નીરવ મોદીએ બ્રિટિશ કોર્ટમાં કરેલી અરજી સામે આપણા દેશની પાંચ એજન્સીઓએ જવાબમાં એવું કહ્યું છે કે, ભારતમાં નીરવ મોદીને ઇન્ટ્રોગેટ કરવામાં આવશે નહીં. તેની સામે માત્ર કેસ ચાલશે. જેલમાં પણ પૂરી સુવિધાઓ આપવાની ખાતરી આપવામાં આવી છે. નીરવ મોદી પછી વિજય માલ્યા, લલિત મોદી અને મેહુલ ચોક્સીનો પણ વારો આવવાનો છે

ભારતથી ભાગીને બ્રિટન પહોંચી ગયેલા આપણા દેશના મોસ્ટ વોન્ટેડ આર્થિક ગુનેગાર નીરવ મોદી માટે પ્રત્યાર્પણથી બચવાના લગભગ તમામ રસ્તાઓ હવે બંધ થઇ ગયા છે. નીરવ મોદી પ્રત્યાર્પણથી બચવા માટે કોઇને કોઇ પેંતરા રચતો રહ્યો છે. ભારતની જેલ રહેવા લાયક નથી. ભારતમાં મારું મોબ લિન્ચિંગ થઇ જશે. લોકો મને મારી નાખશે. ભારતની એજન્સીઓ મારા પર અત્યાચાર ગુજારશે. આ અને આવા અનેક બહાનાઓ નીરવ મોદી કાઢી ચૂક્યો છે. નીરવ મોદીની દરેક અપીલો બ્રિટનની કોર્ટે ફગાવી દીધી છે.

છેલ્લે તેણે નવી અપીલ કરી છે. આ અપીલમાં તેણે કહ્યું કે, મારી સામે બ્રિટનની કોર્ટમાં કેસ ચાલી ગયો છે. ભારતમાં મારી નવેસરથી પૂછપરછ કરાશે અને મારા પર જોરજુલમ થશે. આ અપીલના જવાબમાં આપણા દેશની સીબીઆઇ, ઇડી, એસએફઆઇઓ સહિત પાંચ એજન્સીઓએ બ્રિટનને એક લેખિત જવાબમાં એવી ખાતરી આપી છે કે, ભારત લાવ્યા પછી નીરવ મોદીને ઇન્ટ્રોગેટ કરવામાં આવશે નહીં. તેની સામે માત્ર કેસ ચલાવવમાં આવશે. જેલમાં પણ તેનું ધ્યાન રાખવામાં આવશે.

તિહાર અને આર્થર રોડ જેલમાં તમામ તૈયારીઓ થઇ ચૂકી છે

નીરવ મોદી અને વિજય માલ્યા ભારતની જેલ રહેવાલાયક નથી એવા બહાના કાઢતા રહ્યા છે. આપણી સરકારે કહ્યું છે કે, પ્રત્યાર્પણ બાદ એ ગુનેગારોને દિલ્હીની તિહાર જેલ અથવા તો મુંબઇની આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે. બંનેને યોગ્ય સુવિધાઓ અપાશે. મુંબઇની આર્થર રોડ જેલની બેરેકના ફોટા અને વીડિયો પણ બ્રિટનની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાનમાં હમણાં બ્રિટિશ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ ટીમે દિલ્હીની તિહાર જેલની મુલાકાત લીધી હતી. નીરવ મોદીને જે કોટડીમાં રાખવાનો છે એનું નિરીક્ષણ આ ટીમે કર્યું હતું. બ્રિટનની ટીમને બધી વ્યવસ્થા જોઇને સંતોષ થયો છે. જેલનું બહાનું હવે નીરવ મોદી કાઢી શકે એમ નથી. હવે ગમે ત્યારે બ્રિટનથી નીરવ મોદીને પાછો ભારત લાવવામાં આવશે.

નીરવ મોદીનું મોટું આર્થિક કૌભાંડ

નીરવ મોદીએ મુંબઇમાં પોતાના નામની જ જ્વેલરી અને ડાયમંડ બ્રાંડ શરૂ કરી હતી. આ દરમિયાનમાં તેણે ખોટા દસ્તાવેજો અને વિગતોના આધારે પંજાબ નેશનલ બેંકમાંથી કરોડોની લોન લીધી હતી. નીરવ મોદીના કાળા કરતૂતો બહાર આવ્યા એ પછી બેંકે તેની સામે તપાસ હાથ ધરી હતી. નીરવ મોદીનું 14,500 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું એ પછી તેની ધરપકડ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. એજન્સીઓ તેના સુધી પહોંચે એ પહેલા જ નીરવ ભાગીને બ્રિટન પહોંચી ગયો હતો. જાન્યુઆરી, 2018થી નીરવ મોદી બ્રિટનમાં છે.

તારીખ 19મી માર્ચ, 2019ના રોજ બ્રિટનની સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે નીરવની ધરપકડ કરી હતી. આપણી સરકારે 2019માં જ નીરવ મોદીના પ્રત્યાર્પણની બ્રિટન પાસે માંગણી કરી હતી. 2022માં બ્રિટનની અદાલતે નીરવના પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી હતી. એ સમયથી નીરવ મોદી પ્રત્યાર્પણથી બચવા માટે પ્રયાસો કરી રહ્યો છે. નીરવ મોદી અત્યારે લંડનની વાન્ડર્સવર્થ જેલમાં છે.

નીરવના પિતા દીપક મોદી બેલ્જિયમના એન્ટવર્પમાં ડાયમંડ બિઝનેસ કરતા હતા. નીરવનો જન્મ પણ તારીખ 27મી ફેબ્રુઆરી, 1971ના રોજ બેલ્જિયમમાં જ થયો હતો. મોટા થયા પછી નીરવ મોદી મુંબઇમાં રહેતા કાકા મેહુલ ચોક્સી પાસે બિઝનેસ શીખવા માટે આવ્યો હતો. મેહુલ ચોક્સી પાસેથી ધંધાની સાથે ફ્રોડ કરવાનું પણ નીરવ મોદીએ શીખી લીધું. મેહુલ ચોક્સી અને નીરવ મોદીએ સાથે પણ બિઝનેસ કર્યો. મેહુલ ચોક્સીનું આર્થિક કૌભાંડ બહાર આવ્યું એ પછી એ પણ ભારતથી ભાગી ગયો. મેહુલ ચોક્સી ભત્રીજા નીરવ મોદી કરતા ચાર ચાસણી ચડે એવો છે. મેહુલ ચોક્સીએ ભારતીય બેંકોનું રૂપિયા 13,850 કરોડનું કરી નાખ્યું છે. મેહુલે ભારતથી ભાગતા પહેલા એન્ટીગુઆની સિટિઝનશીપ મેળવી લીધી હતી. અત્યારે મેહુલ ચોક્સી બેલ્જિયમમાં છે. આપણી સરકાર તેને પણ ભારત લાવવા પ્રયાસો કરી રહી છે.

વિજય માલ્યા અને લલિત મોદીનું પ્રત્યાર્પણ પણ થશે

આપણા દેશના 38 આર્થિક ગુનેગારો ભારતથી ભાગી ગયા છે. તેમાંથી 20 સામે તો રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ થયેલી છે. વોન્ટેડ ગુનેગારોમાં વિજય માલ્યા, મેહુલ ચોક્સી, લલિત મોદી મોખરે છે. વિજય માલ્યાના પ્રત્યાર્પણને પણ બ્રિટનની કોર્ટે મંજૂરી આપી દીધી છે. વિજય માલ્યા પણ પ્રત્યાર્પણથી બચવા માટે ફાંફાં મારી રહ્યો છે. જોકે, એ પણ લાંબો સમય બચવાનો નથી. બ્રિટન અને ભારત વચ્ચે પ્રત્યાર્પણ સંધિ થયેલી છે. બ્રિટનની લીગલ સિસ્ટમ ગુનેગારોને અનેક અપીલો કરવાની તક આપે છે એના કારણે ગુનેગારને ત્યાંથી લાવવામાં સમય લાગે છે.

દુનિયામાં કેટલાંય નાના દેશો અને ટાપુઓ એવા છે જ્યાંની સિટિઝનશીપ નાણાં ખર્ચીને મેળવી શકાય છે. મેહુલ ચોક્સીએ એનો જ ફાયદો ઉઠાવીને એન્ટીગુઆની નાગરિકતા મેળવી હતી. આપણા ગુનેગારો દેશમાં મોટા આર્થિક કૌભાંડો કરીને વિદેશમાં મોજથી રહે છે. કેટલાંક દેશો એવા છે જેની સાથે ભારતની પ્રત્યાર્પણ સંધિ નથી. એક વખત ગુનેગાર ત્યાં પહોંચી જાય પછી તેને લાવવાનું કામ અઘરું બની જાય છે. જેની સાથે પ્રત્યાર્પણ સંધિ નથી એવા દેશો સાથે પણ આપણી સરકાર કૂટનીતિ વાપરીને ગુનેગારોને લાવવાના પ્રયાસો કરતી રહે છે. નીરવ મોદીને હવે ગમે ત્યારે ભારત લાવવામાં આવશે. હવે એ દિવસ દૂર નથી જ્યારે નીરવ મોદી ભારતની જેલના સળિયા ગણતો હોય. નીરવ પછી વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને લલિત મોદીનો પણ વારો આવવાનો જ છે.   


બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મર કાલે ભારતની મુલાકાતે આવી રહ્યા છે
ભારત અને બ્રિટનના સંબંધો વધુને વધુ સારા થઇ રહ્યા છે. આ દરમિયાનમાં બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મર આવતીકાલે ભારતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન બન્યા પછી કેર સ્ટાર્મરની આ પહેલી ભારત મુલાકાત છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે જ તારીખ 23 અને 24 જુલાઇના રોજ બ્રિટનની મુલાકાતે ગયા હતા. એ વખતે બંને દેશ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેર સ્ટાર્મરની ભારત મુલાકાત દરમિયાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના અસરકારક અમલ ઉપરાંત બીજા અનેક મુદ્દે દ્વીપક્ષીય મંત્રણાઓ થવાની છે.

ભારત અને બ્રિટન વચ્ચે ડિફેન્સ ટેક્નોલોજી, સાયબર સિક્યોરિટી, ક્લાઇમેટ ચેન્જ, એનર્જી ઇન્વેસ્ટમેન્ટ, સ્ટાર્ટઅપ, એજ્યુકેશન અને સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવા માટે અનેક કરારો થવાના છે. બ્રેક્ઝિટ અને કોરોનાના કારણે બ્રિટનની આર્થિક સ્થિતિ પતલી થઇ ગઇ છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને બીજી નીતિઓના કારણે ભારત અને બ્રિટન બંને સામે નવા પડકારો ઊભા થયા છે. આના કારણે બંને દેશના સારા સંબંધો જરૂરી બન્યા છે. ભારત અને બ્રિટન સાથે મળીને ઘણું બધું કરી શકે એમ છે. આગામી સમયમાં સંબંધોની નવી ઊંચાઇ જોવા મળશે. 


  • Follow us on: