તા. 6 જુલાઇએ દલાઇ લામાનો 90મો જન્મદિવસ ઉજવાશે. એ સવાલ ફરીથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કે, તેમના પછી કોણ?



દલાઇ લામાને પસંદ કરવાની તિબેટિયનોમાં ચોક્કસ પદ્ધતિ છે. ચીન ઇચ્છતું નથી કે, એ પ્રાચીન પરંપરાને અનુસરીને દલાઇ લામાની પસંદગી કરવામાં આવે. દલાઇ લામા તરીકે જેમની પસંદગી થઇ હતી તેને ચીને ગૂમ કરી દીધા હતા. નવા દલાઇ લામાની નિમણૂકમાં કોનું ધાર્યું થાય છે એના વિશે તર્કવિતર્કો થઇ રહ્યા છે

તિબેટિયનોના ધર્મગુરુ દલાઇ લામાનો આગામી તારીખ 6 જુલાઇના રોજ 90મો જન્મદિવસ છે. તેમના બર્થડેની ઉજવણી માટે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાનમાં એ સવાલ ફરીથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કે, તેમના પછી કોણ? તિબેટિયન ધર્મમાં ધર્મગુરુને પસંદ કરવાની આગવી પદ્ધતિ છે. દલાઇ લામા સહિત તમામ તિબેટિયનોની એવી ઇચ્છા છે કે, પરંપરાગત રીત મુજબ વહેલી તકે નવા દલાઇ લામાની વરણી કરવામાં આવે.

જો કે, ચીન એવું થવા દેતું નથી. ત્રણ દાયકા અગાઉ એક વખત એક બાળકને નવા દલાઇ લામા તરીકે પસંદ પણ કરી લેવામાં આવ્યો હતો. ચીને તેને રાતોરાત ગૂમ કરી દીધો હતો. આજની તારીખે એ લાપત્તા દલાઇ લામાના મુદ્દે સમગ્ર વિશ્વમાં તર્કવિતર્કો થતા રહે છે. ચીનની દાનત પોતાનું કહ્યું માને એવી વ્યક્તિને દલાઇ લામા તરીકે બેસાડી દેવાની છે. દલાઇ લામા નેવું વર્ષના થશે. તેમનું સ્વાસ્થ્ય ચડાવ ઉતારવાળું રહે છે. તિબેટિયનોને તેમની હાજરીમાં જ નવા દલાઇ લામા જોઇએ છે, જેથી બાદમાં કોઇ વિવાદ ન થાય. ચીન એવું થવા દેતું નથી.

દલાઇ લામાએ અગાઉ એવું કહ્યું હતું કે, તેઓ જ્યારે નેવું વર્ષના થશે ત્યારે નવા દલાઇ લામાના નામની જાહેરાત કરશે. આ વાત તેમણે પોતાના વોઇસ ઓફ ધ વોઇસલેમ નામના પુસ્તકમાં પણ લખી છે. તેમણે એમ પણ લખ્યું હતું કે, નવા દલાઇ લામાનો જન્મ મુક્ત વિશ્વમાં અને ચીનની બહાર થશે. તેમની આ વાતથી એ સવાલ પણ ઉઠ્યો હતો કે, શું નવા દલાઇ લામાની શોધ થઇ ગઇ છે? ચીનના ડરના કારણે તેમનું નામ જાહેર કરાયું નથી? જો પસંદગી થઇ ગઇ હોય તો પણ એ કોણ છે એ વિશે જાણવા જગતભરના તિબેટિયનો ઉત્સુક છે. તેના કારણે બધાની નજર દલાઇ લામાના નેવુંમા બર્થડે પર મંડાયેલી છે. દલાઇ લામાએ જન્મ દિવસ પહેલા પ્રાર્થના સભામાં વધુ એક વખત એવી વાત કરીને કહ્યું કે, તેમના અવસાન પછી પણ 600 વર્ષ જૂની પરંપરા ચાલુ રહેશે. દલાઇ લામા એ પદનું નામ છે. દલાઇ લામાનો અર્થ જ્ઞાનનો મહાસાગર થાય છે. અત્યારે જે દલાઇ લામા છે એમનું સાચું નામ લ્હામો ધોંડુપ છે. તેમનો જન્મ તારીખ 6 જુલાઇ, 1935ના રોજ પૂર્વ તિબેટના તક્સસેર નામના નાનકડાં ગામના એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ બે વર્ષના હતા ત્યારે જ તેમની પસંદગી દલાઇ લામા તરીકે થઇ હતી.

નવા દલાઇ લામાની શોધ કેવી રીતે થાય છે?

તિબેટિયન ધર્મમાં દલાઇ લામાની પસંદગી માટે સપના, સંકેત અને દેવવાણીની રીત અપનાવવામાં આવે છે. તિબેટિયન સંતો દલાઇ લામાની પસંદગી માટે ફરે છે અને દૈવી આત્માને શોધે છે. તિબેટિયનોમાં એવી માન્યતા છે કે, તિબેટિયન સંત મૃત્યુ પામે એ પછી તે પવિત્ર આત્મા તરીકે ફરીથી જન્મે છે. કુદરત જ તેના સંકેત આપે છે કે, આ બાળક દલાઇ લામા છે. વર્ષ 1933માં 13મા દલાઇ લામાનું અવસાન થયું એ પછી તિબેટના સાધુઓ અને લામાઓએ નવા દલાઇ લામાની શોધ આદરી હતી. તેઓ વર્તમાન દલાઇ લામાના ઘરે પહોંચ્યા હતા. સાધુઓએ ધર્મ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ અને દલાઇ લામાનો કેટલોક સામાન તેમની સામે મૂક્યો હતો. બધાના આશ્ચર્ય વચ્ચે માત્ર બે વર્ષની ઉંમરે તેમણે આ વસ્તુઓ ઓળખી બતાવી. એ સમયે જ જાહેર કરાયું કે, એ પવિત્ર આત્મા આ જ છે. દલાઇ લામા તરીકે પસંદગી બાદ તેમને સાથે લઇ જઇને ધર્મનું જ્ઞાન આપવામાં આવે છે.

વર્ષ 1951માં ચીને તિબેટ પર કબજો જમાવીને પોતાની સાથે સમાવી લીધું. એ સમયે દલાઇ લામા તિબેટના રાજકીય નેતા હતા. તેમણે તિબેટની મુક્તિ અને નિયમન માટે ચીન સાથે શાંતિપૂર્ણ મંત્રણાઓ કરી પણ તેમને સફળતા મળી નહોતી. આખરે તેઓ તારીખ 30 માર્ચ, 1959ના રોજ તિબેટથી ભાગીને ભારત આવી ગયા હતા. આપણી સરકારે તેમને શરણ આપ્યું હતું. તિબેટિયનોને વસવા માટે હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં જગ્યા પણ આપવામાં આવી હતી. એ સમયથી તેઓ ભારતમાં વસી રહ્યા છે. 1989માં તેમને શાંતિના નોબલ પારિતોષિકથી પણ નવાજવામાં આવ્યા હતા.

દલાઇ લામાની પસંદગી માટે જે રીતે છે તેને ચીનની સરકાર ખોટી અને ગેરવાજબી ગણે છે. તેનું કહેવું છે કે, વર્ષ 1793માં કિંગ રાજવંશના સમય વખતે દલાઇ લામાનું નામ સોનાના કળશમાંથી કાઢીને જ તેમની પસંદગી કરવામાં આવી હતી. તેમની પસંદગીમાં ચીનની સરકારના કાયદાઓનું જ અનુસરણ થવું જોઇએ. તેની સામે તિબેટિયનો કહે છે કે, અમારા ધર્મગુરૂની પસંદગી માટે તમારે કોઇ દખલ કરવાની જરૂર નથી. અમે અમારી પરંપરા મુજબ જ આગળ વધીશું.

એક દલાઇ લામાને ચીને ગૂમ કરી દીધા છે

આજથી ત્રીસ વર્ષ અગાઉ તારીખ 14મી મે, 1995ના રોજ તિબેટિયન રીતરસમને અપનાવીને દિવ્ય તેજવાળા છ વર્ષના ગેઝુન ચોએક્યી નિયિમાને પંચમ લામા તરીકે તરીકે પસંદ કર્યા હતા. આ વાતથી ચીનના પેટમાં તેલ રેડાયું હતું. ત્રણ દિવસ બાદ જ તારીખ 17મી મે 1995ના દિવસે ચીનની સરકારે બાળક પંચમ લામાની ધરપકડ કરી લીધી હતી. એ સમયથી આજના દિવસ સુધી તેમનો કોઇ પત્તો નથી. તેઓ જીવિત છે કે કેમ એ વિશે પણ ભેદભરમ છે. આખી દુનિયાના માનવ અધિકાર સંગઠનોએ તેમના વિશેની હકીકતો જાહેર કરવા ચીનને અપીલો કરી છે પણ ચીન સાચો જવાબ આપતું નથી. હવે નવા દલાઇ લામાને પણ ચીન પસંદ કરવા દેશે કે કેમ એ સવાલ છે.


દલાઇ લામાની વરણીમાં ચીન માથું ન મારે એ માટે અમેરિકાએ કાયદો ઘડ્યો છે
અમેરિકા પણ ચીન પર એવું દબાણ ક્રિએટ કરતું રહે છે કે, તિબેટિયનોને તેમની પરંપરા મુજબ નવા દલાઇ લામાની પસંદગી કરવા દેવામાં આવે. ચીન તેમાં માથું ન મારે. ચીને કંઇ કર્યું તો સારું નહીં થાય એવી ધમકી પણ અમેરિકાએ આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલેથી આ મુદ્દે ચીનની સામે આકરા પાણીએ રહ્યા છે. અમેરિકાના વર્તમાન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પહેલી ટર્મ દરમિયાન જ ફેબ્રુઆરી, 2020માં દલાઇ લામાની પસંદગીમાં ચીનના ચંચૂપાતને રોકવા માટે પોતાને ત્યાં ધ તિબેટ પોલીસી એન્ડ સપોર્ટ એક્ટ નામનો કાયદો પસાર કર્યો હતો. અમેરિકાએ કહ્યું છે કે, ચીન જો પોતાની રીતે દલાઇ લામાની પસંદગી કરવાનો પ્રયાસ કરશે તો અમેરિકા ચીન સામે સખત પગલાં લેશે. તિબેટિયનોએ અમેરિકાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, અમે અમેરિકાના ઋણી રહેશું. અલબત્ત, ચીન અમેરિકાના આ કાયદાને પણ ગાંઠશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. દલાઇ લામા પોતાના જન્મ દિવસે નવા દલાઇ લામાનું નામ જાહેર કરશે કે કેમ અને જો એ નામ જાહેર કરે તો ચીન એ સ્વીકારશે કે કેમ એના પણ બધાની નજર મંડાયેલી છે! 


  • Follow us on: