છે ધર્માંતરણનું રેકેટ ચલાવનાર છાંગુર બાબા?

છાંગુર બાબા ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના રેહરા માફી ગામનો છે. તેનું સાચું નામ જમાલુદ્દીન છે. નાનો હતો ત્યારે છાંગુર અને તેના ત્રણ ભાઇઓ ભીખ માંગીને પેટ ભરતા હતા. છાંગુરે એ પછી નંગ, વીંટી અને તાવીજો વેચવાનું શરૂ કર્યું હતું. છાંગુર બાદમાં મુંબઇ ચાલ્યો ગયો હતો અને તેણે પોતાને પીર ઘોષિત કર્યો હતો. મુંબઇથી પરત આવ્યો ત્યારે છાંગુરની રીતભાત જ બદલી ગઇ હતી. છાંગુર ધર્માતરણ કરાવે છે એવી ફરિયાદો પહેલા પણ ઉઠી હતી. જો કે, એને બહુ ગંભીરતાથી લેવામાં આવી નહોતી. હવે જે વિગતો બહાર આવી છે એમાં લવજેહાદથી માંડીને બળાત્કાર અને અપહરણ સુધીની ઘટનાઓનો સમાવેશ થાય છે. 16 વર્ષની એક છોકરીએ પોતાને કેવી રીતે બંધક બનાવીને બળાત્કાર કરવામાં આવ્યો તેની વિગતો કહી છે. ધીમે ધીમે છાંગુર અને નસરીનનો ભોગ બની ધર્માંતરણ કરનાર એક પછી એક વ્યક્તિઓ બહાર આવી રહ્યા છે અને તેની સાથે શું થયું હતું તેની વાતો જાહેર કરી રહ્યા છે.

છાંગુર બાબાનું રહસ્યમય પાકિસ્તાન કનેકશન

અત્યાર સુધીની તપાસમાં એવું બહાર આવ્યું છે કે, છાંગુર બાબા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇના સીધા સંપર્કમાં હતો. છાંગુર આઇએસઆઇના એજન્ટને મળવા માટે નેપાળ ગયો હતો. નેપાળના પાકિસ્તાન દૂતાવાસમાં એ આઇએસઆઇના એજન્ટોને મળ્યો હતો. પાકિસ્તાનનું એક ગ્રૂપ પણ છાંગુરને મળવા ભારત આવ્યું હતું. છાંગુરના છેડા નેપાળ, તુર્કિયે, સાઉદી અરેબિયા સહિતના દેશો સુધી હોવાનું બહાર આવી રહ્યું છે. છાંગુર અને નસરીન જે છોકરીઓનું ધર્માંતરણ કરાવતા હતા તેને પાકિસ્તાનના આઇએસઆઇ એજન્ટો સાથે નિકાહ કરાવવાનું પણ વચન આપતા હતા.

આ રીતે આપણા દેશમાં આઇએસઆઇનું સ્લીપર સેલ તૈયાર કરવામાં આવતું હતું. હજુ છાંગુર બાબાનું આતંકવાદી કનેકશન નીકળશે એવું પણ માનવામાં આવી રહ્યુ છે. છાંગુર બાબાના કારણે પાકિસ્તાનનું એક વધુ પાપ છતું થયું છે. છાંગુર બાબાએ જે લોકોનું ધર્માંતરણ કરાવ્યું હતું તેની ઘરવાપસી શરૂ થઇ છે. જોવાનું એ છે કે, છાંગુર અને નસરીનના કેટલા પાપનો પર્દાફાશ થાય છે? છાંગુર અને નસરીન તો એક પ્યાદું હોવાનું પણ માનવામાં આવે છે. સાચા માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનમાં બેઠા હોય એવું લાગે છે. જે બહાર આવ્યું છે એ તો હમશિલાની ટોચ જ હોવાનું પણ મનાય છે. 


છાંગુર બાબા જેવા બીજા અનેક બદમાશો આખા દેશમાં રેકેટ ચલાવતા હોવાની શંકા
છાંગુર બાબાના છેડા પાકિસ્તાન સુધી પહોંચ્યા છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ અને પાકિસ્તાનના કટ્ટરવાદી સંગઠનોની નવી જ મોડેસ ઓપરેન્ડી બહાર આવી છે. ઉત્તર પ્રદેશમાં જે રીતે છાંગુર બાબાએ પોતાની માયાજાળ ફેલાવી હતી એ જ રીતે દેશના બીજા રાજ્યોમાં પણ બદમાશો કામ કરી રહ્યા હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આપણી સુરક્ષા એજન્સીઓએ એ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. છાંગુર બાબા જે કરતૂતો કરતો હતો એ માત્ર ધર્માંતરણ સુધી જ મર્યાદિત નહોતા. હવે વાત રાષ્ટ્રદ્રોહ સુધી પહોંચી છે. છાંગુર બાબાનું નેટવર્ક ઉત્તર પ્રદેશથી આગળ નીકળીને મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, બિહાર અને પશ્ચિમ બંગાળ સુધી પહોંચ્યું હતું.

એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ, એન્ફોર્સમેન્ટ ડિરેકટરોરેટ સહિત દેશની સુરક્ષા એજન્સીઓ અત્યારે છાંગુર બાબાની કડીઓ જોડીને બીજા રાજ્યોમાં પણ તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓને એ વાતની શંકા છે કે, છાંગુર જેવા બીજા અનેક લોકો ધર્માંતરણથી માંડીને આતંકવાદ સુધીની કરતૂતોમાં સંડોવાયેલા હોય શકે છે. છાંગુર બાબાથી શરૂ થયેલી વાત હજુ ઘણી આગળ વધવાની છે. સુરક્ષા એજન્સીને એ જવાબ પણ મેળવવો છે કે, આટલા લાંબા સમયથી આવા કરતૂતો ચાલતા હતા ત્યારે અત્યાર સુધી કેમ કંઇ બહાર આવ્યું નહીં? જે નાણાં ચૂકવાતા હતા એ આખરે ક્યાંથી આવતા હતા? પાકિસ્તાન ઉપરાંત બીજા ક્યા ક્યા દેશોના કટ્ટરવાદી સંગઠનો આવા કરતૂતોમાં સામેલ હતા? પિક્ચર તો હજુ શરૂ થયું છે, ઘણું બધું બહાર આવવાનું છે.


  • Follow us on: