આપણા દેશે એક વર્ષમાં બાર નવા પરમાણુ બોંબ બનાવ્યા છે. પાકિસ્તાનના 170ની સામે આપણા દેશ પાસે વીસ પરમાણુ બોંબ વધુ છે. ટોટલ 190નો થયો છે. પાકિસ્તાન અને ચીન બંને માટે આ એક મેસેજ છે કે, ભારત જરાયે ઓછું ઉતરે એમ નથી 

આપણા દેશે પહેલી વખત બાર પરમાણુ હથિયારોને એક્ટિવ મોડમાં મૂક્યા છે. સિપરી એટલે કે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ વાત બહાર પાડી એ પછી આખી દુનિયાના કાન સરવા થયા છે. ભારતે માત્ર પરમાણુ હથિયારને ઓપરેશન મોડમાં જ નથી મૂક્યા, ભારત પરમાણુ હથિયારોની સંખ્યા પણ વધારી રહ્યું છે. દુનિયા ભારતના આ પગલાંને મોટું વ્યૂહાત્મક પગલું ગણાવે છે. આપણો દેશ અત્યાર સુધી પરમાણુ વોરહેડ્સ એટલે કે પરમાણુ બોંબ અને તેને લોન્ચ કરવાની મિસાઇલો અલગ અલગ રાખતું હતું. એક્ટિવ મોડનો અર્થ એ થાય છે કે, પરમાણુ બોંબને સૈન્ય પ્લેટફોર્મ અને મિસાઇલો સાથે ગોઠવી દેવાયા છે. હવે જરૂરિયાતના સમયમાં તેનો કોઇ પણ જાતના વિલંબ વગર ઉપયોગ કરી શકાય એમ છે.

મોટા ભાગે યુદ્ધના ખતરાના સમયમાં કોઇ દેશ પોતાના પરમાણુ હથિયારોને ઓપરેશનલ મોડમાં મૂકતો હોય છે. ભારતે આવું કર્યું એનું સૌથી મોટું કારણ પાકિસ્તાન અને ચીનને કાબુમાં રાખવાનું છે. આપણા દેશે પોતાની બે અત્યાધુનિક પરમાણુ સબમરીન આઇએનએસ અરિધાત અને આઇએનએસ અરિદમનને પણ સંપૂર્ણપણે સક્રિય કરી દીધી હોવાનું કહેવામાં આવે છે. આપણો દેશ નો ફર્સ્ટ યુઝ એટલે કે પહેલો હુમલો ન કરવાની નીતિ અપનાવે છે. જો દુશ્મન દેશ હુમલો કરે તો તરત જ જવાબ આપી શકાય એવી તમામ તૈયારીઓ તો ભારત રાખે જ છે.

ભારતને સૌથી વધુ ખતરો પાકિસ્તાન અને ચીન તરફથી છે. જે રીતે પાકિસ્તાન અને ચીન નજીક છે એ જોતા એવું પણ કહેવામાં આવે છે કે, જો યુદ્ધ થશે તો બંને એક થઇ જશે. ભારતે એક સાથે બંને દેશો સાથે લડવું પડશે. હવે તો બાંગ્લાદેશ પણ પાકિસ્તાન અને ચીનની નજીક સરકી ગયું છે. એ જોતા ભારતે તમામ પડકારોને પહોંચી વળવાની તૈયારી રાખવી પડે એમ છે. જમીન, હવા અને સમુદ્ર એમ ત્રણેય ક્ષેત્રે ભારતે સેનાને એલર્ટ મોડ પર રાખી છે. પહલગામના આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર છેડીને પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી હતી. આપણા દેશે હજુયે ઓપરેશન સિંદૂરને પૂરું નથી કર્યું. આપણી સેના દ્વારા ઓપરેશન સિંદૂર 2.0ની વાતો પણ કરવામાં આવી છે. પરમાણુ હથિયારને ઓપરેશનલ મોડમાં મૂકવાનો હેતુ પણ આ આપરેશનનો જ હિસ્સો છે. 

ભારત પરમાણુ હથિયારોની સંખ્યા પણ વધારી રહ્યું છે

સિપરીના અહેવાલમાં જણાવાયું છે કે, ભારત પોતાના પરમાણુ હથિયારોનો જથ્થો વધારી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ભારતે નવા બાર પરમાણુ હથિયારો બનાવ્યા છે. ભારતના પરમાણુ હથિયારોનો કુલ આંકડો 190 સુધી પહોંચ્યો છે. પાકિસ્તાન પાસે 170 પરમાણુ હથિયારો છે. સિપરીના લેટેસ્ટ રિપોર્ટ મુજબ આખી દુનિયામાં અત્યારે બધા મળીને 12,187 પરમાણુ હથિયારો છે. દુનિયા પાસે અત્યારે એટલા પરમાણુ હથિયારો છે જેનાથી સમગ્ર વિશ્વનો એક વખત નહીં પણ અનેક વખત નાશ થઇ શકે. આટલા હથિયારો હોવા છતાં નવા પરમાણુ હથિયારો બનાવવાની હોડ ચાલતી રહે છે. રક્ષણ માટે આવું કરવું પણ પડે એમ છે. સૌથી વધુ 5,580 પરમાણુ હથિયાર રશિયા પાસે છે. બીજા નંબરે અમેરિકા પાસે 5,044 પરમાણુ હથિયારો છે. એ પછી ચીન પાસે 620, ફ્રાંસ પાસે 290, બ્રિટન પાસે 225, ભારત પાસે 190, પાકિસ્તાન પાસે 170, ઇઝરાયેલ પાસે 90 અને નોર્થ કોરિયા પાસે 60 પરમાણુ હથિયારો છે. આ હથિયારોમાં 3,912 પરમાણુ હથિયારો એક્ટિવ મોડમાં છે. રશિયાના 1,796, અમેરિકાના 1,770, ફ્રાંસના 280, બ્રિટનના 120, ચીનના 34 અને હવે ભારતના 12 પરમાણુ શસ્ત્રો ઓપરેશન મોડમાં છે. પાકિસ્તાન, ઇઝરાયેલ અને નોર્થ કોરિયાના હથિયારો સ્ટોરેજમાં છે. 

પરમાણુ હથિયારનો જાપાન પર ઉપયોગ

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોંબ ઝીંક્યા હતા. તારીખ 6 ઓગસ્ટ, 1945ના દિવસે હિરોશિમા પર લિટલ બોય નામના પરમાણુ બોંબ અને તેના ત્રણ જ દિવસ બાદ તારીખ 9 ઓગસ્ટ, 1945ના રોજ નાગાસાકી પર ફેટમેન નામના પરમાણુ બોંબથી થયેલા હુમલામાં 2,14,000થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનાના જે પરિણામો હતા એ જોઇને દુનિયાએ નક્કી કર્યું હતું કે, હવે કોઇ પરમાણુ હુમલો નહીં કરે. સારી વાત એ પણ છે કે, જાપાનની ઘટના બાદ હજુ સુધી કોઇ દેશને પરમાણુ હુમલો કરવાની કબુદ્ધિ સૂઝી નથી. રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન પરમાણુ હુમલાની ધમકી આપતું રહ્યું છે પણ પુટિને એવું કંઇ કર્યું નથી. 

આતંકવાદીઓના હાથમાં આ શસ્ત્રો આવી જવાનો ભય

આખી દુનિયામાં અત્યારે સૌથી મોટી ચિંતા એ વાતની પણ છે કે, જો ભૂલેચૂકેય આતંકવાદીઓના હાથમાં પરમાણુ હથિયાર આવી ગયા તો શું થશે? પાકિસ્તાન આતંકવાદનો ગઢ છે. પાકિસ્તાનના પરમાણુ હથિયારો વિશે અનેકવખત જાતજાતના ભય વ્યક્ત થયા છે. દુનિયામાં પરમાણુ હથિયારો સામે સતર્કતા વર્તવાની વાતો થતી રહે છે અને બીજી બાજુ શક્તિશાળી દેશ પરમાણુ હથિયારોને વધારીને તેને એક્ટિવ મોડમાં મૂકી રહ્યા છે. સ્થિતિ જ એવી છે કે, ભારતે પણ આવું કરવું પડે છે. 


એક સાથે લાખોના જીવ લેનાર પરમાણુ બોંબને શાંતિનું શસ્ત્ર કહેવામાં આવે છે
દુનિયા પણ ગજબની છે. જે એક સામટા લાખો લોકોનો જીવ લઇ શકે છે એ પરમાણુ બોંબને શાંતિનું હથિયાર કહે છે. એની પાછળનું લોજિક એવું છે કે, જો તમારી પાસે પરમાણુ હથિયાર હોય તો કોઇ તમારા પર હુમલો કરવાની હિંમત કરતું નથી. યુદ્ધ ન થાય અને શાંતિ જળવાઇ રહે એ માટે દેશ પાસે પરમાણુ બોંબ હોય એ જરૂરી છે. રશિયા અને યુક્રેન સવા ચાર વર્ષથી લડી રહ્યા છે. આ યુદ્ધ વિશે પહેલેથી એવું કહેવાઇ રહ્યું છે કે, જો યુક્રેને પરમાણુ હથિયારોનો નાશ કર્યો ન હોત તો કદાચ રશિયા તેના પર હુમલો કરવાની હિંમત ન કરત.

1991માં સોવિયત સંઘનું વિભાજન થયું અને 15 દેશો અલગ થયા. યુક્રેન પણ અલગ દેશ બન્યો. એ વખતે યુક્રેન પાસે 1900 પરમાણુ હથિયાર હતા. તારીખ 5 ડિસેમ્બર, 1994ના રોજ હંગેરીની બુડાપેસ્ટમાં પરમાણુ હથિયારોના નાશ માટે એક સમજૂતી થઇ હતી. યુક્રેન, રશિયા, અમેરિકા અને બ્રિટને તેના પર હસ્તાક્ષર કર્યા હતા. યુક્રેનને પરમાણુ હથિયારના નાશ કરવા બદલ તેને સુરક્ષાની ગેરંટી આપવામાં આવી હતી. એ મુજબ યુક્રેને પોતાના તમામ પરમાણુ હથિયારોનો નાશ કર્યો હતો. જેણે સુરક્ષાની ગેરંટી આપી એ જ રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ છેડી દીધું હતું. બેલારૂસ અને કઝાકિસ્તાને પણ પોતાની પાસે રહેલા પરમાણુ હથિયારનો નાશ કર્યો હતો. 


  • Follow us on: