અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જિનપિંગ, પુટિન અને કિમ જોંગ ઉન સાથે મળીને અમેરિકા સામે કાવતરા રચી રહ્યા છે. તેની સામે એવી દલીલ થાય છે કે, તમે શું કરો છો? ટેરિફના નામે દુનિયાને ડરાવો છો અને મિત્રોને જ છેહ આપી રહ્યા છો. તમે કરો એ લીલા અને બીજા કરે એ કાવતરા? ટ્રમ્પ હાથે કરીને અમેરિકાના પગે કૂહાડા મારે છે
|
પહેલા ધ શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં અને પછી તરત જ વિક્ટરી પરેડમાં અમેરિકા સામે જબરદસ્ત શક્તિ પ્રદર્શન કરવામાં ચીનના રાષ્ટ્રપિત શી જિનપિંગ સફળ રહ્યા છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન, નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સહિત વીસ જેટલા દેશોના વડાની હાજરીએ અમેરિકાની આંખો પહોળી કરી દીધી છે. બીજા વિશ્વયુદ્ધમાં જીતની યાદમાં યોજાયેલી વિક્ટરી પરેડમાં શી જિનપિંગે કહ્યું કે, અમને કોઇ હરાવી શકે એમ નથી. પરેડમાં ચીનના ન્યૂક્લિયર હથિયારોથી માંડીને તમામ પ્રકારના શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું. ચીનની પરેડ મુદ્દે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જિનપિંગ, પુટિન અને કિમ જોંગ ઉન સાથે મળીને અમેરિકા સામે કાવતરા ઘડી રહ્યા છે.
ટ્રમ્પની આ વાત સામે એવી દલીલો થઇ રહી છે કે, તમે શું કરો છો? તમે કરો એ લીલા અને બીજા કરે એ કાવતરા? તમે તો ટેરિફના મુદ્દે આખી દુનિયાને બ્લેકમેલ કરી રહ્યા છો. તમે મિત્રોને જ છેહ દીધો છે. આજે તમારા મિત્ર દેશો તમારા પર ભરોસો કરવા તૈયાર નથી. ભારત સાથે આડોડાઇ કરીને તમે જ ચીન તરફ જવા મજબૂર કર્યું છે. વાત માત્ર ભારતની નથી, યુરોપના દેશો પણ અમેરિકાથી નારાજ છે. ખુદ અમેરિકાના જ નિષ્ણાતો સાવચેત કરી રહ્યા હોવા છતાં તમે કોઇની વાત સાંભળવા તૈયાર નથી. તમારા કર્યા તમારે ભોગવવા પડશે. આંતરરાષ્ટ્રીય સંબંધોના જે નવા સમીકરણો રચાઇ રહ્યા છે એ સરવાળે અમેરિકાને ભારે પડવાના છે.
ચીનની ઘટનાઓથી વ્લાદીમિર પુટિન પણ ખૂબ ખુશ છે
ચીનની એસસીઓની બેઠક અને વિક્ટરી પરેડમાં જિનપિંગે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિનને બને એટલું વેઇટેજ આપ્યું હતું. બંને સાથે જ જોવા મળતા હતા. સ્વાભાવિક રીતે જ પુટિનને સારું લાગ્યું હોય. રશિયા અને યુક્રેનના યુદ્ધને ચીનની મુલાકાતો કેવી અસર કરશે તેના પર પણ આખી દુનિયામાં ચર્ચા ચાલી છે. યુદ્ધ ખતમ કરવા માટેના ડોનાલ્ડ ટ્રમ્પના તમામ પ્રયાસો નિષ્ફળ જઇ રહ્યા છે. પુટિન અને ઝેલેન્સ્કી સાથે મુલાકાતો બાદ પણ ટ્રમ્પનું ધાર્યું થયું નથી. ઝેલેન્સ્કીએ પણ ટ્રમ્પને એક હદથી વધુ ગંભીરતાથી લેવાનું બંધ કરી દીધું છે. ઝેલેન્સ્કીનું ચાલશે તો એ બીજા દેશોની મદદથી રશિયા સામે લડવાનું ચાલુ રાખવાના છે. ટ્રમ્પ રશિયાને ધમકીઓ આપી રહ્યા છે કે, તમે યુદ્ધ નહીં રોકો તો અમે વધુ ટેરિફ લાદીશું. પુટિનને કોઇ ફેર પડતો નથી.
હજુ તો આગામી સમયમાં ઘણું બધું બનવાનું છે. વ્લાદીમિર પુટિન ડિસેમ્બર મહિનામાં ભારતની મુલાકાતે આવવાના છે. યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી પણ ભારત આવી રહ્યા છે. આ બંને ભારત આવીને નવી રમત ગોઠવવાના છે. આપણા દેશમાં જ આ વર્ષના અંતે ક્વાડના વડાઓની બેઠક યોજાવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પે ક્વાડની બેઠકમાં ભારત આવવાની ના પાડી દીધી છે. ટ્રમ્પ ક્યા મોઢે ભારત આવે? ક્વાડના બીજા બે સાથીદાર જાપાન અને ઓસ્ટ્રેલિયાને પણ ડોનાલ્ડ ટ્રમ્પે નારાજ કર્યા છે. દુનિયાના સુપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી જેફરી સૈક્સે કહ્યું કે, ટ્રમ્પે પોતાના હાથે જ ક્વાડને પાણીમાં ધકેલી દીધું છે. તેમણે તો ત્યાં સુધીની વાત કરી કે, ટ્રમ્પ જ અમેરિકાની ઘોર ખોદી રહ્યા છે. અમેરિકાની આર્થિક હાલત વખાણવા જેવી નથી. અમેરિકા પોતાના ગાલે તમાચા મારીને ગાલ લાલ રાખે છે પણ હવે અમેરિકાનો ગાલ સૂઝી જવાનો છે.
કિમ જોંગ ઉનનું વર્ચસ્વ વધે છે
અમેરિકાના પ્રતિબંધો બાદ કિમ જોંગ ઉન સાથે દુનિયાના દેશો સેઇફ ડિસ્ટન્સ મેઇનટેન કરતા હતા. કિમ જોંગ ઉન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ભાગ્યે જ જોવા મળતા હતા. કિમ જોંગ ઉન ચીનની વિક્ટરી પરેડમાં જિનપિંગની સાવ નજીક જોવા મળ્યા. જિનપિંગની એક તરફ પુટિન અને બીજી તરફ કિમ જોંગ ઉન હતા. કિમ જોંગ ઉન અમેરિકા માટે મોટો ખતરો સાબિત થઇ શકે એમ છે. કિમે અનેક વખત અમેરિકાને ધમકીઓ આપી છે. અમેરિકાની ઐસીતૈસી કરીને કિમ જોંગ ઉને રશિયાને યુક્રેન સામે લડવા માટે શસ્ત્રો આપ્યા છે. એટલું જ નહીં, રશિયા વતી લડવા માટે પોતાના સૈનિકોને પણ મોકલ્યા છે. ચીન અને રશિયા ચાલાક દેશ છે, એ જરૂર પડ્યે નોર્થ કોરિયાનો ઉપયોગ અમેરિકા સામે પણ કરી શકે છે. ચીનમાં જે થયું એના પડઘા લાંબા સમય સુધી અમેરિકાના કાને પડવાના છે. આવનારો સમય અમેરિકા માટે ટફ સાબિત થવાનો છે. અમેરિકા ઇઝરાયેલને ફાવે એ કરવા દે છે. ગાઝામાં લોકો ભૂખે તરસે મરી રહ્યા છે તો પણ અમેરિકા ચૂપ છે. દુનિયાના મુસ્લિમ દેશો અમેરિકાથી નારાજ છે. જો આવું જ ચાલ્યું તો દુનિયાના અનેક દેશો ધીમે ધીમે અમેરિકાની સામે પડવા લાગશે.
ભારતે જાણી જોઇને વિક્ટરી પરેડમાં ભાગ લીધો નથી
આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન જઇ એસસીઓની બેઠકમાં હાજરી આપી આવ્યા. જિનપિંગ તથા પુટિનને વન-ટુ-વન પણ મળી લીધું. વડાપ્રધાન મોદીએ વિક્ટરી પરેડમાં હાજરી આપી નથી. આ ઘટના બહુ સૂચક છે. મોદીએ ચીન જઇને અમેરિકાને જે મેસેજ આપવો હતો એ આપી દીધો છે. ટ્રમ્પ હજુ પણ નહીં સમજે તો ભારત બીજું ઘણું બધું પણ કરી શકે છે. અમેરિકાની જગત જમાદારી દાવ પર લાગી ગઇ છે!
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝનો આ વખતનો ચીનનો ફેરો સાવ ફોગટ ગયો?
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફને ચીનમાં માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ નહીં, મોટા ભાગના દેશોના વડાએ ઇગ્નોર કર્યા હતા. શહેબાઝને ખાસ કોઇ બોલાવતું નહોતું. ચીનની મુલાકાતે શહેબાઝ એકલા નહોતા ગયા, પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશ્હાક ડાર અને સેનાના વડા અસીમ મુનીર પણ ચીન પહોંચ્યા હતા. શહેબાઝ શરીફે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ કરી હતી. આ દરમિયાન પણ જિનપિંગે તેમને ઘણું સંભળાવ્યું હોવાની વાતો બહાર આવી છે. ખાસ તો પાકિસ્તાન જે રીતે અમેરિકાને વહાલું થઇ રહ્યું છે એનાથી જિનપિંગ નારાજ છે. પાકિસ્તાને અમેરિકા સાથે ઓઇલ ઉત્પાદન માટે કરારો કર્યા છે. ટ્રમ્પની બધી વાતો પાકિસ્તાન માનવા લાગ્યું છે. અધૂરામાં પૂરું પાકિસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પનું નામ શાંતિના નોબલ પ્રાઇઝ માટે પણ નોમિનેટ કર્યું છે. ચીન કંઇ મૂરખ નથી. બધું જુવે છે. બૂલચ લડાકુઓના કારણે ચીનનું પાકિસ્તાનમાં મોટું રોકાણ પણ દાવ પર લાગ્યું છે. જિનપિંગે ઇશારા ઇશારામાં પાકિસ્તાનને કહ્યું છે કે, જે કરો એ સમજી વિચારીને કરજો, ક્યાંક લેવાના દેવા ન થઇ જાય. પાકિસ્તાનના લોકો પણ સોશિયલ મીડિયા પર શહેબાઝ શરીફની ફીરકી લઇ રહ્યા છે કે, સાવ ભીખારી જેવા લાગતા હતા! |